મોગલ અને બ્રિટિશ કાળમાં ઓડિસી નૃત્યકારોને મંદિરમાંથી રાજપરિવાર અને દરબારના મનોરંજન માટે ખસેડવામાં આવ્યા. આગળ જતાં નૃત્યાંગનાઓની સ્થિતિ રખૈલ જેવી થઈ ગઈ.
નૃત્યનિનાદ પ્રકરણ : ૧૨
ઓડિસી નૃત્ય ખૂબ લાવણ્યમય નૃત્ય છે. ભારતીય શાસ્ત્રીય આઠ નૃત્યપ્રકારોમાંનો એક પ્રકાર છે. પહેલા તો ચાર નૃત્યશૈલીને જ શાસ્ત્રીય નૃત્ય તરીકે ઓળખાતા પણ પછીથી આ નૃત્ય પણ એ ગણનામાં આવી ગયું જે ખરેખર યોગ્ય છે. આ નૃત્યના પરિધાનમાં તેજસ્વી રંગના વસ્ત્રો હોય છે. તેમ જ એ નૃત્યકારોના આભૂષણોમાં ખાસ ધ્યાન ખેંચે એવો કમરબંધ, આભૂષણ અને એમની સુંદર રીતે શિશ શણગારવાની પદ્ધતિ છે. આ એવું નૃત્ય છે, જેમાં તેની આંગિક ગતિવિધિ અને તાલિમથી અવયવો લચીલા બને છે અને નૃત્યકાર કસરતી શરીરના સ્વામી બને છે. ઓડિસી નૃત્યની ત્રિભંગ મુદ્રા ખૂબ જાણીતી છે. જેમાં શરીર ત્રણ ભાગમાં વળાંક લે એવી રીતે મુદ્રા અને અંગસ્થિતિ બનાવવામાં આવે છે.
અન્ય શાસ્ત્રીય નૃત્યની જેમ આ નૃત્ય પણ પ્રાચીન છે. પૂર્વી ભારતીય રાજ્ય ઓડિસા કે ઓરિસ્સા આ નૃત્યનું ઉદ્ભવસ્થાન છે. ભુવનેશ્વર નજીકના ધવલગિરિમાં આ નૃત્યને દર્શાવતા સ્થાપત્યો મળી આવ્યા છે. જૂના સ્થાપત્યો, શિલ્પો અને પુસ્તકોના આધારે કહી શકાય કે ઓડિસીમાં રજુ થતી અંગભંગિમા એવી જ છે, જેથી આ નૃત્ય પણ પ્રાચીનતમ છે. અન્ય શાસ્ત્રીય નૃત્યની જેમ આ નૃત્ય પણ મંદિરમાં જ રજુ થતું. આજે પણ ભક્તિભાવ એનો મુખ્ય ભાવ છે.
ઓરિસ્સા પૂર્વના દરિયાકિનારે બે ઓફ બેંગાલ પાસે આવેલું છે. પુરી દક્ષિણપૂર્વના દરિયા કિનારે એ પછી સાંઈઠ કિલોમીટર દૂર ભુવનેશ્વર આવે છે. જે ૧૯૪૮-૪૯ માં રાજ્યની રાજધાની હતી. પુરીની નજીક દરિયાકિનારાનું કોનાર્ક આવેલું છે. જે સૂર્યમંદિરને લીધે પ્રખ્યાત છે. કટક ભુવનેશ્વરથી પચીસ કિલોમીટર દૂર આવેલું છે. આ બધાં શહેરો પુરી, ભુવનેશ્વર, કટક અને કોનાર્ક આ બધાં પૂર્વી ઓરિસ્સાના પ્રદેશો ઓડિસી નૃત્ય જોડે જોડાયેલા છે. આ પ્રદેશોના સ્થાપત્ય, કોતરણી અને લેખનમાં સ્પષ્ટ દેખાય છે કે એ સમયમાં આ શૈલીનું નૃત્ય પ્રચલિત હતું.
