કથન કરે સો કથક : કથકનૃત્ય – અર્ચિતા પંડ્યા 8


કથા કહેતાં કહેતાં એને વધુ રસિક બનાવવા ભાવ ભંગિમા તથા મુદ્રાઓનો પ્રયોગ થતો. દર્શકો એના લીધે કથાને વધારે માણી શકે.

નટવરીનૃત્ય, દરબારીનૃત્ય કે કથકનૃત્ય

રામાયણ – મહાભારતની કથા કહેતાં, રાસલીલા કરતાં આ નૃત્યપ્રકારે ઘણાં સ્વરૂપો બદલ્યા. આ શૈલીમાં કદાચ સૌથી વધુ નવી સ્વિકૃતિઓ થઈ છે. નૃત્તનો પણ ભરપૂર અવકાશ અને ભાવપૂર્ણ નૃત્ય પણ અહીં એટલો જ પ્રયોજાય છે. ચક્કર અને તાલબદ્ધ પગ સંચાલન આ નૃત્યની વિશેષતા છે. તાલના બોલ ઉપર પણ નૃત્ય થાય છે એથી તાલ પ્રધાન નૃત્ય કહી શકાય.

કથક નૃત્ય, મારો મનગમતો નૃત્યપ્રકાર જ નહીં, મારી આરાધના છે. કથક મને જીવવા મળે એવી નટરાજને પ્રાર્થના કરતી રહું એટલું મને આ નૃત્યનું ઘેલું છે, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. અગિયાર વર્ષની ઉંમરે કથકની તાલિમ લેવી શરૂ કરી ત્યારે પણ પગમાં બાંધેલા ઘુંઘરૂ અને તબલાની થાપ શરીરમાં એક અનેરી ઉર્જાનો સંચાર કરતા હતા. સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી, રાજકોટનો વર્ગ મારા માટે એક પવિત્ર સ્થાનથી કમ નથી અને ગુરુ શ્રી તરૂબેન દાસાણીને યાદ કરતા આજે પણ મારું મસ્તક આદરથી નમી જાય છે. તથા વાદ્ય, હાર્મોનિયમ પર સ્વ. શ્રી ફિરોઝ ખાન સર તથા તબલાવાદક શ્રી દેવેન્દ્રસરનો પણ અમારી નૃત્યશિક્ષા માટે અમૂલ્ય ફાળો રહ્યો છે. આજે પણ કોઈ કારણસર નાના કોઈ પરફોર્મન્સ માટે ઘુંઘરૂ બાંધવાના થાય તો શરીરમાં રોમાંચ પ્રગટે છે.

કથકનૃત્યનો ઉદ્ભવ તથા વિકાસ

ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલીમાં કથકનું એક અનેરું સ્થાન છે, આ એક એવો નૃત્ય પ્રકાર છે જેમાં તાંડવ પ્રકારની વિવિધ ચારી છે, ઉદ્ધત ચારી પણ હોય અને લાસ્યના લલિત અંગહાર પણ છે. આ બંને પ્રકારની રીતના સમાવેશ ઉપરાંત કુશીલવ કે ચારણો દ્વારા આ નૃત્ય સ્વતંત્ર શૈલીના રૂપમાં પણ વિકસિત થયું છે. આ નૃત્યએ વિવિધ સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિ પ્રમાણે એના સ્વરૂપમાં પણ ફેરફાર કર્યા અને વર્ષોવર્ષ થી સમાજમાં ટકી રહ્યું છે. આ નૃત્યમાં લોકનૃત્ય જેવી સહજ ચંચળતા-ચપળતા પણ જોવા મળે છે અને નાટ્યની સાત્વિક ભાવાભિવ્યક્તિ પણ હોય છે. એમાં પણ સંગીતનું સાહચર્ય મળે પછી તો આ નૃત્યની છટાની વાત જ કંઈક ઓર છે! મધ્યયુગમાં આ નૃત્યમાં કૃષ્ણ-કથાઓના પ્રયોગ વધુ થતાં, તેથી એ નટવરીનૃત્ય તરીકે જાણીતું થયું હતું. ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં આંધ્રપ્રદેશ, પૂર્વમાં આસામ-બંગાળથી લઈને પશ્ચિમમાં વર્તમાન પાકિસ્તાન સુધી આ નૃત્ય પ્રચલિત છે. આટલા મોટા ક્ષેત્રફળમાં વ્યાપ્ત છે, એના પ્રદર્શનક્રમમાં પણ એટલું જ વૈવિધ્ય છે. આ નૃત્યનો ઈતિહાસ પણ ઘણો વિવાદાસ્પદ છે.

