બેતાલીસ વર્ષની સ્ત્રી પોતાની સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ એક મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટને મળવા જાય છે. પતિ સાથે ક્યારેય જાતીય સુખનો અનુભવ નથી થયો કારણ કે એને સ્ત્રીમાં રસ છે. એની વાત સાંભળી મનોચિકિત્સકની આંખમાં એક ચમક આવી જાય છે. કેમકે ડૉકટર પણ સ્ત્રી છે અને એમને પણ સ્ત્રીમાં રસ છે અને બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થાય છે અને એ પ્રકરણને નિર્વિઘ્ન બનાવવા એક ગુનો આચરવામાં આવે છે.
લેખક વિશે :
આજની વાર્તાના લેખક મયુર પટેલ છેલ્લા થોડા વર્ષમાં યુવાવર્ગનું માનીતું નામ બની ગયા છે. વલસાડમાં જન્મી ત્યાં જ મોટા થયેલા મયુરભાઈ, આઠ લોકોના સંયુક્ત પરિવારમાં રહે છે. મયૂર પટેલ મૂળે તો સિવિલ એન્જિનિયરિંગ ભણ્યા છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગની જોબ પણ કરી પરંતુ સાહિત્યપ્રીતિને લીધે તેઓ બાળપણથી જ સાતત્યપૂર્ણ વાંચન-લેખન સાથે સંકળાયેલા રહ્યા છે.
બાર વર્ષની ઉંમરે નવલકથા લખવાની શરૂ કરનાર લેખક પોતાની કલમને પોતાના ઉપર કોઈ દૈવી આશીર્વાદ કે પૂર્વજન્મના સંસ્કાર માને છે, જો કે નાનપણમાં ખૂબ રસદાર વાર્તાઓ કહેનાર કાકાને પણ તેઓ પોતાને સાહિત્યની પ્રીત લગાડનાર ગણે છે. લેખન વાંચન ઉપરાંત ખૂબ સરસ અવાજ ધરવાનાર લેખક ગાયક પણ છે. આ ઉપરાંત પ્રવાસ, ફિલ્મો, સંગીત અને બેડમિન્ટનનો શોખ ધરાવે છે.
2011માં પ્રથમ અંગ્રેજી નવલકથા “વિવેક એન્ડ આઈ” પ્રકાશિત થયા બાદ 2016માં બીજી નવલકથા”સ્કાર્લેટ નાઈટ્સ” પણ અંગ્રેજી જ હતી અને ત્યારબાદ પ્રથમ ગુજરાતી નવલકથા લખાઈ. એ નવલકથા “અનુભવમેન્ટ”ને અકાદમી દ્વારા 2017ની દ્વિતીય સર્વશ્રેષ્ઠ નવલકથાનો એવોર્ડ મળ્યો છે. આ નવલકથાએ “દર્શક એવોર્ડ” પણ મળ્યો છે. તેમની વાર્તા-લેખો-નવલકથાઓ સોશિયલ મીડિયા ઉપર અવારનવાર વિજેતા બનતા રહે છે. વિવિધ વિષયો પર લખાયેલા લેખકના લેખ એમના બ્લોગ ‘વિષયાંતર’ પર ઉપલબ્ધ છે.
જુલાઈ, ૨૦૧૯માં ગુજરાતી ભાષાના પત્રકારો માટે અમેરિકન સરકાર દ્વારા વિશેષરૂપે આયોજિત કરાયેલી ‘આઇ.વી.એલ.પી. ટ્રિપ’નો હિસ્સો બનીને તેમણે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. વર્ષ ૨૦૧૩થી ૨૦૨૧ સુધી તેમણે સૂરતથી પ્રકાશિત થતાં ‘ગુજરાત ગાર્ડિયન’ દૈનિકમાં પૂર્તિ વિભાગના હેડ તરીકે ફરજ બજાવી હતી. તેઓ હાલ ફ્રીલાન્સિંગ કરે છે. લગભગ દરેક સાહિત્ય મેગેઝીન, અગ્રણીય સમાચારપત્ર અને ઓનલાઈન સાહિત્ય સાઈટ ઉપર તેમનું લખાણ છપાતું રહે છે.
