એક ઉંચા ઝાડની ડાળી ઉપર દીપડો સુતો હતો અને ઝાડની ચારે બાજુ અમારા જેવા પર્યટકોના વાહનો ઉભા હતા. થોડીવારમાં દીપડો ઉઠીને ચારે તરફ જોવા લાગ્યો.
આજે તો જંગલમાં મંગલ જેવો દિવસ. અમારી કલ્પના આફિકાના આવા જંગલમાં રહેવાની વ્યવસ્થા કંઇક જુદી હતી. આટલો વિકાસ થયો છે તે અચરજ પમાડે તેવો લાગ્યો. ગેઈમ રિઝર્વની અંદર આટલી સુંદર રહેવાની વ્યવસ્થા હશે એ મારી કલ્પના બહાર હતું. અમારી બધી કોમ્બી પહોંચી એટલે સામબુરુ લોકો એમના પરંપરાગત વસ્ત્રો માં એમનું લોકસંગીત વગાડી અમારું સ્વાગત કર્યું. બધાનો સામાન ઉતરતો હતો ત્યારે મેં અમારા ડ્રાઈવરને રસ્તામાં જોયેલા ‘મિરેકલ એકેડેમી’ વિશે પુછ્યું. જવાબ ટૂંકમાં મળ્યો કે એ એક્પ્રકારનું ચર્ચ (ખ્રિસ્તી દેવળ) હોય છે. મેં સાથે પુછ્યું કે એને બ્લેક્મેજીક સાથે કોઈ સંગતતા ખરી? તુરંત મને સામે પુછ્યું કે તમને બ્લેક મેજીક ( કાળા જાદુ)માં રસ છે?
ડ્રાઈવરે જે સામો પ્રશ્ન પુછ્યો તેથી હું થોડી મુંઝવણ માં પડી ગઈ. પરદેશમાં છું તેનો ખ્યાલ આવતા તુરંત કહી દીધું કે ના મને કોઈ રસ નથી. આમતો એ વિશે જાણવાની ઘણી ઈચ્છા થઇ હતી પણ તે દબાવી આભારમાની સ્વાગત ટેબલ પર પહોંચી ગઈ. મને આમ પણ નવું નવું જોઉં એટલે તે વિશે વધારે વિગત જાણવા ઉત્સુકતા ખુબ થાય પણ પરદેશમાં જરા અમુક વસ્તુમાં સંયમ રાખવો જોઈએ.
અમારી રહેવાની કુટીરની ચાવી લઇ અમે આગળ વધ્યા. ગોળાકારે બધી કુટીર આવેલી હતી. ઉપર ઘાસના છાપરા વાળી કુટીર અંદરથી ખુબ સરસ હતી. સામાન ગોઠવી બપોરનું જમવા ગયાં. જમવાની જગ્યાની સામે સ્વીમીંગ પુલ હતો અને તેના પછી તારની વાડ કરેલ હતી.ચારેબાજુ નજર નાંખી તો બધે તારની વાડ કરેલી જોઈ. જોકે અમને પહેલેથી કહેવામાં આવ્યું હતું કે આ તારની વાડ પાસે ના જવું અને ઓળંગવાનો પ્રયત્ન કરવાનો જ નહી. જંગલી જનાવરનો કોઈ ભરોસો નહી. ગમે ત્યારે નુકશાન પહોંચાડી શકે.
શાકાહારી લોકો માટે પાંચ કોર્સનું સ્વાદિષ્ટ ભોજન લઇ અમે કુટીર પર આરામ કરવા ગયા. આરામ પછી બપોરની સફારી પર જવાનું હતું. મને તો ચાર વાગ્યાની આતુરતામાં ઊંઘ ના આવી અને અમે બરાબર પોણા ચાર વાગે તાજામાજા થઇ બહાર પહોંચી ગયા. પોતપોતાની કોમ્બીમાં ગોઠવાઈ સામબુરુ ગેઈમ રીઝર્વ જોવા નીકળ્યા.
જીરાફ, હાથી, ઈમ્પલા નામક હરણ વગેરે જાતના હરણ બધું જોવાની બહુ મજા આવી. અત્યારે એવું દ્રશ્ય હતું કે અમે અમારી કોમ્બીમાં પુરાયેલા ફરતાં હતા અને પ્રાણીઓ પોતાની દુનિયામાં મસ્ત બની ફરતાં હતાં. અમારા ગ્રુપની ત્રણ કોમ્બી હતી તે દરેક પોતાની રીતે ફરતી હતી. ત્રણે કોમ્બીના ડ્રાઈવર પાસે વાયરલેસ હતા તેથી જે કોઈને કઇંક સારું દેખાય જેમકે હાથીના ટોળા તો તરત વાયરલેસ પર સંદેશો આપે એટલે બાકીના બે એ દિશામાં કોમ્બી લઇ જાય. સીટ ઉપર બેઠાબેઠા પણ સરસ રીતે જોઈ શકાતું હતું અને ઉપર છાપરામાંથી માથું બહાર રાખી ઉભા થઇ સારી રીતે ફોટા પણ પાડી શકાતા હતા.
