હૈ દુનિયા ઉસી કી, જમાના ઉસી કા – હર્ષદ દવે 2


અમેરિકન ફિલ્મ ‘કમ સપ્ટેમ્બર’ પરથી બનેલી ‘કશ્મીરકી કલી’ (૧૯૬૪) ફિલ્મનું એ ગીત રફીના ચાહકોએ સાંભળ્યું ન હોય તેવું બને જ નહીં.

‘જરૂરત મહેસૂસ હુઈ… અબ આદત ભી પડ જાએગી…’

‘જેની સઘળી આશાઓ પડી ભાંગી હોય અને દુનિયામાં જે સાવ એકલો રહી ગયો હોય તે શા માટે જીવે?’

‘મહોબ્બત કે લીયે, માય બોય…મહોબ્બત કે લિયે.’

મદિરાપાન કરતાં કરતાં આવા ગંભીર સંવાદો મધુશાલામાં સંભળાય છે.. અને ત્યાર પછી તો એક જબરદસ્ત ગીત શરુ થાય છે!

અમેરિકન ફિલ્મ ‘કમ સપ્ટેમ્બર’ પરથી બનેલી ‘કશ્મીરકી કલી’ (૧૯૬૪) ફિલ્મનું એ ગીત રફીના ચાહકોએ સાંભળ્યું ન હોય તેવું બને જ નહીં.

એંશી વર્ષ કરતાં વધારે સમયના ગાળામાં ઓમકાર પ્રસાદ નૈયર (ઓ.પી.નૈયર) પોતાના સંગીતથી ફિલ્મ જગતના સુવર્ણકાળમાં છવાઈ ગયા. તેઓ ફિલ્મના ગીતોની ધૂન તૈયાર કરતા, તેઓ ગાયક અને ગીતકાર, સંગીતકાર હોવા ઉપરાંત  પ્રયોગવાદી સંગીતજ્ઞ હતા. ૧૯૫૮ માં ‘નયા દૌર’ માટે તેમને બેસ્ટ સંગીત નિર્દેશક તરીકે ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમને તેમની રચના ‘યે દેશ હૈ વીર જવાનોં કા…’ ગીત થકી જ એ એવોર્ડ મળ્યો હતો. રવીન્દ્રનાથ ટાગોરના ‘એકલા ચલો…’ પરથી ‘ચલ અકેલા, ચલ અકેલા…’ (ફિલ્મ સંબંધ – ગાયક: મુકેશ) ની સંગીત રચના તેમની જ છે. મજરૂહ સુલતાનપુરી સાથે તેમનો ઘનિષ્ઠ નાતો હતો. ‘ફિર વોહી દિલ લાયા હૂં…’સુધી તે જળવાયો.  

‘કશ્મિર કી કલી’ ફિલ્મમાં શમ્મી કપૂર અને શર્મિલા ટાગોર પહેલીવાર પડદા પર આવ્યા અને ફિલ્મ બોક્સ ઓફીસ પર હીટ રહી. આપણે જાણીએ છીએ કે કિશોરકુમાર પોતાના  અવાજ અને અભિનયમાં નટખટ ચંચળતા અને વિશિષ્ટતા તેમની ઓળખ બની ગઈ હતી. તે જ રીતે શમ્મી કપૂરની નિરાળી ‘અદા’ તેની આગવી પહેચાન બની ગઈ હતી. જેમ રાજેશખન્નાની પાંપણ પલકાવીને મસ્તક ઝૂકાવવાની અદા સહુને ગમી ગઈ હતી તે જ રીતે શમ્મી કપૂરની આગવી અદાકારી પર પ્રેક્ષકો ફિદા હતા. તેની અનોખી અદામાં આ ગીત સાંભળો…  

હૈ દુનિયા ઉસી કી, જમાના ઉસી કા

મોહબ્બત મેં જો હો ગયા હો કિસી કા

લુટા જો મુસાફિર દિલ કે સફર મેં

હૈ જન્નત યહ દુનિયા ઉસકી નજર મેં

ઉસીને હૈ લૂટા મજા જિંદગી કા….મોહબ્બત મેં

હૈ સજદે કે કાબિલ હર વો દીવાના

કે જો બન ગયા હો તસવીરજાના

કરો એહતરામ ઉસ કી દીવાનગી કા મોહબ્બત મેં

બરબાદ હોના જિસકી અદા હો

દર્દેમોહબ્બત જિસકી દવા હો

સતાએગા ક્યા ગમ ઉસે જિંદગી કા મોહબ્બત મેં….

