મનમાં મૂંઝવણનો પાર નહીં કે, કેમ આવું થાય છે! પણ જે થાય છે એ ખોટું છે કે પાપ છે, એવી સમજણ કેળવાય એ પહેલાં તો તે લપસી ચૂકી હતી. શારીરિક આવેગોને વશ થઈને કરવામાં આવતા તેના ચોર-સ્પર્શો મોટાભાગની છોકરીઓને નિર્દોષ લાગતા, પણ એક દિવસ..
સુધાની આંખો દીવાલ-ઘડિયાળ પર ખોડાયેલી હતી. ટક… ટક… ઘુમતો સૅકન્ડ કાંટો… તેની જિંદગી પણ કંઈક એ સૅકન્ડ કાંટા જેવી જ હતી, જે સતત ગતિશીલ હોવા છતાં ક્યાંય નહોતો પહોંચતો. વર્ષોથી સંસારની એકની એક ઘરેડમાં પિસાઈ રહેલી સુધા એ બધી અણગમતી જફામાંથી છૂટવાને ઇરાદે જ આજે હિંમત ભેગી કરીને મનોચિકિત્સક પાસે આવી હતી.
ક્લિનિકમાં ભીડ હતી. ‘આટલા બધાં લોકો માનસિક બીમારીથી પીડાતા હશે?’ પ્રશ્ન થયો. ‘પણ આમાંના ઘણા તો તદ્દન નોર્મલ દેખાય છે..! ચહેરા પર કોઈ લક્ષણ નથી દેખાતાં…’ પછી જાતને આશ્વાસન આપતી સ્વગત બોલીઃ ‘મારે શું? મારે ક્યાં કોઈ માનસિક તકલીફ છે કે..! હું તો…’
એક પેશન્ટનું નામ બોલાયું અને સુધાની તંદ્રા ઘડીક તૂટી. ક્ષણાર્ધમાં પાછી વિચારોને ચકડોળે ચઢીઃ ‘મારાથી ડૉક્ટરને એ બધું કહેવાશે? જતી રહું? અકોટા બ્રિજ ક્યાં દૂર છે! એક ભૂસકો, ને બધી પરેશાનીઓનો અંત…’ તેણે આંખો ભીડી અને પોતાની જાતને બ્રિજની રેલિંગ પર ચડેલી કલ્પી.
વેઇટિંગ લૉન્જના ખૂણે સંકોરાયેલી સુધા સખત વ્યગ્ર હતી. માંહે કાળો કોલાહલ વ્યાપેલો હતો. પોણા કલાક દરમિયાન અનેકવાર થયું કે, ‘જતી રહું’, પણ ડૂબતો તરણું ઝાલે એમ હવે એક ડૉક્ટરનો જ સહારો હોવાથી એ વિચારને અમલમાં મૂકી ન શકી. ‘આ છેલ્લી કોશિશ. ડૉક્ટર મદદ નહીં કરે તો પછી…’ ડૉક્ટરને શું કહેવું, કઈ રીતે કહેવું, એનું મનોમન રિહર્સલ કરતી રહી.
‘સુધા સરૈયા…’
નામ બોલાયું અને તે ઝબકી. પેશન્ટમાંથી કોઈએ હાજરી ન પુરાવી એટલે રિસેપ્શનિસ્ટે ફરી નામ પોકાર્યું. બે પળના ખચકાટ બાદ સુધાના મોંમાંથી એક દબાયેલી ‘હા…’ નીકળી અને તે ઊભી થઈ.
ડૉક્ટરની કૅબિનમાં દાખલ થતાં કાચને દરવાજે ચોંટેલી તકતી પર ફરી ધ્યાન ગયું-
ડૉ.શૈલા જોશી.
સાયકિયાટ્રિસ્ટ ઍન્ડ સૅક્સોલૉજિસ્ટ.
સુધા કૅબિનમાં દાખલ થઈ. ધડકતે હૃદયે. ઉચાટ જીવે.
ડૉ.શૈલા જોશી. બાવન વર્ષીય જાજરમાન મહિલા. ગોરા ચહેરા પર ફૂટેલી ગુલાબી સુરખી. કોઈને પણ પહેલી નજરે ગમી જાય એવાં. સુધાને પણ ગમ્યાં.
ડૉ.શૈલાએ સુધાને સસ્મિત આવકારી. પ્રૉફેશનલ સ્મિત કરતાં કંઈક વધુ હતું એમાં, એવું સુધાને લાગ્યું. કંઈક વધુ ઉષ્મા, કંઈક વધુ ઉમળકો…
બેઠી. પણ શરૂ ક્યાંથી કરવું, એ સમજ ન પડી. ગોખેલું ભૂલી જવાયું.
