આજે મારે વાત કરવી છે મારા કૃષ્ણ વિશે. મારો કૃષ્ણ – આ સંબોધન જ કેટલું મીઠું છે, નહીં? મારો કૃષ્ણ અલગ નથી, તમારા સૌ જેવો જ છે, બસ એને જોવાની મારી દ્રષ્ટિ સહેજ જુદી છે.
ભગવદ્દ ગીતા વિશે આપણે સૌ જાણીએ છીએ. એમાં કૃષ્ણ દ્વારા અપાયેલા ઉપદેશ વિશે પણ આપણે પરિચિત છીએ જ. આજે વાત કરવી છે ગીતા અને કૃષ્ણને જોડતા એક અગત્યના પરિબળ વિશે. હું જયારે પણ ભગવદ ગીતા વિષે વિચારું ત્યારે એક વાતનું અચરજ હંમેશાં થાય. આમ તો એ કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ જ છે પણ કૃષ્ણ એ જે રીતે સમયને બાંધી રાખી ગીતા જ્ઞાન આપ્યું એ આખો પ્રસંગ મને દર વખતે અચંબિત કરી જાય છે. અને આ અચરજનું કારણ છે – સમય.
અવિરત વહ્યા જ કરવું એ જેનો મૂળભૂત ગુણધર્મ છે એણે સ્થગિત કરી શકાય ખરા? પરિવર્તન જ જેનો મૂળ સ્વભાવ છે એ સતત બદલાતો રહીને આપણને એક વાત હમેંશા કહ્યા કરે છે. અને એ પણ પોતાના જ સતત બદલાતા રૂપ દ્વારા.
કશું જ સ્થાયી નથી. – આ એક ભાવ સમય સતત પોતાની સાથે લઈને ચાલે છે અને પોતાના બદલાતા રૂપ દ્વારા આપણને ય કહે છે. અને આપણે ? પસાર થતી દરેક ક્ષણને પકડવા મથ્યા જ કરીએ! સમય શાંત ચિત્તે આપણી આ મિથ્યા દોડને જોયા કરે!
સમય બળવાન છે એવું કહેવાયું છે. પણ ખરેખર સમય પાસે એ શક્તિ છે ખરા? જે પોતે એક સેકંડ માટે પણ પોતાનું સ્વરૂપ સ્થાયી નથી રાખી શકતો એ બીજા કોઈનું શું નુકસાન કરવાનો? જે ખુદ પરિવર્તનશીલ છે, જે ખુદ એક ક્ષણ માટે પણ સ્થાયી નથી એ કોઈ માટે નુકશાનકારક કઈ રીતે હોઈ શકે? ક્યારેય વિચાર્યું છે આ વિષે?
શું કરું યાર, મારો સમય જ ખરાબ છે! કેવી સિફતથી જાતની નિષ્ફળતા સમય પર થોપી દઈએ છીએ આપણે! સમય – જે ક્યારેય ખુદ પોતાના માટે ય રોકાતો નથી. પોતાના જ બદલાયેલા રૂપ તરફ જે ફરીને નજર પણ કરતો નથી એ કોઈ હાડમાંસના માનવીની સફળતા કે નિષ્ફળતા નક્કી કરનાર કોણ? એ ફક્ત પોતાનું કામ કરે છે અને એ છે – સતત આગળ વધ્યા કરવું. કોઈ એક ક્ષણમાં તમારા પ્રયત્નો વધુ હશે તો સફળતા તમારા દ્વાર ખટખટાવશે જ. અને બીજી એક ક્ષણમા જો પ્રયત્ન પૂરતા નહી હોય તો નિષ્ફળતા હાથ ફેલાવી તમને આવકારશે જ! અહી સમય નહિ, તમારો તમારા કામ પ્રત્યેનો અભિગમ મહત્વનો બની રહે છે. સમય તો સફળ થયા ત્યારે ય પસાર થતો હતો અને નિષ્ફળતા મળી ત્યારે ય સમય તો એનું રોજિંદુ કાર્ય કરતો જ હતો ને?
