રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૧) – નેહા રાવલ 9


આ એજ સ્થળ હતું જ્યાં પહોંચવા અમે છેલ્લા પંદર દિવસથી એકસાઈટેડ હતા. કોઈ પણ ફોર્માલીટીનો  પ્રશ્ન પૂછતાં પહેલા કેમ્પ લીડરે ચાનો કપ ઓફર કર્યો એ હૂંફથી દિવસ તાજો થઈ ગયો. નાના મોટા ઢોળાવોની વચમાં જગ્યા શોધી શોધી ટેન્ટ બાંધ્યા હતા. આસપાસ વૃક્ષો હતા અને વન્યજીવનની હાજરી પુરાવતા વાંદરાઓ પણ ઘણા હતા. અમારા જેવા મહેમાનોને વેલકમ કરવા કદાચ આસપાસના વિસ્તારમાંથી આવેલા પણ હોઈ શકે!

ટ્રેકિંગ ડાયરી.

ટ્રેકિંગ કથાનો આરંભ થાય છે એક ફોન કોલથી. ના, કોઈ માર્કેટિંગ વાળાનો કોલ નહિ, મારી દીકરી શૈલીને ટ્રેકિંગના બેઝકેમ્પ પર મુકવા જવાની ઇન્ક્વાયરી માટે મેં કરેલો એક કોલ. વાત એમ હતી કે બે દીકરીઓ ટ્રેકિંગ પર જવા રેડી હતી, બે મમ્મીઓ મુકવા જવા રેડી હતી. હવે પ્રશ્ન હતો બેઝકેમ્પના કેપ્ટન સાથે વાત કરવાનો. દીકરીઓને મુકીને પાછા ફરવા શું સગવડ મળે એ જાણવા મેં રાણકપુર- કુંભલગઢ ટ્રેકિંગના કેમ્પ લીડર રતનસિંહ ભાટીને કોલ કર્યો. ખુબજ પ્રેમથી એમણે સમજાવ્યું કે તમે બે દિવસ એમને મુકવા આવવામાં કાઢશો, એવા જ બે દિવસ એમને લેવા આવવામાં. એ કરતા તમે જ કેમ્પમાં જોડાઈ જાઓ. નેચરની નજીક જવાની ખુદને તક આપો. એક બ્રેક લો. રૂટીન તો છે જ આખી જીંદગીનું. એકવાર આવો. એમના આગ્રહમાં શું હતું કે મને મન થઇ ગયું. અને મેં ધક્કો માર્યો દર્શનાને. એ પણ રેડી થઇ ગઈ. આ નક્કી કરતા જ અમારો ઉત્સાહ સમાતો ન હતો. દિવાળીના ઢગલો કામની વચ્ચે અમે ટ્રેકિંગ વિશેની વાતો કરી લેતા અને એના શોપિંગ માટે દોડી જતા.

૬ નવેમ્બર, ૨૦૨૧, શુક્રવાર

આખરે એ દિવસ આવ્યો જયારે અમારી બેગ લઇ રાણકપુર માટે રવાના થયા. સાંજના ૮ વાગે સુરતથી ઉપડતી એ બસના બે કોચમાં ચાર સખીઓ ગોઠવાઈ. એકમાં યશ્વી અને શૈલી, એકમાં હું અને દર્શના. સ્લીપર કોચની એ બસ અમને સાયરા ગામ ઉતારવાની હતી. ત્યાંથી રાણકપુર જવા બીજી સગવડ કરવાની હતી. વાતો,વાતો અને વાતો… શરૂઆતનો ઉત્સાહ અને પછી એક હોલ્ટ. હોલ્ટ પરથી લીધેલી થર્ડ ક્લાસ સેન્ડવીચ અને ઘરેથી લીધેલી નાનખટાઈ સાથે ડીનર પતાવ્યું. પછી નિરાંતે આડા પડ્યા. દર્શનાની વાતોના બેકગ્રાઉન્ડ મ્યુઝીક સાથે મારી આંખોના પડદા પર ફિલ્મ ચાલતી હતી બસની બારીમાંથી દેખાતા રાત્રીના આકાશની! મજા આવી રહી હતી.

