સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ‘ગીતા અને આપણાં પ્રશ્નો’ : પુસ્તકપર્વ 2


સ્વામીજીએ ગીતામાંથી તેમણે ચૂંટેલા કેટલાંક શ્લોકોને દસ વિષયોમાં વિભાજીત કરીને એ વિષયમાં ગીતા શું કહેવા માગે છે એ દર્શાવીને આપણને ગીતાનવનીત કે ગીતામૃત પીરસ્યું છે.

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાંથી અમૃતમંથન દ્વારા તારવેલ નવનીત

પુસ્તકનું નામ : ગીતા અને આપણા પ્રશ્નો

લેખક : સ્વામી સચ્ચિદાનંદ

શ્રીમદ્ ભગવદ્ ગીતા’ એ દુનિયાનો એક અનોખો ગ્રંથ છે એવું સ્વીકારનારાઓની સંખ્યા માત્ર ભારતમાં જ નહીં  દુનિયામાં પણ ખુબ મોટી છે. આ ગ્રંથની એક ખાસિયત એ છે કે  પ્રત્યેક યુગે અને પ્રત્યેક વ્યક્તિએ તેણે નવીન, મૌલિક અને વિશિષ્ટ અર્થો ધારણ કર્યા છે. જો કે આ ખાસિયતના કારણે જ કેટલાય લોકોએ પોતાના ખ્યાલોને આ ગ્રંથના ખ્યાલો બતાવી અને બનાવી દીધા છે. કોઈ ગ્રંથનું અભ્યાસપૂર્વકનું વાંચન  જે-તે ગ્રંથનો સાર અને વિચારભાથું આપણને મેળવી આપે છે, પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે કે જે પ્રત્યેક વ્યક્તિને ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ આપે છે અને એક જ વ્યક્તિ પોતાના જીવનની ભિન્ન ભિન્ન સ્થિતિ અને અવસ્થાએ આ ગ્રંથ વાંચે ત્યારે એને એના શબ્દોમાંથી નવા- નવા અર્થો અને તારણો મળે છે. આ સાવ સાચું હોવા છતાં એ બધાં અર્થો ગીતાના જ છે એમ પ્રતિપાદિત કરવું ખોટું છે. આવા જ એક કારણોસર સમગ્ર સમાજ વેદોથી દૂર થઈ ગયેલો.

શ્રીમદ્ ભગવદ્ ગીતા સ્વતંત્ર ગ્રંથ નથી. તે મહાભારતના ભીષ્મપર્વનો એક હિસ્સો છે. જો કે છેલ્લાં બે થી ત્રણ હજાર વર્ષોથી તે સ્વતંત્ર ગ્રંથ તરીકે પ્રસ્થાપિત થયો એટલું જ નહીં તેણે લોકજાગૃતિ અને શિક્ષણનાં વ્યાપ સાથે રામાયણ અને મહાભારતને પણ પાછળ છોડી દીધાં. (આ લોકપ્રિયતાની વાત નથી પણ જીવનમાં તેની ઉપયોગીતાનાં સંદર્ભનું આ તારણ છે) માનવઆત્માને કટોકટીની વેળાએ મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ અહીંથી મળે છે. આ ઉકેલમાંથી જ ઉઘડે છે સ્વામી સચ્ચિદાનંદનું ગુર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલું એક અમૂલ્ય પુસ્તક – “ગીતા અને આપણા પ્રશ્નો.”

કટોકટીના સમયમાં સ્વયં ભગવાનનાં શ્રીમુખેથી ઉદ્દભવેલ અને પછીથી કદાચ આ રીતે લખાયેલી આ વાણી વિશ્વનાં સામાજિક મૂંઝવણોનાં, આર્થિક તકલીફોનાં, રાજકીય સંઘર્ષનાં, આધ્યાત્મિકતાનાં પ્રશ્નોના ઉત્તર આપવા સક્ષમ છે. તેની આ ક્ષમતાનું કારણ તેનો સ્વભાવ છે. જે શાંતિમય જીવનનું સમાધાન, પૂર્ણ સત્યનો પ્રકાશ અને જીવન વિશેનું ઉદાત્ત ચિંતન-એ સર્વને વ્યાપી વળે છે.

