વહુ હો તો ઐસી – સ્વાતિ મેઢ 3


વસંત પંચમીને દિવસે સુનયનાબહેને કહ્યું, ‘હવે એક દિવસ વખત કાઢજો. માટલું લઈ આવવાનું છે.’

‘પણ હજી તો શિયાળો છે ને ઠંડી તો ઘણી છે. અત્યારથી માટલું?’ સુધીરભાઈના મનમાં સવાલ થયો પણ એ બોલ્યા એટલું જ, ‘ચાલો અત્યારે જઈશું?’

સુનયનાબહેન તો તૈયાર જ હતાં. કામ વેળાસર પતાવી દેવામાં માને. એકાદ કલાકમાં તો માટીનું સરસ મજાનું ગોળ માટલું રૂપિયા સો ખર્ચીને લેવાઈ ગયું, સુધીરભાઈ માટલું લઈને દાદરો ચડતા હતા ને સામે ઉર્વશીબહેન મળ્યા. ‘આવી ગયું નવું માટલું?’ એમણે સુનયનાબહેનને પૂછ્યું. સવાલમાં કંઇ પૂછવા જેવું ન’તું ને જવાબમાં કંઈ આપવા જેવું ન’તું. તો ય વાત થઈ. ઉર્વશીબહેન દ્વારા ઉપરવાળા ઉમાબહેન અને નીચે ગ્રાઉન્ડ ફ્લોરવાળા ગૌરીબહેનને સમાચાર પહોંચ્યા. ‘સુનયના બહેને શિયાળાનું માટલું લઈ લીધું. ઉનાળા માટે’

માટલાનો ગૃહપ્રવેશ થયો. ‘ક્યાં મૂકું?’ સુધીરભાઈએ પૂછયું. સુનયનાબહેનનો એ એક પ્રોબ્લેમ કે એ પહેલાથી પ્લાનિંગ ન કરે. વસંતપંચમીએ માટલું લઈ આવવાનો પ્રોગ્રામ નક્કી પણ લાવેલું માટલું ક્યાં મૂકવું  એ નક્કી ન કર્યું હોય.

‘ક્યાં શેનું વળી? માટલું તો પાણિયારે જ હોય ને?’ મારા વ્યવહારુ વાચકો વિચારે. પણ ના એવું નહીં મિત્રો, માટલું ઘરમાં આવે વસંતપંચમીએ પણ પાણિયારે ગોઠવાય હોળી પછીની પાંચમે. આગળ સવાલો ન પૂછો. વાર્તા સાંભળો.

એટલે જ સુધીરભાઈએ સવાલ પૂછ્યો, ‘ક્યાં મૂકું માટલું?

પહેલેથી નક્કી તો કરેલું નહીં એટલે તાત્કાલિક વિચાર એમ થયો કે ટેમ્પરરી માટલું ડાઇનિંગ ટેબલ પર મૂકી દેવું પછી સરખી જગ્યા શોધીશું. આમ માટલું ડાઇનિંગ ટેબલ પર મૂકાયું. સુધીરભાઈએ ટેબલ પર વચ્ચોવચ મુકેલા માટલાને સુનયનાબહેને દિવાલ સુધી ધકેલી બે દિવાલોને ટેકે ખૂણામાં ગોઠવી દીધું ને પછી વિચાર કરવા માંડ્યો કે પાણિયારે મૂકવાના દિવસ સુધી માટલું ક્યાં મૂકી રાખવું.

‘માળિયે ચડાવી દો ને. ગોપાલ ચડાવી દેશે.’ સુધીરભાઈએ આઈડિયા આપ્યો.

‘હા, પણ ગોપાલ તો હોળી વખતે ગામડે જવાનો ને પાછો આવે ત્યારે ખરો. માટલું ઉતારશે કોણ? તમને તો સીડી પર ચડવું ફાવતું નથી ને મારા પગ જ કામ નથી કરતા ચડતાં ઉતરતાં.’ સુનયનાબહેને કહ્યું. સુધીરભાઈ ચૂપ થઈ ગયા. એમને કહેવું’તું કે ‘હજી તો હોળીની બહુ વાર છે ગોપાલ જવાનો હોય એને આગલે દિવસે માટલું નીચે ઊતરાવી લેજો.’

close up shot of a person molding a pot
Photo by Anthony Shkraba on Pexels.com

આમેય લગ્ન થયાના છ-સાત પંચવર્ષીય પિરિયડો પૂરા થયા પછી પત્નીઓ પતિશ્રીઓના તર્કપૂર્ણ સૂચનો પણ માનવાનું બંધ કરી દે છે. વહેવારે પતિશ્રીઓ પણ એવું જ કરે છે. આ સત્ય અનુસાર સુનયનાબહેને પણ સુધીરભાઈનું સૂચન માન્યું નહીં.  

