On body and soul : શરીર અને આત્માનો અનુભવ 3


ફિલ્મની શરૂઆત જંગલમાં ફરતા એક હરણ અને હરણીના દ્રશ્યથી થાય છે. બન્ને સાથે વિચરતા જીવો જંગલમાં ખોરાક માટે ભટકતા હોય છે. હરણ હરણીને સ્પર્શવા જાય કે તરત હરણી દૂર ભાગે. અહીંયા દ્રશ્ય બદલાઈ જાય છે. દર્શકોને ખબર પડે છે કે આ એક સપનું હતું જે નાયક અને નાયિકા જોઈ રહ્યા છે. બન્ને એક સરખું  સપનું જુએ છે. બન્ને એકબીજાથી અજાણ્યા છે.

આત્મા અને શરીર બે અલગ ચીજો છે. આપણું સમગ્ર અસ્તિત્વ એટલે એ બન્નેનું સંયોજન. સૂક્ષ્મ સ્તરે આત્મા છે તો સ્થૂળ સ્તરે શરીર. આ બન્ને મોટેભાગે એકબીજાથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. શરીરની આવશ્યકતા અને આત્માની ઈચ્છાઓ અલગ અલગ હોય. બન્ને વચ્ચે સંતુલન ભાગ્યે જ બને.

શરીરની આવશ્યકતા ભૌતિક સુખ છે તો આત્માની જરૂરિયાત પ્રેમ છે. આપણે શરીરની જરૂરિયાતો વિશે જાણીએ છીએ પણ આત્માની અતૃપ્ત ઈચ્છાઓ મોટાભાગે આપણાથી અજાણી રહે છે. આત્માની જરૂરિયાતોથી સભાન મનુષ્ય કોઈ રણમાં પાણી વગર રખડતા માણસની જેમ જીવનરૂપી રણમાં રખડયા કરે છે. અહીંયા ‘સભાન’ શબ્દ મહત્વનો છે. જો તમે ‘સભાન’ નથી તો તમને જીવનમાં વધુ મુશ્કેલીઓ નડવાની નથી. તમે પશુની જેમ શારીરિક આવશ્યકતાઓ પૂરી કરતા કરતા મરી જવાના. 

‘પ્રેમ આત્માનો ખોરાક છે’ એ વાતને કેટલી ગંભીરતાથી લેવી એ તમારી બુદ્ધિક્ષમતા પર આધાર રાખે. પ્રેમ અને એકલતા સાથે ચાલી નથી શકતા. પ્રેમમાં પડેલાને એકલતા સજા જેવી લાગે. એકલતાનું ગીત માત્રને માત્ર યોગીઓને સાંભળવું ગમે. પ્રેમીઓ માટે તો એ અસહ્ય ઘોંઘાટ સમાન હોય. એકલતા એવો રોગ છે જે સ્ત્રી અને પુરુષ બન્નેને સરખો કનડે છે.

સ્ત્રી અને પુરુષ બન્ને માટે પ્રેમની વ્યાખ્યા અલગ છે. સ્ત્રી માટે પ્રેમ એ આત્મિક જરૂરિયાત છે. એ જરૂરિયાત મોટેભાગે શરીરના માર્ગે નથી પૂરી થતી. એના માટે પ્રેમ એ શારીરિક રસ્તે મેળવી નથી શકાતો. 

પુરુષ પ્રેમ બાબતે વધુ શારીરિક છે. પુરુષ માત્ર સ્ત્રીના શરીરને પણ પ્રેમ કરી શકે છે. એના માટે પ્રેમ માનસિક કરતા શારીરિક ચીજ વધુ છે. 

એટલે જ સ્ત્રી પ્રેમ માટે શરીર આપી શકે છે તો પુરુષ શરીર પામવા પ્રેમ કરી શકે છે. 

સ્ત્રી અને પુરુષનું આ અલગપણું ઉત્ક્રાંતિમાં બન્નેની અલગ અલગ ભૂમિકાને કારણે આવ્યું છે. 

હવે આપણે ફરી ‘અભાન’ મનુષ્યોની વાત કરીએ. તમે જો એમ માનો કે તમારે જીવવા માટે માત્ર ને માત્ર સુખ સાહેબીની જ જરૂર છે એ સિવાય બીજું કશું જ નથી જોઈતું તો અભિનંદન તમે ‘અભાન’ છો. તમારુ જીવન બહુ સરળ બની રહેવાનું.

આટલી લાંબી પ્રસ્તાવના જે ફિલ્મ માટે લખી છે એ ફિલ્મ અંગ્રેજીમાં નથી. ફિલ્મનું અનુવાદ કરેલું નામ ‘On body and soul’ છે. આ 2017 માં બનેલી એક હંગેરીયન ફિલ્મ છે. ફિલ્મ એક પ્રેમકથા છે. ફિલ્મ એકલતા અને પ્રેમની વાત કરે છે. આત્મા અને શરીરની વાત દ્વારા આખી પ્રેમકથા કહેવાઈ છે. 

