બસ, તું સાથે રહેજે.. – નેહા રાવલ 25


અંધારાના રવમાં
તારી અને સિગરેટ વચ્ચે થતી શ્વાસની જુગલબંદીનું સંગીત…
આહા એટલે આહા એટલે આહા…!
આ બે ત્રણ સળગતા તણખાની સાક્ષીએ
તારી આંખના તિખારા જોવા એય એક લ્હાવો છે.
આંખોને તાપણું મળી જાય તો બહુ થયું.
આખું અસ્તિત્વ હુંફાળું થઈ રહે.
અસ્તિત્વની આ યાત્રા જ આપણો મુકામ છે
બસ, તું સાથે રહેજે!

પ્રિય અનિકેત,

તારું નામ લખતાં જ જો તો, કેવાં કેવાં દ્રશ્યો આંખો સામે રચાઈ જાય છે.
કેવી કેવી વાતો મનમાં પડઘાય છે!
અત્યારે, આ ક્ષણે આ લખું છું ત્યારે હું અનુભવું છું.
મારી સામે છે, દૂર સુધી લંબાતો જતો રસ્તો અને આસપાસ ફક્ત ઝાડી.
કોઈ વાહન કે બીજી કોઈ પણ અવરજવર નહિ.
રોડની વચ્ચે બાઇક પાર્ક કરી, ઊભો રહી સિગરેટનો કશ લેતો તું.
આખું ચિત્ર એટલું આલ્કોહોલિક છે કે  
સિગરેટ તું પીએ છે અને એની સુગંધ મારા શ્વાસમાંથી આવે છે.
તારા ગોળ થયેલા બે હોઠ વચ્ચેથી નીકળતા
એ ધુમાડાના કુંડાળામાં વીખરાઈ જઈ
આ સમયની મૌનની સ્તબ્ધતા
આપણી વચ્ચે એક મૂક સંવાદ ઉભો કરે છે.
આ ક્ષણે મને કશું નથી કહેવું.
હું તારા ખભે હાથ રાખીને ઉભી છું.
તને આંખોમાં ભરી લેવો છે જેમ તું ધુમાડો ફેફસામાં ભરે છે.
પણ તું બહાર કાઢે છે, હું નહિ કાઢું.
અંધારાના રવમાં
તારી અને સિગરેટ વચ્ચે થતી શ્વાસની જુગલબંદીનું સંગીત…
આહા એટલે આહા એટલે આહા…!
આસપાસ કોઈ લાઇટ નથી કે કોઈ પ્રકાશનો શેરડો પણ નહિ.
બસ, આ બે ત્રણ સળગતા તણખાની સાક્ષીએ
તારી આંખના તિખારા જોવા એય એક લ્હાવો છે.
રાતની ભીની ઠંડકમાં તને જોવાથી મળતી હૂંફ આહલાદક છે.
આંખોને તાપણું મળી જાય તો બહુ થયું.
આખું અસ્તિત્વ હુંફાળું થઈ રહે.
ચોતરફ વિખરાયેલો આ અંધકાર
અને આ રસ્તો…
એ આપણને ક્યાં લઈ જશે?
કશેક તો લઈ જશે ને!
ને સાંભળ ને,
ક્યાંય નહિ લઈ જાય તોય કંઈ નહિ!
હું આમ જ તારી સાથે તું કહેશે ત્યાં સુધી,
યાત્રામાં સાથે હોઈશ.
આ યાત્રા જ આપણો મુકામ છે
બસ, તું સાથે રહેજે!

