યહાં કલ ક્યા હો કિસને જાના? – કમલેશ જોષી 6


પિરિયડ પૂરો થાય એટલે તોફાનીઓ બહાર નીકળતી વખતે આગલી બેંચ પર બેઠેલા એ બેટરીને પાછળથી જોરથી ટાપલી મારે. પેલો પાછળ ફરીને જુએ તો બધા બીજી બાજુ જોઈ ગયા હોય. પેલો “કોણે માર્યું.. કોણે માર્યું.. હું સાહેબને કહી દઈશ..” કહ્યા કરે. પેલા તોફાનીઓ એને ઘાંઘો-વાંઘો થયેલો જોઈ એકબીજાને “કોણે માર્યું.. કોણે માર્યું..” કરવા માંડે.

સ્મશાન યાત્રા – ભાગ ૯

નવી નિશાળ ખતરનાક હતી. પહેલા અઠવાડિયામાં મેં એવી-એવી ગાળો ત્યાં બોલાતી સાંભળી જે સાંભળતા જ કાનમાં કીડા ખરે. બીજા જ અઠવાડિયે મેં વિદ્યાર્થીઓ વચ્ચેની ફાઇટીંગ જોઈ એ માની ન શકાય એવી હતી. બે’ક છોકરાઓને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અમારા પ્રિન્સિપાલ ખૂબ કડક હતા. એ બે છોકરાઓના ઍડમિશન કેન્સલ થઈ ગયા.

ધીરે ધીરે મને સમજાવા લાગ્યું. અમારી સ્કૂલમાં મોટાભાગના ઠોઠ નિશાળીયાઓ ભેગા થતા. જેને ક્યાંય ઍડમિશન ન મળે એ અહીં ભણવા આવતા. ગામડેથી કેટલાક તોફાની તો કેટલાક હોંશિયાર છોકરાઓ અહીં ઍડમિશન લેતા. એ લોકો રોજ એસ.ટી.ની બસમાં અપડાઉન કરતા. હું પણ સિટી બસમાં અપડાઉન કરતો. અમને મહિનાનો પાસ મળતો. સવારે સાત વાગ્યે દસ નંબરની બસ અમારી સોસાયટીથી નજીકના સિટી બસ સ્ટેન્ડ પરથી ઉપડતી. આસપાસની સોસાયટીના ઘણા છોકરા – છોકરીઓ આ બસમાં અપડાઉન કરતા. પહેલા અઠવાડિયે તો મેં ટિકિટ લીધેલી. પછી સિટી બસ ઓફિસમાંથી પાસ મળેલો. પહેલું અઠવાડિયું તો હું બસમાં ઊભા – ઊભા જ સ્કૂલે પહોંચતો, પણ પછી ધક્કામુક્કી અને રૂમાલ કે દફતર રાખી જગ્યા રોકતા આવડી ગયું હતું. પછી તો અમારી અપડાઉન વાળાઓની ટીમ બની ગઈ હતી.

પિન્ટુને શહેરની બહુ નામાંકિત સ્કૂલમાં ઍડમિશન મળ્યું હતું. ત્યાં બધું શિસ્તબદ્ધ ચાલતું. અમારી સ્કૂલમાં સાહેબો બહુ પ્રેમાળ અને મૂડી હતા. ક્યારેક વાર્તાએ ચઢી જતા, તો ક્યારેક મોટિવેશનલ સ્પીચ આપતા. ક્યારેક ભણાવવા માંડી જતા તો રિસેસ પડે તોય એમનું લેક્ચર ચાલુ રહેતું. હવે અમે નામાનાં મૂળ તત્વો અને વાણિજ્ય સંચાલન અને અર્થશાસ્ત્ર જેવા વિષયો ભણતા. આમનોંધ, વેપારખાતું, નફાનુકસાન ખાતું, પાકું સરવૈયું, બેંક સિલક મેળ, દ્વિનોંધી નામા પદ્ધતિ, દેશી નામા પદ્ધતિ ને એવું એવું અમે શીખતા. માંગનો અને પુરવઠાનો નિયમ, બજાર, હરીફાઈ, મુક્ત બજાર, ઈજારાશાહી, કરવેરા, હૂંડિયામણ, સાટા પદ્ધતિ, નાણું, ફુગાવો જેવા ચૅલેન્જિન્ગ મુદ્દાઓની વર્ગખંડમાં છણાવટ થતી. મોટા ભાગના છોકરાઓ તોફાની હતા. મોટા ભાગના ગેરહાજર રહેતા. ક્યારેક તો ક્લાસમાં ચાર જ છોકરાઓ હોય તો ક્યારેક બાર. શરૂ શરૂમાં બધા આવતા પછી ટ્યુશન ગોઠવી લેતા. પરીક્ષાઓ આપવા આવે, વચ્ચે વચ્ચે ક્યારેક ચક્કર મારી જાય.