‘છેલ્લે કઈ ફિલ્મ જોયેલી?’
ડૉક્ટરના ઑફબીટ પ્રશ્ને સુધાને ચોંકાવી.
‘જી..!?’ તે યાદ કરવા મથી. ‘કાલ બપોરે જ જોયેલી, કોઈ જૂની ફિલ્મ… નામ યાદ નથી આવતું.’
ડૉક્ટર હસ્યાં, બોલ્યાં, ‘વાંધો નહીં.’ મનોચિકિત્સક પાસે આવતા નેવું ટકા પેશન્ટ ક્ષોભ-સંકોચના જાળાંમાં લપેટાયેલા હોય છે. એમની જબાન ખોલવા માટે હળવી વાતોથી શરૂઆત કરવાનો ડૉ.શૈલાનો દાવ લગભગ હંમેશ સફળ થતો. સુધાના કેસમાં પણ થયો.
‘શું કરો છો?’ બીજો પ્રશ્ન.
‘હાઉસ-વાઇફ છું.’
‘સરસ. બહુ જવાબદારીભર્યું કામ એ તો. અને હસબન્ડ?’
‘શિક્ષણ ખાતામાં ક્લર્ક છે.’
‘બાળકો?’
‘બે દીકરી છે. બંનેને પરણાવી દીધી.’
‘એટલી બધી ઉંમર તો નથી લાગતી તમારી!’
ડૉક્ટરના શબ્દોથી સુધા હરખાઈ. ૪૨ વર્ષે પણ યૌવન અકબંધ હતું. કોઈ તેની સાચી ઉંમર ધારી ન શકે એટલું અકબંધ.
પાંચ-સાત મિનિટ આડી-અવળી વાતોમાં વીતી. ડૉક્ટરના મૈત્રીપૂર્ણ વ્યવહારથી સુધાને લાગ્યું કે હવે એમને સાચી વાત કરવામાં તકલીફ નથી. એક ઊંડો શ્વાસ લઈને, માથું ઢાળીને તે બોલી જ ગઈ, ‘પતિ સાથે નથી ગમતું…’
વર્ષોથી છાતીમાં ધરબાઈ રહેલી હતાશ હકીકતો બેપર્દા થઈ ઊઠી. પતિ પૂરો અણઘડ. પ્રેમ શું એની એને કોઈ ગતાગમ નહીં. એના તનોરંજનની ભૂખને અનિચ્છાએ તાબે થતી સુધાનું સ્ત્રીત્વ ઝીણી ઝીણી કરચોમાં વહેરાયાં કરતું. યંત્રવત્ યૌનાચાર હંમેશાં શારીરિક-માનસિક રીતે પીડતો રહ્યો. એની સાથેના દેહમિલનને તે કદી માણી જ નહોતી શકી. સ્ત્રીદેહને ચૂંથીને પડખું ફેરવીને ઊંઘી જવાની પતિની ટિપિકલ પૌરુષી આદતે તેને સુખની એ અનુભૂતિથી હંમેશાં અળગી જ રાખી, જે ક્યારેક…
પોતાની માંગ રજૂ કરવા જેટલી હિંમતવાન તો તે કદી હતી જ નહીં. જિંદગી વેંઢારતી ગઈ. ચહેરા પર બનાવટી સ્મિત લીંપીને જીવતી ગઈ. બે દીકરીઓ જન્મી. એમને મોટી કરી. ભણાવી. પરણાવી. પણ હવે સંવેદનહીન સંબંધનો બોજ વેંઢારવાની તાકાત બચી નહોતી. પતિના ભૂખા દેહ નીચે ગૂંગળાવું તેને મંજૂર નહોતું. છૂટવું તો હતું, પણ સમાજનો ડર. મોં ફાડીને ઊભેલો પ્રાણપ્રશ્નઃ ‘લોકો શું કહેશે..?’ દીકરીઓનું સાસરામાં રહેવું દોહ્યલું થઈ જશે, એટલે એકમાત્ર ઉપાય… આત્મહત્યા જ…
બોલતાં-બોલતાં આંખો છલકાઈ ગઈ સુધાની. ડૉ.શૈલાએ ધરેલો પાણીનો પ્યાલો એકીશ્વાસે ગટગટાવી ગઈ. વર્ષોથી ગળે જામેલી લગ્નબંધનની નિષ્ફ્ળતાની ખારાશ પાણી સાથે પેટમાં ઉતરી ગઈ હોય એમ થોડી રાહત અનુભવી. સાડીનો છેડો ભીના હોઠ પર દબાવીને થોડીવાર મૌન બેસી રહી. અંગત જિંદગીના સૌથી મોટા રહસ્યને શબ્દોમાં બાંધવાની મથામણ કરતી રહી. અને પછી… પછી થયો એક ધડાકો!