ઓડિસી નૃત્યની સૌ પ્રથમ સ્પષ્ટ આકૃતિ ઉદયગિરિની મંચપુરી ગુફામાંથી મળી આવી છે. તેમ જ ઉદયગિરિમાં રાણીગુફાની પથ્થરમાળા છે. જેમાં સ્ત્રી અને પુરુષો વૃક્ષની આજુબાજુ નૃત્ય કરતાં નજરે પડે છે. જેમાં બે વાદ્યકારો પણ છે.ઉદયગિરિની એલિફન્ટ ગુફામાં પણ રાજા ખારાવેલાએ યોજેલો તાંડવ અને અભિનયનો સમારંભ શિલા પર અંકિત થયેલો છે. આમ મૂળે ઓડિસી નૃત્ય બિનસાંપ્રદાયિક હતું. પાછળથી આ નૃત્ય ઓડિસાના મંદિર અને સંસ્કૃતિ સાથે ભળી ગયું. શૈવ સંપ્રદાયની મહત્તા વધી તે વખતે ઓડિસીનું મહત્વ વધ્યું હતું. શરૂઆતમાં શિવજી એટલે કે નટરાજના શૈવ મંદિરોમાં થતું, પછી થી વૈષ્ણવ મંદિરોમાં પણ આ નૃત્ય રજુ થતું કારણ પુરીના જગન્નાથજી અને કોણાર્કમાં મળેલા શિલ્પો ઓડિસીની મુદ્રાઓ સાથે છે. તેમજ છઠ્ઠી અને નવમી શતાબ્દિની બૌદ્ધ ગુફાઓમાં પણ આ જ પ્રકારના શિલ્પો દેખાય છે.
ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં અભિનયની ચાર પ્રકારની પ્રવૃત્તિ દર્શાવાઈ છે; અવન્તિ, દક્ષિનાટ્ય, પાંચાલી અને ઓદ્રામાગધી. ઓદ્રામાગધી પ્રકારમાંથી જ ઓડિસી નૃત્યપ્રકાર અસ્તિત્વમાં આવ્યો. મહેશ્વર મહાપાત્રા રચિત ‘અભિનય ચંદ્રિકા’ નામક ગ્રંથમાં પગ અને હાથના વિવિધ હલનચલન, ઊભા રહેવાની મુદ્રા અને નૃત્યની વિવિધ માહિતી વર્ણવી છે. ભરતનાટ્યશાસ્ત્રના કરણોની વાત પણ એમાં છે.
શિલ્પપ્રકાશ નામની પાંડુલિપિમાં લિખિત ગ્રંથમાં સ્થાપત્ય વિશે જે માહિતી છે તેમાં સ્થાપત્ય, શિલ્પકલા તથા ઓડિસીનૃત્યની મુદ્રાઓનું વર્ણન છે. આ ગ્રંથમાં સ્ત્રી શરીરની લાવણ્યમયતાનું વિસ્તૃત વર્ણન છે, જેમ કે સાલભંજિકા અને આલસ કન્યા જેવા અન્ય સ્ત્રી શિલ્પો. જૈન પાંડુલિપિ કલ્પસૂત્ર અને કલ્કાચાર્ય કથાઓમાં ઓડિસીનો હલકો ઉલ્લેખ આવે છે. જો કે નવાઈની વાત એ છે કે આ રચના ગુજરાતમાં થયાનું મનાય છે. દેવસંપદા કલ્પસૂત્રમાં (૧૫૦૭,જામનગર) પણ સંપદા, ત્રિભંગી કે છૌકાનો ઉલ્લેખ છે.
આ બતાવે છે કે પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત વચ્ચે ઘણાં સ્થળાંતર થયા હતા. અમુક ઈતિહાસકારો તો માને છે કે પુરીમાં ગુજરાત અને આંધ્રમાંથી નર્તકોનો સમૂહ લવાયો હતો. અનુરીમા બેનરજી કહે છે કે પુરી એ ઓડિસીનો આત્મા છે. મોગલ અને બ્રિટિશ કાળમાં ઓડિસી નૃત્યકારો, જે મહારીઓ કહેવાતા, એમને મંદિરમાંથી ખસેડી રાજપરિવાર અને રાજદરબારના મનોરંજન માટે ખસેડવામાં આવ્યા. આગળ જતાં નૃત્યાંગનાઓની સ્થિતિ રખૈલ જેવી થઈ ગઈ. માત્ર જગન્નાથ મંદિરની નૃત્યાંગના તરફ જ માનની નજરે જોવામાં આવતું. બ્રિટિશ કાળ દરમિયાન મંદિર નૃત્યની મનાઈ ફરમાવવામાં આવી જેથી શાસ્ત્રીય નૃત્યની પડતી થઈ. નૃત્યાંગનાઓ માટે આવકનું સાધન ન રહેતા દેહવ્યવસાયનો આશરો લીધો. ઓડિસી નૃત્ય મુખ્ય ત્રણ ઘરાનાથી બન્યું છે.