મારા ક્લાસમાં એક છોકરો ચશ્મીશ હતો. તોફાનીઓ એને બેટરી કહેતા. પિરિયડ પૂરો થાય એટલે તોફાનીઓ બહાર નીકળતી વખતે આગલી બેંચ પર બેઠેલા એ બેટરીને પાછળથી જોરથી ટાપલી મારે. પેલો પાછળ ફરીને જુએ તો બધા બીજી બાજુ જોઈ ગયા હોય. પેલો “કોણે માર્યું.. કોણે માર્યું.. હું સાહેબને કહી દઈશ..” કહ્યા કરે. પેલા તોફાનીઓ એને ઘાંઘો-વાંઘો થયેલો જોઈ એકબીજાને “કોણે માર્યું.. કોણે માર્યું..” કરવા માંડે અને સાહેબ પાસે ચશ્મીશને જાણે મદદરૂપ થવાના હોય એમ સાથે આવવાની તૈયારી બતાવે. છેલ્લે તો જેણે ટપલુ માર્યું હોય એ બાકીના તોફાનીઓને ખીજાતો “એલાવ, શરમાતા નથી? બિચારાને હેરાન કરો છો.. ખબરદાર જો હવે કોઈએ બેટરીને હાથ પણ લગાડ્યો છે તો..” એટલે જાણે ડરી ગયા હોય એમ સૌ ત્યાંથી ખસકી જતા.

એ ચશ્મીશ પણ ઠંડો પડી જતો. એકવાર મેં એને હકીકત જણાવી. “દોસ્ત, તને ખબર છે તને ટપલી કોણે મારી હતી? તને પેલા વિકીડાએ જ ટપલી મારી હતી.”

“મને ખબર છે.” ચશ્મીશ બોલ્યો. હું ચોંક્યો. એ રડમસ અવાજે બોલ્યો “પણ મારે ફાધર નથી ને.. મારા ફૅમિલીની જવાબદારી મારા ઉપર છે.”

એ રિસેસમાં હું બહુ મોટો પાઠ ભણ્યો. બેટરીનો પરિવાર બહુ ગરીબ હતો. નાની બેન, નાનો ભાઈ, મમ્મી અને બેટરી. મમ્મી પારકાં ઠામ-વાસણ કરવા જતી. બેટરી સવારના પો’રમાં છ વાગ્યે ઘરે ઘરે છાપાં નાંખવા જતો,  નિશાળેથી છૂટીને બપોરે બીજી નિશાળ પાસે રિસેસમાં કલાકે’ક એના પાડોશીએ બનાવી આપેલા ઘૂઘરાનો ડબ્બો લઈ વેંચવા જતો. સાંજે ફરી છાપાં નાખવા જતો. પછી છેક રાત સુધી પાડોશીના ઘૂઘરાનો ડબ્બો લઈ વેચતો. એક ઘૂઘરાના એને પચ્ચીસ પૈસા મળતા. દસ રૂપિયાની એક પ્લેટમાંથી એક રૂપિયો એને મળતો. રોજના એ સો ઘૂઘરા વેચતો. નાનો ભાઈ અને બહેન ઘરે બેસી બ્રાસપાર્ટનું કામ કરતા.

