રક્ષાસૂત્રનો એક અર્થ થાય સિદ્ધાંત અથવા મંત્ર. અહીં જમણાં હાથના કાંડા પર બાંધવામાં આવતો દોરો એ એક પ્રતીક તરીકે વપરાયો છે. સૂતરનો પાતળો દોરો કોઈને રક્ષા આપવા અથવા તો ધર્મમાં સ્થિર રાખવા સક્ષમ થાય કઈ રીતે? રક્ષાસૂત્ર મૂળ પાંચ વસ્તુઓથી બને.
રક્ષાસૂત્ર વિશેની પ્રાથમિક માહિતી
રક્ષાબંધનને દિવસે ભાઈના જમણા હાથ પર બાંધવામાં આવતી રાખડી એટલે રક્ષાસૂત્ર. સૂતરના એ બારીક દોરા પાછળ રહેલી સાચી વિભાવના વિષે થોડુક.
શ્રાવણ માસનું નામ શ્રવણ નક્ષત્ર ઉપરથી પડ્યું છે. સત્તાવીસ નક્ષત્રોમાં બાવીસમું નક્ષત્ર શ્રવણ છે. શ્રાવણ માસ એ વિક્રમ સંવતનો દસમો મહિનો ગણાય છે. શ્રવણનો એક અર્થ સાંભળવું અને બીજો એક અર્થ છે વેદોનું અધ્યયન. ભગવદ્કથા સાંભળવી, શાસ્ત્રોનું અધ્યયન કરવું એ માટે જે માસ નક્કી થયો તે શ્રાવણ. હિંદુ પંચાગ અનુસાર દસમો મહિનો એટલે શ્રાવણ. શ્રાવણ એટલે ભગવાન શિવનો મનપસંદ મહિનો. શ્રાવણ માસનો મહિમા દર્શાવતા નીચેના શ્લોકમાં શિવજી કહે છે :
द्वादशस्वपि मासेषु श्रावणो मेऽतिवल्लभ: ।
श्रवणार्हं यन्माहात्म्यं तेनासौ श्रवणो मत: ।।
श्रवणर्क्षं पौर्णमास्यां ततोऽपि श्रावण: स्मृत:।
यस्य श्रवणमात्रेण सिद्धिद: श्रावणोऽप्यत: ।।
બારેય મહિનામાં શ્રાવણ માસ મને અતિ પ્રિય છે. એનું મહાત્મ્ય શ્રવણ કરવા (સાંભળવા) લાયક છે એટલે એને શ્રાવણ કહ્યો છે. આ જ મહિનામાં શ્રવણ નક્ષત્રની પૂનમ આવે છે એટલે એને શ્રાવણ કહે છે.
શિવને શ્રાવણ આટલો પ્રિય કેમ છે? એ વિષે ઘણી વાતો પ્રચલિત છે. એક કથા અનુસાર પાર્વતીએ શ્રાવણ મહિનામાં જ શિવની આરાધના કરીને એમને પ્રસન્ન કર્યા હતા. બીજી પ્રચલિત માન્યતા અનુસાર શ્રાવણ મહિના દરમિયાન અમૃતમંથન વખતે નીકળેલા વિષને શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું. નીલકંઠધારી શિવજી પર દેવતાઓએ જળનો અભિષેક કર્યો જેથી કરીને વિષનો પ્રભાવ ઓછો થઇ શકે.
શ્રાવણ મહિનાનો એક અગત્યનો તહેવાર એટલે શ્રાવણી પૂર્ણિમા. વૈદિક કાળમાં ઋષિઓ આ દિવસથી વેદ પારાયણ શરૂ કરતા. આમ તો વેદનો અભ્યાસ એ પ્રત્યેક દ્વિજનું દૈનિક કર્તવ્ય છે પણ વર્ષા ઋતુમાં વેદાભ્યાસ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવતી અને વેદના અભ્યાસની શરૂઆત માટે શ્રાવણી પૂર્ણિમાનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. શ્રાવણી પૂર્ણિમાને દિવસે દર વર્ષે બ્રાહ્મણ તેના યજમાનને જમણા હાથના કાંડે એક દોરો બાંધતા. આ સૂત્ર એટલે રક્ષાસૂત્ર. વેદોમાં આ સૂત્રનો ઉલ્લેખ રક્ષિકાના નામથી કરવામાં આવ્યો છે. આ રક્ષાસૂત્રનું બીજું નામ એટલે જ રાખડી. ભવિષ્ય પુરાણમાં કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેના એક સંવાદમાં રક્ષાસૂત્ર બાંધવાની વાતની ચર્ચા છે. એ મુજબ, રાક્ષસોથી ઇન્દ્રને બચાવવા માટે ગુરુ બૃહસ્પતિએ ઈન્દ્રાણીને એક ઉપાય સૂચવ્યો હતો. શ્રાવણ શુક્લની પૂર્ણિમાને દિવસે ઇન્દ્રાણીએ ઇન્દ્રને તિલક કરીને એના હાથમાં રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને રાક્ષસ સાથેના સંગ્રામમાં ઇન્દ્રનો વિજય થયો હતો. બીજી એક કથા પ્રમાણે વિષ્ણુએ વામન અવતારમાં રાક્ષસરાજ બલિના કાંડે રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને પછી એમને પાતાળ લોકમાં જવાનો આદેશ કર્યો હતો.
