મનોજ ખંડેરિયાની કલમે.. ઇચ્છાનો સૂર્યાસ્ત 3


ઈચ્છાનો સૂર્ય અસ્ત થયાની કલ્પના કરી છે કવિએ. અસ્તિત્વની અદમ્ય કોઈ ઈચ્છાનો સૂર્ય જ્યારે અસ્ત થાય ત્યારે હયાતી પર કાળું ધબ્બ અંધારું છવાઈ જાય છે.

સાન્નિધ્ય :-  કાવ્ય સમીપે

ઇચ્છાનો સૂર્ય અસ્ત થવાની ઘડી છે આ,
અજવાશ અસ્તવ્યસ્ત થવાની ઘડી છે આ.

ધસમસતું ઘોડાપૂર નીરવતાનું આવતું,
કાંઠાઓથી વિરક્ત થવાની ઘડી છે આ.

આવી ગયો છે સામે શકુનિ સમો સમય,
આજે ફરી શિકસ્ત થવાની ઘડી છે આ.

થાકી ગયાં હલેસાં, હવે સઢ ચડાવી દો!
પાછા પવન-પરસ્ત થવાની ઘડી છે આ.

હર ચીજ પર કળાય અસર પક્ષઘાતની,
જડવત નગર સમસ્ત થવાની ઘડી છે આ.

લીલાશ જેમ પર્ણથી જુદી પડી જતી,
એમ જ હવે વિભક્ત થવાની ઘડી છે આ.

પ્રગટાવ પાણિયારે તું ઘીનો દીવો હવે!
ઘર અંધકાર-ગ્રસ્ત થવાની ઘડી છે આ.

– મનોજ ખંડેરિયા

બધું જ હોવા છતાંય કઈક હાથથી વછૂટી રહ્યાનો વલવલાટ એટલે કવિ શ્રી મનોજ ખંડેરિયાની ઉપરોક્ત ગઝલ. હા! વ્યથાનો વંટોળ નથી પણ જરા અમથી સુસવાટા મારતી, દઝાડતી, ન ગમતી ‘લૂ’  નો આડકતરો ઉલ્લેખ ચોક્કસ અનુભવાય છે.  જિંદગી એટલે સાવ જ અનિશ્ચિતતાની સફર.  જીવન પથ પર ક્યારે અણગમતી ક્ષણોના અણિયાળા પથ્થર ખૂંચે –  કંઈ કહેવાય નહીં. લિસ્સા અતલસી સુખની જાજમ પાથરેલ રસ્તા પર ચાલવા –  દોડવા – કૂદવા ઈચ્છતાં આપણા મનોરથને કાંકરી, કાંટા કે કીચડ સમી અસ્વીકાર્ય, વિપરીત પરિસ્થિતિનો સામનો કરવાનું ક્યારેક તો આવે, આવે ને આવે જ. એ વખતે અન્ય તમામ પરિબળો કદાચ સુલભ હોય પણ એક નાનકડી ટીસ –  મ્હો અને મૂડ બેય કટાણું કરે અને હૈયે – હોઠેથી સરી પડે એક નાનકડો અફસોસ.

ઇચ્છાનો સૂર્ય અસ્ત થવાની ઘડી છે આ,
અજવાશ અસ્તવ્યસ્ત થવાની ઘડી છે આ.

મત્લાનો શેર ગજબનું કલ્પન લઈ લખાયો છે.  સૂર્યના અસ્ત થવાની સાથે જ અવની પર અંધકારના ઓળા ઉતરવાના શરૂ થાય, એ નિર્વિવાદ સત્ય છે પરંતુ અહીં તો ઈચ્છાનો સૂર્ય અસ્ત થયાની કલ્પના કરી છે કવિ શ્રીએ.  અસ્તિત્વની અદમ્ય કોઈ ઈચ્છાનો સૂર્ય જ્યારે અસ્ત થાય ત્યારે હયાતી પર કાળું ધબ્બ અંધારું છવાઈ જાય છે. અંતરનો તમામ ઉજાસ કોણ જાણે ક્યા ખૂણામાં લપાઈ જાય છે અને સમગ્ર અસ્તિત્વ જાણે હતાશાની –  નિરાશાની એક ઊંડી, અંધારી ગર્તામાં ધકેલાઈ જાય છે.  અંતરનું અજવાળું ટૂંટિયું વાળીને લપાઈ જાય છે કોઈ અંધારિયા ખૂણે અને સમગ્ર અસ્તિત્વનું ઓજસ હણાતું જોઈ રહીએ છીએ છીએ ટગરટગર . આ વ્યક્ત ન થઈ શકવાનું દર્દ નાસૂર બની ધીરે ધીરે ખોતર્યા કરે છે ખુશીનું અંગ. દેખીતો ત્વરિત ફેરફાર કદાચ ન કળી શકે કોઈ પરંતુ ઝાંખો થતો જાય છે હયાતીના ઉપવનનો રંગ ને ફાટી આંખે આ બદલાવ જોયાં કરવા સિવાય કશું નથી થઈ શકતું.