બેટરીની દાસ્તાને મને કંપાવી મૂક્યો. એના પિતાનું મૃત્યુ તો મને કોઈ હિસાબે કલ્પનામાં જ નહોતું આવતું.

ઘરે જઈ હું મારા પપ્પાને વળગી પડ્યો. મમ્મી, પપ્પા, દાદીમા અને મોટીબેનને આશ્ચર્ય થયું. મેં બેટરીની આખી વાત ઘરના સૌને કહી સંભળાવી. દાદીમાએ પૂછ્યું “બેટા, એ તારા બેટરી મિત્રનું સાચું નામ શું છે?”

મેં કહ્યું, “મને ખબર નથી. બધા એને ‘બેટરી બેટરી’ જ કરે છે.”

મોટીબેન બોલી, “હવે પેલો વિકીડો જો બેટરીને ટપલી મારે તો તું એને રોકજે અને ઊંધા હાથની એક દેજે એના ગાલ પર.”

મમ્મી બોલી, “બેટા, એમ ઝગડો ન કરાય.”

પપ્પાએ કહ્યું, “તું બેટરીને લઈને જજે. પ્રિન્સિપાલને જાણ કરજે.”

સાંજે હું, પૂજન, પિન્ટુ અને વીરો વૉકિંગ કરવા ભેગા થયા ત્યારે વીરાએ બ્રેકીંગ ન્યૂઝ આપ્યા. એણે મારી નિશાળમાં ઍડમિશન લીધું હતું. મેં પેલા બેટરીની આખી દાસ્તાન કહી સંભળાવી. વીરો કહે, “કાલે હું આવું પછી આપણે પેલા તોફાનીઓને ખો ભૂલાવી દઈશું.” આખી રાત મને વિકીડા સાથેની ફાઇટીંગના સ્વપ્નો આવ્યા.

બીજા દિવસે સવારની બસમાં વીરો પણ મારી સાથે હતો. મેં બસવાળી ટોળીને વીરાની ઓળખાણ કરાવી. નિશાળે વીરો પહેલા પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં ગયો. ત્યાંથી અમારા વર્ગશિક્ષક સાથે એ અમારા ક્લાસમાં આવ્યો. હું પેલા બેટરી પાસે જ બેઠો હતો. હજુ પેલી તોફાની ટોળી આવી ન હતી. વીરો અમારી બાજુમાં બેઠો. અડધા પિરિયડે પેલી તોફાની ટોળી “મે આઈ કમ ઇન સર?” કરતી દરવાજે ડોકાઈ. “કેમ મોડા?” સાહેબે કડકાઈથી પૂછ્યું. “સર, બસ મોડી આવી.” પેલો વિકી બોલ્યો. સાહેબે અણગમા સાથે અંદર આવવા હાથથી ઈશારત કરી. ત્યાં સુધીમાં વિકીએ વીરા સામે કંઈક ઈશારત કરી લીધી હતી. વીરો નવો હતો એટલે વિકીએ તોફાન કર્યું એમ હું સમજી ગયો. મેં વીરાને સાવચેત કર્યો પણ ત્યાં સાહેબે ભણાવવાનું શરૂ કરી દીધું.

પહેલો પિરિયડ પૂરો થયો અને સાહેબ ગયા ત્યાં પાછળથી વિકી અમારી બેંચે આવ્યો અને બોલ્યો “કાં વીરા.. મળી ગયું ને ઍડમિશન?” મને આશ્ચર્ય થયું. વીરાના પપ્પા પોલીસખાતામાં હતા. વિકીના ફાધર પણ પોલીસખાતામાં હતા એ મને આજે ખબર પડી.