બારીના કાચ ઠંડા થઇ રહ્યા હતા. એના પર આંગળીઓ અડાવી એ ઠંડક ટેરવા વડે જાણે હું અંદર ઉતારી રહી હતી. મને યાદ આવી ગયું, શાળાએ જતી વખતે રસ્તામાં કોઈ ગાડી પર ધૂળ બાઝેલી હોય એમાં આંગળીથી પોતાનું નામ લખવાની કેવી મઝા આવતી! એ ઠંડા થયેલા કાચ પર હજુ એટલો ભેજ ન હતો કે કશું લખી શકાય. પણ કાચ ખુબજ ઠંડા થઈ ગયેલા. આ ઠંડા કાચ પર ગાલ ઘસ્યો, મને એમ કે તણખા થવા જોઈએ પણ થયું એનાથી ઊંધું. મારા ગાલ જ ઠંડા થઇ ગયા. હૂંફાળી હથેળીઓની યાદમાં મનમાં કશુક ઉગ્યું અને એ ભાગી જાય એ પહેલા મોબાઈલ કાઢી ટાઈપી લીધું. રાત ટાઢી પડતી જતી હતી. અમે અમારી બેગમાંથી ઓઢવાના કાઢ્યા અને ઓઢ્યા પોઢ્યા કરી વહેલી સવાર પાડી.

 ૭ નવેમ્બર ૨૦૨૧, શનિવાર

સવારનું ઉગતું અજવાળું સાંકડા ઊંચાનીચા રસ્તા અને ઝાડીઓ વચ્ચેથી માર્ગ કરી જાણે બસની બારીની અંદર ઘુસણખોરી કરી રહ્યું. હવે અમારો ઉતરવાનો મુકામ નજીક હતો. ગામના રસ્તાઓ એવા હતા કે  બસ ક્યાંક સાવ ઘર નજીકથી પસાર થાય તો ક્યાંક દેખાય સીધું વગડાઉ મેદાન! લગભગ સવારના સાત આસપાસ સાયરા ગામનું સ્ટોપ આવતા જ અમે ઉતર્યા. તરત જ બે ત્રણ જીપવાળા રાણકપુર માટે પૂછવા લાગ્યા. ચાર વ્યક્તિના એક હજાર રૂપિયા સાંભળી અમે બસની રાહ જોવાનું નક્કી કર્યું અને એ વિષે તપાસ કરવા આગળ ચાલ્યા. સાવ નાનકડું ગામ. સવારની ચહલ પહલથી હમણાં જ જાગ્યું હોય એવું એક નાનકડું માર્કેટ બસ સ્ટોપની નજીક હતું. આખી રાતનો ભરાવો ખાલી કરવા અમે પબ્લિક ટોઇલેટ શોધ્યું અને મળ્યું પણ ખરું. પણ એ જોયા બાદ તરત વિચાર આવ્યો કે ટુરીઝમ દ્વારા લાખો રૂપિયા કમાતી સરકાર આવી બેઝીક ફેસીલીટી પ્રત્યે આટલી ઉદાસીન કેમ?

બસ સ્ટેન્ડ પર પહોંચ્યા. ત્યાં જ ટેકરી પર એક મંદિર પણ હતું. પગથીયા ચડી શુભ યાત્રા માટે મસ્તક નમાવી લીધું. ‘અમે તો માંગ્યું, તમારે આપવું હોય તો આપજો.’ એ સાંભળી લીધું હોય એમ તરત જ  ત્યાં એક રીટર્ન ટેક્સી મળી, જે ચારસો રૂપિયામાં રાણકપુર લઇ જવા રેડી હતી. સાયરાથી રાણકપુર- લગભગ પાંત્રીસ કિલોમીટર અને તદ્દન ઘાટીનો રસ્તો! થોડી વારમાં શૈલીને અનઇઝી ફિલ થતા ગાડી ઉભી રાખી. અને જરા ઓકે થતા ફરી ઉપડ્યા. લગભગ પોણા કલાકે પહોંચ્યા રાણકપુર. ત્યાંના પ્રખ્યાત દેરાસર પાસે જ કાકાએ ગાડી થોભાવી. પણ અમારો કેમ્પ ત્યાંથી આગળ શક્તિ દેવીના મંદિરે હતો. ત્યાં પહોંચાડી કાકા એમના રસ્તે આગળ ગયા. અમે કેમ્પ તરફ આગળ વધ્યા.