આથી કોઈ એક ધર્મ કે પંથનો ગ્રંથ બનવાને બદલે પ્રત્યેક સમયે વિશ્વમાનવને દોરવણી આપનારો ગ્રંથ બની રહ્યો. તેને માત્ર હિંદુ ધર્મનો ગ્રંથ કહેવો એ પણ ઉપર દર્શાવ્યા મુજબનો જ એક પોતીકો કાઢવામાં આવેલો અર્થ છે. ગીતા તો વિદ્વાન અને અભ્યાસી દારા શિકોહને એક આનંદદાયીની અને માનવીને સચ્ચાઈનો માર્ગ બતાવનારી, એના હક્કને જાણવાવાળી કૃતિ લાગી. તો બીજી તરફ નિબંધકાર અને તત્ત્વચિંતક ટોમસ કાર્લાઈલને આ પુસ્તક વિખ્યાત કવિ ઇમર્સને ભેટ રૂપે આપ્યું હતું અને એણે કહ્યું કે, ”હું ભગવદ્ ગીતામાંથી સ્ફૂર્તિ મેળવું છું.” આમ ગીતા તો માનવીનું મન , વિચાર અને વૃત્તિ છે. માનસશાસ્ત્ર અને માનવશાસ્ત્ર છે. જ્યારે રશિયાના મહાન નવલકથાકાર તોલ્સ્તોય એક જુદી રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતા પાસે જાય છે. તેઓ એ જાણવા માગે છે કે કઈ શક્તિના બળે મહાત્મા ગાંધીજીએ ચોવીસે કલાક કોઈને કોઈ સામ્રાજ્ય પર જેનો સૂર્ય તપતો હતો, એવી અંગ્રેજ સલ્તનતને ધ્રુજાવી દીધી ? આ શક્તિની પ્રેરણાનો સ્ત્રોત જાણવા એમણે પ્રયાસ કર્યો.

એમણે જાણ્યું કે મહાન બ્રિટીશ સલ્તનતને હચમચાવી મૂકનાર હાડપિંજર જેવું શરીર ધરાવનાર મહાત્મા ગાંધીએ ગીતાનું જ્ઞાાન જીવનમાં ઉતાર્યું હતું અને આ જાણકારી મળતાં તોલ્સ્તોયે સ્વયં ગીતાનું વાચન કર્યું. રશિયાનો આ નવલકથાકાર નોંધે છે કે આ ગ્રંથના વાંચનથી મને ”આધ્યાત્મિક આનંદનો લ્હાવો મળ્યો.”

ચીની ભાષામાં અનુવાદ કરનાર તો આ ગ્રંથ પર વારી ગયો હતો. એ શ્રીકૃષ્ણના જ્ઞાાનથી એટલો બધો મંત્રમુગ્ધ થઈ ગયો હતો કે રોજ ત્રણ-ચાર વખત કૃષ્ણ વિરહનો અનુભવ કરીને રૂદન કરતો હતો. એની આ અપ્રતિમ કૃષ્ણભક્તિને કારણે ચીની લોકોએ એનું નામ કિષનજી (કૃષ્ણજી) પાડયું હતું. મજાની વાત એ છે કે ‘કિષનજી’ના નામે સર્વત્ર એટલો બધો જાણીતો થયો કે આજે એ ચીની કૃષ્ણભક્તનું મૂળનામ કોઈ જાણતું નથી !

‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ વિશે વિચારીએ તો ખ્યાલ આવશે કે કાળનો પ્રવાહ ગમે તેટલો વહી જાય, મોટા-મોટા યુગ પલટાઓ આવે અને માનવસમાજ પણ બદલાઈ જાય, તેમ છતાં કેટલીક કૃતિઓ એવી હોય છે કે જે શાશ્વત અને સનાતન હોય છે. એમાં આલેખાયેલાં વિષયો અને ચર્ચાયેલા પ્રશ્નો માનવી આ પૃથ્વી પર જ્યાં સુધી જીવતો રહેશે ત્યાં સુધી એ પ્રસ્તુત બની રહે છે.

તો આની સામે આ સંદર્ભમાં ભારતીય સંસ્કૃતિના પ્રકાંડ વિદ્વાન અને વૈશ્વિક સંસ્કૃતિના મહાન ગ્રંથોના રચયિતા એવા ડૉ. આર્ન્લોડ ટોયમ્બીએ કહ્યું કે જો મને એક જ પુસ્તક રાખવાનું કહેવામાં આવે તો હું શ્રીમદ્ ભગવદ્ ગીતા રાખું. મહાન સંસ્કૃતિવિદ્ વિદ્વાનનું આ વાક્ય જ ગીતાની અપૂર્વ ગરિમા પ્રગટ કરે છે. ગીતા એ મનુષ્ય જીવનની દીવાદાંડી છે.

ઇંગ્લેન્ડના સર એડમન્ડ આર્નોલ્ડે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો અને એની સાથોસાથ એમણે નોંધ લખી કે ”આશ્ચર્યજનક ભગવદ્ગીતાનો હું અનુવાદ કરું છું. જો હું એમ ન કરું તો ભારતવર્ષનો સર્વપ્રિય કાવ્યમય ગ્રંથ અંગ્રેજી વાચકોને મળે નહીં અને અંગ્રેજી સાહિત્ય ચોક્કસપણે અપૂર્ણ રહે.”

એવી જ રીતે પ્રો. ઑપનહેમરે પોતાના અણુબોંબ વિશેના પુસ્તકનું  Brighter than Thousands Suns નામ રાખ્યું. એણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આલેખાયેલાં ‘હજારો સૂર્યના તેજથી પણ વધુ તેજપૂર્ણ’ એ શબ્દોના આધારે પોતાના પુસ્તકનું શીર્ષક રાખ્યું હતું અને ખુલ્લા દિલે આ જર્મન સંશોધકે સ્વીકાર કર્યો કે અત્યાર સુધી લખાયેલાં તમામ પુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્દ ગીતા સૌથી મહાન પુસ્તક છે.

આ પુસ્તકમાં સ્વામીજીએ સમગ્ર ગીતાની ટીકા કે ભાષ્ય કરેલ નથી અને એવું એમને કરવું પણ નહોતું. એમણે તો ગીતા આપણા કેટલાક મૂળભુત પ્રશ્નોને ઉકેલવામાં કેવી રીતે મદદરૂપ થાય તેવા પ્રેક્ટિકલ અને નાવીન્યસભર દ્રષ્ટિથી તેને અહીં માર્ગદર્શકની ભૂમિકામાં મુકેલ છે. સાવમીજીએ આ ગ્રંથ રચતી વખતે આજની પેઢીને સુપેરે લક્ષમાં રાખી છે અને છતાં મૂળ ગ્રંથ કે તેનાં અર્થો સાથે કોઈ ફેરફાર કે મનભાવન અર્થો કાઢી લેવાનો કે ઉપજાવી કાઢવાનો કારસો નથી રચ્યો.

