કથક: નૃત્યથી વિશેષ – અર્ચિતા દીપક પંડ્યા 5


નૃત્યનિનાદ પ્રકરણ : ૧૦

કથકનૃત્યની એક લાક્ષણિકતા છે જે અન્ય નૃત્યથી એને અલગ કરે. કથકમાં ભ્રમરી કે ઘુમરીનો પ્રયોગ થાય છે. નર્તક ત્રણના આવર્તનમાં ચક્કર, ટુકડા કે તોડા કરતી વખતે રજુ કરે છે. આવા ટુકડા કે તોડાને ચક્કરદાર કહે છે. ત્રણ, છ, બાર, પંદર, અઢાર કે પછી એના પણ આવર્તનો હોય એટલા ઝડપી અને ખૂબ ચક્કરો એક સાથે ફરીને અંતે સમ પર સ્થિર મુદ્રામાં ચમત્કૃતિથી પ્રેક્ષકો સામે અંદાજથી ઊભા રહીને આનંદ અપાવે છે.

કથકનૃત્ય, તાલપ્રધાન નૃત્ય

ઉત્તર ભારત, ગુજરાત અને રાજસ્થાનમાં સવિશેષ પ્રચલિત એવું આ નૃત્ય દર્શકોના મન પર અનેરી છાપ છોડે છે. બંને પગ સમસ્થિતિમાં હોય એ સાથે શરૂ થતું નૃત્ય એનાં લાવણ્યનું જાદુ પ્રેક્ષકો પર કર્યા વગર રહેતું નથી. તાલપ્રધાન નૃત્ય હોવાથી તાલમાં સમ સાથેની ચમત્કૃતિથી આ નૃત્ય પોતાનો અનોખો અંદાજ કેળવે છે. ચક્કર અથવા તો ભ્રમરી આ નૃત્યનું વિશેષ પાસું છે. તીર જેવી નજર, એકદમ તરલ એવી અંગોની કસકમસક અને પગ દ્વારા તાલપૂર્ણ આઘાત, ચપળ રજુઆત આ નૃત્યને વિશિષ્ટ બનાવે છે.

ફોટો કલાકાર : શ્રીમતી શ્રદ્ધા બ્રહ્મભટ્ટ; કથક નૃત્યાંગના. તાલ ડાન્સ એકેડમી, ગુરુ: શ્રી મૌલિક શાહ, ઈશિરા પરીખ

નૃત્યના બોલ

કથકનૃત્યમાં તબલા કે પખાવજના બોલ પર પણ નૃત્ય થાય છે. તાલના બોલ પર તત્કાર (માત્ર પગસંચાલન) એક અદાકારીથી રજુ થાય છે. તત્કાર રજુ કરતી વખતે વિવિધ લયકારીથી પલટા રજુ થાય છે. જેને લીધે દર્શકો તાલ અને પ્રસ્તુતિને ખૂબ સરસ રીતે માણે છે. એટલે માત્ર બોલ જ હોય એ પણ જરૂરી નથી. જુદા જુદા લય અને તાલમાં એક જ બંદિશ ને ગોઠવી ને તેને પ્રસ્તુત કરવા માટે યોગ્ય ગણતરી આવશ્યક છે, એટલે કે કથક આપણાં ગણિતની પણ ચકાસણી કરે છે. કથક નૃત્યમાં પણ ભારતીય દેવ-દેવીઓના વર્ણન કરવામાં આવે છે જે આપણને આપણા સાંસ્કૃતિક વારસાથી જોડે છે.

કથકના બોલમાં વપરાતા શબ્દો

તા, ધા,ના, ગે, તકા, ધીન, ધાગે, તીટ, ધીટ, કીટ, ધુમ,તૂના, થેઈ,તાત્રક, ધાત્રક, ધીકીટ, તિકીટ, ધિલાંગ, તિલાંગ, તિરકીટ, થિરકીટ, કિડનગ વગેરે. જે બધાં તાલવાદ્યોના બોલ છે.

તાલ એટલે શું?