આજની આપણે ચર્ચા કરવાના છીએ એ વાર્તા ‘મુક્તિ’ સૂરત ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘કેતન મુનશી વાર્તા સ્પર્ધા ૨૦૧૭-૧૮’માં વિજેતા બની હતી. આ વાર્તા અહીં ક્લિક કરીને વાંચી શક્શો. તો ચાલો તપાસીએ મયુર પટેલની વાર્તા મનના માઇક્રોસ્કોપથી :
વાર્તા વિશે :
ત્રીજા પુરુષમાં કહેવાયેલી આ વાર્તા સંપૂર્ણ અભિધામાં જ કહેવાઈ છે. દૈનિક બોલચાલની ભાષા હોવા છતાં રૂપકનો હળવો ઉપયોગ કરવામાં આવ્યો છે. મનોચિકિત્સકના દવાખાનાથી શરૂ થયેલી આ વાર્તામાં મનોજગતના ઓછું ઉખેડાતું પડ ખોલવામાં આવ્યું છે. જે વિષય વિશે બહુ જ ઓછું બોલાય છે એ વિષય ઉપર ક્રાઈમ સ્ટોરી લખી લેખકે લોકો સમક્ષ એક અલગ આયામ રજૂ કર્યો છે. ઓછા ચર્ચાતા વિષયને આલેખવા બદલ આ વાર્તાની વિશેષ નોંધ લેવાઈ હશે.
વાર્તાની થીમ :
આધેડ વયે પહોંચેલી સ્ત્રી પોતાની સજાતીયતા વિશે સભાન બને છે. મોડેથી થયેલો અનુભવ કેવું વરવું રૂપ લઈ શકે છે તે વાર્તાની થીમ છે.
વાર્તાનો પ્લોટ:
બેતાલીસ વર્ષની સ્ત્રી પોતાની સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ એક સ્મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટને મળવા જાય છે. પતિ સાથે ક્યારેય જાતીય સુખનો અનુભવ નથી થયો કારણ કે એને સ્ત્રીમાં રસ છે. એની વાત સાંભળી મનોચિકિત્સકની આંખમાં એક ચમક આવી જાય છે. કેમકે ડૉકટર પણ સ્ત્રી છે અને એમને પણ સ્ત્રીમાં રસ છે અને બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થાય છે અને એ પ્રકરણને નિર્વિઘ્ન બનાવવા એક ક્રાઈમ થાય છે.
પરિવેશ:
અત્યારની આધુનિક યુગની અન્ય વાર્તાઓની જેમ અહીં પણ પરિવેશ બિલકુલ જ ઉભો નથી થયો. આ એક અર્બન વાર્તા છે. છતાંય એરિયા અને ગામનું નામ લખી જે તે શહેરની વાત થઈ રહી છે , તે સમજાવ્યું છે.
- અકોટા બ્રિજ ક્યાં દૂર છે! એક ભૂસકો, ને બધી પરેશાનીઓનો અંત…’ તેણે આંખો ભીડી અને પોતાની જાતને બ્રિજની રેલિંગ પર ચડેલી કલ્પી.
- વડોદરા જેવા મોટા શહેરમાં આપણા જેવી મહિલા મળવી મુશ્કેલ નહોતી.
પાત્રાલેખન:
એક ટૂંકીવાર્તાની મૂળભૂત જરૂરિયાત મુજબ અહીં બે જ પાત્રોના મજબૂત આલેખન થયા છે. મુખ્ય પાત્ર સુધા અને ડૉ. શૈલા.
- સુધા : સરેરાશ ગૃહિણી છે. જે નાની ઉંમરે પરણી ગઈ હોવાથી 42માં વર્ષે દીકરીઓને પરણાવી ચૂકી છે. છતાં તેનું સૌંદર્ય જાળવી શકી છે. તે પોતાની માનસિક સ્થિતિ અને જાતીયતા વિશે મૂંઝવણ અનુભવે છે.
‘એટલી બધી ઉંમર તો નથી લાગતી તમારી!’
ડૉક્ટરના શબ્દોથી સુધા હરખાઈ. ૪૨ વર્ષે પણ યૌવન અકબંધ હતું. કોઈ તેની સાચી ઉંમર ધારી ન શકે એટલું અકબંધ.
