મઘમઘતું ઐક્ય.. – મીરા જોશી 13


ગઈકાલે દરિયાને તારી સાથે માણ્યો, બિલકુલ તારા મારી પ્રત્યેના અનહદ પ્રેમ જેવો ગાંડોતુર ઉછળતો હતો એ..! તું અને સમુદ્ર એ ક્ષણે મને એકબીજામાં એકાકાર થઈ ગયેલા લાગ્યા. બન્નેમાં ઉછળતું તત્વ તો ‘અનહદ’ જ ને!

સ્પર્શનો મહિમા પૂછો: દરિયાને, મારી આંખોને..
જળવિહોણી નાવનો પ્રવાસ જાણે છે બધું!
– જયેન્દ્ર શેખડીવાળા

ગઈકાલે દરિયાને તારી સાથે માણ્યો, બિલકુલ તારા મારી પ્રત્યેના અનહદ પ્રેમ જેવો ગાંડોતુર ઉછળતો હતો એ..! તું અને સમુદ્ર એ ક્ષણે મને એકબીજામાં એકાકાર થઈ ગયેલા લાગ્યા. બન્નેમાં ઉછળતું તત્વ તો ‘અનહદ’ જ ને!

ખારા પાણીના ઉચાળા ભરતો, મદમસ્ત કિનારાને મળવા અધીરો થતો, એના ડહોળા પાણીના ઉછળતા મોજાઓમાં નહોતો વધુ પડતો જુસ્સો, નહોતું મબલખ પાણીને ભરી બેઠાનું અભિમાન, કે હજારો જીવોને તૃપ્ત કરવાનો ગર્વ સુદ્ધાં..! શાંત, બેફીકર અને છતાંય પ્રેમ આવે એવી કિનારાને ચૂંબવાની એની ઉત્કટ ઝંખના.. તું મને ભેટી પડે ત્યારે લાગે જાણે આખો દરિયો ભેટી પડ્યો! તારા હ્રદયમાં ઉછળતી મારા પ્રત્યેની લાગણી જાણે ક્યારેય ન અટકતો મહેરામણ..! એ સમુદ્ર અને તું. એક જ રૂહ ને અલગ પીંડ..!

હું ખુશ છું, એનું કારણ મને તું મળ્યો છે. હું ઉદાસ પણ છું, કારણ આ મળવું માત્ર આપણા હ્રદયનું છે, આપણા પરિવારનું નહિ. તને મળવું એ મારા માટે શ્વાસનું બીજું નામ છે, પૂર્ણતા તરફ જઈ રહેલા અસ્તિત્વનો રણકાર છે પરંતુ એ જ તથ્ય દુનિયાની નજરમાં તો કઈક બીજું જ..

ખેર, તારા પ્રસ્તાવ બાદ આપણા સંબંધમાં પ્રવેશી ગયેલી નિરાશાની છાયા ધૂંધળી થતી જાય છે, છતાં હ્રદયમાં અધુરો રહી ગયેલો એ જવાબ ક્યારેક ડોકિયા કર્યા કરે છે. જેને તું કે હું લાખ પ્રયત્ને ટાળી શકતા નથી..

પણ આજની ક્ષણને જીવીએ તો દરિયાને તારી સાથે નિહાળવાની જે મજા છે એ બીજા કશામાં નથી!

સાવ ભીતર ઉગી ગયેલ વૃક્ષ,
રોજ પંખીલ સાંજ શોધે છે.. 
– દેવાંગ નાયક

ફૂલનો આકાર હોય, ચહેરો હોય, પણ સુગંધનો ચહેરો હોય? મનગમતું ફૂલ કરમાઈ જાય ત્યારે સૌથી વધુ તેનું રંગ-રૂપ નહિ પણ સુગંધ યાદ આવે છે.

પ્રેમ પણ એક સુગંધ છે.. આકાર વિહીન, રંગ વિહીન, એક પવિત્ર સ્પંદન. જ્યાં પ્રસરે ત્યાં મહેક મહેક થઈ ઉઠે! સાચા પ્રેમની યાદ મનગમતા ફૂલની સુવાસ જેવી છે. પ્રેમીને યાદ કરતા જ સમગ્ર અસ્તિત્વ મહોરી ઉઠે. 