ધસમસતું ઘોડાપૂર નીરવતાનું આવતું,
કાંઠાઓથી વિરક્ત થવાની ઘડી છે આ.

મનની નિરવતાનું ધસમસતું ઘોડાપૂર આખાય અસ્તિત્વને વહાવી જતું હોય છે. ચોગમ કોલાહલનો મેળો જામ્યો હોય ને તેમ છતાંય અંદરનું એકલવાયાપણું એ કશું જ ન માણવા દે. ન જાણવા દે.  ન જીવવા દે. આ એકાંતમાં અભાવની ઝરમર સતત વરસ્યાં કરે અને સ્તબ્ધતાનો ભેજ ભરી દે ભીતર. અભાવની એક ન ગમતી, ગૂંગળાવતી હવડ વાસ સતત તેની હાજરીનો અનુભવ કરાવ્યાં કરે આપણને. સંબંધોના,સુખના – બેય કાંઠાની ઉપરવટ જઈ ધસમસતી વહ્યાં કરે ઈચ્છાની પૂરપાટ વહેતી નદી અને અસીમ અભિપ્સાઓનું જળ કાંઠા છોડીને વહી નીકળે, આગળને આગળ.  એની સંગ અસ્તિત્વ પણ તણાય, પાછળ પાછળ.. ગમે તેટલો રાગ હોય, એ મનગમતા કાંઠાનો મોહ ત્યજી, વિરક્ત થઈ આગળ વધી જાય છે જિંદગી. કશુંક ખોવાઈ જાય છે, દટાઈ જાય છે મનની મરુભૂમિમાં જાણે .

આવી ગયો છે સામે શકુનિ સમો સમય,
આજે ફરી શિકસ્ત થવાની ઘડી છે આ.

જિંદગીની ચોપાટમાં ભલે ગમે તેટલી મહારથ હાંસલ હોય, જો સામે પોબાર પાસા પાડવાનું કૌશલ્ય ધરાવનાર શકુની હોય તો આપણી હાર તો નિશ્ચિત જ હોય છે.  આપણે બખૂબી જાણીએ છીએ , શકુની સમા સમયની અવળચંડાઈ.  જાણીએ છીએ કે નિશ્ચિત છે શિકસ્ત પણ તેમ છતાંય નિયતિએ બિછાવેલી જિંદગીની બાજી રમવી પડે છે, રમવાની લાલસા રહ્યા કરે છે.  બધું જીતી લેવાનો આંધળો વિશ્વાસ કારમી હાર પછી પણ ક્યાં ઉઠવા દે છે? એક પછી એક બાઝી રમ્યાં કરે છે જીવ. એ વખતે સ્વયં ધર્મરાજ પણ આપણે ને દાવ પર લાગેલી સત્તા, સહોદર કે  યાજ્ઞસેની પણ આપણે જ. યશસ્વી જિતમાં કોઈને સહભાગી ન કરતાં આપણને પરાજયની ક્ષણે પણ કોઈનો સહારો સાંપડતો નથી. કોઈ કૃષ્ણ સુદર્શન ધરીને આ જુગટામાં પરાજિત થયેલી જાતને આશ્વસ્ત કરવા કે ઉગારવા નથી આવતા.  કાળની થપાટ ખમવી જ પડે છે ને દાવ પર લાગેલું સઘળું ગુમાવી અકિંચન થયેલું, અનાવૃત થયેલું અસ્તિત્વ ‘માધવ’ નો પોકાર કરે ત્યારે માંહ્યલો જાગ્રત કરી આત્મબળના ચીર પણ સ્વયં પૂરવા પડે છે. ..