લગભગ ૯.૪૫ થઇ હતી બેઝકેમ્પ પહોંચતા. આ એજ સ્થળ હતું જ્યાં પહોંચવા અમે છેલ્લા પંદર દિવસથી એકસાઈટેડ હતા. કોઈ પણ ફોર્માલીટીનો  પ્રશ્ન પૂછતાં પહેલા કેમ્પ લીડરે ચાનો કપ ઓફર કર્યો એ હૂંફથી દિવસ તાજો થઈ ગયો. નાના મોટા ઢોળાવોની વચમાં જગ્યા શોધી શોધી ટેન્ટ બાંધ્યા હતા. આસપાસ વૃક્ષો હતા અને વન્યજીવનની હાજરી પુરાવતા વાંદરાઓ પણ ઘણા હતા. અમારા જેવા મહેમાનોને વેલકમ કરવા કદાચ આસપાસના વિસ્તારમાંથી આવેલા પણ હોઈ શકે! આવી બધી ખુશ કરી દેતી કલ્પનાઓ સાથે એ વિસ્તારને નજરમાં ભરી લઈ ફોર્મ ભરવાની બોરિંગ ફોર્મલિટી પતાવી. ત્યાંના કેમ્પ વોલેન્ટીયર દિવ્યા મેડમ સાથે બીજા સભ્યોનો રીપોર્ટીંગ ટાઈમ અને શીડ્યુલ વિષે વાતો કરી. એ દિવસના શિડ્યુલમાં રજિસ્ટ્રેશન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ હતી નહિ એટલે  બ્રેકફાસ્ટ લઈને તૈયાર થઈ ફરવા નીકળી પડયા.

અમારા બેઝકેમ્પના ટેન્ટની પાછળ જ શક્તિ દેવીનું મંદિર હતું. સવારે અમારા કેમ્પ લીડર ભાટીજી એ જણાવ્યું કે આ વરસે વરસાદ નથી થયો એટલે અહીં બધું સુકું છે. નહીં તો આ મંદિરની ચોતરફ પાણી હોય. એ મંદિરની બીજી એક ખાસિયત એ જોઈ કે મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર જે તરફ હતું, અંદરના મંદિરમાં માતાજીની પીઠ એ તરફ  હતી. મતલબ પીઠ તરફી પ્રવેશ! આવું પહેલી જ વખત જોયું. ત્યાં જઈ સરસ ફોટા પાડ્યા કારણકે મને અંદાજ હતો કે કેમ્પ પૂરો થયા બાદ કોઈને ફોટા પડવાનો ચાર્મ કે ફોટા જેવા ચહેરા નહિ રહે. અમારા કેમ્પથી નજીકજ  રાણકપુર જૈન મન્દિર હતું. ત્યાં જઈ દર્શન કર્યા. અહીંના જોવા લાયક સ્થળોમાં આ મંદિર ખૂબપ્રખ્યાત છે. વિશાળ પરિસર જેમાં રહેવાની સગવડ, ભોજનશાળા અને બીજી ઘણી સુવિધાઓ સાથે મુખ્ય મંદિરની સાથે બીજા નાના મોટા મંદિર પણ હતા. દરેક મંદિરમાં કોતરણી ખૂબસુંદર હતી. ત્યાં દર્શન કર્યા. ત્યાંથી નીકળી થોડે આગળ ગયા ત્યાં એડવેન્ચર પાર્ક હતું. ત્યાં ઝીપ લાઇન અને રોપ કોર્સ – એમ બે એક્ટિવિટી હતી. દીકરીઓના આગ્રહ કે પછી જીદ માનીને અમે બે મમ્મીઓએ પણ એની ટીકીટ ફડાવી.

