(લ)ખવૈયાગીરી : પુસ્તકસમીપે – અંકુર બેંકર 8


પુસ્તકનું મુખપૃષ્ઠ ખરીદનારને ગેરમાર્ગે દોરે એવું છે. (પત્નીજીએ આ પુસ્તક મંગાવડાવ્યું ત્યારે જે રીતે હું દોરાયો હતો એ રીતે.) મુખપૃષ્ઠમાં બરાબર વચ્ચે કલમ, ખડિયા અને કાગળનો સ્કેચ છે જ્યારે નીચેના ભાગે ત્રણ ભાણાનો ફોટો છે. એ જોઈને આ કોઈ વાનગીઓ બનાવવાની રેસિપીનું પુસ્તક હોય એમ લાગે. પણ ના, એ તો તમારી થાળીમાં પીરસાતી ખાદ્યસામગ્રીને કોઈ અલગ જ રીતે જોવાની દૃષ્ટિ ખીલવતું પુસ્તક છે. (લ)ખવૈયાગીરી ફકત એક પુસ્તક જ નથી પણ આપણી પારંપરિક વાનગીઓની ફરી ઓળખાણ કરાવી આપણી સંસ્કૃતિના મૂળ સુધી લઈ જતી કેડી છે.

પુસ્તક સમીક્ષા: (લ)ખવૈયાગીરી

લેખક: અરુણા જાડેજા 

પુસ્તકસમીપે – પુસ્તકનાં પાનાંઓમાં પ્રવાસ; અંકુર બેંકરની કલમે..

મહારાષ્ટ્રિયન બિલ્ગી કુટુંબમાં જન્મેલાં અને ગુજરાતી સાહિત્ય વિષય સાથે એમ.એ.બી.એડ. થયેલાં અરૂણાબેન, મરાઠી સાહિત્યને ગુજરાતી ભાષામાં એમના અનુવાદો થકી લઈ આવે છે. આ ઉપરાંત ગુજરાતીમાંથી મરાઠી, સંસ્કૃતમાંથી ગુજરાતી, અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદો પણ એમણે કરેલાં છે. આખી જિંદગી ગુજરાતમાં રહ્યાં હોવાથી મરાઠી કરતાં તેમના ગુજરાતી અનુવાદો શ્રેષ્ઠ રહ્યા છે. વર્ષ ૨૦૧૦માં હાસ્યલેખોના મરાઠીમાંથી ગુજરાતીમાં કરેલ અનુવાદિત પુસ્તક માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી તરફથી એવોર્ડ મળેલ છે. વીસેક જેટલાં અનુવાદનાં પુસ્તકો પછી પોતે લખેલ નિબંધોનું સંકલન થઈ ગૂર્જર ગ્રંથ્રરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત “(લ)ખવૈયાગીરી” પુસ્તકને લેખિકા પોતાનું બાળક ગણાવી હર્ષ વ્યક્ત કરે છે. 

આ સ્વાદિષ્ટ પુસ્તકમાં અલગઅલગ તેર વાનગી (નિબંધ) પીરસવામાં આવી છે. પુસ્તકના મોટાભાગના નિબંધો વર્ષ ૨૦૦૦થી લઈ ૨૦૧૪ સુધીના અખંડઆનંદના દિવાળી વિશેષાંકમાં પ્રકાશિત થયેલ છે. આ ઉપરાંત અન્ય નિબંધો નવનીત સમર્પણ અને કુમારમાં પણ પ્રકાશન પામ્યા છે. આ લેખોને, જનકલ્યાણમાં પુન:પ્રકાશિત થયા ત્યારે બહોળી લોકપ્રિયતા મળી હતી. ‘રસોઈ મારો સ્વધર્મ’ નામે પ્રસ્તાવનામાં લેખિકા લખે છે કે, “ખાધે-ખવડાવ્યે રસોઈ મારો ગમતો વિષય. મા રસવતી (રસોઈ) અને મા સરસ્વતી બેઉના સહિયારા આશીર્વાદથી છેલ્લાં દસેક વર્ષોમાં લખાતી-રસાતી ગઈ આ (લ)ખવૈયાગીરી… !’ 

એક વાતનો ઇશારો કરી બીજી વાત મોઘમમાં કહી દેવી એ તો સ્ત્રીઓનો જન્મસિદ્ધ ગુણ છે. એ વાત આ પુસ્તકના પ્રથમ નિબંધ ‘રોટલો’માંથી ફળીભૂત થઈ આવે છે. ખૂબ જ માવજત પામેલ આ રસાળ નિબંધમાં રોટલાનું મહિમામંડન તો છે જ પણ સાથેસાથે સાસરે વળાવેલી દીકરીને શીખ આપતી મા સતત ડોકાયાં કરે છે. નીચે આપેલ વાક્ય એ વાતની સાક્ષી પૂરે છે, 

‘ફરતી કોરે એકસરખો રોટલો ટિપાતો જાય. સાસરે જનાર દીકરીઓને મા વચ્ચેવચ્ચે ટપારેય ખરી. છીંક કે ઉધરસની જેમ ટપાકાયે બહાર ન જવા જોઈએ. ઘરની વાત ઘરમાં જ.’  