“આ મારો લંગોટીયો મિત્ર છે, બંટી.” વીરાએ વિકીને મારી ઓળખાણ આપી.

“અરે, બંટી તો ભારે હુંશિયાર છે.” વિકીડો બોલ્યો. “સાહેબ કાંઈ પણ પૂછે એટલે એની આંગળી તો ઉંચી ને ઉંચી જ હોય અને આ બેટરીનીય આંગળી ઉંચી જ હોય.” એણે પૂરું કર્યું.

વીરાએ મારી સામે જોઈ કહ્યું, “આ વિકી મારા મોટા બાપુનો દીકરો છે. મારો ભાઈ છે. કઝીન..” પેલો બેટરી તો આ સંવાદથી ગભરાઈ જ ગયો હતો, મનેય સમજ નહોતી પડતી કે હવે આગળ શું થશે? ત્યાં વીરાએ વિકીને પૂછ્યું, “આ બેટરીને કોણ હેરાન કરે છે?” વિકી મારી અને બેટરીની સામે જોવા લાગ્યો.

મેં કહ્યું, “આ વિકી જ એને ટપલા મારતો હોય છે.” બેટરી ગભરાઈ ગયો.

વિકી બોલ્યો, “ના ના.. એ તો જરાક અમથી મસ્તી.”

મેં કહ્યું, “મસ્તી એવી નો હોય. તને ખબર છે એ બિચારાની ફૅમિલી કન્ડીશન…” વિકી ગંભીર થઈ ગયો. બેટરી રડમસ હતો.

વીરો બોલ્યો, “આજથી બેટરી આપણા બધાનો પાક્કો ભાઈબંધ બસ? લે વિકી, હાથ મિલાવ એની સાથે.”

વિકીએ હસતા હસતા બેટરી સામે હાથ મિલાવ્યો “સોરી દોસ્ત.. અમે તો મસ્તી જ કરતા હતા.” બેટરીએ બીતા-બીતા હાથ મિલાવ્યો. “આજથી તને કોઈ કાંઈ કહે તો તું સીધો વિકી પાસે આવજે. આજથી તું આપણો ભાઈબંધ. પણ..” વિકી સહેજ અટક્યો એટલે સૌને ફરી બીક લાગી. “પણ બેટરી.. તારું સાચું નામ તો કહે.”

બેટરી એકદમ દબાતા અવાજે બોલ્યો, “જીવન.”

વીરાના આવ્યા પછી અને જીવનની આખી કહાની જાણ્યા પછી અમારી મંડળી જામવા માંડી. બેટરીને સૌ કોઈ મદદરૂપ થતા. એને હવે અમે જીવન જ કહીને બોલાવતા. મેં ઘરે જઈને આખી વાત કરી ત્યારે પપ્પાએ કહ્યું, “આ ઉંમરની આ જ મજા છે. મસ્તી, નિર્દોષતા, બેફિકરાઈ અને ભોળપણ.”

મને આ બધા શબ્દો બહુ ભારે લાગ્યા.

બેટરી ઉર્ફે જીવનના સંપર્કમાં આવ્યા પછી મને ગરીબી, સંઘર્ષ અને જવાબદારીનો થોડો ઘણો અહેસાસ થવા લાગ્યો હતો. સગડી અને પ્રાઇમસના તાપમાં રસોડામાં બે-બે કલાક રસોઈ કરતી મારી મમ્મી અને મોટીબેન મને પહેલી વખત દેખાયા હતા. હવે પ્રાઇમસ માટે કેરોસીન લાવવાની જવાબદારી મેં મારા હાથમાં લઈ લીધી હતી. ઇલેક્ટ્રિકનું બિલ પણ હું ભરવા જતો. મમ્મી લિસ્ટ બનાવી આપે એટલે કરિયાણું પણ હું લાવી આપતો. મોટીબેન તો કૉલેજમાં પહોંચી ગઈ હતી. એણે ઉપરના દાદીમાના રૂમમાં જ ટ્યુશન કરવાના શરૂ કર્યા હતા. હું પણ એકાદ ક્લાસ લેવા માંડ્યો હતો. ચોથું-પાંચમું ભણતા ટાબરિયાઓ મને સર કહેતા ત્યારે હું થોડી શરમ સાથે માન પણ અનુભવતો.