મજાનું જોતાં આગળ વધતા હતા ત્યાં અમારા ડ્રાઈવરે કહ્યું, ‘ચાલો તમને લેપર્ડ( દીપડો) બતાવું.’ અમારી કોમ્બીને ફટાફટ ભગાવી. એક ઉંચા ઝાડની ડાળી ઉપર દીપડો સુતો હતો અને ઝાડની ચારે બાજુ અમારા જેવા પર્યટકોના વાહનો ઉભા હતા. અમારા ડ્રાઈવરને કેવી જગ્યાએ વાહન ઉભું રાખે તો ફોટા સારા પડે તેનું જ્ઞાન સારું હતું. થોડીવારમાં દીપડો ઉઠીને ચારે તરફ જોવા લાગ્યો. અમે સરસ ફોટા પાડી શક્યા તેના આનંદ સાથે આગળ વધ્યા. જંગલનો હંમેશા નિયમ હોય કે પ્રાણીને એની રીતે આઝાદી આપવી જરુરી છે. પ્રાણીને હરવાફરવાની જગ્યા માણસજાત રોકી ન શકે, ન રોકવી જોઈએ..
આમ સફારી દરમ્યાન ઘણાં ફોટા પડ્યા વિડીયો લીધી. આફ્રિકાના હાથી અને ભારતના હાથીમાં દેખાવમાં સહેજ તફાવત મને લાગ્યો. આપણા હાથી નું પેટ ગોળાકાર લાગે અને એનો ઘેરાવો જરા વધારે લાગે જયારે આફ્રિકાના હાથી ઉંચા અને પેટનો ભાગ સહેજ ચપટો લાગે જેના કારણે કાન થોડા મોટા લાગે. લગભગ સાંજના સાડા છ વાગે હોટલ ઉપર પાછા આવ્યાં. આખા પ્રવાસ દરમ્યાન અમારાં વાહન નક્કીજ હતા. જેમાં પહેલેથી છેલ્લે સુધી અમારે બેસવાનું હતું. એટલે અમે અમારી બીનબેગ( જેના ઉપર કેમેરા રાખી ચાલુ વાહને ફોટા પાડી શકાય તેવી થેલી) અમારી કોમ્બીમાં જ મુકી રાખી અમારા રુમમાં ગયાં.
રુમમાં જઈ મુકેશનું પહેલું કામ બધાં ફોટા ડાઉનલોડ કરી લેવાના બધાં કેમેરાની બેટરી ચાર્જ કરવા મુકી દીધી. આ બધી પ્રવૃતિમાં લગભગ કલાકેક પસાર થઇ ગયો તેની ખબર પણ ના પડી. આઠ વાગે જમવા ગયા. કોણે શું જોયું, કેવી ફ્રેમમાં સારા ફોટા મળ્યા બધી વાતો કરતા જમ્યા. સવારે વહેલા ઉઠવાનું હતું એટલે થોડી ઉતાવળે પાછા આવી સાડા નવ વાગે તો ઉંઘી ગયાં.
સવારે છ વાગે ઊઠી સાડા છ વાગે સફારી માટે ગયાં. ઘણાં પ્રાણી જુદીજુદી અદામાં જોવા મળ્યાં. ફરી અને લગભગ આઠ વાગે નાસ્તો કરવા હોટલ પર પાછા આવ્યા. નાસ્તો કરી તૈયાર થઇ સામબુરુ ગામ જોવા જવાનું હતું. પ્રતિ વ્યક્તિ વીસ યુએસ ડોલર આપી અને જેને એ લોકોની રહેણી જોવી હોય, ફોટા પાડવા હોય તે લોકોને લઇ જવાનો પ્રોગ્રામ હતો. અમે પણ તે જોવા ગયા. અમારી સાથેના બધાં પ્રવાસીને જવું હતું. દરેક પ્રવાસીને સ્થાનિક માણસો વિશે જાણવાની જિજ્ઞાસા તો હોય જ ને!