એમણે કહ્યું, ‘ના, એવું નથી કરવું.’ આમ માટલાને માળિયે મૂકવાનો આઈડિયા કેન્સલ થયો. માટલું ટેબલ પર પડ્યું  રહ્યું. માટલું તો મજામાં હતું. ચાર રસ્તાને એક ખૂણે મોટા ઢગલામાં પડ્યા રહેવું, પેટ્રોલડિઝલના ધૂમાડા આવા, માટલાં લેવા આવનારાઓના આંગળીઓના ટકોરા વેઠવા કરતાં ટેબલ પર પડ્યા પડ્યા ઉતરતા શિયાળાની ટાઢ ખાવી સારી નહીં?

સુનયનાબહેન જેવી વેળાસર ઉનાળા માટે શિયાળાનું માટલું લઈ આવનારી લાંબી બુદ્ધિવાળી ગૃહિણીઓને આર્શીર્વાદ આપતું માટલું મજાથી પડ્યું છે. એને મૂકવાની જગ્યા સુનયનાબહેનને જડતી નહોતી. માળિયું નહીં ને અંદરના રૂમનું ઊંચું કબાટ પણ નહીં ત્યાં ય ચડવાની ઉતરવાની સમસ્યા. વળી ત્યાં તો બહારગામ લઈ જવાની મોટી બેગો પડી’તી. ત્યાં ય જગ્યા ન કરાય. જમીન પર તો રખાય નહીં. રખેને ઠેબે ચડી જાય!

એક બે દિવસ આમ જ ગયા. એક બપોરે સુનયના બહેન ટી.વી. જોતાં બેઠેલાં ને ઉપરવાળા ઉમાબહેન આવ્યાં. ‘શું ચાલે છે?’ કહેતાં એ ઘરમાં આવ્યાં ને માટલું જોઈને બોલ્યા, ‘લે નવું માટલું આવી ય ગયું?’ સુનયનાબહેને કહ્યું, ‘હા, હું તો દર વર્ષે શિયાળામાં માટલું લઈ જ લઉં છું.’

‘તે તમે જુના માટલાનું શું કરો?’ ઉમાબહેને પૂછ્યું.

‘કંઇ નહીં ગોપાલની વહુને આપી દઉં. એને વસ્તુઓ ભરવા કામ લાગે ને?’

‘લે તે એને શું કામ આપી દો છો? મને આપજો. આ વખતે હું તમને આનું વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આપીશ. સરસ મજાનું કૉફી ટેબલ થાય આનું તો!’ ઉમા બહેનનાં ઘરમાં પડેલી વેસ્ટ ચીજોને બેસ્ટ બનાવનાર કલાકાર હતાં. માટલામાંથી કૉફીટેબલ કઈ રીતે બનાવાય એનું લાંબું વર્ણન એમણે કર્યું. ઉમા બહેન વેસ્ટ ચીજોમાંથી બેસ્ટ ચીજો કઈ રીતે બનાવે છે એની વાત હું તમને ય કહીશ. હમણાં પેલા માટલાની વાત. સુનયનાબહેને આ માટલું જુનું થાય ત્યારે એમને આપવું એવું વચન લઈને ઉમાબહેન વિદાય થયાં. માટલું જુનું થાય ત્યારે એ વખતે એનું ઠેકાણું પાડવાની સમસ્યાનો ઉકેલ તો મળી ગયો. પણ હાલની સમસ્યાનું શું?

સુનયનાબહેનના રોજ કામોમાં એક કામ વધ્યું. માટલા  પરની ધૂળ ઝાટકવાનું. માટલું માળિયે પડ્યું હોત તો વાત જુદી હોત. ચડ્યા કરત ધૂળ. પણ આ તો બહારના રૂમમાં પડેલી ચીજ. રોજ સાફ રાખવી પડે કોણ જાણે ક્યારે કોઈ આવી ચડે! ધૂળ જુએ તો કેવું કહે? ડાઇનીંગ ટેબલ પર પડ્યું પડ્યું માટલું રોજ ઝાપટિયા ખાય. નીચેવાળા ગૌરીબેનનું ઘર વસ્તારી. એમણે જાણ્યું કે સુનયનાબહેને માટલું લઈ યે લીધું ત્યારે એમની પુત્રવધૂને કહ્યું ય ખરું કે ‘આપણે ય લાવી રાખીએ.’ પુત્રવધૂ કહે, ‘મમ્મી આપણે તો ભરવાના દિવસે જ લાવીશું.’ એટલે પછી ગૌરીબહેને સુનયનાબહેનના માટલામાં રસ ન લીધો. પણ એક દિવસ એમણે ભાવનાબહેનને જરા વાત કરી. ભાવનાબહેન બહુ ભક્તિવાળા. વારે વારે તીર્થસ્થાનોની યાત્રા કરવા જાય અને પાછા આવીને બધી બહેનપણીઓને પ્રસાદ વહેંચે. યોગાનુયોગ ભાવનાબહેન આ રવિવારે જ મહુડી અંબાજી જઈ આવેલાં. મહુડીની સુખડી તો ત્યાં જ પૂરી કરવી પડે પણ અંબાજીનો પ્રસાદ તો લવાય. ભાવનાબહેન મા અંબાનો પ્રસાદ (નકરા સાકરિયા જ હોં) લઈને સુનયનાબહેનને ઘેર પહોંચી ગયાં. પ્રસાદ આપવા જ સ્તો!

