તરસથી તૃપ્તિ સુધીની ગઝલયાત્રા
ગુર્જર ગઝલધારાની પાંચમી પેઢીના ઉત્સાહી પ્રતિનિધિ શાયર, ર્ડા. મુકેશભાઇ જોષીએ ઇ.સ. ૨૦૧૫ની સાલમાં ‘ ક્ષણોની મહેફિલ‘ નામક પ્રથમ ગઝલસંગ્રહ સાથે ગઝલ દરબારમાં આગમન કર્યુ હતું. ૬ વર્ષના ટૂંકા ગાળા બાદ તાજેતરમાં તેમની નવી ૧૧૧ ગઝલોનો સંચય ‘કેડી તૃપ્તિની‘ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયો છે.
તેમની સર્જન પ્રક્રિયાનું પગેરું તેમના નીચે ટાંકેલા શે‘રમાંથી જડી આવે છે :
આમ કાવ્યોનું ય કેવું કામ કપરું હોય છે?
સૂર્ય થઇને વાદળું સંતાડવાનું હોય છે.
પરંતુ શાયરે કશું જ છુપાવ્યું નથી. દિલના ઉંડાણમાંથી જે સંવેદન તેમની કલમની ધાર સુધી આવ્યું તેને સ્વાભાવિક અંદાજમાં તેમણે કશા આડંબર વગર વ્યકત કર્યું છે. તેમની પાસે રજૂઆતનો કસબ છે. તો લાધવ – સંકેત જેવા હાથવગા ઓજારો ય છે. તેની સાથે તેમનો નાતો અતૂટ છે. આવા વણાટવાળા શે‘ર નોંધપાત્ર બની રહે છે.
ઘાવ દેનારાની શી ચિંતા કરું?
એ રૂઝવનારો ય બેઠો છે ભલા.
છું યુગોથી હું પ્રવાસી ને છતાં,
જાત સુધી તો હજુ પ્હોચ્યો નથી.
જિંદગીમાં દાખલો બેસાડવાનો હોય છે,
સૂર્યને ભીનો કરીને રાખવાનો હોય છે.
મેં વળાવી દિકરીને, તે પછી મનમાં થયું;
ઈશનું નોખું, અનોખું, રૂપ આવ્યું ને ગયું !
શમાની તો પડી છે, જો બધાને કેટલી અહીંયાં ?
નથી કો’ એમ કહેતું કે હવાનું શું થશે યારો ?
ગઝલની લાક્ષણિકતાની પ્યાલી પીનાર આ શાયરના કેટલાક શે’રમાંથી ખુમારીભર્યો નાદ પણ સ્પષ્ટ સાંભળવા મળે છે;
ઝાંઝવાને એટલું કહેજો જરા,
એમણે મારી તરસ જોઈ નથી.
ના ગમે તો માફ કરજે તું મને;
માંહ્યલો મારો ઝૂકેલો તો નથી.
કયાંક તસવ્વુફ – આધ્યાત્મિકતાનો આછો તો કયાંક ઘેરો રંગ તેમના શે’રને ઉત્કૃષ્ટ વળાંક આપે છે. ભવિષ્યમાં આ દિશામાં તેઓ સરસ પ્રદાન કરી શકશે તેવી મને ધરપત છે. તેમના મમળાવવા ગમે તેવા શે’રનો ગુલદસ્તો અહીં માણીએ :
મોતની તો શી ખબર કયારે અને કેવું મળે?
જિંદગી ચારે તરફથી માપની રાખી હતી.
રસ્તો હજી અમે તો જોયો નથી ભલે ને,
મંઝિલ બની જવાના એની કૃપા હશે તો.
સાચવીને રાખવાની લાખ કોશિશો છતાં;
કોઇને કીધા વિના બસ રાઝ બદલાઈ ગયા.
આમ પામ્યા હો ભલે ને જિંદગીમાં તો ઘણું;
પણ પરમ પામ્યા વિનાનું એમ કૈં ચાલે ખરું ?
શ્વાસ સાથે આમ તો એણે બધું દીધું જ છે,
તું હવે આ વાત વાતે માગવાનું બંધ કર.
