દોખ્મેનશીની : ધર્મેશ ગાંધી; વિવેચન – એકતા નીરવ દોશી 2


બીભત્સ રસ (ચિતરી ચડે તેવી વાત)નો બહોળો ઉપયોગ કરી, રસપ્રદ બનાવાયેલી વાર્તા વાંચવાલાયક છે. આ પ્રકારની વાર્તાઓ આપણને અન્ય સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. આશ્વાસન ઇનામ મેળવેલી આ વાર્તા થોડી ફિલસૂફી આપે છે. બ્રિટિશ રાજના સમયની આછી પાતળી રૂપરેખા પણ ધરાવે છે. ક્રૂર બ્રિટિશ જનરલ પણ કેવી વેદનામાંથી પસાર થયા હશે તે દર્શાવતી આ વાર્તાને થોડી વધારે ભાષાસજ્જ કરવામાં આવે તો ઈનામની આગળ લાગેલો આશ્વાસન શબ્દ અચૂક ભૂંસી શકે તેવી તાકાત ધરાવે છે.

લેખકનો પરિચય :

આજની વાર્તાના લેખક નવસારીમાં જ જન્મેલા અને ત્યાં જ  રહેતા ધર્મેશ ગાંધી છે.  તેઓ પોતાને ‘અનાયાસે સર્જન તરફ વળેલો એક કોમન મેન’, તરીકે ઓળખાવે છે.  તેઓનું શરૂઆતનું જીવન સુરત જીલ્લાના એક નાનકડા ગામ મઢીમાં પસાર થયેલું. મઢી-બારડોલીમાં જ શાળાકીય તેમજ કોલેજ શિક્ષણ મેળવ્યું. સોફ્ટવેર એન્જિનીયરીંગના હાયર ડિપ્લોમા થકી H1B વિઝા પ્રાપ્ત કરીને ૨૦૦૭ થી ૨૦૧૨ દરમ્યાન ૫ વર્ષ માટે ‘વર્ક પરમીટ’ ઉપર અમેરિકા જવાનું બન્યું. હાલ તેઓ જોબ ઉપરાંત નવસારી ખાતે ટ્યુશન-ક્લાસીસ ચલાવે છે.. માતા-પિતા, પત્ની અને બે બાળકોના નાનકડા પરિવાર સાથે નવસારીમાં સ્થાયી છે.

સામાન્ય રીતે દરેક લેખકના સાહિત્યના મૂળ તેમના બાળપણમાં અથવા વાંચનના શોખમાં રોપાયેલ હોય છે પરંતુ DG તરીકે ઓળખાતા ધર્મેશભાઈ કહે છે કે : “સાહિત્ય એ અમારી ન તો ખાનદાની પ્રવૃત્તિ રહી છે, ન શોખ કે ન તો દૂર દૂર સુધીની પાછલી પેઢીઓમાં કોઈ સર્જક થયું છે.”

વર્ષ ૨૦૧૬માં ‘અક્ષરનાદ’ આયોજિત માઇક્રોફિક્શન-સ્પર્ધામાં ભાગ લેવાના હેતુસર તેમણે પ્રથમ વખત કલમ ઉપાડી. પ્રથમ પ્રયાસનું એ લેખન પ્રથમ વિજેતા ઘોષિત થતાં તેમને લેખનકળા પ્રત્યે રુચિ જાગી અને તેમની કલમને સાહિત્યની સંવેદનાસભર સફર ખેડવાની દિશા પ્રાપ્ત થઈ.

ત્યાર બાદ અવિરતપણે ચાલતી તેમની કલમવડે તેઓ ‘‘કેતન મુનશી વાર્તાસ્પર્ધા (૨૦૧૭-૧૮)માં  ચતુર્થ પારિતોષિક;  મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)ની સ્પર્ધાઓમાં પ્રોત્સાહક ઈનામો પ્રાપ્ત કરી ચૂક્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ ‘શોપિઝન’માં  નવલકથા-સ્પર્ધા (૨૦૧૯-૨૦)’માં ‘કાશ્મીર LIVE’ પ્રથમ પારિતોષિક મેળવી ચૂકી છે. આ ઉપરાંત, અનેકવિધ નાનીમોટી સ્પર્ધાઓમાં તેમની રચનાઓએ પ્રતિષ્ઠિત ઈનામો મળ્યા છે.