‘મને… મને સ્ત્રીઓમાં રસ છે..!’
ગરદન ઝૂકેલી હોવાથી ડૉ.શૈલાની આંખોમાં આવેલી ચમક સુધા જોઈ ન શકી. જોઈ શકી હોત તો…
સુધા બોલતી ગઈ તેમ-તેમ કાળની ગર્તામાં ધરબાયેલાં વર્ષો સજીવન થતાં ગયાં.
સોનગઢ તાલુકાના ગામડાગામમાં મધ્યમવર્ગી પરિવારમાં જન્મેલી સુધા. બાળપણ તો નિર્દોષપણે વીતી ગયું, પણ કિશોરાવસ્થા સમસ્યા લઈને આવી. બાહ્ય શારીરિક ફેરફારો કરતાં આંતરિક-માનસિક તરંગો તેને વધુ પીડી રહ્યા. હમઉમ્ર કિશોરોને બદલે સાથે ભણતી કિશોરીઓ તરફ આકર્ષણ થવા લાગ્યું. દેખાવડી છોકરીઓને તાકી રહેવાનું તેને ગમવા લાગ્યું. ફ્રોક નીચેથી દેખાતી માંસલ પીંડીઓ જોઈને તેની અંદર કંઇક સળવળી ઊઠતું. ક્યારેક અકસ્માતે થઈ જતો કોઈ છોકરીનો સ્પર્શ તેને મીઠો લાગતો; એટલો મીઠો કે થોડા વખતમાં તો તે જાણીજોઈને એવો સુખદ અકસ્માત સર્જાય એવા પ્રયાસો સભાનપણે કરવા લાગી. રિસેસમાં રમતાં-રમતાં કોઈ છોકરીને ખોટી રીતે ખોટી જગ્યાએ સ્પર્શી લેવાની આદત તેને પડી ગઈ.
મનમાં મૂંઝવણનો પાર નહીં કે, કેમ આવું થાય છે! પણ જે થાય છે એ ખોટું છે કે પાપ છે, એવી સમજણ કેળવાય એ પહેલાં તો તે લપસી ચૂકી હતી. શારીરિક આવેગોને વશ થઈને કરવામાં આવતા તેના ચોર-સ્પર્શો મોટાભાગની છોકરીઓને નિર્દોષ લાગતા, પણ એક દિવસ એક છોકરી તેનો આશય પામી ગઈ હોય એમ પૂરી સભાનતાથી તેની આંખોમાં તાકી રહી. સુધા ક્ષણિક સહેમી ગઈ. ક્ષણિક જ, કેમકે પેલી આંખોમાં રહેલી તીખાશનું સ્થાન તરત જ એક ગમતીલા ઈજને લઈ લીધું હતું.
નામ એનું વિભા. એક જ વર્ગમાં ભણે. બાજુના ગામની જ, એટલે બે કિલોમીટર દૂર આવેલી સ્કૂલે આવવા-જવાનો અડધો ઉપરાંત રસ્તો સાથે જ કપાય.
એ દિવસે ચાર થયેલી આંખોએ બંને વચ્ચેની નિખાલસ મૈત્રીનાં સમીકરણ બદલી નાંખ્યાં. સાંજે સ્કૂલથી પાછા ફરતી વેળાએ સહેલીઓના ટોળાથી છૂટી પડી બંને ગામની સીમના એકાંતમાં ખોવાઈ ગઈ. ભૂખ બંને પક્ષે હતી. તન-મનને પજવી રહેલા આવેગોની આપૂર્તિ થઈને જ રહી. કલ્પના પણ નહોતી એવો સંતોષ મળ્યો.
શું સાચું ને શું ખોટું, એની ભાંજગડમાં પડ્યા વિના બંને બેફિકર બનીને આગળ વધતી ગઈ. તક મળ્યે પ્રેમ કરી લેવાનો સુંવાળો સોદો બંનેને ફાવી ગયો. ખાસ્સા દોઢ વર્ષ સુધી એ સિલસિલો બેરોકટોક ચાલતો રહ્યો.