સમય બહુ કીમતી છે એવું કહીએ છીએ પણ એની કિમત કરવામાં આપણે ચૂકી જઈએ છીએ. બીજા શબ્દોમાં કહું તો સમય આપણે માટે ઘર કી મુરગી દાલ બરાબર જેવી એક સામાન્ય બાબત છે. લખવામાં અને બોલવામાં સમયના ગુણગાન ગાઈએ પણ એ જ વાતને અમલમાં મૂકવામાં આપણે થાપ ખાઈ જઈએ છીએ. અને પછી જયારે ધાર્યું કામ ન થાય ત્યારે ફરી એક વાર ઓળીયો ઘોળીયો સમય માથે!
આમ તો સમય શાશ્વત છે એવું બધા કહે છે. અત્ર તત્ર સર્વત્ર સમય ઉપસ્થિત જ છે. અહી આ વાતનો સંદર્ભ છે..ક મળે છે – ઋગ્વેદમાં. ઋગ્વેદ વિષે બધા ને ખ્યાલ હશે જ. ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન ગ્રંથ. વેદ શબ્દ આવ્યો છે विद ધાતુ પરથી. विद ज्ञाने | જે જ્ઞાન આપે તે વેદ. ઋગ્વેદ એ સૌથી પ્રાચીન વેદ તરીકે સ્થાપિત છે. ऋक શબ્દ પરથી બન્યો ઋગ્વેદ, જેમાં ઋચાઓ દ્વારા પ્રકૃતિની સ્તુતિ કરી છે. ઋગ્વેદનું એક સૂક્ત છે – નાસદીય સૂક્ત. ન +અસદ + ઈય = નાસદીય. જયારે કઈ જ અસ્તિત્વમા નહોતું ત્યારે પણ અસ્તિત્વ તો હતું જ! ગૂઢ રીતે અહી સમય તરફ ઈશારો કર્યો છે. સમય હર પળે હર ક્ષણે હાજર જ હોય છે. જયારે કઈ જ નહોતું ત્યારે પણ સમય તો હતો જ! હિરણ્યગર્ભના ઉદ્ભવથી લઈને સૃષ્ટીના સર્જન, એના પાલન અને એના તથાકથિત વિનાશ – આ દરેક મહત્વની ઘટના દરમિયાન સમય હાજર જ રહ્યો છે.
છતાં પ્રશ્ન તો હજી ય અનુત્તર જ રહે છે, નહીં?
સમય…. શું છે આ સમય? રિસ્ટ વોચમાં દેખાતી સેકન્ડ્સ કે વર્ષો જૂના ઘરની એક દીવાલે લટકાવેલા કેલેન્ડરના મહિનાઓ?વીતેલા વર્ષોની ખટમીઠી યાદો કે પછી આવનારા સમયની અનિશ્ચિતતા? સમય… એ મારો છે, તમારો છે કે પછી બધાનો છે? કે પછી આઈનસ્ટાઇનના કહ્યા અનુસાર ખરેખર સમયનું કોઈ અસ્તિત્વ જ નથી ! સમય જ સર્વોપરી છે ? એ જ પૂર્ણ સત્ય છે? આપણે સમયને સાચવીએ છીએ કે પછી સમય આપણને સાચવે છે?
આ દરેક પ્રશ્નના જવાબ મળે છે એક વ્યક્તિના વર્તનમાં.
શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષ આઠમ એટલે કે જન્માષ્ટમી. વિષ્ણુના દશાવતારોમાંના એકનો અવતરણ દિવસ. નાના મોટા સૌ એ દિવસે પોતપોતાની રીતે કૃષ્ણને યાદ કરે! કૃષ્ણનું વ્યક્તિત્વ જ એવું છે કે એ સૌને પોતાનો જ લાગે! જે આકારમાં ઢાળો એ આકારમાં ઢળી જતો, સૌનો પોતીકો ય ખરો ને વળી બધાયનો સહિયારો ય એટલો જ !
આજે મારે વાત કરવી છે મારા કૃષ્ણ વિશે. મારો કૃષ્ણ – આ સંબોધન જ કેટલું મીઠું છે, નહીં? મારો કૃષ્ણ અલગ નથી, તમારા સૌ જેવો જ છે, બસ એને જોવાની મારી દ્રષ્ટિ સહેજ જુદી છે.