લગભગ દરેક અગ્રણીય મેગેઝીન, અખબારમાં તેમની નવલિકાઓને સ્થાન મળ્યું છે. તેઓની નવલકથાના બે સ્વતંત્ર પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, જેમાં ‘કાશ્મીર LIVE’ (ગુજરાતી વર્ઝન) તથા ‘कश्मीर LIVE’ (હિંદી વર્ઝન)નો સમાવેશ થાય છે. ઉપરાંત, ‘ગુજરાત ગાર્ડિયન’ દૈનિકમાં ‘બ્લાઇન્ડ ગેમ’ નામની સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર ધારાવાહિક નવલકથા પ્રકાશિત થઈ ચૂકી છે. હાલમાં તેઓ ઓનલાઇન વેબપોર્ટલ, બ્લોગ તથા સામયિકો માટે રચનાત્મક તેમજ પ્રયોગશીલ વાર્તાલેખન કરે છે.

તો ચાલો અનેક ઇનામવિજેતા એવા DGની મમતા વાર્તા સ્પર્ધામાં આશ્વસન ઇનામ મેળવી ચૂકેલી દોખ્મે-નશીનીને તપાસીએ મનના માઇક્રોસ્કોપથી. આ વાર્તા અક્ષરનાદ પર અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

વિવિધ સંસ્કૃતિ વિશે વાંચતાં કે અભ્યાસ કરતા વાચકો શીર્ષક ઉપરથી વાર્તા પારસી ધર્મ અંગે હશે તેવું અનુમાન લગાવી શકે. બાકીના વાચકોમાં શીર્ષકથી જિજ્ઞાસા ઉભી થાય. ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તાની વિશેષતા છે કે તેમાં બે અલગ સંસ્કૃતિની વાત મુકવામાં આવી છે. આઝાદી પહેલાંના ભારતમાં રહેલા એક બ્રિટિશરને નાયક બનાવી, પારસી મૃત્યુ પરંપરાની વાત કરવામાં આવી છે. ગુલામી સમયે હિન્દુસ્તાનીઓ ઉપર અત્યાચાર કરતો એક બ્રિટિશ જનરલ સપનામાં મૃત્યુનું દૃશ્ય જોવે છે. આખી વાર્તામાં પ્રવાહી છે. પારસી કોમની મૃત્યુ વિધિ અને જીવંત વ્યક્તિની નજરે એ જગ્યાની ભયાનકતાએ વાર્તાને વિસ્મયબોધક અને રસદાર બનાવી છે. એક સારી ટૂંકીવાર્તા હોવી જોઈએ તે પ્રમાણે આ વાર્તા અભિધાના સ્તરે ચાલીને વ્યંજનામાં અમુક વાતો કહી જાય છે.

વાર્તાની થીમ :

કોઈ પાષાણ હૃદયના વ્યક્તિને પણ બે વસ્તુની અસર થાય છે: મૃત્યુનો ડર અને દીકરીનો જન્મ 

વાર્તાનો પ્લોટ :

બ્રિટિશ ઓફિસર જનરલ નિકોલસ સ્વપ્નમાં મૃત્યુની વિધિ જોવે છે અને તે ગભરાઈ જાય છે. આઝાદીના લાડવૈયાઓ ઉપર ત્રાસ વર્તાવવામાં નિકોલસ સાવ પાષાણ/ક્રૂર બની ગયો છે. એટલો ક્રૂર કે એની પત્ની સ્કારલેટને પતિની હૂંફ-મૃદુતા વર્ષોથી અનુભવાઈ નથી. એ એક સ્વપ્ન પછી જનરલના વર્તનમાં જીવનમાં આવતા તત્કાળ ફેરફારની આસપાસ આખી વાર્તા રચાઈ છે.