પહેલા ઝીપ લાઇન કરી સહુ ખુસમખુશ થઈ ગયા.

પછી રોપકોર્સ ના 5 કોર્સ હતા.

1. જમીનથી 20-30 ફૂટ ની ઊંચાઈએ બે તરફ હાથથી પકડાય એવા દોરડા. એની વચ્ચે નીચે એક દોરડું. ત્રણેયને જોડતું એક દોરડું જેની ગાંઠ નીચેના સિંગલ દોરડા પર હોય. એ ગાંઠ પર પગલું ભરી આગળ વધવાનું.

ઠીક ઠીક હિંમત સાથે એ પતાવ્યું.

2. હાથથી પકડવાના બે દોરડા, એની સાથે લટકાવેલું એક ‘U’ જેવા  આકારનું દોરડું જેની વચમાં ચોરસ બ્લોક ભરાવેલો હોય. એના પર પગ મૂકી આગળ વધવાનું. આમાં પગ મુકવાની જગ્યાએ નીચે કોઈ સપોર્ટ નહિ, એટલે બેલેન્સ રાખવું ખૂબ અઘરું. એ પગ મુકવાના દોરડાની હાઈટ પણ એકસરખી નહિ. એક ઊંચું, એક નીચું.

ખૂબ બધી હિંમત કરી પૂરું કર્યું. બહુ ડર લાગ્યો.

3. લાંબા લાકડાના પાટિયાને બે છેડે દોરડા બાંધી હવામાં હિંચકો બાંધ્યો હોય, એમ સળંગ બાંધેલા ચાર પાંચ લાંબા પાટીયા. એક પગલું મુકાય એટલી જ પહોળાઈ. એના પર પગલું ભરી આગળ વધતા જવાનું. આ પ્રમાણમાં સરળ હતું.

4. પગ મુકવા દોરડું. ઉપર એક લાંબા દોરડા પર ટુકડા ટુકડા દોરડા લટકાવેલા જેના નીચેના છેડે ગાંઠ મારેલી હોય. હવામાં લટકતા એ દોરડાની ગાંઠ પકડી નીચેના દોરડા પર પગ મૂકી આગળ વધતા જવાનું. ખૂબ જ ડર લાગેલો એ પૂરું કરતા.

૫. . ઝીપ લાઇન, જેમાં છેલ્લુ 30 ટકા અંતર તમારે હાથથી ઉપરના દોરડાને પકડી આગળ વધતા જઈ પૂરું કરવાનું. પણ બીજા કોર્સ કરતા સરળ લાગ્યું.

આ એડવેન્ચર કરતા સમયે એમાંથી એક સર્વિસમેન સાથે વાતો થઈ. મેડિકલમાં ન્યુરોસાયન્સ પર અભ્યાસ કરતો એ યુવક NLP  વિશે ઘણો અભ્યાસ કરી ચૂકેલો. એ સિવાય પ્રેક્ટિકલી જીવનમાં પણ એની ખૂબ પ્રેક્ટિસ કરે. માઇન્ડ પાવરના કોર્સ વિશે મારી પાસેથી જાણી એ ખુશ થઈ ગયેલો.