મહારી, નર્તકી અને ગોતીપુઆ.
મહારી શબ્દ મહા-નારી શબ્દ પરથી બન્યો હશે. વીસમી સદીના મધ્યમાં ઓરિસ્સાના મંદિરોમાં અલગ અલગ રીતે પૂજા થતી, જેમાંથી એક મહારીની પૂજા. મહારી એટલે ભગવાન જગન્નાથજીને પરણેલી સ્ત્રી. છોકરી આઠ નવ વર્ષની હોય ત્યારે જ કુટુંબ દ્વારા એ મંદિરમાં દાનમાં અપાતી અથવા મહારી તરફથી દત્તક લેવાતી. આ એક ઉત્સવ થતો જેને સારીબંધન કહેવાતું. જગન્નાથજીને આ સ્ત્રીઓ પરણેલી છે, એમ કહેવાતું તેથી મંદિર તરફથી જ એને પોષણ અને રક્ષણ મળતું.
મહારીની સેવાઓ ચાર પ્રકારે થતી.
૧) ભીતરીગૌની – જે જગન્નાથજીના સૂવાના સમયે મહારીઓ ગીત ગાય એ
૨) બહારગૌની – બહાર ગીત ગાય એ
૩) નાચુની – નૃત્યકાર જે ગર્ભગૃહમાં નૃત્ય કરે.
૪) પઠુરી – જે તહેવારો અને ઉત્સવો વખતે નૃત્ય કરે.
મહારી કોઈપણ જ્ઞાતિની હોઈ શકે પણ એકવાર મહારી બન્યા પછી તેની સ્ત્રી જાતિ સિવાય બીજી કોઈ ઓળખાણ રહેતી નથી. પહેલા ચુસ્તપણે શ્લોકો અને મંત્રો પર નૃત્ય થતું, પંદરમી સદીમાં રાજા રૂદ્રદેવે નક્કી કર્યું કે મહારીઓએ ગીતગોવિંદમાંથી જ ગીતો પર નૃત્ય કરવું. જે જે બારમી સદીમાં જયદેવજીએ લખેલા કૃષ્ણ રાધાના પ્રેમગીતો હતા. મહારી કોઈને પરણી શકતી નહોતી પણ વિષ્ણુના અવતાર ગણાતા પુરીના રાજાઓને તે પ્રાપ્ય હતી. મહારી કાયમ અક્ષત રહેતી અને ક્યારેય વિધવા પણ નહોતી થતી. મહારી પરંપરાના સૌથી જૂના પ્રમાણ કેસરી કુળના અંતિમ રાજા ઉદ્યોત કેસરીની યાદમાં લખાયેલ શિલાલેખમાં મળી આવે છે. દસમી સદીમાં રાજાની માતાએ મંદિરનર્તકીઓને બ્રહ્મેશ્વરના પ્રભુ શિવને અર્પણ કરી હતી. રાજા ચોડા ગંગદેવે પણ અગિયારમી સદીમાં પણ પ્રભુ જગન્નાથજી મંદિરની સેવામાં મહારી નિયુક્ત કરીને ઓડિસીનૃત્યને જીવિત રાખવાનું શ્રેય પ્રાપ્ત કર્યું છે. વજનના અસમાન વર્ગીકરણ, ઠોસ કદમ, તરલ ધડ આદિ તકનીકનો ઉપયોગ કરીને આ નૃત્યશૈલીને વિભિન્ન સ્વરૂપ મળ્યું છે. તાંત્રિક શાસ્ત્રમાં જરૂરી કામુકતા અને આધ્યાત્મિકતાનો મેળ આ મહારીઓના નૃત્યમાં હોય છે. પ્રચલિત મહારી નૃત્યાંગનાઓના નામ છે, મોની મહારી, ડોમી મહારી, ડુંગરી મહારી, પદ્મશ્રી પંકજ ચરણદાસ, રત્ના રોય.
