સરકારી, ગ્રાન્ટ ઈન એઇડ તથા ખાનગી શાળાઓ વિશે.. 5


શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે અમુક શાળાઓ કોઈપણ પ્રકારની ફી વિદ્યાર્થીઓ પાસે લેતી નથી તો અમુક શાળાઓ બેફામ ફી લે છે. આ માટેનું  કારણ છે શાળાઓનું વિવિધ પ્રકારનું માળખું. આ સમજવા માટે ખાસ ત્રણ પ્રકારની શાળાઓ વિશે જાણવું જોઈએ. તો ચાલો આજે આપણે આ ત્રણ પ્રકારની શાળાઓ એટલે કે સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓ તથા ખાનગી શાળાઓ વિશે જાણીએ.

આજે ૨૧ મી સદીમાં શિક્ષણ મેળવવું સહેલું બન્યું છે પરંતુ શૈક્ષણિક સંસ્થાઓના માળખાને સમજવું એક સામાન્ય માનવી માટે અઘરું બની ગયું છે. કોઈ એક શાળા તદ્દન ફી માફી આપે છે તો કોઈ એક શાળા સામાન્ય ફી લે છે તો કોઈ એક શાળા એવી છે કે વાલીઓ પાસેથી બેફામ ફી લે છે. આ ભેદભાવને સમજવા માટે ત્રણ પ્રકારની શાળાઓ વિશે આપણી સમજણ વિકસેલી હોવી જોઈએ, આ ત્રણ પ્રકાર છે :

  1. સરકારી શાળા
  2. ગ્રાન્ટ ઈન એઇડ શાળા
  3. ખાનગી શાળા

 ચાલો, આજે આપણે આ શાળાઓ વિશેની આપણી સમજણને વિકસિત કરીએ.

  • સરકારી શાળા :

જે શાળાઓનું સમગ્ર તંત્ર સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતું હોય એ શાળાઓને ‘સરકારી શાળા’ કહેવામાં આવે છે. આ પ્રકારની શાળાનું બિલ્ડીંગ, શાળાના સ્ટાફની નિમણૂંક, સ્ટાફનો પગાર તથા અન્ય દરેક ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. શાળા શરૂ કરવાથી લઈને શિક્ષકોની ભરતી સુધીની દરેક કામગીરી સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારની શાળાઓનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો જ હોય છે. આ પ્રકારની શાળાઓને વિદ્યાર્થીઓ પાસેથી નફો લેવાનું હોતું જ નથી.

ધોરણ 1 થી 12ની સરકારી શાળાઓમાં શિક્ષણ તો વિનામૂલ્યે મળે જ છે, આ ઉપરાંત અનેક સુવિધાઓ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેમકે, ધોરણ 1 થી 12 સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક આપવામાં આવે છે. ધોરણ 1 થી 8ના બાળકોનો પૂરતો શારીરિક વિકાસ થાય એ માટે મધ્યાહન ભોજન આપવામાં આવે છે. શાળાઓને મળતી વિવિધ ગ્રાન્ટ વડે વિદ્યાર્થીઓને યુનિફોર્મ વગેરેની સુવિધાઓ પણ આપવામાં આવે છે. વિવિધ શિષ્યવૃત્તિ પણ વિવિધ રીતે નબળા વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય છે.

સરકારી શાળાઓ નાના ગામડાંથી લઈને મોટા શહેરોમાં બધે જ હોય છે. ખાસ કરીને પ્રાથમિક શાળાઓ. આ પ્રકારની શાળાઓમાં સમાજના દરેક વર્ગના વિદ્યાર્થીને કોઈપણ જાતની ઔપચારિક કે અનૌપચારિક પ્રક્રિયા વિના પ્રવેશ આપવામાં આવે છે. ખાસ કરીને આ પ્રકારની શાળાઓમાં કોઈપણ પ્રકારની ફી ન હોવાને લીધે સમાજના દરેક વર્ગના લોકો પોતાના બાળકોને આ પ્રકારની શાળાઓમાં ભણાવી શકે છે.