લગભગ દસેક ઝુંપડાનું ગામ જેવું બનાવેલું હતું. બધાં ભેગા થયા એટલે ગામના મુખીને બધાએ વીસ ડોલર આપવાના હતા તે આપ્યા એટલે મુખીનો છોકરો આગળ આવ્યો અને અંગ્રેજીમાં વાત શરુ કરી. તે પોતે મિશનરી સ્કુલમાં હાઇસ્કુલ સુધી ભણેલો હતો એટલે એનું અંગ્રેજી સારું હતું.
અમે જે સામબુરુ લોકોને મળ્યા તેમનું જીવન વણઝારા જેવું જીવતા હોવાનું જાણવા મળ્યું. એલોકો પોતાની જાતિને મસાઈ લોકોના પિત્રાઈ તરીકે ઓળખાવતા. ગાય, બકરી જેવા પ્રાણી પાળી બેત્રણ મહિને રહેવાની જગ્યા બદલી નાખતાં. આટલી વિગત આપી ત્યાં સુધીમાં ગામના બધાં લોકો ભેગાં થઇ ગયાં.
અમારું જુદીજુદી રીતે ગીતો ગાઈ સ્વાગત કર્યું.દરેક મહિલા પર્યટકને પોતાના જેવા મોતીના દાગીના ગળામાં પહેરાવ્યા. મોતીની હાંસડી જેવું હતું. પહેરીને આનંદ થયો. પછી ત્યાંની મહિલાઓએ અને છોકરીઓએ અમને તેમની સાથે નૃત્ય કરવા આમંત્રણ આપ્યું. એલોકો પોતાની ભાષામાં ગાતા જાય અને અમને એમની સાથે નૃત્ય કરાવતા જાય. બહુ આનંદ આવ્યો. મોતીના દાગીના એટલા સરસ હતા. નૃત્ય પત્યું એટલે દાગીના ઉતારી પાછા આપવાના અને જો તમને ગમી જાય તો તેની કિમંત ચુકવી ખરીદી લેવાના. ઘણા મોંઘા હતા પણ એમની માર્કેટિંગની રીત જાણી એલોકો ઉપર ગર્વ થયો.
સામબુરુ પુરુષ જયારે કોઈ હિંસક પ્રાણીને મારીને લાવે એટલે તે વ્યક્તિને ‘વોરિયર’ તરીકેનું માન મળતું. વીસ વર્ષની ઉંમર પછી અને પચ્ચીસ વર્ષની ઉંમર સુધી વોરિયર રહી શકે. અને વચ્ચે જો લગ્ન કરે તો વોરિયર ના કહેવાય.લગ્નની પ્રથા વિશે મેં પુછ્યું તો જાણવા મળ્યું કે છોકરા અને છોકરી પોતાની પસંદ પ્રમાણે જીવનસાથી પસંદ કરે છે. જેની પાસે પશુ ધન વધારે તેના તરફ છોકરી પોતાનો નિર્ણય લેછે. જેટલી સમૃધ્ધિ વધારે તેટલું છોકરીઓને છોકરા પર આકર્ષણ વધારે.
આ બધી વાતો કરતાં એક મોટી વાડની અંદર અમને લઇ ગયા. અંદર છુટાછુટા ઝુંપડા હતા તે બાજુ અમને લઇ ગયા. એક ઝુંપડા પાસે ઝાડ નીચે લગભગ બાર પંદર નાના બાળકોને બેસાડ્યા હતા. અમે ત્યાં પહોંચ્યા એટલે તે બાળકોને ભણાવતી તેઓમાંની જ એક છોકરીએ અમને પરિચય આપ્યો. ત્યારબાદ બધાં બાળકો પાસે એકથી વીસ અને એ.બી.સી.ડી. બોલાવ્યાં. ત્યારબાદ પર્યટકોને વિનંતી કરી કે આ બાળકોના ભણતર માટે જે કોઈને મદદ કરવી હોય તે કરી શકે છે.
કેન્યાના પ્રવાસમાં જે ત્રણ જણા મુંબઈ રહી ગયા હતા તેઓ અમને ત્યાં મળ્યાં. જાણે મેળામાં ખોવાયેલા ભાઈ મળ્યા હોય તેટલો આનંદ થયો. હવે અમારું વીસ જણાનું સંપુર્ણ ગ્રુપ થઇ ગયું તેનો પણ બધાને હર્ષ થયો. પાછળથી આવેલા ને બે સફારી ઓછી થઇ હતી એટલે તેઓએ ગામ જોવામાં સમય બગાડવો યોગ્ય ના લાગ્યો એટલે તેઓ તુરંત સફારી માટે જવા નીકળ્યા. મુકેશ પણ તેમની સાથે જોડાયો.