તાલ શબ્દ મૂળરૂપ ‘તલ’, એટલે કે કરતલ પરથી બન્યો છે એવું માનવામાં આવે છે. પહેલાના સમયમાં સમયની ગતિને હાથથી તાળી વગાડીને સમજવામાં આવતો હતો. આજે પણ આ ક્રિયા ચલણમાં છે જ. કાળક્રમે કરતલને બદલે ઝાંઝ-મંજીરા જેવા ઘનવાદ્યો પ્રચલનમાં આવ્યા. કાળનું એક વિશિષ્ટ પ્રમાણરૂપ અને અવધિ એ તાલ બની ગયા.  ભરતમુનિએ કહ્યું છે.

तालो घन इति प्रोक्तः कलापातलयान्वितः।
कालस्य तु प्रमाणं वै विज्ञेयं तालयोक्तृभिः।।

અર્થાત્ ઘન વાદ્યને તાલ કહેવાય છે. તાલ પ્રયોક્તાના દ્વારા કલા, યતિ, લય વગેરે સાથે કાળને પ્રમાણરૂપ મનાય છે.

આચાર્ય શારંગદેવના માનવા પ્રમાણે તલ્ ધાતુ એ પ્રતિષ્ઠા, આધાર કે પાયો એવા અર્થમાં હોઈ શકે. તાલ એ સ્પંદનના સ્વરૂપમાં છે. એનો કોઈ ભૌતિક આકાર નથી. કહેવાય છે કે સંસારમાં બધી શક્તિઓ સ્પંદનના સ્વરૂપમાં જ હોય છે.

तकार शङकरः प्रोक्तो लकारः पार्वती स्मृताः।
शिव-शक्ति समायोगात् ताल इत्यभिधीयते।।

અર્થાત્  શિવજી એ ‘ત’ (તાંડવ) રચ્યું અને પાર્વતીએ ‘લ’ (લાસ્ય) નું સ્મરણ કર્યું. આમ, શિવપાર્વતીના સમાયોગ રૂપ જ તાલ શબ્દ બન્યો. તાલ એટલે કાલનો ચોક્કસ અંતરાલ.

કથકનૃત્યમાં ઉત્તર ભારતીય શાસ્ત્રીય પદ્ધતિ મુજબના તાલ પર નૃત્ય થાય છે. જેમાં સામાન્ય રીતે એક નિશ્ચિત માત્રાઓનો સમૂહ લેવાય છે. પછી પોતાની કલ્પના અને ગતિ પ્રમાણે વિભાગોમાં વહેંચાય છે. દરેક વિભાગ એક થી પાંચ માત્રાનો હોય છે. એ પછી તાલી અને ખાલી નક્કી થાય છે. અને તાલની પહેલી માત્રા એ સમ કહેવાય છે. તેમ જ તાલના સ્વરૂપ પ્રમાણે જ, એના બોલ પર જ વાદ્ય વગાડાય એને ઠેકા કહેવાય છે. એ પછી અનેક બોલના સમૂહથી તોડા, ટુકડા, પરન, પ્રમેલુ, ચક્કરદાર વગેરે બને છે. જેની પર તાલ વિભાગમાં કથક નૃત્ય પેશ થાય છે.

આ બધી જ રચનાઓને સૈદ્ધાંતિક રીતે બરાબર સમજવી પડે છે અને કઠોર મહાવરા વગર એને રજુ કરવી મુશ્કેલ છે. કથક કલાકારે તાલના વાદક જેટલું જ તાલનું જ્ઞાન હાંસલ કરવું પડે છે. એક બીજી રીતે જોઈએ તો કથક કલાકરની ગણતરી એકદમ પાક્કી હોવી જોઈએ. તાલના પ્રવાહ સાથે માત્રા એના મનમાં આપોઆપ ગણાતી હોય છે. જે એક અદ્ભુત કલા છે. દા. ત. ત્રિતાલ સોળ માત્રાનો તાલ છે. એના તત્કાર સીધા સોળ માત્રામાં હોય પણ રજુ થતાં પલટા કે તોડા ટુકડાના આવર્તનો એના ગુણાકારમાં હોઈ શકે. એટલે ગણિત અને તાલ આ નૃત્યમાં સમાંતર ચાલે છે.