ત્યાંથી નીકળતા પહેલા એમાથી બીજા યુવકે અમને આગ્રહ કર્યા કે કુંભલગઢમાં ઝીપલાઈન કરજો. રેફરન્સ પણ આપ્યો. એમની ભલામણ સાથે એ ત્યાના લોકલ છે એ જાણીને અમે અમારી એક મૂંઝવણ વિષે સલાહ માંગી. ટ્રેક પત્યા પછીનો એક આખો દિવસ અમારી પાસે હતો. તો ફાલના સ્ટેશન નજીક રહેવાની કોઈ સગવડ મળી શકે કે કેમ? અને ત્યાં પહોંચવા માટેની તપાસ પણ કરી. નરેન્દ્ર નામના એ યુવકે ફાલના જૈન ગોલ્ડન ટેમ્પલ વિષે કહ્યું. ત્યાં સુધી પહોંચવાના ત્રણ વિકલ્પ પણ જણાવ્યા. અને કશું જ મેનેજ ન થાય તો એને કોલ કરવા પણ કહ્યું, જેથી એ બીજો કોઈ રસ્તો કાઢી શકે.

પહેલા દિવસ માટે આટલી નિરાંત પૂરતી હતી. એમને ટાટા બાય બાય કરી અમે બેઝકેમ્પ તરફ રવાના થયા. ત્યાં પહોંચ્યા ત્યારે બીજા ઘણા ટ્રેકર્સ આવી ચૂક્યા હતા. લન્ચ ટાઈમ થયો હતો અને રખડીને અમને પણ બરાબરની ભૂખ લાગી હતી એટલે ફટાફટ પોતપોતાના ડબ્બા અને ડીશ બેગમાંથી કાઢી લાઈનમાં ઉભા રહી ગયા. દાલ- રાઈસ, ફલાવરનું શાક ને રોટલી. દર્શનાએ કેમ્પ લીડરને કહ્યું કે પાંચ દિવસમાં એક વખત તમારે ગટ્ટાની સબ્જી તો ખવડાવવી પડશે. ભાટીજી એ હસતા હસતા કહ્યું, આજે તો આ ખાઓ. આગળ બધું જ રાજસ્થાની સ્પેશીયલ મળશે. એ ટેસ્ટી વાતો સાથે લંચ જાણે વધુ સ્વાદિષ્ટ બની ગયું. બીજા બધાં સાથે હાય હેલો…ને પછી પોતપોતાને ફાળવેલા ટેન્ટમાં. આવું સરસ જમ્યા પછી આડા ન પડીએ તો ભોજનનું અપમાન ન કહેવાય?

અમને ફાળવેલા ટેન્ટમાં બીજા ચાર લેડીઝ સભ્યો આવી ગયા હતા. નસીબજોગે એ લોકો પણ ગુજરાતી હતા. એટલે મારા ‘બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડેગા’ જેવા હિન્દીથી એ લોકો તો બચી ગયા પણ… ‘આગે અલ્લા જાને!’ એમની સાથે સવારની દેરાસરની અને એડવેન્ચર પાર્કની વાતો કરતા અમે આડા પડ્યા.

સાંજે ચાર વાગ્યે ઓરીએન્ટેશન માટે સહુ શક્તિમાતાના મદિરમાં ભેગા થયા. ના, કોઈ ટોળું નહિ, સરસ મઝાની લાઈનમાં સહુ ગોઠવાયેલા હતા. મને અમારા બાલમંદિરના વર્ગ યાદ આવી ગયા. ત્યાર બાદ જમીન પર લાઈનસર આમ શિસ્તબદ્ધ બેસવાનો કદાચ આ પહેલો અનુભવ હશે. એમ તો ઘણી વાર બેઠા હોઈશું, પણ શિસ્ત અને હું…જરા ઓછું ફાવે ને! અહીં તો કોઈ છૂટકો જ નહિ. YHAI મતલબ શિસ્ત અને મદદ. અમારા કેમ્પ લીડર રતનસિંહ ભાટીએ પોતાનો પરિચય આપ્યો. ૧૯૮૨ થી એ આ સંસ્થા સાથે જોડાયેલા છે અને સૌથી અઘરો ટ્રેક સારપાસનો કહેવાય છે, એ કેમ્પ માટેના બેઝકેમ્પનું સ્થળ- ‘નગાડું’ ડેવલોપ કરવા એ ત્યાં દોઢ મહિનો રોકાયા હતા. આ સ્થળ સમુદ્ર સપાટીથી લગભગ ૧૩૦૦૦ ફીટની ઉંચાઈએ છે. રતનસિંહ ભાટીના બીજા ઘણા અનુભવો અને સૂચનાઓ સાંભળ્યા બાદ વારો આવ્યો સહુનાં પરિચયનો.