થાકી ગયાં હલેસાં, હવે સઢ ચડાવી દો!
પાછા પવન-પરસ્ત થવાની ઘડી છે આ.

અનેક મનસૂબા અને પ્રયોજનના હલેસા થાકીને હેઠાં મુકવાની નોબત જિંદગીમાં ક્યારેક આવે ત્યારે હતોત્સાહ થાય છે ઉત્સાહી મન. મનધાર્યું કરવાની, મનગમતું કરવાની મમતને કારણે અનેક હવાતિયાં મારે છે હયાતી પણ અંતે નસીબનો પવન ફૂંકાય એ તરફ  જાત ફંગોળાયા કરે છે. શરણાગતિનો સફેદ સઢ ફરકાવી આયખું વિધાતાએ લખેલા લેખ સાથે સમાધાન સ્વીકારી લે છે અને અંતરની ઘેલછાનું હલેસુ સ્થગિત થઈ  શરણાગતિનો વાવટો ફરકાવે છે.

હર ચીજ પર કળાય અસર પક્ષઘાતની,
જડવત નગર સમસ્ત થવાની ઘડી છે આ.

કલ્પનાને અનેરી ઉંચાઈ આપતો આ શેર છે. મન મુરઝાયેલું હોય ત્યારે ચોગરદમ ઉદાસીનું આવરણ જ નજરે ચઢે છે. જીવંત અસ્તિત્વને જાણે પક્ષઘાત થયો હોય એમ સઘળું જડવત. નિશ્ચેત. જીવન તો હોય છે આપણી ફરતે પરંતુ ધબકાર ક્યાંક ખોવાઈ ગયો હોય તેવો આભાસ હરપળ હયાતીને થયા કરે છે. જરાક અમથો અભાવ કે ઈચ્છાની અપૂર્તિ  હચમચાવી દે છે આપણું અસ્તિત્વ ને આ હાર પચાવી ન શક્યાંના તોતિંગ ભાર નીચે કચડાયા કરે છે જાત. આ કચવાટનો ભારેલો અગ્નિ ધૂંધવાયા કરે છે ભીતર અને વધુને વધુ ઉઠ્યા કરે છે ધૂમ્રસેર અંતરના સ્પંદનોની. ભીતરની તમામ ખુશી ખોવાઈ જાય છે ક્ષણિકમાં અને ખોરવાઈ જાય છે રોજિંદી આનંદની ક્ષણો.

અંતરનું આનંદીપણું હાથતાળી દઈ છેક ક્ષિતિજે પહોંચી ખીખિયાટા કરતું દેખાય છે. ઇચ્છવા છતાં એ અસલ મિજાજ પરત લાવવામાં નાકામિયાબીને વરે છે જીવ ને અસ્વસ્થ અસ્તિત્વ આ લડાઈ લડીને લકવાગ્રસ્ત થઈ ગયું હોવાનું અનુભવે છે. લકવો મારી ગયેલા માંહ્યલાને આખુંય નગર ને સમસ્ત જગત પછી પક્ષઘાત ગ્રસ્ત જ ભાસે છે. સાવ જ જડ ને લાગણીશૂન્ય.

લીલાશ જેમ પર્ણથી જુદી પડી જતી,
એમ જ હવે વિભક્ત થવાની ઘડી છે આ.

એક વૃક્ષ પર જ્યારે નવી કૂંપળ ખીલે છે ત્યારે તેનું આખુંય અસ્તિત્વ હરિત રંગે રંગાયું હોય છે. આ લીલપ એ સ્ત્રોત છે ઉર્જાનો. એ કૂંપળની જીવાદોરી છે હરિયાળો રંગ . એ થકી જ સ્તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સંપન્ન થાય ને કૂંપળ વિકાસ પામી પૂર્ણ વિકસિત પર્ણ બને. કાળક્રમે એ પાનની નિશ્ચિત અવધિ પૂર્ણ થાય પછી હળવેકથી તેનું હરિતપણું સાથ છોડે છે એનો અને પાકટ પીળો રંગ ધીરે ધીરે ફેલાય છે આખા પર્ણ પર. અંતે વૃક્ષ સાથેની પકડ છૂટે છે અને ખરી પડે છે પાન. આ શેર એક ભીની ભીની ઈચ્છાના દમન પછી શુષ્ક થયેલ હયાતી તરફ મોઘમ ઈશારો કરે છે કે શું?  કોઈ એક એષણાની અધૂરપ –  એની સાથે જોડાયેલ સંબંધમાંથી પણ કશુંક ખેરવી દે છે, બિલકુલ પેલા અકાળે પીળા થયેલ પર્ણની માફક..