વિવિધ તાલ પર થતું કથક નૃત્ય

કથક કલાકારો ત્રિતાલ,ચૌતાલ, ઝપતાલ, ધમાર, દીપચંદી પર મુખ્યત્વે નૃત્ય રજુ કરે છે. કોઈ કોઈ શિખર તાલ, રાસતાલ, પંચમ સવારી, અષ્ટમંગલ તાલ, મત્ત તાલનો પ્રયોગ પણ કરે છે. પ્રસ્તુતિ વખતે વંદના, સ્તુતિ, સલામી, આમદ, ટુકડા, તોડા, ગત, તરાના, તત્કાર, પલટા, સંગત અને ઠુમરી રજુ કરીને તાલના આમોદ પછી ભાવવિશ્વમાં નર્તક આપણને લઈ જઈને એક સંપૂર્ણ નૃત્યનો આનંદ આપે છે.

કવિત.. તાલમાં નૃત્યના બોલ

મુરલીકી ધૂન સુન, બજત મૃદંગ ધૂન, ધુધુકિટ ધુધુકિટ ધુકિટ ધુકિટ થેઈ.

કુકુકુકુ કુકુકુકુ ઝનનન નનનન ધ્વનિસુ નતઉઠિ હિરત ફિરત ચિત.

ચંદ્રચપલ ગતિ નાદિગદિગના દિગદિગદિગદિગ

થોદિગદિગથોં દિગદિગદિગદિગ ત્રામતક થેઈતક થેઈતક થેઈત્રામ તકથેઈ તકથેઈ.

તકથેઈ ત્રામતક થેઈતક થેઈતક થેઈ.

આ પ્રમાણે કવિતા તથા તાલના બોલ દ્વારા પ્રસંગોનું ભાવપૂર્ણ વર્ણન પણ કરવામાં આવે છે.

એક વધુ કલાપ્રેમી શાસક : રાજા ચક્રધર સિંહ

આપણે આગળ જોયું કે લખનૌના નવાબ વાજીદઅલી શાહે કથકનૃત્યને ઘણી મદદ થાય એવા કાર્યો કર્યા અને એનું સ્વરૂપ બચાવી રાખ્યું. એ જ રીતે રાયગઢના (છત્તીસગઢ) ના રાજા ચક્રધર સિંહે પણ કથકનૃત્યના વિકાસમાં ઘણો રસ લીધો. રાજા ચક્રધર બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. એ પોતે નૃત્યવિદ્ ઉપરાંત ઉપન્યાસકાર, નાટકકાર, કવિ તથા ઉર્દુ શાયર પણ હતા. પણ સૌથી વધારે રુચિ એમને તબલા, પખાવજ તથા નૃત્યમાં હતી. આ રસ એમને જનીનવારસામાં મળેલો હતો. એમના રાજ્યમાં અનેક કલાકારો આવતા પુરસ્કૃત થતા, સન્માનિત થતા. જેમાં નૃત્યક્ષેત્રે જાણીતા નામ જોઈએ તો.

પં. જયલાલ, અચ્છન મહારાજ, મોહનલાલ, સોહનલાલ વગેરે હતા. રાજા ચક્રધરે ‘નર્તન સર્વસ્વ’ નામનું પુસ્તક પણ લખ્યું જે પાંડુ લિપિમાં હજુ પણ સુરક્ષિત છે. જે રાયગઢ નૃત્ય પરંપરાનો આધાર ગ્રંથ છે. રાજા ચક્રધર પોતે સાહિત્યપ્રેમી, વાદક અને નૃત્યકાર હતા. એમણે પોતાની કલાસૂઝથી કથક નૃત્યમાં આવિષ્કારક સિદ્ધિ પ્રાપ્ત કરી અને લોકોમાં એને લોકપ્રિય બનાવ્યું.