સરકારશ્રી દ્વારા આ પ્રકારની શાળાઓ માટે જે-તે વિષયની પૂરતી લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂંક કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર સમયસર શિક્ષકોની ભરતી ન થાય ત્યારે વિદ્યાર્થીઓને નુકસાન થતું હોય છે. કોઈ શિક્ષક વયમર્યાદાને કારણે કે કોઈ અન્ય કારણસર નિવૃત્ત થયા હોય, કોઈ શિક્ષકે બદલી કરાવી લીધી હોય કે કોઈ શિક્ષકે નોકરી મૂકી દીધી હોય તો તેમની બદલે ઘણીવાર ઘણા સમય સુધી નવા શિક્ષક લેવામાં આવતા નથી. સરકારી શાળાઓનું તંત્ર ખૂબ વિકસિત હોય આ પ્રકારના કામોમાં મોડું થાય ત્યારે સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર થાય છે.

સરકાર આ પ્રકારની ખામી નિવારવા માટે પ્રવાસી શિક્ષક વગેરેની સુવિધા લાવી છે છતાં ઘણીવાર આ સુવિધાનો પૂરતો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચતો નથી. આ ઉપરાંત સરકાર શાળામાં વિદ્યાર્થીઓની અને વર્ગોની સંખ્યાના આધારે શિક્ષકોની ફાળવણી કરે છે. આમ કરવા જતાં શાળાઓને દરેક વિષયના શિક્ષકો મળતાં નથી. ઉદા. જો માધ્યમિક શાળામાં એક જ વર્ગ હોય તો ત્રણ વિષયના શિક્ષકો જ હોય તો પણ અમુક સમસ્યાઓ સર્જાતી હોય છે.

નવોદય વિદ્યાલય, કસ્તુરબા બાલિકા વિદ્યાલય, સૈનિક શાળા, આદર્શ નિવાસી શાળા વગેરે શાળાઓ પણ એક પ્રકારની સરકારી શાળાઓ જ છે જેના વિશે આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું.

children sitting on floor inside building and another two children walking
Photo by kavya kodiya on Pexels.com
  • ગ્રાન્ટ ઈન એઇડ શાળા :

ગ્રાન્ટ ઈન એઇડ પ્રકારની શાળાઓ ગ્રાન્ટ ઈન એઇડ 1964ના કોડ (નિયમ) મુજબ ચાલે છે. આ પ્રકારની શાળાને સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચેની શાળા કહી શકાય. આ શાળા માટે પણ તમામ પ્રકારના ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.

 તમને એમ થશે કે સરકારી અને ગ્રાન્ટ ઈન એઇડ એમ બંને પ્રકારની શાળાઓમાં તમામ ખર્ચ સરકાર આપે છે પરંતુ આ બંને શાળાઓ વચ્ચે તફાવત છે સંચાલનનો. સરકારી શાળાઓનું સંચાલન સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. સરકારી શાળાઓના સંચાલન માટે સરકાર શિક્ષણ વિભાગનું નિર્માણ કરે છે. જ્યારે ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓનું ( જેને આપણે સામાન્ય રીતે ગ્રાન્ટેડ શાળાઓ તરીકે ઓળખીએ છીએ) સંચાલન જે-તે સંસ્થા કે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાઓ કે ટ્રસ્ટ સરકારશ્રીની મંજૂરી દ્વારા ચાલતી હોય છે. આ સંસ્થા કે ટ્રસ્ટ ગ્રાન્ટ ઈન એઇડના કોડ મુજબ શાળાઓ ખોલવા માટે સરકાર પાસે મંજૂરી માંગે છે અને સરકારશ્રી દ્વારા તપાસણી થયા બાદ આ પ્રકારની શાળાઓને મંજૂરી મળે છે.

આ પ્રકારની શાળાઓને પહેલાં અમુક રીતે ગ્રાન્ટ મળતી. મોટાભાગની ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષકોના પગાર સરકાર પાસેથી મેળવતી અને બીજો ખર્ચ જેમકે વીજળી, સ્ટેશનરી વગેરે પોતે મેળવેલી સમાન્ય ફીમાંથી અથવા તો સંસ્થાને મળતા ફંડમાંથી ચૂકવતી હતા. પરંતુ અમુક સમય પછી નિયમોમાં થયેલા ફેરફાર મુજબ હવે આ પ્રકારની શાળાઓનો સંપૂર્ણ ખર્ચ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે.