પાંચ-સાત મિનિટ આડી-અવળી વાતોમાં વીતી. ડૉક્ટરના મૈત્રીપૂર્ણ વ્યવહારથી સુધાને લાગ્યું કે હવે એમને સાચી વાત કરવામાં તકલીફ નથી. એક ઊંડો શ્વાસ લઈને, માથું ઢાળીને તે બોલી જ ગઈ, ‘પતિ સાથે નથી ગમતું…’
- ડૉ. શૈલા :એક કુશળ સેક્સોલોજિસ્ટ અને મનોચિકિત્સક છે.
ડૉ.શૈલા જોશી. બાવન વર્ષીય જાજરમાન મહિલા. ગોરા ચહેરા પર ફૂટેલી ગુલાબી સુરખી. કોઈને પણ પહેલી નજરે ગમી જાય એવાં. સુધાને પણ ગમ્યાં.
ડૉ.શૈલાએ સુધાને સસ્મિત આવકારી. પ્રૉફેશનલ સ્મિત કરતાં કંઈક વધુ હતું એમાં, એવું સુધાને લાગ્યું. કંઈક વધુ ઉષ્મા, કંઈક વધુ ઉમળકો…
ડૉ.શૈલાએ સુધાની પૂરી વાત શાંતિથી સાંભળી. ૨૪ વર્ષની દાક્તરી પ્રેક્ટિસમાં આવો કેસ ક્યારેય આવ્યો નહોતો, એટલે એમણે બહુ સાચવીને આગળ વધવું પડે એમ હતું. વીણીવીણીને શબ્દો પસંદ કરતા એમણે કહ્યું, ‘તમારી સ્થિતિ હું સમજી શકું છું. તમારી હિંમતને દાદ આપું છું કે આટલી ભયંકર માનસિક પીડામાંથી ગુજરવા છતાં અંતિમ પગલું ભરવાને બદલે જિંદગીને એક તક આપવાની તમે કોશિશ કરી. હું ટેબ્લેટ લખી આપું છું, એ લેજો, અને ત્રણ દિવસ પછી ફરી આવજો.’
આ ઉપરાંત સુધાનો પતિ અનિલ, સુધાની તરુણઅવસ્થાની સાથી વિભા, ડૉ. શૈલાની સાથી કવિતાનો યથાઉચિત ઉલ્લેખ થયો છે.
મનોમંથન:
વાર્તાની શરૂઆતથી અંત સુધી દર થોડીવારે મુખ્ય પાત્ર સુધાનું મનોમંથન સતત આલેખાયું છે.
- સુધાની આંખો દીવાલ-ઘડિયાળ પર ખોડાયેલી હતી. ટક…ટક… ઘુમતો સૅકન્ડ કાંટો… તેની જિંદગી પણ કંઈક એ સૅકન્ડ કાંટા જેવી જ હતી, જે સતત ગતિશીલ હોવા છતાં ક્યાંય નહોતો પહોંચતો. વર્ષોથી સંસારની એકની એક ઘરેડમાં પિસાઈ રહેલી સુધા એ બધી અણગમતી જફામાંથી છૂટવાને ઇરાદે જ આજે હિંમત ભેગી કરીને મનોચિકિત્સક પાસે આવી હતી.
અહીં લેખક સુધાના વિચારોનું પ્રતિબિંબ પાડે છે.
- ‘આટલા બધાં લોકો માનસિક બીમારીથી પીડાતા હશે?’ પ્રશ્ન થયો. ‘પણ આમાંના ઘણા તો તદ્દન નોર્મલ દેખાય છે..! ચહેરા પર કોઈ લક્ષણ નથી દેખાતાં…’ પછી જાતને આશ્વાસન આપતી સ્વગત બોલીઃ ‘મારે શું? મારે ક્યાં કોઈ માનસિક તકલીફ છે કે..! હું તો—’
અહીં પણ મનોચિકિત્સક પાસે આવવા બદલ સુધા દ્વિધા અનુભવે છે.