પ્રશ્નો અને ઉત્તરો, સમસ્યાઓ અને સમાધાન, જખ્મો અને રુઝ, જીવન અને મરણ, શૂન્યતા અને શકયતા, તિમિર અને ઉજાસ વગેરેની જુગલબંધીનો અસબાબ તેમની ગઝલોનો શણગાર છે. કશ્મકશ, ગડમથલ, હાલકડોલક મન, ભીતરનો વલવસાટ વગેરે ભાવોર્મિની અભિવ્યકિતમાં આ શાયર પૂરેપૂરા ખીલી ઉઠયા છે. ભીતરની પ્યાસથી ભીતરની તૃપ્તિ સુધીના પ્રવાસની અનુભૂતિઓ તેમણે કશા આડંબર વિના સરળ ભાષામાં રજૂ કરી છે. તેમાં તેમનું હુંપણું કશે પણ આડે આવતું નથી. જુઓ થોડાક ઉદાહરણ :
ઉત્તરો છે હાથમાં કયાં એમના?
પ્રશ્નને સમજાવતાં શીખી ગયા.
ઉત્તરો તો એક પણ આવ્યા નહીં,
પ્રશ્નને પડકારવાનું મન થયું.
ઉત્તરો તારા ગમે છે એ ખરું,
પ્રશ્ન એ મારો પૂછેલો તો નથી.
ઉત્તરોની વાત હું કરતો નથી,
પ્રશ્ન પણ ના આવડયાની વાત છે.
ઉત્તરોનું કામ બીજું હોય શું સાચું કહો;
પ્રશ્નને થોડોક ગૂંચવી નાખવાનો હોય છે.
ઉત્તરો તો લાવ ઊભા ઊભ હું આપી દઉં,
પ્રશ્નને અટકાવવા તો બેસવું પડશે જરા.
સાવ સાચા ઉત્તરોની વાત છોડી દે હવે,
પ્રશ્ન પણ જડશે નહીં, તું સાથિયો સીધો તો કર.
ગઝલની પરિભાષામાં જેને મુસલસલ કે હમવાર ગઝલ કહે છે અને ગુજરાતી ભાષામાં તેનું નામાભિધાન ભાવસાતત્યપૂર્ણ ગઝલ તરીકે થયું છે તે પ્રકારની કેટલીક ગઝલો આ પુસ્તકમાં લેવામાં આવી છે. ‘દિશાઓ‘, ‘અઠ્ઠાવનમે‘, ‘સમય‘, ‘પીડા‘, ‘કલમ’ જેવા એકશબ્દી રદ્દીક પરની ગઝલો ઉપરાંત ‘જિંદગી‘ રદ્દીક પર સર્જાયેલી ત્રણેક ગઝલો તેમના પ્રયોગશીલ વલણની પરિચાયક છે. આ શ્રેણીની ગઝલોના કેટલાક શે’રને આસ્વાદ્ય છે :
કયાંક મીઠોમધ એ લાગ્યો મને,
કયાંક એ ખારો થઇ ચાલ્યો સમય.
રાતરાણી શી મહેક છે આમ તો,
આમ ડાળીથી ખરેલી જિંદગી.
બધું યે ખરેખર હશે ગોળ? ચોરસ?
વિચારી-વિચારી હરખતી દિશાઓ.
આ જગતનાં તાત્પર્યો એકદમ સમજાય છે;
વૃક્ષ થઇને વેલને વીંટાય છે જયારે પીડા.
તેમની ગઝલોમાં તગઝ્રઝુલ – પ્રણયરંગના છાંટણા ભાવકોના દિલોને તરબતર કરી દે તેવું ગજું ધરાવે છે. જુઓ :
આપણી વચ્ચે તો અંતર છે જ ક્યાં?
કેટલું છે ? માપશો તો આવશું.
ઘણો ભાર માથે રહે છે સ્મરણનો,
કરો યાદ, કિસ્સા તમારા ઘણા છે.
એ મળ્યાં એને તમે ઘટના કહી સારું થયું,
હું નહીં તો આમ એને ઘાત કહેવાનો હતો.
સફર આ જિંદગીની હોય છે કાયમ અજાણી પણ,
તમે જો સાથ દેશો તો અમે વાકેફ થઈ જાશું.