પ્રસાદ આપતાં એમની નજર નવા માટલા પર ગઈ. ‘આ માટલું અહીં કેમ રાખ્યું છે?’ એમણે પૂછ્યું. સુનયનાબહેને ટૂંકમાં માટલાની કથા અને સમસ્યા કહી. ‘પણ માટલું અહીં ન રાખો દિશા બરાબર નથી.’ એમણે અભિપ્રાય આપ્યો. ભક્તિ વિશેના જ્ઞાનનો આડલાભ એ કે તમને વાસ્તુ દિશા, તિથિ, વારના શુકન અપશુકન જ્ઞાન પણ મળે અને તમે ઘણી મોટી જ્ઞાનસેવા સમાજને આપી શકો. સમાજને પણ કાયદા, આરોગ્ય, કારકિર્દીની તકો વગેરે વિષયો કરતાં આવું જ્ઞાન મેળવવું ઘણું ગમે. ભાવનાબહેન એમની સોસાયટીમાં અતિલોકપ્રિય મહિલા તે આ જ કારણે.

‘પણ મને બીજે જગ્યા જ નથી મળતી.’ સુનયનાબહેને પોતાની મૂંઝવણ કહી.

‘હોતું હશે? હું શોધી આપું જગ્યા?’ યાત્રાઓ કરીને કરીને સ્ફૂર્તિવાન બનેલા ભાવનાબહેન તરત ઉઠ્યા. આખા ઘરમાં ફરી વળ્યાં અને જગ્યા શોધી આપી. સુધીરભાઈના લખવાના ટેબલ પર. ‘અહીં રાખો માટલું.’ એમણે હુકમના ટોનમાં સૂચન કર્યું. આગળ શિખામણ આપી. ‘ઘરમાં વસ્તુઓને યથાસ્થાને રાખીએ તો સમૃદ્ધિ વધે ને સાંભળો માટલું પાણિયારે મૂકો ત્યારે માટલે કંકુનો ટીકો કરી, દીવો કરી, પ્રાર્થના કરી ને પછી એમાં પાણી ભરજો. પાણી તો જોકે પહેલાં ભરી રખાય.’ સુનયનાબહેન સમજી ગયાં, ભાવનાબહેન ગયાં કે તરત એમણે માટલું શિફટ કરી દીધું. લખવાના ટેબલ પર.

હજી તો મહાશિવરાત્રી પણ નહોતી આવી. એ જાય પછી પંદર દિવસે હોળી આવે ને એ પછી પાંચમના દિવસે માટલું પાણિયારે મૂકાય. ત્યાં સુધી માટલું લખવાના ટેબલ પર. એના પર પડેલી બધી વસ્તુઓ સુનયનાબહેને જુદેજુદે ઠેકાણે મૂકી દીધી. ઘરમાં વસ્તુઓ યથાસ્થાને રાખવાની શિખામણનું શું? એવો સવાલ ન પૂછાય. કામ કરવાના સ્થાનને માટલું પચાવી પડે તો સમૃદ્ધિ કઈ રીતે વધે? એવું ય સુધીરભાઈ ન પૂછે તો આપણે કીસ ખેતકી….?

સુધીરભાઈ એટલું જ બોલ્યા, ‘તમારાં ભક્તસખીનું જ્ઞાન ઘણું છે હોં’ સુધીરભાઈ એથી વધારે ન બોલે. કેમ? સમય જતાં તમને સમજાઈ જશે. હમણાં વાર્તા સાંભળો. ટેબલ પરથી ખસેલી વસ્તુઓ શોધવામાં એમનો કેટલો બધો વખત જતો’તો? સારું ને? નિવૃત્તિમાં પ્રવૃત્તિ મળી! હવે માટલા પરથી ધૂળ ઝાપટવાની કામગીરી એમને ભાગે આવી. ‘હું તો કદી એમની કોઈ ચીજને અડકું ય નહીં. એ જાતે સાચવે ને જાતે સાંભળે, આપણે શું?’ સુનયનાદેવી ઉવાચ.(!?!?!?)