અચાનક એક દિવસ વિભાના લગ્ન નક્કી થઈ ગયા. સુધા બેબાકળી થઈ ઊઠી. વિભાથી જુદાઈ તેને મંજૂર નહોતી. લાગણીના તંતુ એટલા મજબૂત બની ચૂક્યા હતા કે છૂટા પડીને જીવવા કરતા મરવું બહેતર લાગ્યું, પણ વિભા આપઘાતના પક્ષમાં નહોતી. એ જિંદગી સાથે સમાધાન કરી લેવાના મતની હતી. કદાચ એની સમલૈંગિકતા સુધા જેટલી તીવ્ર નહોતી.
વિભા પરણીને ધરમપુર તરફના કોઈ ગામડે ઠરીઠામ થઈ ગઈ. પાછળ છૂટી ગઈ એકલી-અટૂલી સુધા. હતાશા, દુઃખ અને અફસોસમાં ડૂબેલી સુધા. આપઘાતના વિચારો તેને ઘેરી વળતા. કૂવે પાણી ભરતી વખતે તે પાણીની ઊંડાઈનો ક્યાસ લગાવી રહેતી. ‘બસ, એક કૂદકો ને ખેલ ખતમ…’ તે મનોમન ગણતરી માંડી રહેતી, પણ અઢી ફીટ ઊંચી કૂવાની પાળ ઠેકવા જેટલી હિંમત કદી ભેગી થઈ જ ન શકી.
સતત ગમગીન રહેતી સુધાને કાને એક દિવસ તેના લગ્નની વાત અથડાઈ. વિરોધ કરવાનું સાહસ તે ન કરી શકી અને ‘વિભા ગોઠવાઈ ગઈ તો મનેય ફાવી જશે’ એવું આશ્વાસન જાતને આપી તે પણ લગ્નની વેદીએ ચઢી ગઈ.
અનિલ સરૈયાને પરણીને વડોદરા આવેલી સુધાને શરૂઆતમાં મોકળાશભર્યાં શહેરમાં સારું લાગ્યું, પણ પતિ સાથે સાહચર્ય કેળવી ન શકી. એવું નહોતું કે તેણે કોશિશો નહોતી કરી, પણ તેનો માંહ્યલો જ જુદી માટીનો ઘડાયેલો હતો, પછી… મન મારીને તે લગ્નજીવન નિભાવતી રહી. પતિ તરીકેની લગભગ તમામ ફરજો અનિલ આવડે એ રીતે નિભાવતો, પત્નીની જરૂરિયાતો પૂરી કરતો. સુધા મોં હસતું રાખીને અભિનય કરતી ગઈ. પતિને ક્યારેય અણસાર પણ ન આવવા દીધો કે…
પણ હવે તેની સહનશક્તિની હદ આવી ગઈ હતી. પિલાઈ ગયેલા શેરડીના સાંઠા જેવા ફિક્કાફસ્સ લગ્નબંધનમાંથી તે મુક્ત થવા ઇચ્છતી હતી. છૂટાછેડા લઈને દીકરીઓ-પિયર-સમાજની નજરમાં ગુનેગાર બનવા નહોતી માગતી એટલે મન ફરી-ફરીને આત્મહત્યાના વિચાર પર જ કેન્દ્રિત થતું. પણ આત્યંતિક પગલું ભરતાં પહેલા ‘કદાચ કોઈ બીજો રસ્તો મળી જાય’ એવી આશામાં તે મનોચિકિત્સકના બારણે આવીને ઊભી રહી હતી.
ડૉ.શૈલાએ સુધાની પૂરી વાત શાંતિથી સાંભળી. ૨૪ વર્ષની દાક્તરી પ્રેક્ટિસમાં આવો કેસ ક્યારેય આવ્યો નહોતો, એટલે એમણે બહુ સાચવીને આગળ વધવું પડે એમ હતું. વીણીવીણીને શબ્દો પસંદ કરતા એમણે કહ્યું, ‘તમારી સ્થિતિ હું સમજી શકું છું. તમારી હિંમતને દાદ આપું છું કે આટલી ભયંકર માનસિક પીડામાંથી ગુજરવા છતાં અંતિમ પગલું ભરવાને બદલે જિંદગીને એક તક આપવાની તમે કોશિશ કરી. હું ટેબ્લેટ લખી આપું છું, એ લેજો, અને ત્રણ દિવસ પછી ફરી આવજો.’
સુધાને સારું લાગ્યું. મન આખું ઉલેચી નાંખ્યું હોવાથી માનસિક શાતા વળી.