મારો આ ક્ષણનો આ અનુભવ વાંચી તને કંઈ થતું નથી? તને મન નથી થતું કે તું આમ મને ક્યાંક લઈ જાય! હકીકતમાં નહીં તો કલ્પનામાં સહી! જવા દે, તને કશું પણ કહેવાનો કોઈ અર્થ જ નથી. તું ક્યાં મારા શબ્દો સાંભળે છે? પછી રિસાઉં ત્યારે કહેશે ‘મને તો લખેલા શબ્દો પણ તારા લહેકામાં સંભળાય છે!’ લબાડ! તું સાંભળતો હોત ને, તો તારા વિના એકલી પડી ગયેલી મારી એકલતાનો અવાજ તને સંભળાયો ન હોત? મારી આંખોનો બોલાશ તને ન સંભળાયો હોત? અને જો સંભળાયો જ હોત ને, તો….   તો પછી તું આમ ત્યાં બેસી મારો પત્ર વાંચતો ન હોત. અહીં જ હોત, મારી પાસે. મારી સાથે. મારી સાવ અડોઅડ. તને સ્પર્શી શકું એટલો નજીક. તારી મહેક મારા શ્વાસમાં ભળે એટલો પાસે. એય, આટલું લખતાય મારી સુગંધ બદલાઈ જાય છે. તને લખું એ શબ્દોમાં એવું તે કયું પરફ્યુમ છે જે આખેઆખી મને સુગંધિત કરી નાખે છે! તારી સાથે મન ભરીને રીસાવાતું પણ નથી તો ઝઘડો તો શું? મને સ્વાતિ કહેતી હતી કે ઝગડાથી પ્રેમ વધે.

ચાલ ને, એક ઝગડો કરીએ. હું તારા કેમેરાની બેટરી સંતાડી દઉં, ને તું મારું મનગમતું કોઈ પુસ્તક ખોઈ નાખ. ખૂબ ખૂબ લડીને પછી સાથે બેસીને ચા પીશું. હું ચા પીતી વખતે જ તને બેટરી આપી દઈશ. અને તું મારું પુસ્તક આપી દેજે. આવું થશે ને તો ખાંડ વગરની ચા પણ મીઠી થઈ જશે. શું કહે છે, બોલ? કરવો છે ઝગડો? પણ એ ઝગડવા માટે પણ તારે અહીં આવવું પડશે. અહી હોવું પડશે. હું તારો કોલર ખેંચી તને ખીજાઈ શકું એટલો નજીક. તું મને ધબ્બો મારી ચીડવી શકે એટલો નજીક….ક્યારે આવીશ અનિકેત? આવ ને!

હવે તું આવશે ને ત્યારે હું તને એકલો નહિ જવા દઉં.  હું પણ તારી જોડે નીકળી પડીશ એવા માર્ગ પર જ્યાં આ સ્ટ્રીટલાઈટ નહિ પણ આગિયાનું અજવાળું હોય. આ વાહનોના હોર્નનો અવાજ નહિ પણ તમરાનો અવાજ ગુંજતો હોય. મને જવું છે એ પળોમાં, જેનો દરવાજો તારી સાથે હોવાથી ખુલે છે. એ માર્ગ પર, જ્યાં આપણે સાથે હોઈએ ત્યારે મેઘધનુષ ખીલે છે. બીજું કોઈ જ નહિ, ફક્ત આપણે બે!  તું ચાહે તો તારા જોયેલા જંગલમાં લઈ જા અને ચાહે તો કોઈ અજાણી કેડીએ નીકળી પડીએ. પણ બસ હવે, બહુ થયું. આ મારા વિચારોનાં પતંગિયા પણ તને જોયા વગર અંધકારના જંગલમાં માર્ગ ભૂલીને ભટકી પડ્યા હોય એવું લાગે છે. તું મળે તો એમનું દ્રશ્ય ખૂલે, ખીલે. મને નથી ખબર આ બધું તને કહી રહી છું એ ક્યારે સાચું પડશે. પણ મને એટલી ખબર છે કે ક્યારેક એ સમય આવશે. આવશે ને અનિકેત?

