વાસાંસિ જીર્ણાનિ : દેવાંગી ભટ્ટ; પરિભ્રમણ – હીરલ વ્યાસ 4


પરિભ્રમણ – મોતી : ૧૧

સાવ સામાન્ય ઇયળ કોશેટો બનાવે અને કોશેટોમાંથી રંગબેરંગી પતંગિયું બને. ક્યારેક સાવ સામાન્ય લાગતું જીવન પણ અચાનક પતંગિયાની જેમ રંગબેરંગી લાગવા લાગે. એ અવસ્થા પતંગિયા જેવી હળવાશ અને મુક્તિ બન્નેની અનુભૂતિ કરાવે. આવા જ એક રંગબેરંગી કલ્પનનું ઊડાઊડ આ નવલકથામાં અનુભવવા મળે.

પુસ્તકનું નામ – વાસાંસિ જીર્ણાનિ

લેખિકા – દેવાંગી ભટ્ટ

દેવાંગીબેન ભટ્ટ 
Devangi Bhatt
Vasansi Jirnani

પરિચય – શ્રી દેવાંગીબેન ભટ્ટ રંગમંચ સાથે જોડાયેલાં છે. નાટકો લખે છે અને ભજવે પણ છે. નાટક બદલાતાં જેમ વેશ બદલાય એમ નાટક લખતાં-લખતાં વાર્તાઓ અને નવલકથા લખવાની શરૂઆત થાય છે. આ શરુઆત પછીનો પ્રવાસ તેમને ગુજરાત સાહિત્ય અકાદમીના શ્રેષ્ઠ નવલકથાના પારિતોષિક (વાસાંસિ જીર્ણાનિ – વર્ષ ૨૦૧૯) સુધી લઈ આવે છે. ‘ફેસબુક ઑફ મિ. રાય’, ‘અસ્મિતા’, ‘સમાંતર’, ‘પર્સેપ્શન’, ‘અશેષ’, ‘ત્વમેવ ભર્તા’ એમનાં અન્ય પુસ્તકો છે. વાસાંસિ જીર્ણાનિ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ પણ થયો છે.

પુસ્તક વિશે – પુસ્તકની શરુઆત એક સંસ્કૃત શ્લોકથી થાય છે, જેના પ્રથમ બે શબ્દો છે ‘વાસાંસિ જીર્ણાનિ’. આ શ્લોકનો અર્થ છે વ્યક્તિ જૂનાં વસ્ત્રો ત્યજીને નવા ધારણ કરે છે, એ જ રીતે જીવાત્મા જીર્ણ શરીરનો ત્યાગ કરી નવા દેહમાં પ્રવેશે છે. પણ જરૂરી તો નથી કે દર વખતે જીર્ણ શરીર જ નવા દેહમાં પ્રવેશે!

પોલોમા ચટ્ટોપાધ્યાય એક બંગાળી સ્ત્રી છે. આધેડ વયની સામાન્ય ગૃહિણી છે. એણે એના ઘરની બહારની દુનિયા ઝાઝી જોઈ જ નથી. એને એના દીકરાનાં બાળકોને રમાડવાં ગમે છે. સાડી વેચવા આવતા ફેરિયા સાથે રકઝક કરવી ગમે છે. કે પછી પાસપડોશમાં વાતો કરવી ગમે છે. ક્યારેક પોતાની વહુઓ સાથે બંગાળી નાટક જોવા જાય છે. સામાન્ય જીવન જીવે છે. પોલોમાને ક્યારેક વિચાર આવે છે કે એનું જીવન ખાસ કોઈ ઘટના વગર પસાર થઈ ગયું. એનો પતિ નિખિલ તો વળી આ બધાથી નિર્લેપ છે. એના જીવનમાં કશું જ અસામાન્ય નથી. સવારે નોકરી પર જવું, પાછા આવવું, નિરાંતે છાપું વાંચવું, દેશની ચિંતા કરવી અને રાત્રે પાચનચૂર્ણ લઈ સૂઈ જવું. નિખિલબાબુના દરેક દિવસો એકસરખા છે, સાવ સામાન્ય!

આપણી પાસે જે હોય તે દરેક વસ્તુની કિંમત આપણને વધારે લાગે છે જ્યારે ખબર પડે કે એ વસ્તુ ટૂંક સમયમાં આપણી પાસેથી ચાલી જવાની છે. જે ઘરમાં પોલોમા અને નિખિલનું કુટુંબ રહે છે તે વર્ષો જૂનું છે. ઘરમાં ઘણા ઓરડા છે અને એમાંથી ઘણા ઓરડા હવે વપરાતાં પણ નથી. ઘરની આવી જ એક જગ્યા એટલે ધાન ભરવાનો કોઠાર. જેમાં બબ્બે માણસ સમાય એવી કોઠીઓ રાખેલી છે. એક દિવસ એક મ્યૂઝિયમવાળો આવી ને એમની કોઠીઓના ઘણા પૈસા મળશે અને કોઠીઓ મ્યૂઝિયમમાં મુકાશે એમ જણાવે છે. ત્યારે ઘરના બધા અને થોડી રકઝક પછી પોલોમા પણ કોઠીઓ વેચવા તૈયાર થાય છે. પણ એ કોઠીઓને છેલ્લે છેલ્લે જોઈ લેવાની લાલસા પોલોમા છોડી શકતી નથી. જીવનમાં બધું જ આપણી ઇચ્છા પ્રમાણે થાય એવું જરુરી નથી. અને ત્યારે આપણે પરિસ્થિતિ સ્વીકારી લેતાં હોઈએ છીએ. પણ અંતરમન એ અધૂરી રહેલી ઇચ્છાઓ મનમાં ક્યાંક સાકર કરી જ લે છે. પોલોમાની એવી કઈ ઇચ્છાઓ હતી એ જાણવા આપણે પણ એની સાથે કોઠીમાં ઊતરવું જ પડે!