પહેલી મુલાકાત બાદ સુધાના મનોજગતમાં ડૉ.શૈલા છવાયેલાં રહ્યાં. જાણવા મળ્યું કે તેઓ પણ અપરિણીત હતાં અને એકલાં રહેતાં હતાં. વડોદરા જેવા મોટા શહેરમાં જન્મ્યાં હોવાથી એમની પાસે પગભર બનીને એકલા જીવવાનો વિકલ્પ હતો, જે સુધા પાસે ક્યારેય નહોતો. સુધાને એમની સ્વતંત્ર જિંદગીની મીઠી ઈર્ષ્યા થઈ આવી.
ત્રણ દિવસ બાદ સુધાને બપોરની છેલ્લી અપૉઇન્ટમેન્ટ અપાઈ. તે કૅબિનમાં દાખલ થઈ કે તરત ડૉક્ટરે કહ્યું, ‘તમારો ઇલાજ ક્લિનિકની ચાર દીવાલો વચ્ચે નહીં થાય. ચાલો, કશેક ફરવા જઈએ.’
ડૉ.શૈલાની કાર શહેરની ભાગોળે વિશ્વામિત્રીને કિનારે આવેલી રેસ્ટોરાં પાસે જઈને અટકી ત્યાં સુધી બંને વચ્ચે ફિલ્મો અને ફૅશન જેવા હળવા વિષયો પર વાતો થતી રહી. સુધાના મનના નેપથ્યમાં પ્રશ્નો ઝળૂંબતા રહ્યાઃ ‘ડૉક્ટર મને આમ શહેરની બહાર કેમ લાવ્યાં હશે? મારી સમસ્યાનો એવો તો કેવો ઇલાજ છે, જે ક્લિનિકમાં નથી થઈ શકતો?’ આશંકાઓ હવામાં તોળાઈ રહી.
નદી-કિનારાને સમાંતર ઉગાડેલા બહુરંગી બોગનવેલની હારોહાર ગોઠવેલા ટેબલો પૈકીના સૌથી છેલ્લા ટેબલ પર બંને સામસામે ગોઠવાઈ. સૂપનો ઑર્ડર આપી ડૉ.શૈલા સીધા મૂળ મુદ્દે આવતા બોલ્યાં, ‘હું કંઈ રોજેરોજ પેશન્ટને લઈને આમ ફરવા નથી આવતી. તમારા પ્રત્યે સહાનુભૂતિ છે એટલે…’ ટેબલ પર સરકેલા એમના હૂંફાળા હાથ સુધાના હાથને પંપાળી રહ્યા. એ સ્પર્શમાં કંઈક વિશિષ્ટ હતું. શું હતું એ સુધાનું મન પામે એ પહેલા થઈ એક સ્ફોટક કબૂલાત…
‘અને સહાનુભૂતિનું કારણ એ કે હું પોતેય લેસ્બિયન છું..!’
સુધા આંચકો પામી ગઈ.
ડૉ.શૈલાના ભૂતકાળને ભીડીને બેઠેલી સજ્જડબંધ ગાંઠો ખૂલતી ગઈ. ‘અદ્દલ તારા જેવી જ સ્થિતિ મારીય હતી કિશોરાવસ્થામાં. પુરુષને બદલે સ્ત્રી તરફ થતું આકર્ષણ સમજતાં વાર લાગી. સમજતી થઈ પછીય સ્વીકારતાં વાર લાગી. પણ એક વાર સ્વીકારી લીધું એ પછી જાતને જૂઠા આશ્વાસન આપવાનું કે લાગણીઓને પાપ-પુણ્યના ત્રાજવે તોળવાનું બંધ કરી દીધું. કૉલેજના પહેલા જ વર્ષમાં મારા જેવી એક મળી ગઈ. મારી શારીરિક-માનસિક જરૂરિયાતોને બરાબર સમજે એવી. જોકે પછી મારા કિસ્સામાંય એ જ થયું, જે તમારા કેસમાં થયેલું. પરિવારની ઇચ્છાને માન આપી એ પરણી ગઈ ને હું પડી એકલી. પણ મેં તો નક્કી જ કરી રાખ્યું હતું કે પુરુષને પરણવાની ભૂલ હું નહીં કરું. આત્મનિર્ભર થવા ખૂબ મહેનત કરીને ડૉક્ટર બની. સમાજમાં માનપાન વધ્યાં એટલે અપરિણીત રહેવાના મારા નિર્ણયનો ઝાઝો વિરોધ ન થયો. હકીકતની તો કોઈને ખબર જ નહોતી.