“મને સ્મશાનયાત્રા કે ઉઠમણામાં જવાનું ન ગમે.” એક દિવસ દાદીમા સાથે ચર્ચા કરતા મેં કહ્યું. ત્યારે દાદીમા બોલ્યા, “બેટા, ગમતું તો કોઈને ન હોય, ત્યાં કોઈને મજા ન આવતી હોય. આ તો જેનું સગું ઑફ થયું હોય એના દુઃખમાં એની પડખે ઊભા રહીએ તો એને થોડું હળવું લાગે. આજ એનો વારો, કાલ આપણો. તારી તો હજુ ઉંમરેય નથી, પણ જવું જોઈએ. હોસ્પિટલના અને મરણના કામમાં જઈને ઊભા રહો તો સ્વજન જેવું લાગે.”

એ દિવસથી મેં આ વાતને ગંભીરતાથી લીધી. અમારી નાતના એક દાદાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે નિશાળેથી સાયકલ લઈને હું રિસેસમાં સીધો એમની સ્મશાનયાત્રામાં ગયો. નાતીલાઓ બહુ ઓછા મને ઓળખતા હતા. અજાણ્યા હોવા છતાં હું હાથ જોડું તો એ ‘જયશ્રી કૃષ્ણ’ બોલતા હતા. જોકે સ્મશાનમાં અને એ પછી ઉઠમણામાં પણ દૂર દૂર બેઠેલા લોકો મૃતકની થોડી-ઘણી વાતો કરી લીધા પછી ધંધા-રોજગાર, રાજકારણ, સગાઈ-લગ્નની વાતે ચઢી જતા એ મને ન ગમતું.

મોટીબેનના બર્થડે ઉપર દાદીમાએ એને બહુ મોટી ગિફ્ટ આપી. એ હતું લાલ રંગનું બજાજ સન્ની. પપ્પા પાસે બજાજનું સ્કૂટર હતું. મોટીબેન તો રાજી રાજી થઈ ગઈ. માથે લાલ હૅલ્મેટ અને આંખો પર ગૉગલ્સ ચશ્માં પહેરી લાલ રંગના સન્ની પર સવાર થતી ત્યારે મોટીબેનનો માભો તો જબરો પડતો હતો. મને હવે મારી સાયકલ ઓછી ગમતી. હુંય દાદીમા દાદીમા કરવા લાગ્યો હતો. મને બરાબર યાદ છે.. મારી સ્કૂલની છમાસિક પરીક્ષાનું છેલ્લું પેપર હતું. મોટીબેનને માંડ-માંડ મનાવી હું સ્કૂલે સન્ની લઈને ગયો હતો. પેપર પતાવી પરત ફરતી વખતે કેમ કરતા, શું થયું એ મને બરાબર યાદ નથી, પણ સોસાયટીના નાકા પાસે સન્ની પૂરપાટ દોડતું ફગી ગયું, હું રસ્તા વચ્ચે ગડથોલું ખાઈ ગયો, મારી પાછળ આવતી રિક્ષાનું પતરું મારા માથા સાથે ભટકાયું અને હું લોહીલુહાણ થઈ બેભાન થઈ ગયો.

મેં જયારે આંખો ખોલી ત્યારે મારા કપાળે પાટો બાંધેલો હતો. હું હોસ્પિટલમાં હતો. પપ્પા-મમ્મી મારા પલંગ પાસે જ બેઠા હતા. ડોક્ટરે મને તપાસ્યો. કંઈક બોલ્યા. ઇન્જેક્શન માર્યું. ગોળી ખવડાવી. હું સૂઈ ગયો. આવું કેટલા દિવસ થયું એ મને યાદ નથી. એક દિવસ મને મળવા મારી સ્કૂલના પ્રિન્સિપાલ આવ્યા હતા. એક દિવસ વીરો, વિકી અને બેટરી એટલે કે જીવન મને મળવા આવ્યા હતા. એક દિવસ પિન્ટુ, પૂજન પણ મળી ગયા. હું ક્યારે ઘરે આવી ગયો એ મને ખબર નથી.