જોકે મારી નજરના કૃષ્ણનાં આલેખન વખતે સહેજ વિચાર આવી ગયો કે નજર તો ફક્ત બાહ્ય વ્યક્તિત્વ જ જોઇ શકે ને? અલબત્ત કૃષ્ણ માટે આકર્ષણ થયું એના પાયામાં આ બાહ્ય સુંદરતા જ છે! નમણું મોં, મોહક સ્મિત, જાતજાતનાં આભૂષણોથી શોભતો શ્યામલ દેહ, હાથમાં વાંસળી ને માથે મુગટ પહેરેલા કૃષ્ણનું મને બાળસહજ આકર્ષણ હતું. કેટલાંય ઘરેણાં પહેરતો એ છોકરો નાનપણથી જ મારો પાક્કો દોસ્ત બની ગયેલો.
બાળપણમાં રાધા કૃષ્ણની વાતો મારા માટે પરીકથાથી ય વધુ મહત્વ ધરાવતી. જે રાધાને કૃષ્ણ સાથે જ જોવા ટેવાયેલી એ જ રાધાની ઈર્ષ્યા કરતી થયેલી મુગ્ધાવસ્થામાં. નટખટ મસ્તીખોર કાનો દોસ્ત મટીને પ્રેમી બની ગયેલો! એ ય કેવો અજબ ખિલાડી છે નહીં? ઉંમરના પડાવ અનુસાર સંબંધો બદલ્યા જ કરે!
ખેર, એ સમયગાળો પણ વીત્યો ને આજે એ જ કાનુડો મારો અંતરંગ સખા બનીને દરેક પળે સાથે હોય છે. એટલો નજીક કે એની સાથે સંવાદ કરવો જ નથી પડતો. બસ, એને અનુભવી લઉં છું. મને કૃષ્ણ ક્યારેય અલૌકિક નથી લાગ્યા. એની સામે ક્યારેય હાથ જોડવાનું મન જ નથી થયું. એ તો સાવ પોતાનો કહી શકાય એવો મિત્ર બનીને મને સમજતો જ રહ્યો છે.
કૃષ્ણ કહે છે, શાશ્વત કાળ હું છું. હાથમાંથી સરી જતા સમયને યોગ્ય રીતે સાચવી લેવો – આ એક મોટી શીખ કૃષ્ણના જીવનમાંથી મળે છે. એમણે દર વખતે સમયને આધીન રહીને વર્તન કર્યું છે. સમાજ શું કહેશે એની પરવા કર્યા વિના!
કૃષ્ણ એ દર વખતે સમાજના અપેક્ષિત માળખાને તોડી મરોડીને સાવ અણધાર્યું અને અપેક્ષિત વર્તન કર્યું છે, પણ હંમેશાં સમયને માન આપીને જ. કૃષ્ણના તો નામમાં જ વિરોધભાસ છે!
કૃષ્ણનો એક અર્થ થાય શ્યામ. કાળો રંગ એ અશુભનું પ્રતિક. પણ એ જ કાળિયો કેટલાયના જીવનના અંધકારને દૂર કરીને એને સાચી દિશા આપવા નિમિત્ત બનેલો. કેવો વિરોધાભાસ!
સમસ્ત યાદવકુળનો સર્વ સત્તાધીશ પણ કહેવાય મખાણચોર.
મધુર સૂરે વાંસળી વગાડી શકતાં હાથ જરૂર પડે સુદર્શન પણ ચલાવી જાણે.
કદમ્બ વૃક્ષ પર બેસીને ગોપીઓના વસ્ત્રો ચોરતો કૃષ્ણ સમય આવ્યે દ્રૌપદીના ચીર પણ પૂરે.
યુદ્ધ ભૂમિમાં શસ્ત્રો ત્યાગીને બેઠેલાં અર્જુનને ‘યુદ્ધ એ જ કલ્યાણ’ નું જ્ઞાન આપતો ‘રણછોડ’ હોય કે પછી પોતાના બ્રહ્મચર્યની શાખે બ્રહ્માસ્ત્રને વિફલ કરી નાખતો સોળ હજાર રાણીઓના પતિ તરીકે પ્રખ્યાત દ્વારકાધીશ! કૃષ્ણે દર વખતે બધાંને અચંબિત કરે રાખ્યા છે.
એનું આ અણધાર્યું વર્તન જ એના માટે આકર્ષણ જગાવે છે. અપેક્ષાથી વિપરીત વર્તવું અથવા તો પરંપરાગત માળખાને તોડી ફોડી નવું જ બંધારણ ઉભું કરવું – કૃષ્ણે આ જ કર્યું છે, જીવનપર્યંત. છતાંય બધાની સ્વીકૃતિ પામ્યા છે.