પ્રૅક્ટિસ જામી ગઈ. ચિક્કાર કમાવા લાગી. દેશ-દુનિયા ફરી. મારી સમલૈંગિકતાને પોષી. વડોદરા જેવા મોટા શહેરમાં આપણા જેવી મહિલા મળવી મુશ્કેલ નહોતી. મનેય મળી ગઈ. કવિતા. પ્રાઇવેટ લાઇબ્રેરીમાં જૉબ કરતી હતી. હું ત્યાંની મૅમ્બર. એક દિવસ અચાનક કવિતાએ મને સમલૈંગિકતા વિશેનાં પુસ્તકો સજેસ્ટ કર્યાં, એમાં મને એની સેક્સ્યુઆલિટી વિશે શંકા ગઈ. થોડા દિવસો બાદ મેં જ એપ્રોચ કરેલું એને… અમે બંને ખુશ હતાં. આઠ વર્ષનો સંબંધ એક દિવસ અચાનક જ ખતમ થઈ ગયો. એક રાતે એના ઍપાર્ટમૅન્ટમાં અકસ્માતે આગ લાગી અને…’
ડૉ.શૈલા અટક્યાં. આંખો ઇન્દ્રધનુષી બોગનવેલ પર ટકાવી થોડી વાર મૌન બેસી રહ્યાં. શરીરને રુંવેરુંવે ઉમટેલી કવિતાની યાદોનો વલોપાત શાંત થયો પછી આગળ ચલાવ્યું, ‘બસ, એ પછી કોઈ નહીં. પ્રવાસ દરમિયાન કોઈ મળે તો ઠીક, બાકી… અહીં, આ શહેરમાં કોઈ નથી. તમે મળ્યાં ને લાગ્યું કે કવિતા પાછી ફરી…’
સુધા સ્તબ્ધ બનીને સાંભળી રહી. કેટલો બોલ્ડ, કેટલો નિખાલસ એકરાર..! કોઈપણ પ્રકારના અપરાધભાવ વિના ડૉ.શૈલાએ પોતાની જીવનકિતાબનું એ પ્રતિબંધિત પ્રકરણ ખુલ્લું મૂકી દીધું હતું.
ટૅબલ પર પડેલી પ્લેટ્સમાં લાગણીઓ સર્વ થતી રહી. બંને હૈયામાં વર્ષોથી ધરબાઈ રહેલો ઉકળાટ ધીમેધીમે બહાર ઠલવાતો ગયો.
પડદો ઊઠી ચૂક્યો હતો. કોઈ એક પહેલ કરે એટલી જ વાર હતી.
બે દિવસ બાદ ડૉ.શૈલાએ ફોન કરીને સુધાને પોતાને બંગલે બોલાવી. સુધાએ ના ન પાડી.
એ આખી બપોર બંને માટે અસીમ આનંદ લઈને આવી. એ હેતાળ સ્પર્શ… એ ભીની-ભીની સંવેદના… એ ઉષ્માપૂર્ણ આલિંગન… ચરમસીમાનો એ દૈવી અહેસાસ… અધૂરી એષણાઓ ભરપૂર રેલાઈ. રેલાઈને રંગીન થઈ. વર્ષો બાદ મળેલી અલૌકિક સુખની અનુભૂતિને બંનેએ પૂર્ણતઃ માણી.
એ દિવસ પછી તો આવી મુલાયમ બપોર વારંવાર સાકારિત થવા લાગી. ડૉ.શૈલા જોશીને શૈલા—ફક્ત શૈલા—બની જતાં વાર ન લાગી. વયમાં ૧૦ વર્ષનો ફરક બિસ્તરની ચાદરમાં ઓગળી ગયો. તરડાયેલી જિંદગી પર શૈલા નામનું રેણ લાગી ગયું અને સુધા સમથળ થઈ ઊઠી. બળબળતી ધરા પર ઘણે વર્ષે વરસેલી પ્રેમ-હેલીથી તે નવપલ્લવિત થઈ ઊઠી.
શૈલાનો સંગ માણવા મળ્યા પછી તો સુધાનો તેના પતિ પ્રત્યેનો અણગમો ઓર ગહેરાયો. એની હવસીલી નાગચૂડમાં ભીંસાતી સુધા અકળાઈ ઊઠતી. ભીના સળગતા લાકડાની જેમ મનોમન ધૂંધવાઈ ઊઠતી. પતિ સાથે રહેવું હવે દોહ્યલું લાગવા લાગ્યું, પણ છૂટકારો મેળવવા એ કરે તો કરે શું..?