પરિવેશ :

અત્યારની આધુનિક ટૂંકીવાર્તાઓથી વિપરતી આ વાર્તામાં પરિવેશ ઉપર અદભુત કામ થયું છે. જનરલના સ્વપ્નમાં દેખાતી પારસી મૃત્યુ વિધિઓમાં , કૂવામાં, ગીધમાં વાચક ઓતપ્રોત થઈ જાય છે.  ગાંધીજીની ચળવળનું દૃશ્ય હોય કે મૃત શરીર ઉપરના વિધિવિધાનો તમને ત્યાં હાજર હોવાનો અનુભવ કરાવે છે. આ લેખકની કલમની તાકાત કહી શકાય.

પાત્રાલેખન:

એક ટૂંકીવાર્તામાં હોવું જોઈએ તે મુજબ ઓછામાં ઓછા પાત્રો લઈ આ વાર્તા ગૂંથવામાં આવી છે.  આ વાર્તા ત્રણ પાત્રો લઈને કહેવામાં આવી છે. જનરલ નિકોલસ, તેની પત્ની સ્કારલેટ અને મુનિમ પેસ્તન.

  1. સ્કારલેટ

“સ્કારલેટનાં હોઠ કરતાં એની આંખો વધારે પહોળી થઈ. અને જવાબ પણ મોંને બદલે એની આંખોએ જ આપ્યો. પોતાનાં કપાળ પર એ હળવેથી હાથ પસવારી રહી. થોડી હૂંફ વર્તાઈ. એની આંખ ભરાઈ આવી, ને જે ઊભરો નીકળ્યો એ પણ હૂંફાળો…! આજે વર્ષો પછી એનાં કપાળે પતિનો પ્રેમાળ હાથ ફર્યો હતો; પતિને એની ચિંતા થઈ હતી! અસહ્ય દુઃખાવાને લઈને એને હોસ્પિટલમાં ભરતી થયાને એક અઠવાડિયું વીતવા આવ્યું હતું, અને નિકોલસ છેક આજે એની ખબર કાઢવા આવ્યો હતો.”

આ વાત દ્વારા પ્રતિત થાય છે કે સ્કારલેટ એક કોમળ હદયની સુંદર સ્ત્રી છે જે બાળકને જન્મ આપી રહી છે. 

  1. મુનિમ પેસ્તન

હિન્દુસ્તાનીઓની જ કોમનો મુનીમ પેસ્તન એક અંગ્રેજ માટે ખુશ જણાતો હતો, અનહદ ખુશ!

નિકોલસનો વફાદાર પારસી નોકર. જેનો જાણતાં-અજાણતાં નિકોલસ ઉપર પ્રભાવ પડ્યો છે. પેસ્તન નામનો આ હિન્દુસ્તાની, બ્રિટિશ સ્કારલેટ અને નિકોલ્સને બરોબર સમજે છે. તેમના પ્રત્યે લાગણી ધરાવે છે.

‘ગુલાબના ફૂલ સમી બાળકી અને મેમસા’બ – બંનેની તબિયત સારી છે!’ પેસ્તન ખુશીનો માર્યો ઝૂમી રહ્યો હતો, ‘પધારો, સરકાર, જલ્દી…’

  1. જનરલ નિકોલસ

અંગ્રેજ ‘જનરલ’ તરીકેની જવાબદારીઓનાં સંપૂર્ણ ભારણ સાથે નિકોલસ આર્થર પોતાની પિસ્તોલ લઈને, બગાવત કરનારા હિન્દુસ્તાનીઓ ઉપર હંમેશની માફક તૂટી પડવાનો મનસૂબો ઘડીને જ બ્રિટીશ કાર્યાલયેથી નીકળ્યો હતો. ‘નિકોલસ… હાય, હાય…!’ –ના ગુંજારવ વચ્ચેથી એનો ટાંગો પસાર થઈ રહ્યો હતો. પોતાના માટે બોલાવાતી ‘હાય-હાય’ની હૈયાવરાળને સિગારની ધુમ્રસેરમાં ઉડાડતો એ રેલીનાં આગેવાનો સમક્ષ જઈને ચટ્ટાનની માફક ખડો થઈ ગયો

વાર્તાના મુખ્ય પાત્ર નિકોલસનું આલેખન બાખૂબી કરવામાં આવ્યું છે. ક્રૂર, હિન્દુસ્તાનીઓને નફરત કરતો, બ્રિટિશ જનરલ, પ્રેમાળ પતિ-પિતા પણ છે.