કથકની અનેરી વિશિષ્ટતા

કથકનૃત્યની એક લાક્ષણિકતા છે જે અન્ય નૃત્યથી એને અલગ કરે. કથકમાં ભ્રમરી કે ઘુમરી અથવા તો ચક્કરનો પ્રયોગ થાય છે. નર્તક ત્રણના આવર્તનમાં ચક્કર, ટુકડા કે તોડા કરતી વખતે રજુ કરે છે. આવા ટુકડા કે તોડાને ચક્કરદાર કહે છે. ત્રણ, છ, બાર, પંદર, અઢાર કે પછી એના પણ આવર્તનો હોય એટલા ઝડપી અને ખૂબ ચક્કરો એક સાથે ફરીને અંતે સમ પર સ્થિર મુદ્રામાં ચમત્કૃતિથી પ્રેક્ષકો સામે અંદાજથી ઊભા રહીને આનંદ અપાવે છે. જ્યારે કોઈ બોલ, ટુકડા, પરન અથવા ગત ત્રણવાર પ્રયોગ કરવાથી સમ પર આવે એને ચક્કરદાર કહે છે.

એક પ્રકાર દમદાર ચક્રદાર પણ હોય છે એમાં દરેક આવર્તન પછી થોડું રોકાઈને બીજું આવર્તન શરૂ થાય છે. જે ખૂબ સુંદર લાગે છે. બીજા નૃત્યમાં જેમ  ઘુંઘરુંનો એક ખાલી પટ્ટો પહેરવાને બદલે ઘણાં મોટાં ઘુંઘરું પહેરવામાં આવે છે. એ પણ આ નૃત્યની લાક્ષણિકતા છે. અમારી અકાદમીમાં પ્રારંભિક વર્ષોમાં અમે રાહ જોતાં કે ક્યારે ગુરુજી મોટા ઘુંઘરૂ પહેરવાની આજ્ઞા આપે! શુદ્ધ પિત્તળથી બનેલ અને અત્યારે મળે એનાથી કદમાં મોટા ઘુંઘરૂ ઊંચકતાં પણ વજન લાગતું. પાંચસોથી હજાર ઘુંઘરૂ પગે બાંધ્યા હોય અને રોજ મહાવરો કરતાં નર્તકના પગની શક્તિ માટે કલ્પના કરી શકશો કે કેવી તિકાત હશે!

કથકમાં વપરાતા વાજિંત્રો

કથકનૃત્ય માટે સંગત કરતાં વાદ્યોમાં તબલા મુખ્ય હોય છે. જે પહેલાનાં વખતમાં પહેલા પખાવજનો ઉપયોગ થતો. તબલાની ઉત્પતિ આ પખાવજમાંથી જ થઈ છે. તાલ માટેનું આ ઉપકરણ હતું, જેને મોગલોએ બે વિભાગમાં વહેંચીને તબલા બનાવ્યા. સંગીતની ધૂન વગાડવા સારંગીનો ઉપયોગ થાય છે. તાલનો પ્રભાવ હોય એવા બોલથી થતાં નૃત્ય માટે એક જ રાગની ધૂનને ચોક્કસ તાલના એક આવર્તનમાં એટલે કે ઠેકા, તાલના મુખ્ય બોલ સાથે વગાડવામાં આવે છે. જેને ‘લહેરો’ કહેવાય છે. સારંગીને સ્થાને હાર્મોનિયમનો ઉપયોગ પણ થાય છે.

બાકી સ્તુતિ, ભજન, ઠુમરી કે ગઝલ વગાડતી વખતે તો આ જ વાદ્યો હોય એ સ્વાભાવિક છે પણ તાલપ્રધાન પ્રસ્તુતિ પણ સંગીતમય હોય છે.