ઓડિસીની બીજી ખાસ રૂઢિ છે ગોતીપા અથવા ગોતીપુઆ. મહારી પરંપરા નામશેષ થઈ ત્યારે ગોતીપુઆ પરંપરા આવી. ૧૪૯૭ થી ૧૫૪૦ની વચ્ચે પ્રતાપ રૂદ્રદેવતાના સમય દરમિયાન મહારી પરંપરા નામશેષ થઈ. પ્રતાપ રૂદ્રદેવતા શ્રી ચૈતન્યના અનુયાયી હતા. શ્રી ચૈતન્યની ઓડિસા યાત્રા પછી આ પરંપરા અસ્તિત્વમાં આવી હૌઈ શકે. આ પરંપરામાં એક છોકરો કે જે એના ઘરથી કિશોરાવસ્થામાં મંદિર કે અખાડામાં સોંપાય છે. ત્યાં એની નટવિદ્યા, ગાયન, નર્તનની તાલિમ થાય છે. મહારી જીવનપર્યંત મંદિરને સમર્પિત થાય છે પણ ગોતીપુઆને ચોક્કસ સમય માટે મંદિરમાં સમર્પિત રહેવાનું હોય છે. જેમાં ઈશ્વર પ્રતિ આસ્થા અને આભારદર્શનનો મુખ્ય ધ્યેય હોય છે. અહીં યુવાન નર્તકો સ્ત્રીના વેશમાં રજુ થાય છે અને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.વૈષ્ણવ સંપ્રદાયમાં મંદિરમાં સ્ત્રી દ્વારા નૃત્ય રજુ થઈ શકતું નહીં. ગુરુઓ ગોતીપુઆને શિક્ષણ આપતા. આમ, આ સમયમાં આ રીતે ઓડિસીનું શિક્ષિત સ્વરુપ તૈયાર થયું.
નૃત્યનો ક્રમ અને શબ્દો
મંગળાચરણ- જગન્નાથ પ્રભુને અંજલિ આપ્યા પછી અમુક દેવ અને દેવીઓના સન્માનમાં એક શ્લોક બોલવામાં આવે છે અને તેનો અર્થ નૃત્ય અભિનય કરીને બતાવાય છે. ‘ભૂમિ પ્રણામ’ પણ મંગળાચરણનો એક ભાગ છે. જેમાં પૃથ્વી પર પગ ઠપકારીને નૃત્ય કરવા બદલ ક્ષમા માંગવામાં આવે છે. તેમ જ ત્રિખંડી પ્રણામ કરવામાં આવે છે. જેમાં માથા પર હાથ જોડીને પ્રભુને, મોં સામે હાથ જોડીને ગુરુને અને છાતી સમક્ષ હાથ જોડીને દર્શક ગણને વંદન કરવામાં આવે છે.
બટ્ટુ નૃત્ય – આ નૃત્ય શિવના બટુક ભૈરવ સ્વરૂપને અર્પિત કરાય છે અને એ ઓડિસીનું મૂળ સત્વ ગણાય છે. ઓડિસાના મંદિરોમાં શિલ્પોમાં વિવિધ તાલની મુદ્રાઓ એક હરોળમાં કોતરાયેલી છે.
પલ્લવી- આ એક વિશુદ્ધ નૃત્યપ્રકાર છે. જેમાં રાગને આંખના વિસ્તૃત હલનચલન, શારિરીક ભંગિમા અને પગના જટિલ તાલથી દર્શાવાય છે. પલ્લવી એટલે ખીલવું. આ શબ્દ પ્રમાણે નૃત્ય અને સંગીત બંને ખીલે છે. આંખ, ડોક, ધડ અને પગના ધીમા લાલિત્યપૂર્ણ હલન ચલનથી નૃત્ય શરૂ થાય છે અને અત્યંત તેજ તાલ સાથે નૃત્ય પૂરૂં થાય છે.