બસ સમસ્યા હલ થઇ ગઈ. મહા મહિનાનું માટલું યથાસ્થાને પડ્યું પડ્યું સુધીરભાઈની દેખરેખ હેઠળ ઘરની સુખસમૃદ્ધિ વધારી રહ્યું છે. એક દિવસ એમણે ગોપાલને પૂછ્યું. ‘આ વખતે તું હોળી માટે ગામડે ક્યારે જવાનો?’

ગોપાલે કહ્યું, ‘હોળી છવ્વીસ તારીખે છે. હું પચ્ચીસ તારીખે જવાનો ને ત્રણ દહાડામાં પાછો. મને ગામડે નહિં ગમતું.’ ( આ વખતે પાંચમ એક તારીખે છે. વચ્ચે બે ત્રીજ છે; માહિતી ભાવના બહેન.)

‘જોયું? પહેલેથી જાણી રાખ્યું હોત તો માટલું પહેલેથી ઉપર ચડાવી દેવાત કે નહીં?’ પણ સુધીરભાઈ આવું કહે જ નહીં સુનયનાબહેનને. એમણે તો માટલાનું ધ્યાન રાખવાનું છે. હા, મન થાય તો માટલા પર ‘અબ મેરા કૌન સહારાઆઆઆ… અબ મેરા કૌન સહારા?’ કોઈ વસ્તુ ન જડે તો ‘કહાં હો તુમ જરા આવાઝ દો’ અથવા ‘ના જાને તુમ કબ જાઓગે…’ ગીતોના તાલ વગાડવા હોય તો વગાડવાની ને ગાવાની ય છૂટ ખરી. રૂમનું બારણું બંધ કરીને હોં!

આમ ને આમ દિવસો વીતી ગયા. મહાશિવરાત્રી આવી ને ગઈ. હોળી યે આવીને ગઈ. ઉપર ચાર તિથિઓ ય ગઈ. માટલું પાણિયારે મૂકવાનો શુભ દિન આવ્યો. સુનયનાબહેન વહેલા ઉઠી ગયાં. નાહીધોઈને માટલું વીછળીને પાણી ભર્યું. એને પાણિયારે મૂક્યું. માટલા પર કંકુનો ટીકો કર્યો. બે બાજુ બે સાથિયા કર્યા. દીવો કર્યો. આરતીની તો સીડી જ મૂકી દીધી. કયા ભગવાનની પ્રાર્થના કરવાની એ ભાવનાબહેને નહોતું કહ્યું. ભૂલી ગયા હશે બિચારા. ઘરનું વાતાવરણ પવિત્ર પવિત્ર થઇ ગયું. હાશ, હવે આખો ઉનાળો માટલાનું ઠ્ંડું ઠંડું પાણી પીવા મળશે સુધીરભાઈને!

‘શું વાત કરો છો? સુધીરભાઈ તો ફ્રિજનું પાણી જ પીએ છે. જો કે બાટલા પોતે ભરે હોં. પણ એને માટે મોટા જગથી સ્ટીલની પવાલીમાંથી જ પાણી લેવાનું. માટલામાંથી ટબૂડીએ ટબૂડીએ પાણી કોણ લે? ભલે તો સુનયનાબહેન તો પીશે ને? નાઆઆરે ભૈસાબ, એમને તો કાયમી શરદીનો કોઠો. ઉનાળામાં ય એમનાથી ઠંડું પાણી ન પીવાય.’

‘તો આ બધું શું? વસંતપંચમીએ માટલું લાવવું, દોઢ મહિનો સાચવીને રાખવું, પૂજાપાઠ કરીને માટલું ભરવું. શું કામ આટલી બધી માથાકૂટ? આખો ઉનાળો રોજ એમાં પાણી ભરવું, રોજ ઢોળી દેવું? મેં  પહેલાં ય આવું પૂછ્યું’તું એમને. એમણે કહ્યું, ‘એ તો કરવું પડે. મારા સાસુના વખતની આ રીત છે. ‘મારા સાસુને હું બહુ વહાલી હતી. એમણે છેલ્લા શ્વાસે મારી કને વચન લીધું’તું ‘બેટા બીજી વહુઓ તો નહીં જ કરે પણ તું મારી આ રીત રાખજે હોં.’ તમે જ કહો મારે કરવું જોઈએ કે નહીં? છેલ્લા ત્રીસ વરસથી મારે દર વર્ષે આ તો કરવાનું જ.’

‘જોયું? વહુ હો તો ઐસી!’

‘પણ સાસુ ઐસી કૈસી?’  કોણ? કોણ બોલ્યું એ? સુધીરભાઈ જેવા સુધીરભાઈ કશું નથી બોલતા ને…?

— સ્વાતિ મેઢ

મો: ૯૭૨૪૪ ૪૨૫૮૬ / ૮૯૮૦૦ ૦૧૯૦૪ email: swatejam@yahoo.co.in


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “વહુ હો તો ઐસી – સ્વાતિ મેઢ