એકાદ મહિને મને બધું બરાબર સમજાવા લાગ્યું. હા, એ મારું પ્રથમ ઍક્સિડન્ટ હતું. કપાળ પર દસેક ટાંકા આવ્યા હતા. હાથમાં પ્લાસ્ટર આવ્યું હતું. લોકો કહેતા કે બહુ મોટી ઘાત ગઈ હતી. મારી મોટીબેન પોતાને ગુનેગાર સમજતી હતી. હોસ્પિટલના બિછાને પડ્યા પડ્યા મેં કાર ઍક્સિડન્ટને લીધે મૃત્યુ પામેલા પાંચ વ્યક્તિઓ વિષે સાંભળ્યું ત્યારે હું ધ્રુજી ઉઠ્યો. રાત્રિના અંધકારમા પૂરપાટ દોડી રહેલી કાર એક વળાંક પાસે ઉભેલા ડમ્પરમા પાછળથી ઘુસી ગઈ. વહેલી સવારે એ કાર સવાર પરિવારને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. દોડધામ મચી ગઈ હતી. માતા-પિતા, દીકરો વહુ અને એક પાંચ વર્ષની પૌત્રી. આખી હોસ્પિટલમાં અરેરાટી બોલી ગઈ હતી. હું થોડો ઘણો હરી ફરી શકું એમ હતો એટલે મેં એમના સ્ટ્રેચર ખસેડવામાં મદદ પણ કરી હતી. મૃત્યુનું આ રૌદ્ર રૂપ મેં કદી કલ્પ્યું ન હતું.

આખો પરિવાર જ ખતમ થઈ ગયો. પરિવાર અમદાવાદથી પરત આવતો હતો. સાંજે દશેક વાગ્યે નીકળ્યો હતો. રાજકોટ વટ્યા પછી અકસ્માત નડ્યો. પોલીસે કાર્યવાહી કરી. પોસ્ટમોર્ટમની વિધિ થઈ. આ બધા દૃશ્યો મને કરુણા અને વૈરાગ્યની એક ઊંડી અનુભૂતિ કરાવી ગયા. લોકો વાતો કરતા હતા. કોઈ કહેતું હતું, “માણસના અન્નજળ પાણી ખૂટી જાય એટલે એને કોઈ રોકી ન શકે.” કોઈ કહેતું, “બિચારી પાંચ વર્ષની ઢીંગલીનો શું વાંક?” કોઈ બોલ્યું, “મોત પોકારતું હોય એટલે માણસ ભાન ભૂલે, નહિંતર આખો પરિવાર નીકળતો હોય તો રાતની બદલે દિવસે ન નીકળાય?”

મને રજા આપવામાં આવી. ઘરે આરામ કરવાનો હતો. મેં દાદીમાને પૂછ્યું, “જો ભગવાન હોય તો એણે પેલી નાનકડી પાંચ વર્ષની ઢીંગલીને શા માટે મરવા દીધી? અને જો એમ જ કરવું હતું તો એને જન્મ જ શા માટે આપ્યો હતો?”

મમ્મીએ કહ્યું, “ઋણાનુબંધ દીકરા. એ જીવને આ મમ્મી-પપ્પા પાસે પાંચ વર્ષની લેણાદેણી બાકી હશે.”

મને વાત ગળે ન ઉતરી. ક્યાંક કંઈક ગરબડ લાગી. કોઈ બદમાશ કમોતે મરી જાય તો આપણે સમજી શકીએ કે ઈશ્વરે એને સજા કરી પણ પાંચ વર્ષની ઢીંગલી? અને એય પાછી આવી રીતે મરે?