કથકનો પહેરવેશ

કથકનો પહેરવેશ પણ બે પ્રકારનો હોય છે. આમ તો કથા કહેતાં કહેતાં નૃત્ય કરતાં નર્તનકારો ચોલી, ચુંદડી અને ઘાઘરો પહેરતાં. કમરબંધ અને ઘુંઘરૂ ઉપરાંતના બધાં શણગાર પણ પહેરાતા. પહેલાના સમયમાં ચુંદડી માથે ઓઢાતી હવે એ બંધન રહ્યું નથી. મોગલોના કાળમાં મોગલાઈ પહેરવેશ પહેરાતો થયો. જેમાં ચુડીદાર અને લાંબો કુર્તો પહેરાતો. માથે ચુંદડી પણ ઓઢાતી. દરબારમાં કથક પેશ કરતી વખતે કુર્તા પર નાની કોટી કે ચુંદડી સાથે ટોપી પણ નાચનારીઓ પહેરતી. નાચનારી જેવો પહેરવેશ કથકનૃત્યએ અપનાવ્યો એની અસર એની પોતાની છબિ પર પણ પડી એમ મારું માનવું છે. શાલિન લોકો પહેરવેશ આખા શરીરને ઢાંકતો હોવા છતાં નિમ્ન કક્ષાનું નૃત્ય રજુ થાય છે એવી ધારણા બાંધી લેતાં થયા. જો કે ધીરે ધીરે કથક નૃત્યએ એની ગરિમા પાછી મેળવી જ છે એ હર્ષની વાત છે. મુગલાઈ નૃત્ય જોડે મુગલાઈ શણગાર પણ બહુ સહજ રીતે આવી ગયા હતા. લાંબો શણગારેલો ચોટલો, ટીકો અને નથણી બધાં મોગલાઈ છાંટવાળા આભૂષણો એ ડ્રેસ સાથે પહેરાતા.  હવે પોશાકનું બંધન નથી પણ લગભગ જૂની રીતને અનુસરીને શણગારમાં નાના મોટા ફેરફાર થાય છે. હવે આભૂષણોથી લદાયેલ કે ભપકાદાર પહેરવેશ જ હોવા જોઈએ એવું નથી. ‘લાંબો ચોટલો જ હોવો જોઈએ’એવું બંધન નથી હોતું.

કથકનૃત્યના ઘરાના

આજકાલ કથક નૃત્યના મુખ્યત્વે ત્રણ ઘરાના છે, જ્યાંથી મોટા ભાગના નર્તકો પોતાની ઓળખ મેળવે છે: જયપુર, લખનૌ અને બનારસ ઘરાના (જેઓ કચવાહ રજપૂત રજવાડા, અવધના નવાબ અને વારાણસીના નવાબના દરબારમાં આશ્રય મેળવી વિકસ્યા). આ સિવાય રાયગઢ ઘરાના પણ પ્રચલિત બન્યો જે દરેક ઘરાનાની વિશિષ્ટતાઓ ધરાવે છે. પણ તેમની અમુક વિશિષ્ટ નૃત્ય રચનાને પરિણામે આ ઘરાના અસ્તિત્વમાં આવ્યો. ઘરાના એટલે આમ તો શૈલી કે એ જ નૃત્યપ્રકારનો ફાંટો.

 ઘરાનાનું વિભાજન મુખ્યત્વે નૃત્યની અલગ શૈલી અને સ્થળ પ્રમાણે થયું. દરેક ઘરાનાએ પ્રતિષ્ઠિત કલાકારો સમાજને આપ્યા છે. જયપુર ઘરાના જોઈએ તો એમાં સૌથી વધારે રૂઢિગત બાબતોનું પાલન થાય છે. જેમ કે પહેરવેશ ઘાઘરા, ચોલી અને ચુંદડી વધારે પસંદ કરાય છે. માંગટીકા, કમરબંધ તથા બંગડી તેમ જ ટૂંકી ગળામાં ફીટ રહે તેવી હાંસળી તથા લાંબો હાર જેવા આભૂષણો આ ઘરાનામાં મુખ્ય મનાય છે. પુરુષો ચુડીદાર તથા મોટો કુર્તો પહેરતા હોય છે તથા દુપટ્ટો કમરમાં બાંધીને નૃત્ય કરે છે. તે ઉપરાંત જયપુર ઘરાના વીર શૈલી અને તાંડવ ચારીઓ વાળું નૃત્ય રજુ કરે છે. જયપુર ઘરાના ભાનુજી મહારાજને લીધે અસ્તિત્વમાં આવ્યો. ભાનુજી વેગવાન અને વીરરસપૂર્ણ નૃત્યને વધારે મહત્વ આપતા. તેમના પૌત્ર કાન્હુજીએ પાછળથી લાસ્ય મુદ્રાઓનો પણ સમાવેશ કર્યો. જેથી પછીથી શ્રુંગારરસપૂર્ણ નૃત્ય પણ પ્રયોજાવા લાગ્યું. અકબર બાદશાહના દરબારમાં નવરત્નો હતા એમ રાજપૂતો પાસે જયપુરમાં ગુણીજનખાના હતું. વિલંબિત લયથી શરૂ કરીને પ્રસ્તુત નૃત્ય જ્યારે દ્રુતગતિમાં પહોંચે ત્યારે દર્શકો પણ આત્મિક આનંદની અવસ્થાને માણે છે.