હું બધાં સાથે ગામ જોવા રોકાઈ. એક જગ્યા પર બધાને ભેગા કરી તેઓ સવાર સાંજ આગ કેવીરીતે પ્રગટાવે છે તે બતાવ્યું. કાચ પેપર જેવા લાકડાને છાણ ઉપર ગોઠવી ઘર્ષણથી આગ પેટાવી બધાને બતાવ્યું. એવું કહેવામાં આવ્યું કે સવાર અને સાંજ દરેક ઘરની સ્ત્રી આવી અને આ આગમાંથી આગ લઇ પોતાનો ચૂલો સળગાવે છે. અંદરથી એમના ઝુંપડા કેવા હોય તે જોઈ બહાર નીકળ્યા, ત્યાંતો બધી છોકરીઓ હાટ માંડી બેઠી હતી. જમીન ઉપર પાથરણું પાથરી કીડીયા મોતીમાંથી જે ઘરેણા બનાવેલાં હતા તે વેચવા બેઠાં હતાં.અઢીસો શીલીંગની વસ્તુ બતાવી છેવટે પચાસ શીલીંગમાં વેચાતી આપી. આમ સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે ભાવ કરાવી થોડુક ખરીદી હોટલ તરફ રવાના થયા. રસ્તામાં ‘ બફેલો સ્પ્રિંગ’ કરીને જગ્યા આવી. ત્યાં સુંદર નદી વહેતી હતી. આ નદીમાં મગર જોયા. બીજા પ્રાણી પણ સાવધાની થી પાણી પીવા આવ્યા હતા તો થોડાક નદી કાંઠે રમતા હતાં. જોવાનો આનંદ લઇ લગભગ સાડા છ વાગે હોટલ પાછા આવ્યા. મુકેશ પણ આવી ગયો હતો.
નિત્યક્રમ પતાવી (ફોટા ડાઉનલોડ અને બેટરી ચાર્જ) જમવા ભેગાં થયા. જમી અને હજી કોફી પીતા હતાં ત્યાં એકદમ રસોડા બાજુથી સરઘસ સ્વરૂપે ગીતો ગાતા અને વચ્ચે વિચિત્ર અવાજ કરતા સ્ટાફના લોકો બહાર આવ્યાં. વચ્ચેના એક વ્યક્તિ પાસે હાથમાં કેક હતી. તેઓ બધાં એક ટેબલ પાસે જઈ એક પર્યટકને વર્ષગાંઠની શુભકામના ગાઈ, કેક કપાવી અને તારામંડળ જેવું કંઇક સળગાવ્યું. આવી જ રીતે બીજીવાર સળગાવ્યું ત્યારે અમને ખબર પડી કે બીજા પર્યટકની પણ વર્ષગાંઠ હતી. માહોલ આખો વર્ષગાંઠની ઉજવણીનો થઇ ગયો હતો. બહુ આનંદ કર્યો. બીજે દિવસે સવારે સાત વાગે પ્રવાસ આગળ વધવાનો હતો એટલે વહેલા ઉંઘી ગયાં.
મિત્રો આમ તમે મારી નજરે સામબુરુ જોયું, કહેજો કેવું લાગ્યું અને સાથે નવી જગ્યા જોવા તૈયાર થઇ જાવ. હજુ કેન્યામાં ઘણું જોવાનું છે.
– સ્વાતિ મુકેશ શાહ, ફોટો કર્ટસી – મુકેશ શાહ .
કેન્યા પ્રવાસનો ભાગ ૧ અહીં ક્લિક કરીને માણી શક્શો.
2 kenya bahu rah joi Vinanti ke tame khoob lakho ane jaldi post karo . Aabhar .
સરસ સફરનામુ. સફર કરવાની ખૂબ મજા આવી. વણૅન અતી સુદર.
વાહ, કેન્યાની મજેદાર સફર. સુંદર ફોટોગ્રાફી.
આફ્રિકાની સફર સુહાની અને મનોરંજક રહી.
Really enjoyed!!
સામબુરુનુ વર્ણન અને મુકેશભાઈ ની ફોટોગ્રાફી ખૂબજ સરસ લાગી
નાની નાની વસ્તુનુ પણ સુંદર વર્ણન કર્યું છે.
Congrats to Swati & Mukeshbhai
Thanks Aksharnad
આપના આશીર્વાદ. બસ મારી કલમ ચાલ્યાં કરે.