પ્રગટાવ પાણિયારે તું ઘીનો દીવો હવે!
ઘર અંધકાર-ગ્રસ્ત થવાની ઘડી છે આ.

સંધ્યા સમય થાય ત્યારે ઘરમાં દીવો પ્રગટાવવો એ  આપણી પ્રણાલી રહી છે. અવની પર ઉતરેલા અંધકારને ખાળવા દીપકની જ્યોતિથી વિશેષ રોશન બીજું શું હોઈ શકે? આ શેરમાં કદાચ કવિ શ્રીએ જિંદગીમાં આફતોનું તમસ આવી ગયું હોવાનું ઇંગીત કર્યું હોય તેવું લાગે છે.  એટલે આ ધબ્બ કાળું અંધારું ખદેડવા મન દીપ ઝળહળે એ માટેના પ્રયત્નો દેખાય છે. મરણોન્મુખ  આશાને સાંત્વન પૂરું પાડવા એક સમજણનો દીપ આયખાને ઉંબરે પ્રગટાવવાનો દિશા નિર્દેશ કરતો મકતાનો આ શેર કદાચ આવો ગર્ભિત અર્થ પણ ધરાવતો હોય શકે?  ખરું ને મિત્રો?

સુખના ભર્યા ભર્યા સરોવર જેવી શીતળ, લાગણીઓથી લથબથ ભીની જિંદગી હોય અને કોઈ એકલ દોકલ અધૂરી ઈચ્છાનો અભાવ આવીને કાંકરીચાળો કરે અને પછી સર્જાય વિષાદી વમળો શાંત જીવન જળમાં. આવી જ ઘટના આકાર લે જીવનમાં ત્યારે આવા ઝીણા ઝીણા અફસોસનો ઉભાર લઈ શબ્દરૂપ લઈ ભીતરના ભાવ આવું કવન રચે.

આવી અવનવી ખુશીઓની લ્હાણ કરતી કે ભીનું ભીનું જળ આંખોમાં આંજી જતી વિધવિધ રચનાઓનો આસ્વાદ સાથે માણીશું.  પ્રતિભાવ પાઠવજો અને હા! તમને ગમતી અન્ય ગઝલ કે ગીતનો આસ્વાદ માણવો હોય તો ચોક્કસથી કમેન્ટમાં જણાવજો. મળીએ પછી ફરી કોઈ પતંગિયા જેવી ઋજુ લાગણીઓ આલેખેલી રચના સાથે..

– મેધાવિની રાવલ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “મનોજ ખંડેરિયાની કલમે.. ઇચ્છાનો સૂર્યાસ્ત

  • Tulsidas Kargathra

    મનોજભાઈ ની સુસવાટા મારતી ‘લુ’ ને મૃત્યુ પહેલાની આલ્હાદકતા માં પરિવર્તનનો પ્રયાસ..

    ઇચ્છાનો સૂર્ય અસ્ત થવાની ઘડી આવી,
    અજવાશનો ચમકારો થવાની ઘડી આવી.

    ધસમસતું ઘોડાપૂર નીરવતાનું ભલે આવતું,
    કાંઠાઓથી વિરક્ત થવાની સુંદર ઘડી આ.

    ઉડી ગયો છે સામેથી શકુનિ સમો સમય,
    આજે ફરી વિજયી થવાની ઘડી છે આ.

    થાકી ગયાં ભલે હલેસાં, ને સઢ ચડાવી દો !
    પાછા ઘરે પરસ્ત થવાની ઘડી આ આવી.

    હર ચીજ પર કળાય ઝણઝણાટી રોમહર્ષની,
    જડવત નગર સમસ્ત થવાની ઘડી છે આ.

    લીલાશ હવે પર્ણને પુરેપુરી ભલે ફરી વળી,
    એમ જ હવે ભક્ત-મુક્ત થવાની ઘડી છે આ.

    પ્રગટાવ પાણિયારે તું દીવો જ્ઞાનનો હવે !
    આ ઘર પ્રકાશિત થવાની ઘડી છે આવી.