હવે આ લેખની શરૂઆતમાં આપેલો ડાયલોગ ફરી વાંચો અને સાંભળી અનુભવો  ગીતના સંગીતની મદહોશ અસર!

આ સંગીતમાં તમે અમુક ખાસ વાદ્યની નોંધ લીધી? રફીના અવાજને ચરમસીમાએ લઇ જતું વાદ્ય છે સેક્સોફોન! અને આ ગીતમાં સેક્સોફોન વગાડનાર છે મનોહારી સિંઘ. સંગીત વિશ્વમાં નવો યુગ શરુ કરનાર આ સેક્સોફોનીસ્ટના શિશિર વાદ્ય સેક્સોફોનના સ્વર અને સૂરની સંગતિ લીન-તલ્લીન થઈને સાંભળો. તેમના સેક્સોફોનના સૂર સાંભળ્યા પછી કર્ણપ્રિયતા અને કર્કશતા વચ્ચેનો તફાવત સમજાવવાની જરૂર નહીં પડે.

મનોહારી સિંઘના દાદા આર્મીમાં અને પિતા પોલીસ બેન્ડમાં ટ્રમ્પેટ વગાડતા હતા. ૧૪ વર્ષની ઉંમરે મનોહારી સિંઘ વાંસળી, ક્લેરોનેટ અને સેક્સોફોન વગાડતા થઇ ગયા હતા. તેમનું વાંસળી અને સેક્સોફોન, બંનેનું વાદન ધ્યાનથી સાંભળી શકાય છે ‘જા રે ઉડ જા રે પંછી…’ (માયા, ૧૯૬૧) ગીતમાં.   

શમ્સુલ હુડા બિહારી (એસ.એચ.બિહારી) ના શબ્દો કેવા સચોટ અને સોંસરવા ઊતરી જાય છે…! એ શબ્દોને જો આપણી ભીતર ઉતરવું હોય ને ઘેરાતા ગંભીર સંગીતનો સાથ મળે પછી શું બાકી રહે? કોઈ સાથે મહોબ્બત થઇ જાય તેમાં જ જીવનની મઝા છે, અને એવો માણસ ‘સજદે કે કાબિલ’ છે (પ્રણામ કરવા જેવો, ઈશ્વર જેવો છે). આ દુનિયા તેને માટે જન્નત છે. એ પાગલ પ્રેમી આદરને પાત્ર છે. જેને પ્રેમ રોગ લાગુ પડ્યો હોય તેની પાસે બીજો કોઈ રોગ ફરકી જ ન શકે!

આ ફિલ્મમાં નિર્દેશન શક્તિ સામંતનું હતું. આ ફિલ્મને તેલુગુમાં ફરી બનાવવામાં આવી હતી (રીમેક). અને તેમાં પણ તે હીટ સાબિત થઇ હતી, તેનું નામ ‘શૃંગાર રામુડુ’ હતું. તેમાં સ્વર આપ્યો હતો એસ.પી.બાલુએ (બાલાસુબ્રમણ્યમે) કે જેમણે ભારતની ૧૬ ભાષાઓમાં ૪૦૦૦૦ ગીતો ગાયા છે!

 [આભાર: આજના લેખની ફરમાઈશ મોકલનાર શ્રી ગોપાલભાઈ ખેતાણી, નિકટના મિત્ર]

– હર્ષદ દવે


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “હૈ દુનિયા ઉસી કી, જમાના ઉસી કા – હર્ષદ દવે