મનગમતું ચોમાસું – મીરા જોશી 1


તારા ભીંજાયેલા તરબતર શરીરને અઢેલીને બેઠેલી હું, તારા ભીના વાળમાં ફરી રહેલી મારી નાનકડી આંગળીઓ, એકમેકના ભીના અધરોને ચૂસીને ગૂંથાતું ઐક્ય ને એ સ્પર્શથી રુંવે રુંવે ઉગતી પ્રગાઢ તડપ..

વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું?
વરસાદને પણ લાગે કંઈક વરસ્યા જેવું..

બધા નીકળે છે અહીં ઓઢી છત્રી ને રેઈનકોટ
કોઈ તો મળે એવુંજે લાગે ભીંજાયા જેવું!

ચોમાસું ચરમસીમાએ પહોંચી રહ્યું હોય એમ જામી રહ્યું છે પણ એ વરસાદની સામે મને તારી આંખોમાં બેસેલું પ્રેમનું ચોમાસું વધુ ગાઢ લાગે છે…!

ગઈકાલે મારી આંખોથી તારી આંખોમાં દેખાતા ચોમાસાને પી લીધું મેં..

રેઇનકોટમાં ઓઢેલી કાયામાંથી આવતી તારા ભીના શ્વાસોની સુગંધ, તારા ભીંજાયેલા તરબતર શરીરને અઢેલીને બેઠેલી હું, આપણી વાતોમાં ખીલતું ખડખડાટ હાસ્ય, તારા ભીના વાળમાં ફરી રહેલી મારી નાનકડી આંગળીઓ, એકમેકના ભીના અધરોને ચૂસીને ગૂંથાતું ઐક્ય ને એ સ્પર્શથી રુંવે રુંવે ઉગતી પ્રગાઢ તડપ…

મનગમતું ચોમાસું આને જ કહેવાતું હશે..નહિ?!

વરસાદી વાયરો અને આપણા પ્રેમ આશક્ત મન પ્રકૃતિ અને પ્રેમના સાયુજ્યમાં અદ્ભુત આનંદના ચકડોળે ઝૂલી રહ્યા હતા.

મારા હ્રદયમાં તારી પ્રીતિની અમીટ સુગંધ છોડીને વરસાદ તો વહી ગયો પણ આ વખતનો વરસાદ મારા દિલમાં તારી એવી છાપ છોડી ગયો છે, જે ક્યારેય નહીં ભુંસાય..!

ઝરૂખામાંથી જોઈ વર્ષાની તડતડ જાણે,
સાંભળી મેં ઝાડ નીચેની ઝરમર જાણે
દોડ્યો હું ન્હાવા,
અને બંધ આંખે માણી બુંદોની કળ કળ જાણે,
ઉપર જોયું જરાક તો, દૂર એક ઝરૂખા મહીં,
કોઈકની નજર મારા પડતી,
જે હતી લાગણીથી સભર જાણે.
– કમલ શાહ


લગ જા ગલે કે ફિર હસી રાત હો ન હો…

કોફીના ઘૂંટડે ઝરમરતો વરસાદ નિહાળતાં મનગમતા ગીત સાથે તને યાદ કરું છું ને ચહેરા પર સ્મિત ઉપસી આવે છે.

ગઈકાલે ‘ફ્રેન્ડશીપ ડે’ ગયો. ગયા વર્ષે આ જ દિવસે તે મને શોધી લીધી હતી..! તારા એ પહેલા મેસેજમાં અચકાટ કરતાં હિંમત વધુ હતી..

ને પછી આપણી વચ્ચે એક વર્ચ્યુલ સેતુ બંધાયો. પણ એમાં એકબીજાને જાણવાના, પ્રભાવ પડવાના કે મળવાના પ્રયત્નો નહોતા. પવનનું મોજું આવે ને વૃક્ષ પરથી ફૂલ જમીન પર પડે એ રીતે તારા હ્રદયમાં મારો ચહેરો આવે કે તારું મનગમતું ગીત મોકલી મને યાદ કરવું.  યાદ કરવું અને કરાવવું કે હજુ’યે હું તારી રાહમાં છું,  બસ આ જ તારી મારા સુધી પહોંચવાની કોશિશ..

આખરે સળંગ ત્રણ મહિના બાદ નવરાત્રીના છેલ્લા નોરતે તને પહેલીવાર ખરેખર જોયો, મને ઝંખતો એક પૌરુષ અવાજ સાંભળ્યો, ને મહિનાઓથી તને નજરઅંદાજ કરતી હું એ રાત્રે તારી આંખોમાં નીતરતા પ્રેમના ધોધને ઉલેચી ન શકી..!

આપણી વચ્ચે કશું શક્ય નથી મારું એવું કહેતા જ ‘ગુડ બાય…’ કહી જઈ રહેલો તું ને અચાનક મારું તારો હાથ પકડી લેવું. એ અનાયાસ હતું ને છતાંય જાણે અનાયાસ નહોતું.. ઈશ્વરનો કોઈક સંકેત હતો? એ ક્ષણે મારે તારી આંખોમાં મારા માટે છલકતા પ્રેમને હજુ થોડો વધુ નિહાળવો હતો, અપરિચિતમાંથી પરિચિત સુધી તને થોડો વધુ જાણવો હતો. તારી લાગણીઓ સાચી છે એની ખાતરી એ થોડી ક્ષણોમાં જ થઈ ગયા બાદ મારા માટે તારો ચહેરો ભૂલવો અશક્ય હતો!

ને બીજી મુલાકાતમાં તારા પ્રેમમાં મીઠાસ ભળી. જયારે જયારે તને મને મળવાની ઈચ્છા થઈ અને હું તારા જીવનમાં નહોતી, એ દરેક નિષ્ફળ મુલાકાતની અઢળક ચોકલેટો એકસાથે તે મારા ખોળામાં ઢગલો કરી દીધી હતી..!

આજે આ બધું યાદ કરું છું ત્યારે સમય ઘોડાની ગતિથી સરકી ગયો હોય એવું લાગે છે. જાણે ગઈકાલની જ વાત!

ક્યારે તું મારી દુનિયાનો હિસ્સો બની ગયો, ક્યારે તું મારા હ્રદયમાં એક ખાસ જગ્યા બનાવતો ગયો, કઈ ક્ષણે હું તારામાં મારું ભવિષ્ય ઝંખવા લાગી, કઈ ક્ષણે તને પોતાનો માનવા લાગી કશું ખબર નથી.. નદીની ધારાની જેમ કોઈક સુંદર તત્વ આપણી વચ્ચે અનાયાસ વહેતું ગયું. ને એક સાયુજ્ય સંધાઈ ગયું, પ્રેમનું, આનંદનું, હુંફનું, સુખનું!

પણ શું આ સુખ શાશ્વત રહેશે..?

બચ્યા છે કેટલા એ શબ્દ પણ ગણી લઉં,
પડું છું ને ખુદની સિલક પણ ગણી લઉં.
ક્ષણો, કલાક, દિવસ, માસ વર્ષ કે સૈકા,
‍‍ શોભિત દેસાઈ

– મીરા જોશી  


આપનો પ્રતિભાવ આપો....

One thought on “મનગમતું ચોમાસું – મીરા જોશી