બાળપણમાં અવલોકેલ દૃશ્યને અલગ રીતે મૂલવવાની, વર્ણવવાની તથા અલગ અર્થાભિવ્યક્તિની શક્તિ લેખિકાના શબ્દોમાં છે. મા અખંડનો વિચાર કરતી હોય છે, એ વાત પણ એક મા જેમ દીકરાના ભાણામાં ચૂપકેથી એકાદ રોટલી વધારે મૂકતી હોય; એમ લેખિકા મૂકી આપે છે. 

‘વાળુ ટાણે રોટલા ઘડતાં-ઘડતાં બે હાથ જોડી (વચમાં રોટલો રાખી) હજાર હાથવાળાને માડી શું વિનવતી હશે? – બારે મહિના સહુને રોટલા ભેગા કર, એ જ ને!’ 

લખાણની શૈલી રસાળ અને રોચક છે કે જે સરળ વાણીમાં જીવનનો અર્ક નિતારી આપે છે. રોટલાને જેમણે ‘આટાનો સૂરજ’ કહ્યો છે એવા વડીલ મુરબ્બી શ્રી રતિલાલ ‘અનિલ’ પણ આ ‘રોટલો’ નિબંધ વાંચી કહે છે કે, ‘ટૂંકા ટૂંકા વાક્યોને થપથપાટે થપાતો-ઘડાતો ગયો નિબંધ, એની સાહજિક ઉમંગી ગતિ એવી છે કે ક્યારે આખા રોટલાની જેમ નિબંધ જમી ગયો એનો ખ્યાલ જ રહ્યો નહીં.’

આ નિબંધોમાંથી પસાર થતાંથતાં તે ક્યારે કાવ્યનો આંચળો ઓઢી લે છે એ ખબર નથી પડતી. કેટલાક નિબંધના લખાણમાં અરુણાબેનની અંદર રહેલા કવિનો આપણને પરિચય થાય છે. એમના લખાણોમાં કેટલેક ઠેકાણે પ્રાસ અને લય સહજ મળી આવે છે. 

‘રાંકનું નામ રોટલી’માં અરુણાબેન રોટલીની આડશે સમાજમાં સ્ત્રીઓની દશા પર અંગુલિનિર્દેશ કરી આપે છે. કોઈ મોટીમોટી વાતો કર્યા વગર તેઓ સ્ત્રીઓની વ્યથા વાચક સુધી પહોંચાડી શક્યાં છે. 

‘ચાંદામામા જેવી ગોળ અને દૂધ જેવી ધોળી, રૂ જેવી નરમ અને બધાંને ગમે તેવી ગરમાગરમ, તોય આ રૂડીરૂપાળી અને નરમગરમનો મરમ ન જાણે કોઈ! આમ તો ઘઉંવર્ણી પણ પાણી સાથે સમરસાઈને, જાતને ટિપાવી-ગુંદાવીને, ટાપાંટપલાં ખાઈનેય પોતે ઘાટીલી બને. અરે, એટલું જ નહીં, અગ્નિપરીક્ષામાંથી ખરી થઈને તમારી થાળીમાં ખરીખરી થઈને ઊતરે. પોતાની કાયાને તાવીતાવીને શુચિર્ભૂતા થઈને તમારી જિહ્વાને સંતોષે, તોય જમણમાં એનું સ્થાન તો ‘સેકન્ડ સિટિઝન’નું જ.’

Pustak Samipe Column by Ankur Banker; Book Review – Lakhvaiyagiri by Aruna Jadeja

બટાકા વિશેના લેખમાં અરુણાબેનનો હાસ્યલેખિકા તરીકેનો પરિચય મળે છે તો ગોળ વિશેના નિબંધમાં તેમના શાસ્ત્રીય જ્ઞાનની પ્રતીતિ થાય છે. ચા પર કરેલ કથા વાંચીને તો તેમણે ચા વિષય પર પી.એચ.ડી. કરેલ હોય એમ લાગે. આ ઉપરાંત એક જ વિષય પર તેઓ કેટલી વૈવિધ્યપૂર્ણ રજૂઆત કરી શકે છે તે પણ આ લેખમાંથી જણાઈ આવે છે. એમનો શબ્દવૈભવ અખૂટ છે એ એમનાં લખાણ વાંચીને ખ્યાલ આવે છે છતાં ક્યાંય પણ ભારેખમ શબ્દોનો ભાર વાચકોના માથે થોપવામાં નથી આવ્યો. લખાણ સાહજિક રીતે ઊતરી આવ્યું હોય એમ લાગે. 