 આ પ્રકારની શાળાઓમાં અગાઉ શિક્ષકોની ભરતીનો સંપૂર્ણ અધિકાર અને એ અંગેની સમગ્ર કામગીરી શાળા કક્ષાએ જ થતી હતી, પરંતુ હવે શિક્ષકોની ભરતીના નિયમોમાં ફેરફાર બાદ ગુજરાત રાજ્યમાં સમગ્ર રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે શિક્ષકોની ભરતી રાજ્ય સરકાર દ્વારા થાય છે. તાજેતરમાં જ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 2500 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે.

  • ખાનગી શાળા :

આ પ્રકારની શાળાઓનું તંત્ર સંપૂર્ણ રીતે ખાનગી સંસ્થાઓ કે ખાનગી લોકો દ્વારા ચાલતું હોય છે. આ પ્રકારની શાળાઓમાં ફીનું ધોરણ સરકારી અને અર્ધ સરકારી (ગ્રાન્ટેડ) શાળાઓ કરતા અનેકગણું હોય છે. કારણકે આ પ્રકારની શાળાઓ ફક્ત સેવા માટે શાળાઓનું સંચાલન નથી કરતી, પરંતુ નફો કમાવવા માટે શાળાઓનું સંચાલન કરે છે. વાલીઓ અનેકગણી ફી ભરીને શિક્ષણની ઉચ્ચ ગુણવત્તાની આશા આ પ્રકારની શાળાઓ પાસે રાખે છે.

ખાનગી શાળાઓનો ખ્યાલ ભારતમાં બહુ જૂનો નથી. ઈ.સ. 1978માં 3.4% વિદ્યાર્થીઓ જ આ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરતા જ્યારે અત્યારે 34%થી વધુ વિદ્યાર્થીઓ આ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરે છે. અગાઉ ખાનગી શાળાઓની સંખ્યા પણ બહુ ઓછી હતી, હવે તો સમય જતાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે એમ કહીએ તો પણ કશું ખોટું નથી. પરંતુ આ શાળાઓનો હેતુ ફક્ત શિક્ષણ આપવાનો નથી હોતો, આ પ્રકારની શાળાઓ નફો કમાવવાના હેતુથી કાર્ય કરતી હોય છે અને ઘણીવાર નફો કમાવવાનો હેતુ સિદ્ધ કરવા જતા આ પ્રકારની શાળાઓ અમુક બાબતોમાં પૂરતી સુવિધાઓ આપવામાં અને ગુણવત્તા જાળવી રાખવામાં નિષ્ફળ જાય છે.

જેમકે આ પ્રકારની ઘણી શાળાઓ પાસે પૂરતી ભૌતિક સુવિધાઓનો અભાવ હોય છે. ઘણી ખાનગી શાળાઓ પાસે પૂરતાં વર્ગો કે રમત-ગમતના મેદાનોનો અભાવ જોવા મળે છે. આ પ્રકારની ઘણી શાળાઓ શિક્ષકોને ઓછું વેતન આપવું પડે એ માટે ઓછી લાયકાત ધરાવતા શિક્ષકો રાખીને ચલાવતા હોય છે. પરંતુ આ પ્રકારના ઓછી લાયકાત ધરાવતા શિક્ષકો વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય આપી શકતા નથી.

અમુક શાળાઓ એવી છે કે તે બધી સુવિધાઓ આપે છે પરંતુ તેની ફી અતિશય હોય છે. આથી ધનિક વર્ગ જ પોતાના બાળકને આ પ્રકારની શાળામાં ભણાવી શકે છે. જો કે સરકારશ્રી દ્વારા હવે RTEના કાયદા હેઠળ અમુક % બાળકોને આ પ્રકારની શાળાઓમાં મફત શિક્ષણ મળે એ માટેની જોગવાઈ કરવામાં આવી છે.

આ ત્રણેય પ્રકારની શાળાઓ વિશે આ તો બસ ખૂબ સામાન્ય વાતચીત થઈ. પરંતુ આ સમજ તમને શાળાઓના માળખાને સમજવામાં ઘણી ઉપયોગી થશે. બરાબર ને? તમારા વિચાર મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવશો.

— હેમાંગી ભોગાયતા મહેતા


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “સરકારી, ગ્રાન્ટ ઈન એઇડ તથા ખાનગી શાળાઓ વિશે..