નૃત્યકાર શ્રીમતી દર્શિની શાહ
કથક તથા ભરતનાટ્યમ્ નૃત્યાંગના
ડાયરેક્ટર વાઈબીટ યુનિવર્સિટી, કૅનેડા

કથક : નામકરણ

પંડિત રાજારામ દ્વિવેદીના કહેવા મુજબ ઈ. સ. ૧૯૩૫ની આસપાસ આ નૃત્યને કથક નામ મળ્યું. કોઈ કોઈ એવું માને છે કે આ નૃત્યને કથક નામ, ભાતખંડે સંગીત વિદ્યાલયના, (ત્યારનું મૈરિસ મ્યુઝિક કોલેજના) શિક્ષક સ્વ. રામદાસ કથિકે આપ્યું. જેઓ પ્રસિદ્ધ કથકનૃત્યકાર શંભુ મહારાજના સગા મામા હતા. નૃત્યશિક્ષાના વર્ગોનો મૈરિસ મ્યુઝિક કોલેજમાં પ્રારંભ થયો ત્યારે આવશ્યકતા પડી કે આ નૃત્યને કોઈ નામ મળે, ત્યારે આ નૃત્યનું એમણે નામકરણ કર્યું હતું. લગભગ દરેક શાસ્ત્રીય નૃત્યપ્રકારનું નામકરણ વીસમી સદીના ચોથા દશકમાં થયું હતું. જેમ કે ભરતનાટ્યમ્ નામ રૂક્મિણીદેવી અરુંડલે, મણિપુરી નામ રવિન્દ્રનાથ ટાગોરે તથા કથકલી નામપ્રચાર વલ્લથોન નારાયણ મેનને કર્યું છે.

કથકનૃત્ય પહેલા તો તોડા, ટુકડા, પરન એટલે કે પખાવજ કે તબલાના વિવિધ બોલ પર જ થતું. પાછળથી એમાં કથા કહેવાની રીત પણ જોડાઈ ગઈ હશે એવી માન્યતા છે. કથા કહેતાં કહેતાં એને વધુ રસિક બનાવવા ભાવ ભંગિમા તથા મુદ્રાઓનો પ્રયોગ થતો. દર્શકો એના લીધે કથાને વધારે માણી શકે. પછીથી એ નૃત્યમય સંજ્ઞાઓ જ નૃત્ય બની ગઈ. આમ, કથકનૃત્યના સ્વરૂપમાં એક પાસાનો ઉમેરો થયો. તેમ જ આ લોકો જે કથા કહેતાં કહેતાં નૃત્યમય સંજ્ઞાઓ કરતાં એ લોકો કથક કહેવાતાં. એ રીતે પણ આ નૃત્યએ નવા પ્રકાર સાથે નવું નામ મેળવ્યું હશે. સંસ્કૃતમાં કત્થ્ ધાતુ છે, જેનો અર્થ ત્રાંસીચાલે ચાલવું (ઈતરાતા ચાલવું) એવો પણ થાય છે. કથકનૃત્યમાં ચાલનું પણ આગવું મહત્ત્વ છે. બે પેશગી વચ્ચે તાલના બોલ સાથે એક પ્રકારની આગવી ચાલ યોજવી એ કથકની વિશિષ્ટતા છે. આમ, કત્થ્ થી કત્થક, કથિક કે કથિકો અને કથક, એમ અપભ્રંશ થતાં થતાં કથક નામ અપાયું.

કથક અને નટવરીનૃત્ય એક જ છે કે ભિન્ન?