બીજા ટ્રેકર્સના અનુભવો અને ફિટનેસ વિશેની વાતો સાંભળી આપણે તો છક્ક થઈ ગયા. કોઈ નેશનલ એથલીટ તો કોઈ 72 યર્સના ટ્રેકર અને એ દરેક યંગ સિનિયર સીટીઝન જોડે એમનાં પત્ની…બા કહો કે કાકી. પણ ઉત્સાહમાં સહુ થનગન-થનગન હતા. કોઈ પાંચ ટ્રેકના અનુભવી તો કોઈ બાર, ને કોઈ પહેલી વાર. પણ એમ કંઈ સુરતી પાણી પાછું પડે? મેં ય કહી દીધું કે હું પણ છેલ્લા ઘણા વર્ષોથી મારા જ શહેરમાં સવારે કે સાંજે વોકિંગ માટે જાઉં છું! એમ ત્યારે, કૈક તો કહેવું પડે ને!

બીજા દિવસનું  ટ્રેકિંગનું શિડ્યુલ વાંચી ન્યુ ટ્રેકર્સ તો છક્ક! સવારે સાડા પાંચે મોર્નિંગ ટી, સાડા છ એ બ્રેકફાસ્ટ. સાડા સાતે સ્લીપિંગ બેગ અને વધારાનો સામાન જમા કરાવી, ૮ વાગે પેક લંચ લઇ રવાના થવાનું.

સાંજની ચા પી ને સહુ વાતોએ વળગ્યા. રાજકોટથી આવેલા 2 મોટા ગ્રુપ, આટલા બધા ગુજરાતીઓ જોઈ મને હાશ થઈ કે ગુજરાતી બોલવા સાંભળવા તો મળશે. એ સહુમાં સૌથી વડીલ હતા 72 વર્ષના ચંદ્રકાન્ત કાકા. અને સૌથી નાની હતી દસ વર્ષની સ્વરા. ઓરીએન્ટેશન સમયે મારી આગળ જ બેઠેલી આ નાનકીને મારી મજાકિયા વાતોથી મેં બહુ પજવી. એ જોઈ એના પાપા કહે, ‘પજવણી થાય ત્યારેજ બાળક મોટું થાય.’ એવું માનતા હોય તો જ એવડી અમથી ઢીંગલીને રોજના એવરેજ પંદર કિલોમીટર ચાલવા વાળા ટ્રેકમાં લાવી શકાય.

પછી તો કેમ્પની રકસેક અને સ્લીપિંગ બેગ લઈ સહુ પોતાનો ત્રણ દિવસનો સામાન ગોઠવવામાં પડ્યા અને ડિનર વ્હિસલ સુધી એ ચાલ્યું. કેટલા કપડા લઈ જવા, કયા અહી રાખવા, શેના વગર ચાલી જશે..ઘણી ઘણી વાતો અનીષે ઘરેથી કહી જ હતી. એટલે અમને બહુ અઘરું ન પડ્યું. આખરે જેટલું પણ ભરીએ, ઉચકવાનું અમારે જાતે જ હતું. મૂળે બે પાંચ કિલોના બિચારા પગ, સાંઠ પાંસઠ કિલો તો ઉચકતા જ હોય. એ વજનમાં બને એટલો ઓછો વધારો કરીએ તો પગ બળવો પોકારે એની શક્યતા ઓછી થાય. ફાઈનલી સમાન પેક કરી ટેન્ટમાંથી બહાર આવ્યા. ડીનરમાં વટાણા, દાળ રાઈસ અને બુંદીના લાડુ. દિવ્યા મેડમ પીરસતા હતા.