અભિનય- આ નૃત્યમાં અભિવ્યક્તિ પ્રમુખ છે. જેમાં હાથની મુદ્રા, ચહેરાના ભાવ અને શારિરીક હલન ચલન દ્વારા કોઈ વાર્તા કહેવામાં આવે છે. મોટાભાગના ઓડિસી અભિનય ઓડિયા ગીતો કે સંસ્કૃત અષ્ટપદીઓ કે પછી સંસ્કૃત સ્તોત્ર જેવા કે દશાવતારમ્ કે અર્ધનારી સ્તોત્રમ્ પર કરવામાં આવે છે. અભિનય મોટે ભાગે રાધાકૃષ્ણ પર આધારિત હોય છે.
નૃત્યનાટિકા – આ પ્રકાર અભિનય કરતા લાંબો હોય છે અને અહીં એક કરતાં વધુ નર્તકો પ્રસ્તુત થાય છે. ગુરુ શ્રી કેલુચરણ મહાપાત્રા દ્વારા ઘણી નૃત્યનાટિકા રચાઈ છે. જેમ કે સુદામા દારિદ્રય ભંજનમ્, દુષ્યંત શકુન્તલા, ઉત્કલ મૌદામણિ, યજ્ઞસેની, મેઘદૂત, કુમારસંભવ, સપન નાયક વગેરે મોટેભાગે હિંદુ પુરાણકથા પર આધારિત કથા હોય છે. અર્વાચીન કામમાં નવા વિષયો લઈને પણ નવતર પ્રયોગો કરવામાં આવ્યા છે. અમુક ખાસ નવી સંકલ્પનાઓ છે. પંચકલ્પના, ગંગાયમુના, શ્રીથાકમલમ્, મૃત્યુ અને તંત્ર.
મોક્ષ- મોક્ષ એટલે આત્મિક મુક્તિ. પવિત્ર નૃત્યની સાધના દ્વારા આત્મિક ઉન્નતિ સાધવાની એવો ધ્યેય હોય છે. ચલન અને શરીરની મુદ્રાઓ દ્વારા શરીર અપૂર્વ નવી રચનાઓ રચે છે. નૃત્ય ચરમ સીમાએ પહોંચે ત્યારે નેત્ર અને કર્ણ માટે પરમાનંદ હોય છે. ૐ ના ધ્વનિ સાથે આ નૃત્ય અવકાશ કે શૂન્યમાં વિલિન થઈ જાય. જેમ કે કોઈ આત્માને મોક્ષ પ્રાપ્ત થયો હોય.
આલાપ, અંધ, અસંયુક્ત ધ્વનિ, આવર્તન, બાની, ભાગ, ચોન્દો, ખોન્દો ઉકુત્તો, માનો જેવા પારિભાષિક શબ્દો આ નૃત્ય માટે પ્રચલિત છે. ખાસ તો, બાની એટલે બોલ, ખોન્દો ઉકુત્તો એટલે તબલાના બોલ, જે એકસાથે બોલીને રજુ કરાય છે. દા. ત. કીતીટાકાટાકાગાદીગણ. માનો એ તિહાઈ છે, અંધ એ ખાલી ભાગ, તાલના ખંડ છે.
ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે ઓડિસી નૃત્ય ઓડિસી સંગીત પર કરવામાં આવે છે. જેમાં ચાર સંગીત પ્રકારો છે. ધ્રુવપદ, ચિત્રપદ, ચિત્રકલા અને પંચાલ. ધ્રુવપદ હોય એમાં પ્રથમ પંક્તિ વારંવાર ગાવામાં આવે છે. સંગીતમાં કલાના ઉપયોગને ચિત્રકલા કહે છે. ચિત્રપદમાં શબ્દોનો ઉપયોગ શબ્દાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ જેવા હોય છે. તો છંદ એ ઓડિસીનું હાર્દ છે. છંદનું નિર્માણ કાળ, ભાવ અને સ્વરને ધ્યાનમાં રાખીને કરાય છે. છુરસિયા છંદ મૂળની ઓડિસી ભાત બતાવે છે. આમાં ઓડિયા ભાષાના બધાં ચોત્રીસ અક્ષરોને દરેક વાક્યની શરૂઆતમાં વપરાય છે. પાડી એ ઓડિસી સંગીતની એક વિશેષ રોચક રચના છે. જેમાં શબ્દોને બમણી ઝડપે ગવાય છે. કવિ સૂર્યબલદેવ રથ, પ્રખ્યાત ઓડિયા કવિ અને કલ્હેલ કવિતાઓ ચિત્રપદના ઉત્તમ નમૂના છે.