મોટીબેને કહ્યું, “એમ તો જન્મતાં જ બાળક મૃત્યુ પામે એવુંય બને છે બકા.”

મેં કહ્યું, “હું એ જ પૂછું છું એવું કેમ? બે સ્વાસ કે બે દિવસનું જ આયુષ્ય તો બહુ વિચિત્ર અને ઘાતક જ કહેવાય ને? એના મમ્મી-પપ્પાને કેવું થાય?”

ગોટી, પૂજન, પિન્ટુ અને વીરા સાથે મારે જયારે આ વાત થઈ ત્યારે ગોટી બોલ્યો, “પેલા ક્રિકેટ જેવું, બે જ રનમાં આઉટ.”

પિન્ટુના પપ્પાએ અમારી વાત સાંભળી કહ્યું, “છોકરાઓ, માણસનું સરેરાશ આયુષ્ય સીત્તેર-એંશી વર્ષનું છે. તમને ખબર છે, કૂતરો દસથી બાર વરસ, હાથી અડતાલીસથી પચાસ વર્ષ, ઉંદર ખાલી બે વર્ષ, મચ્છર ખાલી સાતથી દસ દિવસ તો કાચબા દોઢસો-બસો વર્ષ જીવી શકે!”

માહિતી નવી હતી પણ એનાથી પેલી ઢીંગલીના મૃત્યુને શું સંબંધ? એ તો માણસ હતી. એને સીત્તેર વર્ષનું આયુષ્ય કેમ ન મળ્યું? પણ ગોટીએ કરેલી કલ્પના બહુ મને ગભરાવી ગઈ. જયારે વીરો બોલ્યો કે, “એ લોકો અમદાવાદથી નીકળ્યા ત્યારે એ લોકોને કલ્પનાયે હશે ખરી કે પાંચ-છ કલાક પછી એમનું શું થવાનું છે?”

ત્યારે ગોટીએ કહ્યું, “એમ તો આપણનેય ક્યાં ખબર છે અત્યારે કે આપણી સાથે પાંચ-છ કલાક પછી શું થશે?”

પૂજન બોલ્યો, “છ કલાક પછી નવ વાગ્યે હું મારા મમ્મી-પપ્પા સાથે જમતો હોઈશ.” સૌ હસ્યા.

ત્યાં ગોટી બોલ્યો, “એમ તો એ લોકોનેય એવું જ લાગ્યું હશે કે છ કલાક પછી અમે ઘરે પહોંચી જઈશું. બ્રશ કરી ચા પીને આરામથી ઊંઘી જઈશું. પણ એ લોકોને ક્યાં ખબર હતી કે પાંચમી કલાકે જ…”

ચા… મને થયું મૃત્યુનું આ સસ્પેન્સ તો અનેક નવા સસ્પેન્સ ઊભા કરી દે, કઈ ચા આખરી ચા બની જાય એ કોને ખબર? ક્યું વાક્ય જિંદગીનું આખરી વાક્ય બની જાય, ક્યો વાર આખરી વાર હોય, ક્યું ભોજન આખરી ભોજન હોય? ઓહો.. જેમ જેમ વિચારતો ગયો એમ એમ મને થયું, જે કઈ છે એ આજ જ છે, અત્યારે જ છે. યહાં કલ ક્યા હો કિસને જાના?

આ બધા વચ્ચે દાદીમાએ કહેલું વાક્ય મને એક નવી જ દુનિયામાં લઈ ગયું, “દીકરા, શરીર મરે છે, આત્મા નહીં. આત્મા અમર છે. હું ક્યાંય સુધી આ નવા શબ્દ ‘આત્મા’ વિષે વિચારતો રહ્યો.

— કમલેશ જોષી


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “યહાં કલ ક્યા હો કિસને જાના? – કમલેશ જોષી