આ વિશે પણ અનેક મતમતાંતર છે. કથકના તાંડવ પ્રકાર અને સમભંગ નૃત્યની રીત, નટવરીનૃત્યના ત્રિભંગ પ્રકાર અને કૃષ્ણકથાનો સમાવેશ કથકનૃત્યથી અલગ પાડી શકે. પણ એ હકીકત છે કે પ્રાચીન ગ્રંથોમાં નટવરીનૃત્યનો કોઈ ઉલ્લેખ મળતો નથી જ. એથી કથક અને નટવરી એ એક જ નૃત્યપ્રકારની બે વિશેષતા હોય એવું માનવામાં આવે છે. કુશીલવો કે જે કથા કહીને નૃત્ય કરતાં એ લોકોનો ઉલ્લેખ ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં પણ છે.

नानातोद्यविधाने प्रयोगयुक्तः प्रवादने कुशलः।  
कुशीलवदातव्याधीतं यस्मात् तस्मात् कुशीलवः स्यात् ।।

આમ, આતોદ્યવિધાન – વાદ્ય વૃંદ રચના, આજના સમય પ્રમાણે ઓર્કેસ્ટ્રા, રચાતી હતી. એ લોકો કુશીલવો કહેવાતા. જે લોકો ગાયક, વાદક તથા નર્તક પણ હતા. આમ, કુશીલવો દ્વારા નૃત્ય તથા નાટ્યના પ્રયોગો વારંવાર થતાં હતાં. એ રીતે આ નર્તન કથા કરતાં કરતાં ઉદ્ભવ પામ્યું.

આ પ્રમાણે પ્રયોગો કરીને સૂત, ભાટ, ચારણો અથવા કુશીલવોએ સત્તાધીશ રાજાઓનું દિલ જીતી લીધું ત્યારે એમને અમુક પ્રદેશોના સ્વામી બનાવાયા હતા. જેમ કે પૃથુરાજાએ યજ્ઞ પછી ચારણોથી ખુશ થઈને તેલંગાના પ્રદેશ આપેલો. એ પછી એ ચારણોનો ફેલાવો સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, માળવા તથા રાજસ્થાનમાં થયો. આમ, આ નૃત્યને બહોળો પ્રદેશ મળ્યો. અનેક લોકોને મનોરંજન આપી આ નૃત્ય લોકપ્રિય પણ બન્યું. પુરાણની કથાઓ સાથે સાથે કૃષ્ણ-રાધાની કવિતા પર પણ નૃત્ય થતું હતું.

દરબારીનૃત્ય

દસમી શતાબ્દિ પછી ભારતમાં ઈસ્લામી સભ્યતાનો ઉદય થતાં કુશીલવોનો પતનકાળ શરૂ થયો. આ સંક્રામણકાળમાં એ લોકોને પોતાનું સ્થાન છોડવાની ફરજ પડી. જેમને રાજ્યએ આશ્રય આપ્યો એમની કળાનો ઉપયોગ સત્તાધીશો પોતાના આનંદપ્રમોદ માટે કરવા લાગ્યા. અહીં આ કથકના નટવરીનૃત્યના પવિત્ર સ્વરુપે દરબારીનૃત્ય નામ ધારણ કર્યું. આજીવિકા માટે નૃત્યકારો શાસકોને ખુશ કરવા એમની સૂચના પ્રમાણે ઉત્તેજક અને માદક અદાઓ વાળું, કસકમસકવાળી અભિવ્યક્તિનું નૃત્ય કરવા લાગ્યા. નૃત્યની પડતી થઈ. નૃત્ય એ નાચવાવાળી બજારૂ સ્ત્રીઓના હાથમાં જતું રહ્યું. શાલિન લોકો નૃત્યપ્રવૃત્તિને નીચી ગણવા લાગ્યા. શાસકો પણ કલાપ્રેમી કહેવડાવી વિલાસમાં જ રાચતા હતા. આમ, કથકનૃત્યમાં ઈસ્લામયુગ દરમિયાન ઘણો બદલાવ આવ્યો. નટવરીનૃત્યના કરતાં બીજી નવી રીતો પણ ઉમેરાઈ, ઉર્દૂ શબ્દોનો ઉપયોગ પણ થવા લાગ્યો. જેમ કે આમદ. આમદ એટલે આગમન. નૃત્યકાર એના પ્રદર્શન વખતે જે પહેલો મહત્વનો ટુકડો રજુ કરે એને આમદ કહેવાતું. આમ, કૃષ્ણ કથાથી પ્રભાવિત આ નૃત્યએ ઘણી નવી રીતો અપનાવી જે મુસ્લિમોની અસર હેઠળ હતી. જેમ કે સ્તુતિ, પદ કે ભજન ઉપરાંત એણે ઠુમરી અને ગઝલ ઉપર પણ નૃત્ય રજુ કરવા માંડ્યું.