ઓડિસી સંગીતમાં વિવિધ તાલ હોય છે. જેમ કે નવતાલ, દશતાલ, એગરતાલ. હિંદુસ્તાની અને કર્ણાટકી સંગીત કરતાં ઓડિસી સંગીત જૂદું હોય છે. કલ્યાણ, નટ, શ્રીગોવત, બરદી, પંચમ, ધનશ્રી, કર્ણટ, ભૈરવી અને શોકબદરી એ મુખ્ય ઓડિસી રાગો છે. ઓડિસી સંગીતને રાગાંગ, ભાબાંગ, નાટ્યાંખ, ધ્રુવ પદંગ અને ત્યારબાદ ચમ્પુ, છંદ, છૌતીસા, પલ્લવી, ભજનજનના અને ગીતગોવિંદના માધ્યમથી ગવાય છે. ઓડિસી નૃત્યનું પોતાનું વ્યાકરણ હોય છે જેને ખાસ રાગ દ્વારા રજુ કરાય છે. ગાયનની ઝડપ ન તો બહુ તેજ કે ન તો બહુ ધીમી હોય છે.
વેશભૂષા
ઓડિસી નૃત્યના આભૂષણો ચાંદીના તારના કામથી બનેલા નાના ભાગોના બનેલા હોય છે. આને ઓડિસીમાં તારકાશી (અંગ્રેજી – ફીલીગ્રી) કહે છે. આ કળા ૫૦૦ વર્ષ જૂની છે. જે તટવર્તીય ઓરિસ્સાના સ્થાનિય કારીગરો દ્વારા કરાય છે. આભૂષણો નર્તકની વેશભૂષાનો મહત્વનો ભાગ છેહટીકા, અલ્લકા, કર્ણપટલો, બે જાર (હાર), બંગડીનાં બે જોડાં-જે એક બાંય પર અને એક હાથમાં એમ પહેરાય છે. આ નૃત્ય વખતે પહેરાતા ચાંદીના આભૂષણો બનાવતાં કારીગરોને ઘણી મહેનત લાગે છે.
શિરસ્ત્રાણ કે મુગટ.
ઓડિસી નર્તક પરિધાન કરે તે મુગટ પુરીમાં જ બનાવવામાં આવે છે. એને સોલાના બરૂમાંથી બનાવાય છે. આ કામને સોલાકામ કહે છે. આમાં બરૂની ડાળી પર વિવિધ પ્રકારના કાપ આપવામાં આવે છે. ત્યારબાદ તેની મધ્યમાં એક દોરી બાંધવામાં આવે છે. દોરીની ગાંઠને સહેજ વધુ ખેંચવાથી સરસ મઝાનું ફૂલ બની જાય છે. આ એક ગજબ કલા છે.
મુગટ બે ભાગમાં બને છે. ફૂલોથી શણગારેલ પાછળનો ભાગ ઘોબા કહે છે. જે અંબોડા પર બેસાડાય છે. આ ભાગમાં સહસ્ત્ર કમળ હોય છે જે માથાનાં શિરચક્ર પર રહે છેહપાછળના ભાગમાંથી લાંબો ટુકડો બહાર પડે છે તેને થીયા કહે છે. જે જગન્નાથજી ના કળશ કે શ્રીકૃષ્ણની વાંસળી સ્વરૂપ મનાય છે.
ઓડિસી નર્તકોની સાડીઓ મોટેભાગે કેસરી, લાલ, લીલા, જાંબલી કે મોરપીંછ જેવા ચમકીલા રંગોની હોય છે. આ સાડી પર ઓડિસાની પારંપરિક ભાન અથવા ચમકતો પટ્ટો હોય છે. અન્યકોઈ સાડી કરતાં ઓડિસીમાં સંબલપુરી સાડી વધુ વાપરવામાં આવે છે. શણગારમાં લાલ ચાંદલો અને આજુબાજુ ચંદનથી બનેલી ભાત હોય છે. સાડીની પહોળી કિનારી અને આંખોમાં વિશિષ્ટ રીતે લગાવાયેલ કાજલ નર્તકને મોહક બનાવે છે.