રક્ષાસૂત્ર બાંધતી વખતે જે મંત્ર બોલાય છે તે આ –
येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल:
तेन त्वाम् प्रतिबद्धनामि रक्षे माचल माचल:।
દાનવીર મહાબલી રાજા બલિને જેના દ્વારા બાંધવામાં આવ્યા હતા એનાથી જ હું તને બાંધુ છું. હે રક્ષાસૂત્ર, તું ચલિત ન થા, તું ચલિત ન થા.
રક્ષાસૂત્ર બાંધતી વખતે બ્રાહ્મણ અથવા પુરોહિત પોતાના યજમાનને કહે છે કે જે રક્ષાસૂત્રથી રાજા બલિને બાંધ્યા હતા, એ જ રક્ષાસૂત્રથી હું તમને બાંધુ છું. એ પછી પુરોહિત સૂત્રને ઉદ્દેશીને કહે છે કે સૂત્ર, તું તારા કાર્યથી હટતો નહી, તારા કાર્યમાં સ્થિર રહેજે.
સીધો ભાવાર્થ લઈએ તો લાગે કે આ તો બંધનની વાત કરે છે. બ્રાહ્મણ પોતાના યજમાનને શા માટે અને ક્યા બંધનમાં બાંધી શકે? રાજા બલિને પાતાળ લોકમાં જ રહેવાનું કહી વિષ્ણુએ એમને રક્ષાસૂત્ર બાંધી આપ્યું હતું. અહી જે બંધનની વાત કરવામાં આવી છે એ બંધન છે ધર્મના માર્ગ પર ચાલવાનું બંધન. બ્રાહ્મણ પોતાના યજમાનને ધર્મમાં પ્રવૃત્ત થવા માટે બાંધી રહ્યા છે. રક્ષાસૂત્રને ઉદ્દેશીને જે કહેવાયું છે એ બહુ સૂચક છે. “ તું ચલિત ન થા. તું ચલિત ન થા.” તારો જે ધર્મ છે એ ધર્મમાં તું સ્થિર રહેજે.
અહીં સહજ પ્રશ્ન થાય કે એવો તે કેવો ધર્મ હોઈ શકે એ પાતળા એવા દોરાનો?
રક્ષાસૂત્રનો એક અર્થ થાય સિદ્ધાંત અથવા મંત્ર. અહીં જમણાં હાથના કાંડા પર બાંધવામાં આવતો દોરો એ એક પ્રતીક તરીકે વપરાયો છે. સૂતરનો પાતળો દોરો કોઈને રક્ષા આપવા અથવા તો ધર્મમાં સ્થિર રાખવા સક્ષમ થાય કઈ રીતે? રક્ષાસૂત્ર મૂળ પાંચ વસ્તુઓથી બને.
૧. દૂર્વા (ઘાસ)
૨. અક્ષત ( ચોખા)
૩. કેસર
૪. ચંદન
૫. રાઈના દાણા
આ પાંચેય વસ્તુઓને રેશમી કપડામાં વીંટીને બાંધી લીધા પછી એને દોરમાં સીવી લો એટલે રક્ષાસૂત્ર તૈયાર. આ છે વૈદિક રક્ષાસૂત્ર બનાવવાની મૂળભૂત રીત.
દૂર્વા એટલે કે ઘાસ. એક જ અંકુર વાવ્યું હોય તો પણ એ જલ્દીથી વિસ્તરીને બધે જ ફેલાઈ જાય. એ જ રીતે રક્ષાસૂત્ર જેને બાંધવામાં આવ્યું હોય એના મનની પવિત્રતા એના સમગ્ર વ્યક્તિત્વમાં પ્રસરી રહે એ ભાવથી રક્ષાસૂત્ર બનાવવમાં દૂર્વાનો ઉપયોગ થાય છે.
અક્ષત – રક્ષાસૂત્ર બાંધવાવાળા પ્રત્યેની શ્રદ્ધા અખંડ રહે. એ ક્યારેય ક્ષત- વિક્ષત ન થાય એ ભાવના.
કેસર – કેસરની પ્રકૃતિ ગરમ અને કાંતિવાન. રક્ષાસૂત્ર બાંધીને જે તે વ્યક્તિના તેજસ્વી હોવાની પ્રાર્થના કરવામાં આવે છે. એ વ્યક્તિના જીવનમાંથી આધ્યાત્મિક તેજ ક્યારેય ઓછું ન થાય.