સ્વામીજીએ ગીતામાંથી તેમણે ચૂંટેલા કેટલાંક શ્લોકોને દસ વિષયોમાં વિભાજીત કરીને એ વિષયમાં ગીતા શું કહેવા માગે છે એ દર્શાવીને આપણને ગીતાનવનીત કે ગીતામૃત પીરસ્યું છે.  યુદ્ધ અને ગીતા , ગીતા અને સંન્યાસ,  ગીતા અને ત્યાગ, ગીતા અને કર્મ, ગીતા અને યોગ, ગીતા અને ભક્તિ, ગીતા અને જ્ઞાન, ગીતા અને તપ, ગીતા અને સુખ-દુઃખ અને ગીતા અને આત્મા-પરમાત્મા એ દસ વિષય કે જે હકીકતમાં ગીતામાં ચર્ચાયા છે તેની વાત તેનાં જ પરિપ્રેક્ષ્યમાં કરવાની વિનમ્ર કોશિશ સ્વામીજી કરે છે.

તેમણે પ્રથમ પ્રકરણમાં પહેલા કાશ્મીરથી લઈને બાંગ્લાદેશ સુધીના ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલાં યુદ્ધનું આલેખન કરીને ત્યારબાદ યુદ્ધ વિશે આપણા દેશની વિચારધારા અને તેમાંથી ઉત્પન્ન થતાં કેટલાંક ચર્ચાસ્પદ મુદ્દાઓને આવરી લીધાં છે. એના પછી જગતનાં અગત્યનાં યુદ્ધને ટૂંકમાં વર્ણવીને આ વિષય પર ભગવદ્દ ગીતામાં રહેલાં શ્લોકોને શોધી-ખોળી અને સમજીને આપણી સમક્ષ ખુબ જ સરસ રીતે પ્રસ્તુત કર્યા છે. સ્વામીજી કોઈ એક તરફી તારણ ઉપર ક્યારેય નથી આવતા. આ રીતે ચોક્કસ મુદ્દાઓ અને ઉદાહરણો અને તવારીખ સાથે વિશદ અને વિશેષ ચર્ચા કરવી તે તેમની લેખન શૈલી છે.

બીજા પ્રકરણ “ગીતા અને સંન્યાસમાં ” સ્વામીજી અલગ-અલગ પ્રકારે , અલગ-અલગ ગ્રંથોમાં અપાયેલ સંન્યાસ અને સંન્યાસીની વ્યાખ્યાઓની મીમાંસા કરે છે. સૌથી પહેલાં તેઓ આપણી વેદકાલીન આશ્રમ વ્યવસ્થા અને તેની જડતા વિશે ટીકા-ટીપ્પણ કરે છે.  તતપશ્ચાત આ બધા જ ગ્રંથોમાંથી તારવેલ નવનીતના આધારે સન્યાસીની એક લોકભોગ્ય વ્યાખ્યા કરે છે. તેઓ સંન્યાસના છ પ્રકાર: કુટીચક્ર, બહૂદક, હંસ, પરમહંસ, તુરીયાતીત અને અવધૂત અંગે ખૂબ સરસ રીતે ચર્ચા કરે છે અને છેલ્લે ગીતામાં સંન્યાસ કેવી રીતે વર્ણવ્યો છે તેની સુંદર રજૂઆત કરે છે. આ અંગે એક સુંદર મજાનો શ્લોક ટાંકી અને સંન્યાસી ચર્ચાને સજ્જતાથી, સહજતાથી અને સુપેરે પાર પાડે છે.

સંન્યાસ: કર્મયોગશ્ચ નિ:શ્રેયાસકરાવુભૌ।
તયોસ્તુ કર્મસંન્યાસત્ કર્મયોગો વિશિષ્યતે।।

ત્રીજા પ્રકરણમાં સ્વામીજી અપરિગ્રહી અને ત્યાગી વચ્ચેનો ભેદ એકદમ સરળ અને સહજ ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરી બતાવે છે. તેમના પુસ્તકોમાં જે મોતીચારો પડેલો છે એમાંનું એક મોતી અહીં તે ખૂબ સુંદર રીતે વાક્યમાં પરોવે છે.