ઓડિસી નૃત્યનો પ્રસાર
અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ ઓડિસી નૃત્ય પ્રસાર માધ્યમમાં પણ ખૂબ સુંદર પ્રભાવ સાથે રજુ થયું છે. જેમકે ‘દામિની’ નામના ચિત્રપટમાં મિનાક્ષી શેષાદ્રીએ કેસરી, સંન્યાસી પહેરે એ રંગના વસ્ત્રો પરિધાન (જે કદાચ મયૂરભાંજ, છાઉ નૃત્યમાં શિવતાંડવ નૃત્ય વખતની વેશભૂષાથી પ્રેરિત હતું) કરીને ઓડિસી આધારિત નૃત્ય કર્યું છે. જે તેમના કેલુચરણ મહાપાત્રા દ્વારા દિગ્દર્શિત હતું.
મીરાં નાયરની ફિલ્મ ‘કામસૂત્ર’માં રેખાને યુવા વિદ્યાર્થીને નૃત્ય શીખવાડતા શ્રીખંડિકા મુદ્રામાં અને ઈંદિરા વર્માને મર્દલાની સંગતમાં નૃત્ય શીખતાં બતાવાઈ છે.
રાની મુખર્જીએ આઈફા ફીલ એવોર્ડસમાં ઓડિસીની વેશભૂષામાં એક નૃત્ય કર્યું હતું. જેને મહાન કલાકારોએ ઓડિસી નૃત્ય અને તેની વેશભૂષાનું અપમાન ગણાવ્યું હતું.
હિન્દી ચિત્રપટ ‘ભૂલભૂલૈયા’ના અંતમાં ઓડિસી નૃત્ય બતાવાયું છે જેને વિદ્યા બાલન અને મલયાલમ કલાકાર વિનીત દ્વારા પ્રસ્તુત કરાયું હતું.
પ્રતિમા ગૌરી બેદીના જીવન આધારિત એક ચાયનીઝ ફિલ્મમાં શિલ્પા શેટ્ટીએ ઓડિસીના અમુક પાઠ લીધા હતા. એટલું જ નહીં ભારત બહારના પ્રસાર માધ્યમોએ પણ આ શૈલીનો ઉપયોગ કર્યો છે. માઈકલ જેક્સનની ટૂંકી ફિલ્મ ‘બ્લેક એન્ડ વ્હાઇટ’માં ઓડિસી નૃત્યનો એક નાનકડો ભાગ બતાવ્યો છે. તેમ જ ૧૯૯૮ના એમ ટી વી પુરસ્કાર કાર્યક્રમમાં મેડોનાએ ઓડિસી નૃત્યાંગના સાથે નૃત્ય કર્યું છે. યુ. એસ. માં રહેતી ઓડિસી નૃત્યાંગના પટનાયક બહેનોને આ નૃત્ય દિગ્દર્શનની જવાબદારી સોંપાઈ હતી.
ઓડિસાનું આ નૃત્ય ખરેખર ખૂબ મનમોહક છે. પહેરવેશ અને શણગાર પણ ખૂબ વિશિષ્ટ છે એ સાથે એનાં સંગીતથી માંડીને એની પોતાની અલગ સમૃધ્ધિ છે જે ગૌરવદાયક છે. આવતા પ્રકરણમાં નવી નૃત્યશૈલી સાથે મળીશું.
(ક્રમશઃ)
— અર્ચિતા દીપક પંડ્યા
સુંદર છણાવટ સાથે ખૂબ રસપ્રદ લેખ.
પ્રતિભાવ બદલ આભાર
માહિતી થી ભરપૂર અને intresting…
આભાર
You are devoted writer and spent enormous amount of time and efford gathering detailed facts of classical dances. Great article, very informative thanks for sharing.
Thanks so much
સુંદર વિગતો ધરાવતો લેખ. ઘણી માહિતી મળી.
આભાર બેન
Very useful and detailed information for music loving people . What a rich heritage. Thanks sharing this article. Good work Aksharnad.
આભાર ભાઈ.
બહુ જ સરસ લેખ
આભાર
ઓડિસી નૃત્ય પરંપરાઓ સજીવ કરતો સુંદર લેખ.
આભાર. પ્રતિભાવ એક પ્રેરણા બની જાય છે.