એક બપોરે રુમાની ક્ષણો માણ્યા બાદ સુધા અને શૈલા ટીવી જોવા બેઠી. એક ચેનલ પર ચાલતી ઐશ્વર્યા રાયની ‘પ્રોવોક્ડ’ ફિલ્મમાં બંનેને રસ પડ્યો. પતિના અત્યાચારનો ભોગ બનતી પત્ની. મારઝૂડ, ગાલીગલોચ, શારીરિક શોષણ વેઠતી પત્ની. આખરે શારીરિક-માનસિક ત્રાસની ચરમસીમા આવી અને પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો..!
ફિલ્મનો અંત જોઈને સુધા અને શૈલા ચોંકી ગઈ. બંનેની નજરો મળી અને એક ઝેરીલો વિચાર બંનેને ઘેરી વળ્યો.
એ વિષયમાં પછી કોઈ વાત ન થઈ, પણ સુધાના મનમાં એ વિચાર દાવાનળ બનીને ફેલાતો રહ્યો, તેના દિલોદિમાગને સતત બાળતો રહ્યો. આખરે એક દિવસ તેણે જ મુદ્દો છેડ્યો, ‘હવે સહન નથી થતું. તું કંઈક કર.’
થોડી વારે શૈલાએ ઉપાય જણાવ્યો, ‘એનાથી છુટકારો મેળવવા હવે પ્રોવોક્ડવાળી જ કરવી પડશે.’
સુધાને ફાળ પડી.
‘એની હત્યા…’
શૈલા શું કહેવાની હતી એની ધારણા હોવા છતાં સુધા થથરી ગઈ..! ‘હત્યા’ શબ્દ રીતસર વાગ્યો. એ કંઈ બોલી ન શકી.
સુધાને પામવાની તલબમાં શૈલા ડૉક્ટર હોવા છતાં માનવહત્યાના પાપમાં ભાગીદાર બનવા તૈયાર થઈ ગઈ. એણે કહ્યું, ‘ઍમોનિયલ ઍક્સ નામનું એક ઝેર આવે છે. શરીરમાં ધીમેધીમે પ્રસરે અને મૅડિકલ તપાસમાં ન પકડાય.’
સુધા ધડકતે હૃદયે સાંભળતી રહી.
‘બજારમાં પ્રતિબંધિત છે, પણ રિસર્ચ માટે મૅડિકલ લૅબોરેટરીમાંથી મળી શકે. તું તૈયાર હોય તો હું વ્યવસ્થા કરું…’
ગળા સુધી આવી ગયેલી ‘હા’ને સુધાની જીભ બહાર ધકેલી ન શકી.
‘પકડાવાનો સવાલ જ નથી. ને વાંકે નસીબે તું પકડાઈ જાય તો બેધડક મારું નામ દઈ દેજે.’
સુધાનું મગજ ચકરાઈ ઊઠ્યું.
એ પછીના દિવસો સુધા માટે સંઘર્ષપૂર્ણ રહ્યા. પતિની હત્યા..! જેની સાથે કમને તો કમને, પણ ચોવીસ વર્ષ વીતાવ્યાં હતાં એ પતિની હત્યા..! પોતાની દીકરીઓના બાપની હત્યા..! પકડાઈ જશે તો..? આજીવન કેદ… સમાજમાં બદનામી… દીકરીઓના જીવતર પર કલંક…
વિચારોના વમળમાં તે એટલી દૂર ઘસડાઈ જતી કે સમયનું ભાન જ ન રહેતું. કામ કરતા કરતા તેના હાથમાંથી વાસણ છટકી જવાં લાગ્યાં. નળ વહેતો મૂકીને તે બીજા કામ તરફ ચાલી નીકળતી. ગેસ બંધ કરવાનું ભૂલી જવા લાગી. પતિનો હસતો ચહેરો અચાનક ઝેરથી લીલો પડી જતો દેખાતો. બાપના મૈયત પર કલ્પાંત કરતી દીકરીઓ દેખાતી. ઘરને ઉંબરે ઉભેલી ખાખી વર્દી દેખાતી…
અનંત મનોમંથન તેને ત્રણ દિવસ પજવતું રહ્યું. સારી-નરસી અનેક સંભાવનાઓ અને પરિણામો વિશે વિચાર્યા બાદ આખરે તે નિર્ણય પર પહોંચી.
બે દિવસ બાદ તેના હાથમાં એક નાનકડી બોટલ હતી. ગણીને માંડ બે ટીપાં અનિલના ખોરાકમાં ભેળવવાના હતાં. દરરોજ.