મેં જમીને એમને ફ્રી કર્યા અને બેસી ગઈ અન્નપુર્ણાની પ્રોક્સી ભરવા! બીજું બધું તો ઠીક પણ કોઈને લાડુ આપતી વખતે મને ખૂબ આનંદ થતો! એમ લાગતું કે મીઠાઈના મોહવાળા આપણે એકલા જ નથી! જમ્યા બાદ સહુને કેમ્પ ફાયર માટે ગોઠવી દિવ્યા મેડમ ટેકનીકલ જવાબદારીઓમાં વ્યસ્ત થયા અને અમે કેમ્પ ફાયરમાં. શરૂઆત પર્સનલ પર્ફોમન્સથી થઈ. પણ પહેલો જ દિવસ હતો. સહુ એકબીજાથી એટલા પરિચિત પણ ન હતા એટલે બહુ આગ્રહ કરવો પડતો હતો. એ જોઈ ‘ડમ્બ શૅડાઝ’ રમવાનું નક્કી કર્યું. બે ટિમ અને દરેક ફિલ્મ માટે ત્રણ મિનિટનો સમય. પ્રમાણમાં સાવ સરળ લાગતી ફિલ્મો પણ પોતાની ટીમને સમજાવતા પરસેવો નીકળી જતો જોઈ નક્કી નહોતું થતું કે ફિલ્મ અઘરી છે? હું ડફોળ છું કે ટીમ બુડથલ છે? એમ એમ કરતા ઘણા એવી ફિલ્મોના નામ વિષે ખબર પડી જે આ ગેમ માટે ખાસ હોય. જેમ કે ‘હાવરા બ્રીજ પર લટકતી લાશ’ અને ‘કુકુ માથુર કી ઝંડ હો ગઈ’. એ સિવાય પણ અમુક ફિલ્મોના નામ સાંભળીને જ હસી હસીને પેટ દુઃખી ગયું.

‘હાવરા બ્રિજ પર લટકતી લાશ’ અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફિલ્મોએ તો હેરાન કરી દીધા. પણ સરવાળે….મોજ. સવારે વહેલા ઉઠવાના એલાર્મ સેટ કરી સહુ પોતપોતાના ટેન્ટમાં જઈ સ્લીપિંગ બેગમાં ભરાયા તે વહેલી પડે સવાર.

(ક્રમશ:)


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૧) – નેહા રાવલ

  • Anjali

    ખૂબ સરસ વર્ણન. શબ્દો નો યોગ્ય ઉપયોગ અને પ્રભાવ આબેહૂબ વર્ણન કરવામાં સફળ રહ્યા. અભિનંદન. આગળ ના part વાંચવા રાહ જોઇશ.

  • Yagnesh Patel

    Hmm.
    Nice start. I have been to Kumbhalgar. My favorite place. Still all natural. I would love to do this camp. Can you please provide information about how to book tracking?
    Thank you

  • N. Shah

    very nice description… some words are so good… Typi lidhu… heard first time 🙂 ek vaar to mare pan karavu chhe… pan jevi rite tame
    mango evi rite… ame to mangyu… tamare aapvu hoya to aapjajo.. 🙂

  • હરીશ દાસાણી.

    સરસ પ્રવાસ વર્ણન અને ટ્રેકીંગના પહેલા અનુભવની રસપ્રદ વાત

    • Yogesh pandya, Bhavnagar

      ખૂબ જ સરસ આલેખન..હૂબહૂ જાણે હું પોતે જ આ ટ્રેકિંગ પ્રવાસ માણતો હોઉં એવું લેખન નિર્વાહણ….લેખની અંદર પોતાની અનુભૂતિ ને તમે પોતાના આત્મા ને જાણે રેડીને છલકતી રસનિષ્પતી કરી આપી છે..અભિનંદન નેહા..!
      -યોગેશ પંડ્યા,ભાવનગર