ચંદન – શીતળ અને સુગંધિત એવું ચંદન રક્ષાસૂત્રમાં પરોવીને બાંધવાનો આશય એ કે એના જીવનમાં ક્યારેય માનસિક તણાવ ન રહે. સાથે સાથે પરોપકાર સદાચાર અને સંયમની સુગંધથી તેનું જીવન હમેશા સુવાસિત રહે.
રાઈના દાણા – ઉષ્ણ પ્રકૃતિ ધરાવતા રાઈના દાણા એવો સંકેત આપે છે કે રક્ષાસૂત્ર આપણને સમાજના દુર્વ્યવહાર સામે લડવાની હિંમત આપે છે.
નાના એવા દોરામાં પરોવેલી કેવી ઉદાત્ત ભાવના! નીતિ પૂર્વકનું જીવન સતત વિકાસ તરફ અગ્રેસર રહે, શ્રદ્ધાની ભાવના હંમેશાં અખંડ રહે, અધ્યાત્મનું તેજ સદાય જીવનમાં પ્રકાશ પાથરતું રહે અને સરવાળે વ્યક્તિનું સમગ્ર જીવન શાંતિપૂર્વક પસાર થાય – સૂતરનો પાતળો એવો દોરો વ્યક્તિના આખાય વ્યક્તિત્વને ઉન્નત્તિ તરફ દોરી જઈ શકે! વિચાર કર્યો છે કયારેય આના વિષે?
રક્ષાબંધન એટલે એક બહેન દ્વારા ભાઈની દીર્ઘાયુ માટે કરવામાં આવતી પ્રાર્થના અને એના બદલામાં ભાઈનો બહેનને આપવામાં આવતો રક્ષણનો વાયદો – દર વર્ષે ઉજવાતા તહેવારનો આ અર્થ થોડો વિસ્તારવાની જરૂર છે, નહિ?
રક્ષાસૂત્ર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને બાંધી શકે છે. જરૂર છે, એ સૂત્ર પાછળ રહેલી સાચી ભાવનાને સમજવાની.
અંજલિ
जनेन विधिना यस्तु रक्षाबंधनमाचरेत। स सर्वदोष रहित, सुखी संवतसरे भवेत्।।
વિધિપૂર્વક જે પણ વ્યક્તિને રક્ષાબંધનમાં બાંધવામાં આવે છે એ બધા જ પ્રકારના દોષથી મુક્ત રહીને આખું વર્ષ નીરોગી અને સુખી રહે છે.
તમારા લેખ અમારી અજ્ઞાનતામાં પ્રકાશપૂંજ સમાન છે. ખૂબ આભાર રક્ષાસૂત્ર વિષે આટલો સુંદર લેખ આપવા બદલ.
Thank you
રક્ષાબંધન વર્ષોથી ઊજવીએ છીએ પણ એનું મહત્વ આજે જાણ્યું. આભાર.
Thank you
વાહ। પનારો ખુબખુબ આભાર – રક્ષા સૂત્ર મારા પિતા ને બાંધવા અમારા ઘર ના કર્મકાંડી ગોર આવતા જેનું રહસ્ય આજે જાણ્યું. પણ એ રક્ષા સૂત્ર તો લાલ દોરો રહેતા જે નાડાછડી ના નામ થી મને પણ બાંધતા
તમારા સનાતન ધર્મ ના લેખો ઘણા જ માહિતી સભર હોય છે ને નવું જાણવાનું કાયમ મળે છે.
એક વિનંતી છે. આદિ શંકરાચાર્ય રચિત નિર્વાણ શકટ વિષે એક લેખ જરુર થી લખજો. એમણે મન , બુદ્ધિ , ચિત્ત , મદ, માત્સર્ય સપ્તધાતુ પંચ તત્વ વગેરે ઘણા શબ્દો ને સમાસ નો ઉપયોગ કર્યો છે જે નો અર્થ તે સમયે ને અત્યાર ના સમય ને અનુરૂપ શુ હોઈ શકે ?? તે જરુર થી સમજી શકાય તેવો લેખ લખશો ?
રક્ષાસૂત્રનો લાલ રંગ કંકુને લીધે. સૂતરના તાંતણા ને કંકુવાળા હાથથી એકબીજા સાથે ઘસીએ એટલે એક સુરેખ દોરો બને જેમાં રેશમના કપડામાં મૂકેલી વસ્તુઓ પરોવી શકાય.
આપે કહ્યું એમ આદિ શંકરાચાર્યના નિર્વાણ શકટ વિશે લખવાની કોશિશ જરૂર કરીશ.
ખૂબ ખૂબ આભાર આપનો.