પુનરુદ્ધાર : નવાબ વાજીદઅલી શાહ

આમ, નટવરીનૃત્ય કૃષ્ણની લીલા વર્ણવતું, રામાયણ, મહાભારતની કથા આલેખતું કથક, મુજરો કરતું, ગઝલ, ઠુમરી પર માનવીયભાવો સાથે નૃત્ય કરતું દરબારીનૃત્ય બની ગયું હતું. છેલ્લા મોગલ શાસકે મુસ્લિમ છાંટવાળા આ નૃત્યનો પુનરુદ્ધાર કર્યો એમ કહી શકાય. અંગ્રેજોના શાસન દરમિયાન આ નૃત્યમાં ખાસ કોઈ ફરક આવ્યો નહોતો. આમ તો આ નૃત્ય સ્વરૂપ બદલીને પણ ત્રણ હજાર વર્ષ સુધી ટકી રહ્યું એમ કહી શકાય.

અઢારમી સદીના અંતિમ ચરણમાં નવાબ વાજીદઅલી શાહે લખનૌ ઘરાનાની સ્થાપના કરી.  બાળપણથી એમને સંગીત અને કલાના સંસ્કાર મળેલા. એ પોતે એક કુશળ નર્તક હતા. તબલા પખાવજના બોલ સાથે ચમત્કૃતિવાળું સંગતિનૃત્ય આ સમયમાં શરુ થયું. જે દર્શકોના મન આમોદથી ભરી દેતા. તે ઉપરાંત અવનવી રીતો ગત, પરન, કવિત પણ આ નૃત્યમાં પ્રયોજાવા લાગ્યા હતા. નવાબ વાજિદઅલી શાહે નાની ઉંમરથી જ નૃત્ય તથા સંગીતની તાલીમ લીધી હતી. શાસક બન્યા પછી અનેક કલાકારોને ઊંચા વેતને એમના રાજ્યમાં નિયુક્ત કર્યા હતા. નિયુક્ત કલાકારોને એ પોતે પરીખાના તરીકે સંબોધન કરતા હતા. નવાબ વાજીદઅલી શાહે નાઝોં અને બન્ની નામના બે પુસ્તકો પણ લખ્યાં.

રહસ, રાસલીલાની ઉત્કૃષ્ટ કૃતિ

કથક શૈલીમાં નાટ્ય તત્વની ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ વાજીદઅલી શાહના રંગ-પ્રયોગ રહસ માં થઈ. જેનું વિશુદ્ધ રૂપ રાસલીલા હતું. એના વિવરણમાં જાણવા મળે છે એ પ્રમાણે રહસની રંગ યોજના ઘણી સાવધાનીપૂર્વક તૈયાર થતી.નવાબે પાત્રના મંચપ્રવેશ, કથાવસ્તુનો વિકાસ તથા ભૂમિકા નિર્વાહ વિશે ઉત્તમ નિર્દેશન બતાવ્યું છે. એકલ નૃત્ય કે સમૂહમાં હોય એમણે સૂચવેલા નિર્દેશો પાશ્ચાત્ય નૃત્યવિદ્ પણ જે માન્ય રાખે છે, એ જ પ્રમાણે છે. એમની રચના રહસ ઉપરાંત ઈન્દરસભા પણ વિખ્યાત થઈ હતી. જેના વિવરણથી જ આપણને અંદાજ આવી જાય કે નૃત્યકલામાં નવાબ વાજીદઅલી શાહ કેટલા વિદ્વાન હતા!