કોઇ પણ ઉમદા- સભાન શાયર તેની ગઝલોમાં રદીફને કેવી રીતે રમાડે છે તેમ નિભાવે પણ છે તેના પર ગઝલની સફળતાનો ઘણો મદાર રહેતો હોય છે. ‘તમારી યાદ આવે છે’, ‘કોણ માનશે?’, ’ખરાં છો તમે’, ’લઈને આવ્યો છું’ જેવા ગુજરાતી ગઝલના પરંપરાગત – વારસાગત ચવાઇ ગયેલ રદીફોને આ શાયરે સ્પર્શ સુધ્ધાં કર્યો નથી. તેમણે તો નવા જ રદીફો આપવાની ગુંજાઇશ બતાવી આપી છે. આ પુસ્તકમાં પ્રલંબ રદીફોનો જાજરમાન વૈભવ માણવા મળે છે. ’તું સાથિયો સીધો તો કર’,’ પલાઠી વાળી બેઠો છું’, ’કયાંય સોરવતું નથી’, ’તો બેસવું પડશે જરા’, જેવા અનુપ્રાસમાં તેમની સર્જકતા મ્હોરી ઉઠતી જણાય છે. કેટલાક રદીફમાં બોલચાલની ભાષાનો લ્હેકો દિલસ્પર્શી બની રહે છે. ’કેમ સમજાવું તને?’, ’જેવી ફાલતુ ના વાત કર’, ’ખરો ખેલ છે આ’, ’એની અસર ઘણી છે’, ’જમાના થયા છે’, ’એમ કૈં ચાલે ખરું?’, જેવા રદીફ પાસેથી તેમણે બરાબર કસ કાઢયો છે. આમ, ડૉ. મુકેશભાઇ જોષી રદીફોના શાયર તરીકે સ્થાપિત થઇ રહ્યા છે. ત્રણેક શે’ર માણીએ.
ઘટનાઓ જે ઘટે છે, એની અસર ઘણી છેઃ
દૃશ્યોથી જે હટે છે, એની અસર ઘણી છે.
નથી મેં ચીસ પાડી, એટલે તમને ખબર કયાં છે?
ઘણા જખ્મોની વચ્ચે હું પલાંઠી વાળી બેઠો છું.
જિંદગી ? તું છે છતાંયે કયાંય સોરવતું નથીઃ
કોણ જાણે કયાં જવાશે ? કયાંય સોરવતું નથી.
ગઝલના એક ભાગ રૂપે નહીં પણ સ્વતંત્ર એકમ તરીકે લખાયેલા છુટૃા શે’રને ઉર્દૂ ગઝલસાહિત્યમાં ’ફર્દ’ની સંજ્ઞા આપવામાં આવી છે. ઉર્દૂ તેમજ ગુજરાતી ગઝલસંગ્રહોમાં આવા શે’ર મળી આવતા હોય છે. ર્ડો. મુકેશજી પાસેથી આ પ્રકારના કેટલાક મજેદાર શે’ર મળ્યા છે. આ શે’ર તેમના શાયરાના મિજાજને બુલંદી આપે છે. એવા શે’ર પાસે વિસામો લઇએઃ
શબ્દ એવો હું હજી શોધી રહ્યો છું,
મૌન કરતાં જે વધુ કંઈ કહી શકે !
હાથ મૂકી જો જરા તું હાથમાં, ને જો પછીઃ
સ્પર્શથી પણ હસ્તરેખાઓ રચાતી હોય છે.
રીત તો આભારની પણ ખાસ હોવી જોઈએ,
આંખમાં થોડીક તો ભીનાશ હોવી જોઈએ.
સૂરજના અમને કયાંય પણ ટોળાં મળ્યાં નહી;
મા ના જેવા એ કયાંય પણ ખોળા મળ્યા નહીં.
આમ તો છે આકરા તડકા જીવનના દોસ્ત પણ;
જીવવા માટે ભીતરથી તરબતર રહેવું પડે.
ભીંતી જેવી ભીંતને પણ બારણાં તો જોઈએ,
કોઇ આવે કે નહીં પણ ધારણા તો જોઈએ.
કવિએ તેમની ગઝલોને પ્રતીક, અલંકાર કે પુરાકલ્પનના વાઘા પહેરાવ્યા નથી. તેમના કવિ હદયમાં જે કાવ્ય-અંકુરો ફૂટયાં તેની તેમણે બરાબર માવજત કરી છે. યુગપ્રવર્તક ગઝલોની અસરથી આ ગઝલનવેશ દૂર રહ્યા છે અને પોતાની નાની શી ગઝલકેડી કંડારી છે તેનો આનંદ છે.
– ડૉ. એસ. એસ. રાહી
Wah, Very Very Nice. Keep it up. Congratulations
Excellent