અને સાંભળી લે, એ સમય આવશે ને ત્યારે હું બાઈક ચલાવીશ અને તું પાછળ બેસજે. તને પણ ખબર પડે કે વળગીને બેસવાની કેવી મઝા આવે! આ તો ફક્ત તને એ અનુભવ આપવા માટે, બાકી હું કંઈ તારી જેમ જંગલમાં બાઈક ચલાવવાની શોખીન નથી. મને તો ફક્ત એક જ ડ્રાઈવ ગમે, મારી આંગળીઓની ક્રેઝી ડ્રાઈવ તારા વાળમાં, ચહેરા પર, તારા… ઉફ્ફ!  કેટકેટલું યાદ આવી જાય. હવે મળ્યો ને ત્યારે જોજે, આ ક્રેઝી ડ્રાઈવમાં હું તારી શું હાલત કરું છું! બહુ પજવી છે તેં મને રાહ જોવડાવી જોવડાવીને! આટલી બધી પ્રતીક્ષા? ક્યારેક તો લાગે કે આ પ્રતીક્ષા મારા અસ્તિત્વનો જ એક અંશ બની ગઈ છે. તારી પ્રતીક્ષા જાણે મારી આંખોમાં કાયમી વસી ગઈ છે, ઘર બનાવી લીધું છે, માળો બાંધ્યો છે. અને એવી રીતે વસી ગઈ છે. જાણે આ આંખો તારું નહિ, એનું ઘર હોય! સાંભળ ને, આવ અને એને ભગાવ. નહીં તો એ તારી જગ્યા પર કબજો કરી લેશે. પછી કહેતો નહિ કે…..જા. કઈ નથી કહેવું તને.

મારા પાગલ સપના અને ઘેલી કલ્પનાઓમાં તને વિચારીને જે પળો જીવી લઉં છું એ લંબાવી શકું એના પ્રયત્નોમાં તને લખતી રહું છું. મને ખબર છે, તું લખતો ભલે નથી પણ વિરહની આ બધી જ પળો તને પણ એટલી જ તીવ્રતાથી ઘેરી વળતી હશે ને!

ક્યારેક કેમેરામાં જુના બેકઅપ ચેક કરતી વખતે આપણી સહિયારી પળોનો કોઈ ફોટો જોતા તારી આંગળીઓ પણ અટકી જતી હશે ને!

તું પણ ક્યારેક મારા ફોટા સામે આંખ માંડી વાતો કરતો હશે ને! મનગમતા પ્રશ્નોના રાજી થવાય એવા ઉત્તરો જાતને આપતો હશે ને!

એવું બધું કરી કરીને આપણા અંગત ખૂણાના એકાંતને તું પણ મલકાવ્યા કરતો હશે ને?

શું લખવું હતું એ ભૂલી જઈ તું પણ ટેરવાને સ્ક્રીન પરના ફોટા પર છુટ્ટા રમવા દેતો હશે ને?

તારી નજરો પણ ક્યારે સ્પર્શ બની એ ફોટાના ચહેરા પર ફરવા લાગતી હશે ને?

મનમાં આવતા શબ્દો સ્ક્રીન પર ગોઠવાય એ પહેલા તારાથી પણ ક્યારેક ખોવાઈ જતા હશે ને?

અમથું અમથું જોતા જોતા તું પણ ક્યારેક સ્થિર થઇ જતો હોઈશ ને?

એ પળની પ્રતીક્ષામાં કે હમણાં ફોટામાંથી બહાર આવી આ કૈક કહેશે..

સ્મિત કરશે કે ટપલી મારી આ સપનામાંથી જગાડશે,

નખરા કરશે કે પછી મનાવશે, રીસાશે કે પછી વ્હાલ કરશે!

અને એ કલ્પનાઓમાં તું પણ મારી જેમ એ ફોટો વારંવાર લૂછતો હોઈશ ને?

કારણકે તને પણ તો મારી જેમ ઝાકળબાઝી આંખોથી….

બસ. હવે કશું જ નથી કહેવાની. તું આ બધું કરતો હોઈશ કે નહિ એ મારે  જાણવું પણ નથી. પણ સાંભળી લે, હું આમાનું કશું જ નથી કરતી. તું આવે ત્યાં સુધી મને આ બધું કરવાની જરાય ફુરસદ નથી. સાંભળ્યું ને! તો જલ્દી આવી જા ને!

આવીને તારાથી રિસાયેલા મારા એકાંતને મનાવી લે ને..!

— નેહા રાવલ.


આપનો પ્રતિભાવ આપો....

25 thoughts on “બસ, તું સાથે રહેજે.. – નેહા રાવલ