- જેની સાથે કમને તો કમને, પણ ચોવીસ વર્ષ વીતાવ્યાં હતાં એ પતિની હત્યા..! પોતાની દીકરીઓના બાપની હત્યા..! પકડાઈ જશે તો..? આજીવન કેદ… સમાજમાં બદનામી… દીકરીઓના જીવતર પર કલંક…
આખી વાર્તામાં આ પ્રકારના મંથનો સતત પડઘાયા છે.
સંઘર્ષ – પાત્ર પરિવર્તન :
આખી વાર્તામાં સુધાનો પોતાની સજાતીયતા વિશે સંઘર્ષ કરે છે અને ડૉ. શૈલાનો સાથ, નિખાલસ અભિપ્રાય અને પ્રેમ મળવાથી એક પરંપરાગત ભારતીય પત્ની પરિવર્તન પામી પતિની હત્યા સુધીના અંતિમ પગલે પહોંચે છે.
ભાષાકર્મ :
એક ક્રિમિનલ વાર્તાની જેમ અહીં રોજબરોજની ભાષા અને શહેરી વાતાવરણ બતાવવાનું હોવાથી કોઈ વિશેષ કામ થયું હોય એવું જણાતું નથી. તમે છતાંય શરૂઆતમાં..
- જિંદગી પણ કંઈક એ સૅકન્ડ કાંટા જેવી જ હતી, જે સતત ગતિશીલ હોવા છતાં ક્યાંય નહોતો પહોંચતો.
જેવા ચમકારાઓ ક્યાંક ક્યાંક આવી ગયા છે.
- એક બેડરૂમનું સરકારી ક્વાર્ટર અચાનક જ સાંકડું લાગવા લાગ્યું હતું;
તેવા કલ્પનો પણ કર્યા છે.
- શરીરના રોમરોમમાંથી ફૂટી નીકળેલા પરસેવામાં ઝેરની કડવી ગંધ ભળી ગઈ હોય એવું લાગ્યું.
એ પ્રકારની મનોવેદના પણ ઝીલી છે.
- એક અકથ્ય ડર તેને અજગરભરડો લઈ રહ્યો. પોતે ગૂંથેલી મોતની માયાજાળમાં ક્યાંક પોતે જ સપડાઈ ગઈ તો..!?
આવા રૂપકો પણ વાપર્યા છે.
વિવેચકની વક્ર દૃષ્ટિએ :
કેતન મુનશી સ્પર્ધામાં વખણાયેલી વાર્તા એક અનોખી ભાત તો ધરાવતી જ હોય છતાંય વિવેચકની વક્ર દૃષ્ટિએ જોઈએ તો મને વાર્તાનું કથન અને તેમાં વપરાયેલી ભાષા ખૂબ જ સામાન્ય કક્ષાના લાગ્યા. આટલો વિવાદાસ્પદ અને ઓછો ખેડાયેલો વિષય એક સામાન્ય ગુનાહખોરીની વાર્તામાં પરિવર્તન પામ્યો એવું લાગ્યું.
સારાંશ:
અલગ વિષય વિશે આલેખો ત્યારે કેવો અભ્યાસ કરવો જોઈએ એ આ વાર્તા દ્વારા જાણવા મળે છે. લેખકે વિષય ઉપર ઝીણવટ ભર્યો અભ્યાસ કરી એની વિગતોનો વાર્તામાં સરસ રીતે ઉપયોગ કર્યો છે. સજાતીય સંબંધ વિશે આલેખવામાં શૃંગાર અને બીભત્સ રસ વચ્ચેની પાતળી રેખાને બરોબર જાળવી છે.
આશા છે, આપને આ વિવેચન ગમ્યું હશે. આપની પાસે કોઈ એવી વાર્તા હોય જેને ઝીણવટપૂર્વક જાણવા માંગતા હો તો જણાવજો જરૂર. અને હા, આજના વિવેચન પછી એટલું જ કહીશ કે
“ચૈન સે સોના હૈ તો જાગ જાઓ, અને આવતા વિવેચન સુધી સતર્ક રહો. ..
— એકતા નીરવ દોશી
એકતા દોશી અક્ષરનાદ પરના આ સ્તંભ ‘વ વાર્તા નો વ’ અંતર્ગત વાર્તાઓનું ઝીણવટભર્યું વિવેચન કરી રહ્યાં છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.