જેમ તપીને ગરમ લ્હાય થયેલ વઘારિયાંમાં થતો લસણ-ડુંગળીનો વઘાર નાકમાં પેસીને તમારી ભૂખને ઉત્તેજન આપે એવી જ રીતે આ પુસ્તકનાં કેટલાંક વાક્યો તમારાં મનને ચિંતનની ચટણી ચાખવા મજબૂર કરી દે છે. 

‘ખાવું તો તોળીતોળી, પીવું તો ઘોળીઘોળી, સૂવું તો રોળીરોળી, એ જ ઓસડ ને એ જ ગોળી.’

‘આંગણે જેટલા જોડા વધુ તેટલી એ આંગણાની શોભા વધુ.’

‘શું કરીએ? બધા વાંધા માટીમાં જ છે ને?’ 

પુસ્તકનું મુખપૃષ્ઠ ખરીદનારને ગેરમાર્ગે દોરે એવું છે. (પત્નીજીએ આ પુસ્તક મંગાવડાવ્યું ત્યારે જે રીતે હું દોરાયો હતો એ રીતે.) મુખપૃષ્ઠમાં બરાબર વચ્ચે કલમ, ખડિયા અને કાગળનો સ્કેચ છે જ્યારે નીચેના ભાગે ત્રણ ભાણાનો ફોટો છે. એ જોઈને આ કોઈ વાનગીઓ બનાવવાની રેસિપીનું પુસ્તક હોય એમ લાગે. પણ ના, એ તો તમારી થાળીમાં પીરસાતી ખાદ્યસામગ્રીને કોઈ અલગ જ રીતે જોવાની દૃષ્ટિ ખીલવતું પુસ્તક છે. (લ)ખવૈયાગીરી ફકત એક પુસ્તક જ નથી પણ આપણી પારંપરિક વાનગીઓની ફરી ઓળખાણ કરાવી આપણી સંસ્કૃતિના મૂળ સુધી લઈ જતી કેડી છે.

તમે ભોજનપ્રિય વ્યક્તિ છો તો આ પુસ્તક તમને ગમવાનું જ છે અને એનું એકમાત્ર કારણ છે આપણી રોજિંદી વાનગીઓને તૈયાર કરતી પ્રક્રિયાનું રસાળ આલેખન અને આ વાનગીઓનું આપણા ખાનપાનમાં શું સ્થાન છે, માન છે, મોભો છે એનું વાનગીઓના દૃષ્ટિકોણથી થયેલું મજેદાર નિરૂપણ. પુસ્તકના લખાણમાં તમને ક્યારેક લોકબોલી, તળપદા શબ્દો મળી આવશે તો કયારેક પ્રાસ અને અલંકાર સાથે પણ ભેટો થશે. ટૂંકમાં તમે વાંચનરસિયા છો તો આ પુસ્તક તમને ગમશે એનાં ઘણાં કારણો છે. જો કે એકાદ બે લેખોમાં વિગતોનો પુનરાવર્તન દોષ છે જે ટાળી શકાયો હોત તો જે તે લેખમાં લાઘવ જળવાયું હોત. 

રોજિંદી વાનગીઓ આપને શુષ્ક લાગતી હોય તો એને નવેસરથી રસદાયી કરવા આ પુસ્તક જરૂરથી વાંચવું રહ્યું.  

મિત્રો, ફરી મળીશું આવાં જ કોઈક પુસ્તકનાં પાનેપાને પગલાં પાડવાં. ત્યાં સુધી વાંચતા રહો અને પ્રસન્ન રહો. 

મા ગુર્જરીની જય! નર્મદે હર!

– અંકુર બેંકર

[લખવૈયાગીરી, લેખક: અરુણા જાડેજા, પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન: ગુર્જર ગ્રંથ્રરત્ન કાર્યાલય, પૃષ્ઠ: ૧૦+૧૧૮ = ૧૨૮, મૂલ્ય: ૯૦-૦૦]

અક્ષરનાદ પરની અંકુર બેંકરની કૉલમ પુસ્તકસમીપેના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “(લ)ખવૈયાગીરી : પુસ્તકસમીપે – અંકુર બેંકર

  • dhirajlal parmar

    વાંચ્યા પહેલા જ આમરસ જેવું મીઠું મધુરું પુસ્તક લાગે છે,રસાસ્વાદ થી ભરપૂર અભિવ્યક્તિ પુસ્તકસમીપે ના અંકુરભાઈને.
    અભિનંદન .