Vasansi Jirnani વાસાંસિ જીર્ણાનિ
Vasansi Jirnani વાસાંસિ જીર્ણાનિ

આખી નવલકથામાં ચાર જુદીજુદી સ્ત્રીઓની વાત છે. પોલોમા, ઓરોરા, રાબિયા અને મોંઘી. ઓરોરા એ જર્મનીમાં જીવે છે, રાબિયા ઇજિપ્તના રૉયલ ફૅમિલીની છે અને મોંઘી ભારતાનાં કાઠિયાવાડમાં જીવતી સ્ત્રી છે. આ ચારે સ્ત્રીઓ જુદા કાળખંડમાં, જુદા પ્રદેશમાં જન્મી છે અને જીવી છે. છતાં એક વસ્તુ સમાન્ય છે અને એ છે એમની અધૂરી રહેલી ઈચ્છાઓને પૂરી કરવાની ઈચ્છા.

દસ વર્ષની નિર્દોષ બાળા ઓરોરા હાથમાં કંઈક ચમકતી વસ્તુ પકડીને “ઝાઉબ…મૅજિક!” બોલેલી ત્યારે એને ખબર નહોતી કે આ બાલિશ ચેષ્ટા એના જીવનમાં ઝંઝાવાત લાવશે. એની પર ખોટું આળ લાગશે. એને ખબર નહોતી કે એના પર લાગેલાં આ આળનો પ્રતિશોધ લેવાની તક મળશે, અને તક મળશે ત્યારે કેટલાં ઝનૂનથી એ તકને ઝડપી લેશે. કર્લીવાળવાળી એક બાળા પર એણે કેટલો જુલ્મ કર્યો. માત્ર અને માત્ર એની માની આંખમાં આંસુ જોવા. પણ એ પ્રતિશોધનો અંત પણ એ જ બાળાના “ઝાઉબ…મૅજિક!” જેવા સામાન્ય શબ્દોથી થાય. ઓરોમાની આખી વાતમાં કૅમ્પના જીવનની કરુણતા આપણા રૂંવાડાં ઊભા કરી દે એવી છે. 

રાબિયા એટલે દોમદોમ સાહ્યબીમાં જીવતી, ઇજિપ્તમાં રહેતી સુખી સ્ત્રી. નદીની જેમ વહેતાં રહેતાં જીવનમાં એક અખેત નામનો ચિત્રકાર આવીને ઝંઝાવાત ઊભો કરી જાય. અખેત એના ચિત્રમાં જ નહીં પણ રાબિયાના જીવનમાં પણ રંગ ભરતો જાય. જિંદગીના એક પડાવ પર એકબીજાને મળે અને છતાં પામી ન શકે. ન પામી શકવા છતાં રાબિયાને એનો રતીભાર અફસોસ ન થાય એટલું ઊંડાણ એ મેળવી શકી હતી.

મોંઘી – સાવ નોખી. જ્યારે ગામ આખામાં વાત વહેતી થાય છે કે ઓગણીસ દિવસ પછી પ્રલય થવાનો છે અને આખી પૃથ્વીનો નાશ થવાનો છે ત્યારે ગામનાં લોકો ભેગા મળીને સાથે રહે છે. પણ આ બધામાં મોંઘી એક જુદા જ પ્રકારનું સાહસ કરવાનું વિચારે છે. એ વિચાર પહેલાં પોતાની સખીને જણાવે છે. અને મદદ પણ માંગે છે. પ્રલય તો થતો નથી પણ પોતાના આવા સાહસથી જીવનમાં શું પ્રલય આવવાનો છે એનો અંદેશો આવી જાય છે. અને મોંઘીને અંતિમ પગલું ભરવા મજબૂર કરે છે.

કહેવાય છે કે કલ્પનાને સ્થળ, કાળ કશું જ નથી નડતું. જો એ અનુભવવું હોય તો આ નવલકથા વાંચવી રહી!

મળતાં રહીશું નવા પુસ્તકના પાને! 

– હીરલ વ્યાસ

પુસ્તક પ્રાપ્તિ વિશે માહિતી – પ્રકાશન : ૨૦૧૯, પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન – નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, પુસ્તક કિંમત – રુ. ૨૨૫


આ પુસ્તક વિશે દેવાંગીબેન સાથે અક્ષરનાદના ફેસબુક પેજ પર થયેલ વાર્તાલાપ અહીં જોઈ શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “વાસાંસિ જીર્ણાનિ : દેવાંગી ભટ્ટ; પરિભ્રમણ – હીરલ વ્યાસ

  • Tanu patel

    ઘણા લાંબા સમય પછી એક સ-રસ નવલકથા વાંચવા મળી.ચારેય સ્ત્રી પાત્રો અદભુત.’અખેત’નું જીવંત પાત્ર આંખ સામે ખડું થાય.’વાસાંસિ જીર્ણાનિ’ ના સર્જક
    દેવાંગીબેન ને ખુબ ખુબ ધન્યવાદ…

  • tanupatel55

    ઘણા લાંબા સમય પછી એક સ-રસ નવલકથા વાંચવા મળી.અને તે પણ કેનેડા (ટોરન્ટો)ની લાયબ્રેરી વતી.ચારેય અદ્ભુત સ્રી પાત્રો.’અખેત’નું પાત્ર બહુ ગમ્યું.એની એક જીવંત છાપ મન ઉપર છવાયેલી રહી છે.. ખુબ ખુબ ધન્યવાદ બેન.’વાસાંસિ જીર્ણાનિ’.માટે..અન્ય નવલકથા વાંચવી પડશે…