વરસાદને’ય રડાવવાની આદત છે, તારી જેમ જ! પણ તું હોય તો મજાલ છે વરસાદની’ય કે મને રડાવે..! પ્રેમનું ચોમાસું બારેમાસ હ્રદયમાં ઉગતું હોય ત્યારે પ્રકૃતિનો વરસાદ અત્યંત વહાલો લાગે છે પણ એ જ પ્રિયતમ જેની સાથે વરસાદે ભીંજાયા હોય ને પછી એ સમીપ ન હોય ત્યારે આ વરસતો વરસાદ ઝીરવવો ખૂબ વસમો થઈ જાય છે.
હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે,
કે ખરેખર ઝંખના પ્રગટી હશે અંદર હવે
એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી?
થઈ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે..!
એક અદ્ભુત સવાર
સવારે જેવી ઘરેથી નીકળી કે, ઘરની સામે વર્ષોથી ઊભેલા આસોપાલવ જાણે પહેલીવખત જોઈ રહી હોંઉ એવું ભાસ્યું. ને પળભરમાં જાણે આખું હિમાચલ મને વળગી પડ્યું.. મારા ઘરની બહાર મારા જ આવવાની રાહ જોતા ઊભા હોય એમ દેવદાર અને પાઈનના વૃક્ષો સમાન જ લાગ્યા મને એ ઝૂલી રહેલા આસોપાલવ. એકાએક ગત પ્રવાસમાં, પહાડોમાં જીવેલી એક એક ક્ષણ આંખો સામે તરવરવા લાગી.
આસોપાલવમાંથી ચળાઈને આવતો પૂરેપૂરા ઊગી ગયેલા સૂરજનો તડકો, લાગ્યું જાણે વૃક્ષો પાછળ ક્યાંક એકાદ પહાડ પણ સંતાઈને બેઠો છે! પવનના અવાજે નદીનું સંગીત સંભળાય ને એ ગીતના તાલે ઝૂમી રહેલું મારું મન..! ક્યારેય ન થયેલી એવી અલગ જ ચેતનાની અનુભૂતિ મને એ થોડીક ક્ષણોમાં મહેસુસ થઈ ગઈ! બિયાસના વહેણને પાછળ છોડતી વેળાએ સર્પાકાર સુમસામ રસ્તે જતાં દેવદારના વૃક્ષોની વનસ્પતિમિશ્રિત લીલી ગંધમાંથી જે સંવેદનાઓ ને એકાંતની અનુભૂતિ થયેલી અદ્દલ એવી જ અનુભૂતિ આજે થઈ. એ થોડીક ક્ષણો માટે હું અહીં નહોતી, મારા શહેરમાં નહોતું મારું મન, મારો આત્મા, કહું કે મારું શરીર સુદ્ધાં… ખરેખર મારૂ સમગ્ર અસ્તિત્વ ત્યાં પહોંચી ગયું હતું, હિમાચલ! અથવા એ વૃક્ષો, એ હવા, એ પહાડો, સમગ્ર પ્રકૃતિ અહીં આવી ગઈ હતી, સાચેસાચ… માત્ર મને મળવા માટે?
જો ને આટલું બધું લખવા છતાં એવું લાગે છે જે રીતે એ ઘટનાને મેં અનુભવી છે એ રીતે હું નહિ જ વ્યક્ત કરી શકું અહીં.. મારું હ્રદય એકાએક મને પ્રશ્ન પૂછે છે, પહાડો અતિપ્રિય છે તને કે એ?
એ.. એ કોણ? આ પ્રશ્ન તો બહારના જગતનો છે! આપણા પ્રેમ અભ્યાસક્ર્મની બહારનો! તારા ને મારા માટે ‘એ’ એટલે અલગ જગત! ‘એ’ એટલે શાશ્વત પ્રેમનું વિશ્વ.
એ એટલે એક તું, એક હું ને ‘એક’ બની ગયેલો આપણા હ્રદયનો ધબકાર!
આજની સવાર શા માટે અલગ ભાસી હશે..? ભવિષ્યનો કોઈ સંકેત તો…!
કોરો વરસાદ..!
પામવું જો હોય ચોમાસું, પલળવું જોઈએ;
છાપરું, છત કે નયન થઈનેય ગળવું જોઈએ.
એ શરત છે કે પહેલાં તો પ્રજળવું જોઈએ;
તે પછી લેખણથી શબ્દોએ ‘પીગળવું’ જોઈએ.
ગઈકાલે ધોધમાર વરસ્યું આકાશ..! આ વર્ષનો પહેલો લાંબા સમય સુધી વરસેલો વરસાદ. ને એ સાથે જ યાદ આવી તારી લાંબા સમયની ઝંખના. ‘પહેલા વરસાદે સાથે જ નહાઈશું લાલી..’ પણ અફસોસ. તારું ને મારું શહેર એક, આકાશ એક, વરસાદ એક, પણ પલળવાનું નસીબ જુદું..
ગઈકાલે તે માત્ર એક વખત જો કહ્યું હોત, ‘ના જા ઘરે.. મળીશું.’ તો એકલા પલળતાં ઘરે જવાને બદલે આપણે વરસાદમાં સાથે નહાતાં હોત! વીજળીના ગડગડાટ અને પવનના વેગે વરસી રહેલું આકાશ જાણે આપણી નિષ્ફળ મુલાકાત પર હાંસી ઉડાવતું લાગ્યું મને. પણ હું રડી નહોતી…
આખરે વરસાદના સમી ગયા બાદ, માટીની ભીની સુગંધને અનુભવતાં, ઘર નજીક આવતું ગયું તેમ તને ન મળી શકાયાનો વસવસો મારા આખા અસ્તિત્વને વળગી પડ્યો ને હ્રદય પીગળી જ ગયું. ભીના ડૂસકાંમાં ઓગળી ગઈ એક ભીની સાંજ…
વરસાદને’ય રડાવવાની આદત છે, તારી જેમ જ! પણ તું હોય તો મજાલ છે વરસાદની’ય કે મને રડાવે..! પ્રેમનું ચોમાસું બારેમાસ હ્રદયમાં ઉગતું હોય ત્યારે પ્રકૃતિનો વરસાદ અત્યંત વહાલો લાગે છે પણ એ જ પ્રિયતમ જેની સાથે વરસાદે ભીંજાયા હોય ને પછી એ સમીપ ન હોય ત્યારે આ વરસતો વરસાદ ઝીરવવો ખૂબ વસમો થઈ જાય છે.
તું સમજીશ ક્યારેય..?
— મીરા જોશી
સરસ રસાળ આલેખન.
ખૂબ આભાર