“આ દેશમાં દર્શન કરતાં પ્રદર્શન વધુ પૂજાય છે. ત્યાગના ક્ષેત્રમાં પણ સાચા ત્યાગ કરતાં લોકોને પ્રભાવિત કરવા માટે આચરેલો પ્રદર્શિત ત્યાગ ઘણાં મોટા પ્રમાણમાં છે અને તે મોટા સમૂહથી પૂજાય છે. એટલે ધર્મની જગ્યાએ ધર્મભાસનું ઉત્પાદન વધે છે.

ત્યારબાદ “સુપર ત્યાગ” અને “ડિલક્ષ ત્યાગ” જેવા શબ્દોનો ઉપયોગ કરી જે ખરા અર્થમાં ત્યાગી નથી તેનાં પર અને આ ક્ષેત્રે ક વ્યાપેલી જડ પરંપરાઓ ઉપર જબરદસ્ત કટાક્ષ કરે છે. છેલ્લે ગીતાના ૧૮માં અધ્યાયમાં આવતા શ્લોક દ્વારા આ વાતની ચર્ચાને વિરામ અને એક સાવ નવો આયામ આપે છે.

નહિ દેહભૃતા શક્યં ત્યકતું કર્માણ્યશેષત:।
યસ્તુ કર્મફ્લત્યાગી સ ત્યાગીત્યભીધિયતે।।

સ્વામીજી ચોથા પ્રકરણ ગીતા અને કર્મનો ઉઘાડ પ્રારબ્ધવાદ અને કાળવાદની કર્મની વ્યાખ્યા દ્વારા કરે છે. કર્મ અંગે તેઓ એક ખુબ સુંદર વાત કરે છે,” આળસથી થનારી પ્રવૃત્તિ કરતા જ્ઞાનપૂર્વકની અપ્રવૃત્તિ (!) ભારે કુપરિણામ લાવતી હોય છે. ત્યારબાદ ભગવદ્ ગીતાના આધારે કર્મની ચર્ચા કરીને આ પ્રકરણને પુસ્તકનું  સૌથી સુંદર પ્રકરણ બનાવે છે. આમ પણ ગીતામાં કર્મનો અનેરો મહિમા કરવામાં આવ્યો છે. તેને સ્વામીજી સમજાવવા કરતા આપણને સરળ કરીને દર્શાવે છે.

ગીતા અને યોગ નામના પ્રકરણમાં સ્વામીજી બે શ્લોકની અંદર જ યોગનો સાર આપી એકદમ ટૂંકમાં પણ સચોટ રીતે પોતાનું કાર્ય પૂર્ણ કરે છે.

૧. યોગસ્થ થઈને કર્તવ્યકર્મો કર,

૨. પૂરી શક્તિથી કર્મો કરવા છતાં પણ જો તે સિદ્ધ કે અસિદ્ધ થાય તો તેમાં હર્ષ-શોક કર્યા વિના સમભાવ રાખ અને

૩. આવા વ્યવહારિક જગતની પ્રવૃત્તિના પરિણામોમાં સમભાવ રાખવો તેનું જ નામ યોગ છે.

“યોગઃ કર્મસુ કૌશલમ” ,

ત્યાં કુશળતાના બે અર્થ કરવાના છે.

૧. પ્રત્યેક કાર્ય પૂરી સાવધાની તથા ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન-વિજ્ઞાનથી કરવું તે કુશળતા છે.

૨. પ્રત્યેક કાર્ય બંધનરૂપ ન નીવડે તેવી અનાસક્તિથી કરવું તે કુશળતા છે. બન્ને અર્થોનો સરવાળો કરીને કાર્ય કરવું તે શ્રેષ્ઠ કુશળતા છે.

અંતે તેઓ ઉપસંહારમાં કહે છે કે ગીતાનું હાર્દ ફરી ફરીને એ જ છે કે જ્ઞાન દ્વારા અનાસક્તિની ભૂમિકા પ્રાપ્ત કરવી, તેવી ભૂમિકામાં રહીને સતત કર્તવ્ય કર્મો કરતા રહેવું.