ફિલ્મ હંગેરીયન ભાષામાં હોવાને કારણે થોડી વિસ્તારમાં ચર્ચા કરીશ.  

On Body and Soul Movie Review Aksharnaad Narendrasinh Rana

ફિલ્મની શરૂઆત જંગલમાં ફરતા એક હરણ અને હરણીના દ્રશ્યથી થાય છે. બન્ને સાથે વિચરતા જીવો જંગલમાં ખોરાક માટે ભટકતા હોય છે. હરણ હરણીને સ્પર્શવા જાય કે તરત હરણી દૂર ભાગે. અહીંયા દ્રશ્ય બદલાઈ જાય છે. દર્શકોને ખબર પડે છે કે આ એક સપનું હતું જે નાયક અને નાયિકા જોઈ રહ્યા છે. બન્ને એક સરખું  સપનું જુએ છે. બન્ને એકબીજાથી અજાણ્યા છે.

એ પછીના દ્રશ્યો કતલખાનાના છે. મશીનમાં કપાતી ગાયો અને એમના ક્લોઝઅપ્સ વિચલિત કરે એવા છે. ઘણાને આ દ્રશ્યો બિનજરૂરી લાગે પણ પ્રતિકાત્મક રીતે આખી વાત પશુની જેમ ખાવાપીવા અને મરવાની વાત પ્રેક્ષકોના મનમાં ઘૂંટવા માટે રજૂ થઈ હોય એમ લાગે.

નાયક એ કતલખાનામાં ફાયનાન્સીયલ મેનેજર છે. મોટી ઉંમરનો છે. એક હાથમાં ખોડ છે. નાયિકા ક્વૉલિટી મેનેજર છે. નાયકના કતલખાનાની ક્વૉલીટી મેનેજર રજા પર ઉતરી જતા નાયિકા તેના સ્થાને આવે છે. 

નાયક અને નાયિકા અત્યંત અંતર્મુખી છે. બન્નેને એકલા રહેવું ગમે છે. નાયકના બહુ ઓછા મિત્રો છે. નાયિકા તો વળી માનવસ્પર્શથી પણ દૂર ભાગે તેવી છે. બન્નેની પહેલી મુલાકાત સાવ નિષ્ફળ રહે છે. નાયિકા નાયકને યોગ્ય જવાબ નથી આપતી. એ જ નાયિકા ઘરે જઈને આખી મુલાકાતને પોતાની દ્રષ્ટિએ મુલવે છે. આ દ્રશ્યમાં નાયિકા એ નાયકનું કરેલું અવલોકન સરસ રીતે દર્શાવ્યું છે. નાયકની બોડી લેન્ગવેજ કેવી હતી? એણે જે વાક્યો નાયિકાને કહેલાં એનું વિશ્લેષણ અને એ કહેવા પાછળ નાયકની માનસિકતા વિશે નાયિકા જાત સાથે વાતો કરે છે.

આ કારણે દર્શક તરીકે તમે ધારી શકો કે આ બેનનો સ્ક્રુ ઢીલો છે. આગળ જતાં આ વાત વધુને વધુ દ્રઢ થાય એવા દ્રશ્યો છે. બીજા સાથી કર્મચારીઓથી એ સતત અતડી રહે છે. લંચ બ્રેક વખતે માણસોથી ભરેલી કેન્ટીનમાં પ્રવેશવા જેવી સામાન્ય ક્રિયા કરવા માટે પણ એને હિંમતની જરૂર પડે છે. રાત્રે સૂતા પહેલા ઘરની ટાઇલ્સ પર પગ ન મુકવા પડે એ માટે છેક છેલ્લી ઘડીએ ચપ્પલ કાઢીને એના પર પગ મૂકીને પલંગ પર લંબાવે એવી વિચિત્ર છે.

સામે પક્ષે નાયક પણ અતડો છે. ઘરે પહોંચીને ટીવી જોયા રાખે છે. ક્યારેક ચાલું ટીવી સામે જ સુઈ જાય છે. મિત્રો સાથે પાર્ટીમાં જવાનું ટાળે છે. ડેટિંગ કરવામાં રસ નથી. ડીવોર્સ થયા પછી બહુ બધી સ્ત્રીમિત્રો બદલી ચુક્યો છે. કંટાળીને એ બહારની દુનિયાથી સાવ અલિપ્ત થઈ ગયો છે.

આ બન્ને વિચિત્ર પાત્રો સતત કામના સ્થળે મળતા રહે છે. એમના વચ્ચે કોઈ જ કેમેસ્ટ્રી નથી. બન્ને એકબીજાને પસંદ નથી કરતા.

આખી પરિસ્થિતિ એક ચોરીના કારણે બદલાય છે. કતલખાનામાં એક દવા ચોરાય છે. એ દવા ગાયોના સંવનન માટે આખલાઓને તૈયાર કરવા માટેની દવા હોય છે. એ ચોરી કોણે કરી એ જાણવા એક મનોચિકિત્સકની સેવા લેવાનું નક્કી થાય છે. એ મનોચિકિત્સક દરેક કર્મચારીનું એનાલિસિસ કરીને નક્કી કરે કે કોણે ચોરી કરી હશે ! 