નૃત્તનો પણ વિકાસ

કથકનૃત્યના સલામી, આમદ, તોડા, ટુકડા, પરન ખૂબ વિકાસ પામ્યા અને કથકને એક લાવણ્યમય સ્વરૂપ આપ્યું. આમ, વિશુદ્ધ નૃત્ત પણ એક લાલિત્યપૂર્ણ સ્વરૂપથી કલાપ્રેમીનું મન મોહતું રહ્યું. મુખ્યત્વે ત્રિતાલ પર નૃત્ત થતું. પણ વિવિધતા માટે ધમાર તાલ, ઝપતાલ કે ચૌતાલમાં પણ નૃત્ય થતું. નૃત્યનો પ્રારંભ ‘થાટ’થી થતો. જેમાં કસકમસક (અંગ ઉપાંગનું નૃત્યમય સંચાલન) પ્રયોજાતું. મુખ્યત્વે ભ્રમરો, કાંડુ, ગરદન તથા કમરનો ઉપયોગ થતો. એ પછી આમદ, સલામી, ટુકડા તથા પરમેલુ લખનૌ ઘરાના ના નાના નાના ચમત્કારિક અંશોથી કથકનૃત્ય સમૃદ્ધ બની રહેતું. લખનૌથી જયપૂર ઘરાના અલગ રીતે અસ્તિત્વમાં આવ્યો.જેના અમુક નિર્દેશો અલગ પડતા હતા. જેમ કે લખનૌ ઘરાનામાં નૃત્ય કરતી વખતે પગની થાપથી ફટ્ ફટ્ અવાજ થવો જોઈએ એવું માને છે. જ્યારે જયપુર ઘરાનાના નૃત્યવિદ્ એનો નિષેધ કરે છે. આજે કથકનૃત્યનો જે પ્રદર્શન ક્રમ છે એ આ સમયમાં જ નિયત થયો હશે એવું કહી શકાય.

ગત અને તેનો વિકાસ

નવાબ વાજીદઅલી શાહે કથક નૃત્યમાં ગતને પ્રમુખ સ્થાન અને આરાધ્ય બનાવ્યું. એટલે જ ગતનો સર્વાધિક વિકાસ થયો. એક લયમાં વારંવાર વાગતા કોઈ રાગના લહેરા પર તાલના ઠેકાને વારંવાર વગાડાય છે. ત્યારે નૃત્યમય ભાવભંગિમાથી કોઈ પ્રસંગ કે કથા વિવિધ ચારી દ્વારા રજુ કરાય છે એને ગત કહે છે. જેમ કે, કૃષ્ણ ગત, પરી ગત, ઘૂંઘટ ગત, સલામી ગત, અદા ગત, ગમઝા ગત. એ સિવાય પણ કુલ એકવીસ ગતોનું વર્ણન વાજીદઅલી શાહ દ્વારા બન્ની નામના પુસ્તકમાં કરવામાં આવ્યું છે.

ઠુમરી

ગતમાં નિર્દેશ મુજબ જોતાં અંગ ઉપાંગના પ્રચલનથી જ રસસૃષ્ટિ બની જાય છે એ આપણને ખ્યાલ આવે છે. એ પછી નૃત્ય ઠુમરીભાવમાં પ્રવેશ્યું એમ કહી શકાય. કથકમાં ધીરે ધીરે પદોની સાથે દાદરા અને ઠુમરી અને પાછળથી તરાના પણ પ્રવેશ્યા. ઠુમરીમાં એક જ પંક્તિ જ નહીં શબ્દ પણ વારંવાર લઈને એને અનેક રીતે નૃત્યમાં વ્યક્ત કરીને રસની નિષ્પતિ કરાય છે. પ્રખ્યાત નૃત્યવિદ્ શ્રી બિંદાદિન મહારાજ તથા શંભુ મહારાજની ઠુમરી દ્વારા થતી નૃત્યમય પ્રસ્તુતિ ઘણી જ લોકપ્રિય થતી. કહેવાય છે કે એક જ રચના પર એ લોકો આખી રાત અલગ અલગ પ્રસ્તુતિ કરીને દર્શકોને બહેલાવી શકતા.

કથક વિશે બીજી રસપ્રદ વાતો અને એની વેશભૂષા તથા વાદ્યો, બોલ, કવિત વિશે વાત કરવા ફરી આવું છું દસમા પ્રકરણમાં.

(ક્રમશઃ)

– અર્ચિતા પંડ્યા

‘નૃત્યનિનાદ’ સ્તંભ અંતર્ગત લખાયેલા બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકશો.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “કથન કરે સો કથક : કથકનૃત્ય – અર્ચિતા પંડ્યા