Balakot Air Strike – How India Avenged Pulwama
શીર્ષક સૂચવે છે તેમ, ‘બાલાકોટ એર સ્ટ્રાઈક – હાઉ ઇન્ડિયા અવેન્જ્ડ પુલવામા’ ભારતની આતંકવાદ વિરુદ્ધની લડાઈનું અને સૈન્ય ઈતિહાસનું રુખ બદલી કાઢનાર ત્રણ ઘટનાઓનું તાદ્દશ વર્ણન કરી વાચકને આ ઘટનાઓની સમગ્ર સફરનો ખરેખરનો અનુભવ કરાવે છે. બાલાકોટ એર-સ્ટ્રાઈકના આર્કિટેક્ટ રહેલાં વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વિનોદ આ પુસ્તકના લખાણને ‘ગ્રેટ વર્ક’ કહીને બિરદાવી ચૂક્યા છે.
પુલવામા
પુસ્તકની શરૂઆત એક ભાવનાત્મક ઘટના સાથે થાય છે જ્યારે શ્રીનગરના ડાઉનટાઉનના અશાંત વિસ્તારમાં ગશ્તી માટે તહેનાત, સતત કાશ્મીરી પથ્થરબાજો અને તોફાનીઓનો સામનો કરી રહેલ સીઆરપીએફના હેડ કોન્સ્ટેબલ ઇકબાલ સિંહ પોતે ભૂખ્યો રહીને પણ તેનું બપોરનું ટીફીન એક કાશ્મીરી દિવ્યાંગ છોકરાને જમાડે છે. ઇકબાલના મનમાં પુલવામા વિસ્ફોટમાં તેનાં સાથીઓને ગુમાવવાના ઘા હજી તો તાજા હતા છતાં, આ સૈનિકના મનમાં સ્થાનિકો પ્રત્યે રત્તીભાર પણ દ્વેષ નથી.
લેખક પુલવામા હુમલા સમયે આગળની બસમાં સવાર –સર્વાઇવર હેડ કોન્સ્ટેબલ ઇકબાલ સિંહ અને હુમલો થયો તે બસના માર્યા ગયેલા રક્ષક દળના પાંચ સદસ્યો: બસ કમાન્ડર નસીર અહમદ, હેડ કોન્સ્ટેબલ સુખજિન્દર સિંહ, કોન્સ્ટેબલ રોહિતાશ લાંબા, કોન્સ્ટેબલ તિલક રાજ અને બસ ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ જયમલ સિંહ, ની આંખે સીઆરપીએફની એ દુર્ભાગ્યપૂર્ણ બસની છેલ્લી મુસાફરીને વાચકો સમક્ષ જીવંત કરે છે:
અહીં, અર્ધ-સૈનિકોના એક એવા કાફલાની વાત છે જેમનાં પર ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ૪૦ સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને અગણિત જવાનો ઘાયલ થયા. આ જીવલેણ આતંકી હુમલો જે બસ પર થયો તેમાં સવાર કોઈ જીવતું બચ્યું નહીં; બચી કેવળ લોહીયાળ અંધાધૂંધી. લેખકની સિદ્ધિ છે કે તેઓ એક સામાન્ય વાચક સમજી શકે તેટલી સરળ ભાષામાં અને સંવેદનશીલ રહીને ભારતીયોના હૃદય પર ઊંડો ઘાવ છોડનાર આ આતંકી ઘટનાને વર્ણવી શક્યા છે.
આ પુસ્તક ઘણી કહાણીઓને અનુસરે છે. દુર્ભાગ્યપૂર્ણ બસમાં સવાર દરેક જવાનની પોતાની પ્રેમ, પરિવાર અને મિત્રો અને જીવનના સંઘર્ષની ગાથાઓ હતી જે પળવારમાં સમાપ્ત થઇ ગઈ.
- હેડ કોન્સ્ટેબલ નસીર અહમદ, એક સ્થાનિક કાશ્મીરી, પ્રેમાળ પિતા અને તેનાથી પણ વધુ સમર્પિત સૈનિક.
- કોન્સ્ટેબલ તિલક રાજ દિલથી લોક ગાયક અને વ્યવસાયે સૈનિક.
- હેડ કોન્સ્ટેબલ સુખજિંદર, એક પ્રેમાળ પતિ અને એક સ્વપ્નશીલ પિતા, જે ઇચ્છતા હતા કે તેમનો પુત્ર સારી રીતે અભ્યાસ કરે.
- કોન્સ્ટેબલ રોહિતાશ બસના સુરક્ષા દળનો ઉંમરમાં સૌથી નાનો અને સૌથી વધુ શિક્ષિત જવાન.