“ગીતા અને ભક્તિમાં” ચાર પ્રકારના ભક્તો આર્ત,અર્થી ,જિજ્ઞાસુ તથા જ્ઞાની અને આજ્ઞાપાલનનાં ચાર પ્રેરક બળો ભય, દયા, પ્રેમ અને શ્રદ્ધા દ્વારા સમગ્ર પ્રકરણને ગીતાની ભક્તિ સાથે જોડે છે.

“ગીતા અને જ્ઞાન” પ્રકરણમાં સ્વામીજી કુલ ૪૩ શ્લોકનો સાર છેલ્લી ચારેક લીટીમાં આપી સમગ્ર વાતને ખૂબ જ સ્પષ્ટ બનાવે છે. એ ચાર લીટીઓ જોઈએ.

“આ રીતે ગીતાએ જ્ઞાનનું સ્વરૂપ, લક્ષણો, પરિણામ તથા સાધન વગેરે બાબતોની તલસ્પર્શી ચર્ચા કરી છે. ગીતાનું જ્ઞાન વ્યાવહારિક છે તથા પારમાર્થિક પણ છે, પણ તરંગી નથી. ઉત્તરવર્તી કાળમાં જે દર્શનો થયાં તેમણે નકારાત્મક જ્ઞાનને જ્ઞાન માની લીધું, જેથી લોકોનું જીવન નકારાત્મક, તરંગી, અવ્યાવહારિક, અકર્મણ્યતાપોષક, પલાયનવાદી તથા મિથ્યાવાદી થઈ ગયું. ગીતા આવા કુમાર્ગથી પાછા વાળીને લોકોને સકારાત્મક જીવન તરફ દોરે છે.”

“ગીતા અને તપમાં” તેઓએ તપને મુખ્યત્વે હેતુલક્ષી અને  અહેતુલક્ષી એવા બે વિભાગમાં વહેંચ્યું છે .જેમાં હેતુલક્ષી તપને સ્વલક્ષી,  સ્વજનલક્ષી, સમાજલક્ષી, રાષ્ટ્રીયલક્ષી અને માનવતાલક્ષી અને જેમાં આ પાંચમાંથી એક પણ લક્ષ્ય પ્રાપ્ત ન થતું હોય તેવા તપને અહેતુલક્ષી ગણ્યું છે. આ વાતને સમજાવવા માટે તેઓએ ત્યારબાદ ગીતાના તપ વિશેના શ્લોકો મૂક્યા છે. સમગ્ર પુસ્તકનું આ સૌથી નાનામાં નાનું પ્રકરણ છે.

“ગીતા અને સુખ-દુખ ” નામના પ્રકરણમાં સ્વામીજીએ  ગીતામાં કરેલી પ્રેરણાત્મક વાતોને ખુબ સરસ રીતે આપણી સમક્ષ ખોલી આપી છે. 

અંતિમ પ્રકરણ “ગીતા અને આત્મા-પરમાત્મામાં” ગીતાના આઠમાં અધ્યાયની શરૂઆતમાં આપેલાં સાત પ્રશ્નો

૧. ભ્રમ એટલે શું?

૨.અધ્યાત્મ એટલે શું ?

૩. કર્મ એટલે શું ?

૪. અધિભૂત એટલે શું ?

પ. અધિદૈવ એટલે શું?

૬. અધ્યયન એટલે શું?

૭  પ્રયાણકાળે ઇશ્વર સાક્ષાત્કાર કેવી રીતે થાય?

તેના ઉત્તર સુંદર રીતે સમજાવી અને “ગીતા અને આપણા પ્રશ્નો” પુસ્તક પૂર્ણ કર્યું છે.

– ધર્મેંદ્ર કનાલા


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ‘ગીતા અને આપણાં પ્રશ્નો’ : પુસ્તકપર્વ