બે આખા દિવસ, અડતાળીસ કલાક, ને અઢળક સેકન્ડો વીતી ગઈ છે, તારા વિના.

એવું નહોતું કે આ પહેલીવાર હતું. મારું તારાથી, આપણા શહેરથી દૂર જવું..! પણ આ વખતે આપણા સંબંધમાં ચોમાસું ઉગ્યું હતું. લાગણીનો ધોધ બંને પક્ષે ફૂટ્યો હતો. એટલે એકબીજાનો વિરહ વધુ વસમો લાગ્યો. 

તને થતું હતું મને તારી લગીરે યાદ નહોતી આવી એમ? તું સમય પર સુતો હશે કે નહિ, બરાબર જમતો હશે કે નહિ, ઉદાસીન સાંજને કેમ કરીને ટાળતો હશે? મારા વિના પડેલા ખાલીપાને કઈ રીતે ભરતો હશે.. આ અને આવા તો અઢળક વિચારો સતત મારી સાથે ચાલી રહ્યા હતાં.

મારું તારા વિના ક્યાંક જવું તને મારાથી દૂર કરે છે. ત્યારે સધિયારાને કે આશાના, ગમે તેટલા શબ્દો તારા પર અસર નથી કરતા. બસ માત્ર એક આલિંગન..! હુંફની ઝપ્પી, બધું જેમ હતું તેમ જ છે, એવો સધિયારો આપતું એક આલિંગન મળે ને તારી બધી જ નારાજગી ઓગળી જાય.   

કહેવાય છે કે કોઈક વસ્તુની ઝંખના સીદ્દ્તથી કરો, તો બ્રહ્માંડની બધી જ શક્તિ તમારી ઈચ્છાપૂરતી માટે પ્રયત્નો કરે છે, ખુબ ઈચ્છા હતી તને જોવાની, તારું ચુસ્ત હુંફાળું આલિંગન પામવાની…

ને આખરે બ્રહ્માંડમાં એ ઈચ્છા પહોંચીને મારા આંગણે આવી સાકાર થઈ.

ગઈકાલે મારા રૂંવે રૂંવે તું પ્રગટી ઉઠ્યો હતો..! મારો શણગાર પ્રેમથી મઢેલું હ્રદય હતું, આંખોમાં સંતોષનું કાજળ હતું, હોઠો પર તારા અધરને અડીને આવેલ રોમાંચની લાલી હતી. એક તડપ હતી, તૃપ્તિ હતી, બે શરીર જેમના તન નહિ પણ હ્રદય એક હતાં.

હવે કોઈ જ ઈચ્છા નથી, જેમ તું કહે છે, ને બધું જ જીવી લીધું… મારૂ હ્રદય પણ એ અવસ્થામાં આવી જ ગયું. અધૂરું ઘણું બધું છે આ સંબંધમાં, પરંતુ હવે કોઈ ઝંખના નથી, ક્યાંય પહોંચવાની ઉતાવણ નથી.

બસ, અહીં થોભી જઈએ, પ્રેમને સાકાર કરવાના પ્રયત્નોમાં આ મળેલી શાંતિ પણ વિખેરાઈ જશે, આ અદ્ભુત લાગણી જે આ ક્ષણે આપણા આનંદનું કારણ છે એ ‘જીવવાનું કારણ’ બની જશે તો.. તો ખુબ તકલીફ થશે. ને ત્યારે ‘પ્રેમ’ દુનિયાની વચ્ચે પોતાની પવિત્રતાના ખુલાસા આપવામાં પાંગળો, લાચાર બની જશે.

ચાલ ને અહીં જ અટકી જઈએ, નહિતર જીવેલી ક્ષણોની સુંદરતા કરમાઈ જશે.

કદાચ તું તું નહી રહે ને હું હું મટી જઈશ..! 

– મીરા જોશી  


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “મઘમઘતું ઐક્ય.. – મીરા જોશી