એક રેગ્યુલર અર્ધ-સૈનિક કાફલો જે તે જ દિવસે સાંજ સુધીમાં સીઆરપીએફના સૈનિકોને કાશ્મીર ખીણમાં તેમના ફરજના સ્થળે પહોંચાડવાનો હતો. પરંતુ દુર્ભાગ્યવશ જે થવાકાળ હતું તે ઘટ્યું. પોલીસકર્મીઓએ વીબીઆઈઆઈડી (વાહન બોર્ન ઈમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝીવ ડીવાઈસ) હંકારી રહેલા ડ્રાઇવર આદિલ અહમદ દારને કોઈ અસંતુષ્ટ પરંતુ નિર્દોષ અને નિઃશસ્ત્ર નાગરિક સમજીને તેના પર ગોળીબાર ન કર્યો અને કાફલાની એક બદનસીબ બસ પર એક જઘન્ય આત્મઘાતી આતંકવાદી હુમલો થયો.
આ પુસ્તકમાં એક નવા ભારતની વાર્તા છે. એક એવું ભારત કે જે આતંકીઓ પર વળતો હુમલો કરવા તૈયાર છે. એક એવું ભારત જે આતંકવાદની સામે નમતું જોખવા તૈયાર નથી. પુસ્તકનો ગર્ભિત સંદેશ છે કે ‘એ દિવસે એક શોકાતૂર રાષ્ટ્ર આતંકવાદ સામે એક થઈ ગયું અને મજબૂત નેતૃત્વ હેઠળ સુરક્ષા બળોએ આતંકના ગુનેગારોને સજા કરવાનો દ્રઢ સંકલ્પ દર્શાવ્યો.’
એર સ્ટ્રાઈક:
એર સ્ટ્રાઇક્સ અને તેની પાછળના પ્લાનિંગનું વર્ણન રોમાંચક અને ઉંડાણપૂર્વકનું છે જેનાં કેન્દ્રીય પાત્રો માં:
- ભારતના વડાપ્રધાન : જેમણે દેશના સુરક્ષા તંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો અને કહ્યું હતું. ” આપ બેહતર જાનતે હૈં ક્યા-ક્યા કર સકતે હૈં.”
- એર-સ્ટ્રાઈકના પ્લાનિંગ અને સંકલનની લીડરશીપ લેનાર – ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર.
- ભારતના સંરક્ષણ પ્રધાન અને સેનાની ત્રણેય પાંખોના વડા.
- ધ ચીફ ઓફ એર સ્ટાફ: એક લેજન્ડરી પાઇલટ અને વાયુસેનાના વડા.
- એર ઓફિસર કમાન્ડિંગ પશ્ચિમ હવાઈ કમાન અને તેમનાં અધિકારીઓની ટીમ: એ અધિકારીઓ કે જેમણે સમગ્ર ઓપરેશનની યોજના બનાવી અને તેનો અમલ સુનિશ્ચિત કર્યો.
- મિરાજ 2000 ના સ્ટ્રાઇક પેકેજના પાઇલટ્સ જેમણે ‘પેકેજ’ (સ્પાઈસ બોમ્બ) સફળતાપૂર્વક ગંતવ્યે પહોંચાડ્યું અને શોકમગ્ન રાષ્ટ્રની આશાઓ અને અપેક્ષા પાર પાડી અને બાલાકોટ આતંકવાદી કેમ્પનો નાશ કર્યો.
મિશન પ્લાનિંગ ટુ મિશન ટાસ્કિંગનું વર્ણન વાચકને સંવેદનશીલ સૈન્ય મિશનમાં નિર્ણય લેનારાઓ અને મિશન પ્લાનર્સના મહત્વ સમજાવે છે.
ભારતના વડાપ્રધાન કે જેઓ આતંકવાદી હુમલા પછી અને આયોજનના તબક્કા દરમિયાન થોડા પ્રકરણોમાં દેખા દે છે, તેમના સિવાય, ‘બાલાકોટ એર-સ્ટ્રાઈક’ પુસ્તકમાં કોઈ એક કેન્દ્રીય પાત્ર નથી. પુસ્તક લખવા પાછળ લેખકનો હેતુ અહીં સ્પષ્ટ થતો જણાય છે જ્યારે સમગ્ર કથાનક દરમિયાન ત્વરાથી ઘટતી ઘટનાઓ જ કેન્દ્રસ્થાન લેતી જણાય છે.
વિંગ કમાન્ડર અભિનંદનની ગાથા પર પહોંચ્યા બાદ સમગ્ર કથાનક પર વાયુસેનાનો એ અધિકારી, તેનું ચુંબકીય વ્યક્તિત્વ અને તેમની અકલ્પનીય વિરતા, કબજો જમાવી લે છે. લેખક હવાઈ યુદ્ધ દરમિયાનની અભિનંદનના મીગ-૨૧ બાયસન વિમાનની ક્ષણેક્ષણની કલાબાજીઓ અને અંતે દુશ્મન એફ-૧૬ વિમાનને તોડી પાડવા અને અભિનંદનના ઈજેક્શનના ગજબનાં રોમાંચક ઘટનાક્રમની મધ્યે વાચકને જકડી રાખે છે.