આ કારણે નાયક અને નાયિકાને ખબર પડે છે કે બન્ને એક સરખા સપનાઓ જુએ છે. હરણ અને હરણીના સપના. નાયક હરણ તરીકે જુએ છે તો નાયિકા હરણી તરીકે. આ વિચિત્ર વાતને કારણે બન્ને નજીક આવે છે. બન્ને રોજ પોતે સપનામાં શું જોયું એ વાતો એકબીજાને કહે છે. 

સપનામાં બન્ને વચ્ચે અત્યંત આત્મીયતા હોય પણ બહારના વિશ્વમાં બન્ને એવી આત્મીયતા નથી અનુભવતા. બન્નેનો અતડો અને વિચિત્ર સ્વભાવ નિકટતા કેળવવામાં બાધારૂપ બનતો રહે છે. આત્માનું કનેકશન બન્ને અનુભવે છે પણ એ વાસ્તવિક દુનિયામાં બન્ને વચ્ચે આવતું નથી. નાયિકા સ્પર્શ માત્રથી બીવે છે તો નાયક એના આવા પ્રતિભાવોને સમજી નથી શકતો. 

દર્શક તરીકે તમને બન્નેની દયા આવે. બન્ને મળે એવું સતત તમે ઈચ્છો. ક્યારેક એવું પણ લાગે કે બન્ને વચ્ચે બધું જ ખતમ થઈ જશે. આ કશમકશના કારણે બન્નેમાં આવતો બદલાવ પણ ધીરે ધીરે સ્પષ્ટ બને છે. નાયિકા સ્પર્શને અનુભવવાનું શરૂ કરે છે તો નાયક લાગણીઓને વાચા આપતા શીખે છે. 

આ બધા જ ફેરફારો ફિલ્મમાં બહુ સરસ રીતે દર્શાવ્યા છે. ખાસ કરીને નાયિકાનો માનવીય સ્પર્શ પ્રત્યેનો અણગમો દૂર થવો. એની દ્રષ્ટિએ એક અલગ જ સૃષ્ટિ ધીરે ધીરે ઉઘડતી દર્શાવી છે. 

On Body and Soul Movie Review Aksharnaad Narendrasinh Rana

નાયિકા હવે નાયકના પ્રયત્નોનો જવાબ આપવા તૈયાર છે પણ હવે નાયકને ફરી નકાર ખમવાની હામ નથી. તે નાયિકાને અવગણે છે. અંતે શું થાય છે એ જાણવા ફિલ્મ જોવી રહી. 

ખાસ કરીને અંત બહુ મસ્ત વાત કરે છે. માનવીય વર્તનનું એક અમર સત્ય અંતે રજૂ થાય છે. તમે અંતને સારો અને ખરાબ બન્ને રીતે જોઈ શકો. 

ઈડીકો એનીયેડી આ ફિલ્મની નિર્દેશક છે. તેની છેલ્લી ફિલ્મ અને આ ફિલ્મ વચ્ચે નવ વર્ષનો ગાળો હતો. ફિલ્મ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગોલ્ડન બેર’ નો એવોર્ડ જીતી ગયેલી. 

ફિલ્મ પૂરી થયા પછી પણ નાયિકા બનતી એલેક્ઝાન્દ્રા બોરબેલી કદાચ તમારી નજર સામેથી નહિ ખસે. અતડી અને સ્પર્શથી દૂર ભાગતી નાયિકા તરીકે તેણે સરસ અભિનય કર્યો છે. ચહેરા પર ભાવોનો ‘અભાવ’ લાવીને એક અલગ પાત્ર તેણે જીવંત કર્યું છે. 

કદાચ તમે એમ કહેશો કે અંગ્રેજી સબટાઈટલ્સ વાંચવામાં ફિલ્મ જોવાની મજા મરી જાય. મારા મતે આ ફિલ્મમાં સંવાદો ઓછા હોવાને કારણે એવું નહિ બને. ભાષાનો અવરોધ નહિ નડે. ફિલ્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

છેલ્લી રીલ- 

તમારી પાસે શરીર છે, આત્મા નહીં. તમે ખુદ આત્મા છો.– આ ફિલ્મનો એક સંવાદ.

નરેન્દ્રસિંહ રાણાની કલમે ‘સિનેમા જંક્શન’ કૉલમ લખાયેલા આવા જ સુંદર ફિલ્મ રિવ્યૂ અહીં ક્લિક કરીને માણી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “On body and soul : શરીર અને આત્માનો અનુભવ

  • નેહા

    ફિલ્મ જોવી જરૂરી બની ગઈ, એ કરતા વધુ રસપ્રદ વાત એ છે કે સ્ત્રી અને પુરુષની અલગ માનસિકતા બહુ સરળ અને સ્પષ્ટ લખી છે. મઝા આવી.