લખનૌ ઘરાના અથવા તો પૂરબ ઘરાનાના પ્રખ્યાત કલાકારોમાંના એક, બિરજુ મહારાજ આજે પણ બોલિવુડમાં નૃત્ય નિર્દેશન કરી રહ્યા છે. નવાબ આસિફ ઉદ દૌલાના સમયમાં કથકની લખનૌ શૈલી અસ્તિત્વમાં આવી. તે વખતે પંડિત પ્રકાશજી મિશ્રાએ આ અલગ ઘરાનાની રચના કરી. ખૂબ જ જાણીતા નૃત્યવિદ્ પંડિત દુર્ગાપ્રસાદ, બિંદાદિન મહારાજ, કાલકાપ્રસાદ, અચ્છન મહારાજ, લચ્છુ મહારાજ, શંભુ મહારાજ, બિરજુ મહારાજ, અર્જુન મહારાજ જેવા સિતારાઓથી આ શૈલી શોભી રહી છે. અવધના નવાબ વાજીદઅલી શાહ પોતે શ્રી દુર્ગાપ્રસાદજીના શિષ્ય બન્યા. આ ઘરાના એ મોગલાઈ પહેરવેશ અને આભૂષણો સ્વીકાર કર્યા. કથકમાં ફારસી નૃત્યની અસર અને મોગલાઈ છાંટ જોવા મળે છે. આમદ, સલામી જેવા શબ્દો અસ્તિત્વમાં આવ્યા. આ ઘરાનામાં ઠુમરી, ભજન કે પદો પર નૃત્ય કરવાને ઘણું મહત્વ મળ્યું. ઉપર જણાવેલ પ્રસિદ્ધ નૃત્યકારો પોતે ઠુમરીની રચનાઓ કરતા.

બનારસ ઘરાના એ વારાણસીની આજુબાજુના પ્રદેશોમાં ઉદ્ભવ પામ્યો. આજે પણ બનારસ ઘરાનાના કલાકારો નૃત્યક્ષેત્રે પ્રવૃત્ત રહીને કાર્યક્રમ કરતા રહે છે. આજે તો આ ઘરાનાનાં કલાકારોની ચૌદમી પેઢી નૃત્યની સેવા કરી રહી છે. જાણીતા નામ છે, વૈભવ ક્રિષ્ન મહારાજ, વાસુ ક્રિષ્ન મહારાજ, અશોક ક્રિષ્ન મહારાજ અને પંડિતા અર્ચના જોગલેકરજી મુખ્ય કલાકારો છે.

અમદાવાદ ખાતે પણ ડૉ. કુમુદિનીબેન લાખિયા, ડૉ. રૂપા મહેતા તથા મૌલિક શાહ-ઈશિરા પરીખે એમનું અનન્ય યોગદાન આપ્યું છે. કથક એની સૌંદર્યમયી સહજતા, લાવણ્યમય લાક્ષણિકતા, ચક્કરદાર ચમત્કૃતિથી કલાપ્રેમીઓના હ્રદયમાં સદા આત્મિક આનંદની ગૂંજ ઊભી કરતું રહેશે.

અર્ચિતા દીપક પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “કથક: નૃત્યથી વિશેષ – અર્ચિતા દીપક પંડ્યા