પાણી જેવું વ્યક્તિત્વ સતત નિભાવી જાણવું – સહેલ નથી જ. પણ એ કરી બતાવ્યું કૃષ્ણ એ.
શરૂઆતી બહારી આકર્ષક રૂપ જોનારી મારી નજર પણ સમય જતાં પરિપક્વ થઇ ગઇ છે. બાહ્ય આકાર તો ક્યારનોય વિલીન થઈને જાણે મારામાં એકરૂપ થઇ ગયો છે. હવે જે દેખાય છે એને જોનાર છે મારી કૃષ્ણ-દ્રષ્ટિ. એ દ્રશ્ય અનુસાર કૃષ્ણ વિશે લખવા બેસું તો મારી કલમ સીમિત થઇને આ એક વાક્ય લખી શકે:
કૃષ્ણ એ મારા માટે સતત ધબકતું મારું જ પોતીકું બીજું અસ્તિત્વ છે.
આ એજ કૃષ્ણ છે જેણે કુરુક્ષેત્રમા સાક્ષાત સમયને થંભાવી દીધેલો! સમયની એ સ્થિરતા એ આપણને એક બહુ મૂલ્ય ગ્રંથની ભેટ આપી છે. ગીતા ! ગીતાનો જ એક શ્લોક આજે અહી કહેવાનું મન થાય છે. એ શ્લોક મને દર વખતે એક નવું જ બળ આપે છે. ખાસ તો જયારે જયારે જાત પરની અશ્રદ્ધા બળવાન થાય ત્યારે ત્યારે અટકી જતી મારી કલમને હંમેશા જેણે પ્રેરણા આપી છે, એવા કૃષ્ણના શબ્દો આજે એને જ સમર્પિત….
अक्षरानामकारोडस्मि द्वन्द्व: सामासिकस्य च।
अहमेवाक्षय: कालो धाताहं विश्वतोमुख:।। ભગવદ ગીતા, અધ્યાય ૧૦, શ્લોક ૩૩
અક્ષરોમાં હું અ કાર છું, સમાસોમાં દ્વંદ્વ સમાસ છું, શાશ્વત કાળ પણ હું છું અને સ્રષ્ટાઓમાં હું બ્રહ્મા છું.
— શ્રદ્ધા ભટ્ટ
‘આચમન’ કૉલમ અંતર્ગત લખાયેલા શ્રદ્ધાબેન ભટ્ટના જ્ઞાનસભર લેખ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.
Khubj saras che. Abhinanan. Aap na lekhn ma bandhi rakhva ni takat che.
ખૂબ સરસ. ખરું કહ્યું કૃષ્ણ પોતીકો છે અને સહિયારો પણ છે. સમયના પડાવ સાથે તેની સાથેનો નાતો બદલાતો રહે છે.
આપનું ચિત્ર પણ અદ્ભૂત!
Thank you so much
સાદર વંદન,
આપે લેખને જે શીર્ષક આપ્યું એને કદાચયથોચિત ન્યાય આપી શક્યા નથી એવું મને લાગુ. કૃષ્ણ અને સમય વિશે વધુ ગહન વાત થઈ શકે તેમ છે. સ્ટીફન હોકિંગ દ્વારા લિખિત ‘સમયનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અહીં આપણને અત્યાધુનિક વિજ્ઞાન સંબંધે મદદરૂપ થઇ શકે તેમ છે. ભગવદ્દ ગીતા કહેવાઇ એ સમયે કાળનું થંભી જવું અને કૃષ્ણ પોતે જ કાળ(સમય)નું એક સ્વરૂપ છે ગહન ચિંતનનો વિષય છે. ગીતા ટાઈમ ટ્રાવેલની ઘટના પણ છે, જે એસ.જી. વેલ્સની માત્ર કલ્પના હતી, કૃષ્ણની સિદ્ધિ હતી.
Very interesting insight! Krishna is nothing and everything. This zero to infinity concept covers everything known and unknown. Hence your idea is part and parcel of Krishna lila.When he says,”શાશ્વત કાળ પણ હું છું” This કાળ may also mean time or death.As Narsinh Mehta has said, “brahma lataka kare brahm pase” ….that is all we do.
True indeed. Thanks for the comment.