ભારતના સૈન્ય સાહિત્યના ઈતિહાસમાં અગાઉ ક્યારેય કોઈ લેખક દ્વારા હવાઈ યુદ્ધનું આટલું તાદ્દશ વર્ણન કરવામાં આવ્યું નથી. અહીં લેખક સમગ્ર હવાઈ યુદ્ધ સાથે સંબંધિત દરેક પાસાનું આબેહુબ વર્ણન કરે છે. ફાઈટર વિમાનો પર થતાં મિસાઈલ હુમલાઓનું વર્ણન પણ અભૂતપૂર્વ છે. વળી, મૂળ સ્ટોરીલાઈનને છોડ્યા વિના જ લેખક વાચકને યુદ્ધ અને શસ્ત્રો વિષેની તકનીકી બાબતોને પણ રસપૂર્વક સમજાવી શકે છે તે તેમની ખૂબી છે.
યુદ્ધ કેદી અભિનંદનનું દુશ્મનની કેદમાં ઈન્ટેરોગેશન અને ટોર્ચર તેના પાકિસ્તાનથી જાણી જોઈને લીક કરાયેલા વિડિયોઝનો રેફરન્સ લઇ ને કરવામાં આવ્યું છે. લેખકની શૈલી વાચકને ટોર્ચર સેલની અંદર દુશ્મનની કેદમાં ભારતના યુદ્ધ કેદી હોવું કેવું છે તેનો અનુભવ કરવી શકી છે.
પુસ્તકનો હેતુ મત્સ્યની આંખને તાકીને નિશાન લગાવી રહેલા અર્જુન જેવો સ્પષ્ટ છે. અહીં કાશ્મીરમાં જીવલેણ સંઘર્ષો મધ્યે ઘેરાયેલા સીઆરપીએફ જવાન અને મૌતના મુખમાં જઈને પણ દુશ્મનનો ખાત્મો બોલાવતા વાયુસેનાના પાયલટ હોવું કેવું હતું, તેને શક્ય તેટલી સચોટતાથી સેકન્ડ-દર-સેકન્ડ, મિનીટ-દર-મિનીટ સમગ્ર ઘટનાઓની શ્રુંખલાનું પુનર્નિર્માણ કરી વાચકને દર્શાવવાનો પ્રયત્ન છે.
લેખક એટલી સરળતાથી સમગ્ર ઘટનાક્રમની ગુંચ ઉકેલે છે કે સામાન્ય વાચક પણ ન કેવળ પરિસ્થિતિને, પરંતુ વ્યૂહરચના અને એક પછી એક ખુલતા તાણાવાણાઓમાં પોતાની સામેલગીરી અનુભવી શકે છે.
આ પુસ્તક, ખરેખર પ્રેક્ષકોને ઘડી-ભરના તુચ્છ મનોરંજનમાં લિપ્ત કરવાને બદલે આતંક અને હવાઈ યુદ્ધના વાસ્તવિક અનુભવોને સમજવામાં અને સૈનિકો સાથે એક સહાનુભૂતિ ભર્યો ઋણાનુબંધ બાંધવામાં મદદરૂપ થાય છે.
મનન ભટ્ટનું જકડી રાખનારું વર્ણન કદાચ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ થી ૧ માર્ચ ૨૦૧૯ વચ્ચે બનેલી અત્યાર સુધીની ઘટનાઓના સમગ્ર સ્પેક્ટ્રમનું શ્રેષ્ઠ આલેખન છે અને દુશ્મનની ક્રૂરતા વચ્ચે ભારતીય શહીદો અને યોદ્ધાઓની વીરતા અને હિંમતને આપણી સમક્ષ લાવે છે.
લેખક પોતે એક પૂર્વ નૌસેના અધિકારી છે વળી સૈન્ય મુખ્યાલય અને સંરક્ષણ મંત્રાલયમાં સેવા આપી ચૂક્યા છે, તેથી તેઓ પુલવામા એટેક થી લઇ ને એર ઓપરેશન્સ સુધીની ખૂબ જ રોચક વિગતો વાચક સમક્ષ મુકવા માટે પુરતી સજ્જતા અને લાયકાત ધરાવે છે.
પુસ્તક એમેઝોન, ફ્લિપકાર્ટ એપ પર અને ગરુડ પબ્લીકેશનની વેબસાઈટ પર ઓનલાઈન અને ક્રોસવર્ડ, ઓક્સફોર્ડ તથા દેશના તમામ અગ્રગણ્ય બુક-સ્ટોરમાં ઉપલબ્ધ છે.
જય હિન્દ
Contact the author on his mail id sainikswaraj@gmail.com
અક્ષરનાદ પર સમીક્ષા વિભાગ હેઠળના લેખ અહીં ક્લિક કરીને માણી શકાય છે.
Every Indian should must read this book. Jai Hind.