પહેલે દિવસે હાથ ધ્રૂજ્યા. દાળની વાટકીમાં ઓગળતા ટીપાંને તાકી રહી. થયું કે, ફેંકી દઉં, પણ ત્યાં સુધીમાં અનિલ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ચૂક્યો હતો. મુઠ્ઠીઓ ભીડીને તે પાછળ ખસી ગઈ. શરીરના રોમરોમમાંથી ફૂટી નીકળેલા પરસેવામાં ઝેરની કડવી ગંધ ભળી ગઈ હોય એવું લાગ્યું. પતિને મોતના કોળિયા ભરતો જોઈને તે અંદરથી કાંપી ઊઠી.
એ આખી રાત તેણે જાગતા વિતાવી. પતિના શરીરમાં પ્રસરતા ઝેરની બિહામણી કલ્પનાએ તેને ઘડીભર પણ ઊંઘવા ન દીધી. એક અકથ્ય ડર તેને અજગરભરડો લઈ રહ્યો. પોતે ગૂંથેલી મોતની માયાજાળમાં ક્યાંક પોતે જ સપડાઈ ગઈ તો..!?
સવારમાં ઊઠીને સૌથી પહેલું કામ શૈલાને ફોન લગાવવાનું કર્યું.
શૈલાએ હિંમત બંધાવી, ‘હવે પાછળ વળવાનું ન વિચારતી. થવા દે જે થઈ રહ્યું છે. હું તારી સાથે છું.’
આ ‘હું તારી સાથે છું’માં જ સુધા ઘસડાતી ગઈ. પોતે જે કરી રહી હતી એ ખોટું છે એની સભાનતા હતી, પણ સામે સોનેરી ભવિષ્યની લાલસા એટલી જ બળવત્તર હતી. એક બેડરૂમનું સરકારી ક્વાર્ટર અચાનક જ સાંકડું લાગવા લાગ્યું હતું; ચાર બેડરૂમના બંગલામાં રહેવાનો મોહ જાગ્યો હતો. રૂપિયાની રેલમછેલ… વિદેશ પ્રવાસ… મનગમતો શારીરિક સંસર્ગ… પતિની હત્યા કરવા પાછળ અનેક પ્રલોભનો કામ કરી ગયાં હતાં.
અનિલના ભાણામાં મોતના ટીપાં રેડતાં હવે તેના હાથ નહોતા કાંપતા. ઝેરની કડવીખખ ગંધે પણ હવે તેને પજવવાનું બંધ કરી દીધું હતું. પતિના છેલ્લા દિવસોમાં તેણે એને ભાવતા ભોજ જમાડ્યા.
દસેક દિવસ બાદ ઊંઘમાં જ અનિલનું હૃદય બંધ પડી ગયું. હાર્ટએટેક..!
પતિના મોત પાછળ થાય એટલો અભિનય કર્યો. માંહે બાઝેલાં સુખના ટીપાં બહાર ડોકાવા ન દીધાં. કોઈને શંકા ન ગઈ.
દીકરી-જમાઈઓના એમની સાથે રહેવાના આગ્રહને તેણે પ્રેમપૂર્વક ટાળી દીધો. ત્રણ મહિનામાં શૈલાને બંગલે રહેવા જતી રહી. થોડાને નવાઈ લાગી. ઘણાને થયું- સારું છે, એકલવાયી વિધવાને બહેનપણી મળી ગઈ! હકીકત તો ફક્ત ત્રણ જ જાણે… સુધા, શૈલા ને ઉપરવાળો…
સુધા હવે આઝાદ હતી. પતિની હત્યા કર્યાના ડંખને અંતરમાં દફન કરીને તે શૈલા સાથેના જીવનને ઉપભોગી રહી. વર્ષો બાદ મળેલી મહામૂલી મુક્તિને તે મન મૂકીને માણી લેવા માગતી હતી.
***
એક સવારે ચા પીતાંપીતાં અખબાર વાંચી રહેલી સુધાનું ધ્યાન એક સમાચાર તરફ ખેંચાયું. હેડલાઇન હતીઃ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર પત્નીને આજીવન કેદ…
સુધા ધ્રૂજી ઊઠી. કપ હાથમાંથી છટકીને ફર્શ પર પછડાયો અને ચૂરચૂર થઈ ગયો.
કપના વેરવિખેર ટુકડાઓને સુધા અપલક તાકી રહી.
— મયૂર પટેલ
સંપર્કઃ +91 95374 02131
markmayur@gmail.com