એનો હાથ પત્નીનાં કપાળે અને નજર દીકરી ઉપર મૃદુતાથી ફરી વળી! ભૂરી આંખો, સોનેરી વાળ, ગોરો રંગ… બિલકુલ પોતાનું જ રૂપ! નહિ, નહિ… પોતાનું નહિ, સ્કાર્લેટનું… એ મનોમન તાગ કાઢી રહ્યો. પોતાના કોમળ અંશને તાકી રહ્યો!

મનોમંથન:

આખી વાર્તા જનરલ નિકોલસના મનોમંથન ઉપર જ રચાઈ છે. ભારતીયોને નફરત કરતો  ક્રૂર જનરલ અંદરખાને કઈ હદ સુધી પોતાના કાર્ય વિશે ડરતો હોય છે એ વાર્તામાં સ્વપ્નના પ્રતીક દ્વારા પ્રતિબિંબીત થયું છે. એના મોત ઉપર કેટલા લોકો ખુશ હશે એ વાત એને વ્યથિત કરી મૂકે છે.

સંઘર્ષ -પાત્ર પરિવર્તન :

ટુંકીવાર્તાના નિયમ મુજબ આ વાર્તામાં સંઘર્ષ છે. એક સંવેદનહીન જણાતી વ્યક્તિ પોતાની અંદરના ડર સાથે સંઘર્ષ કરે છે. ભારતીય પ્રત્યે પોતાની અંદરની નફરત સાથે સંઘર્ષ કરે છે.

ડુંગરવાડીને પાછળ છોડી ચૂકેલા નિકોલસના અંતરમાં શબ્દો ફૂટ્યા, ‘જરૂરી નથી, એક મા જ જન્મ આપી શકે, એક દીકરી પણ ક્યારેક બાપને જન્મ આપતી હોય છે- બીજો જન્મ, વિકારથી વિમુખ જન્મ!’

અહીં મુખ્ય પાત્ર નિકોલસનું પૂર્ણ રૂપે પરિવર્તન થયું છે. નિર્દયી અને ઘાતકી જણાતો જનરલ અંતે લાગણીશીલ અને કર્મથી ડરનાર માણસ બની જાય છે.

જનસમુદાય એના ક્રૂર રૂપને વિદાય આપી રહ્યો હતો. નિષ્ઠુર ‘બ્રિટીશ જનરલ – નિકોલસ આર્થર’ માંસાહારી ગીધોને હવાલે થઈ ચૂક્યો હતો. એનો વિકાર એનાથી છૂટો પડી ચૂક્યો હતો!

ભાષાકર્મ :

સામાન્ય સારા ભાષાકર્મમાં લેખકે અન્યભાષી શબ્દોનો બહોળો ઉપયોગ કર્યો છે. ગુલાબના ફૂલ સમી જેવા એકાદ રૂપકને બાદ કરતાં અલંકૃત ભાષાનો નહિવત ઉપયોગ છે.

વિવેચકની વક્ર દૃષ્ટિએ :

વિવેચકની વક્ર દૃષ્ટિએ જોઈએ તો મને આ વાર્તાનું ભાષાકર્મ બહુ સામાન્ય લાગ્યું. અમુક શબ્દો ગુજરાતી સાહિત્યને રુચે તેવા ન લાગ્યા જેમ કે “મંડરાતું, સન્નાટો, બાહોમાં”.

પહેલા દૃશ્યથી જ ખ્યાલ આવી જાય છે કે વાર્તા કયા રસ્તે આગળ વધશે અને તે પ્રમાણે જ થાય છે. પેસ્તનનો પ્રભાવ એટલો ન ઉપસ્યો કે એની સંસ્કૃતિ નિકોલ્સને સ્વપ્નમાં દેખાય.

સારાંશ:

બીભત્સ રસ (ચિતરી ચડે તેવી વાત)નો બહોળો ઉપયોગ કરી, રસપ્રદ બનાવાયેલી વાર્તા વાંચવાલાયક છે. આ પ્રકારની વાર્તાઓ આપણને અન્ય સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. આશ્વાસન ઇનામ મેળવેલી આ વાર્તા થોડી ફિલોસોફી આપે છે. બ્રિટિશ રાજના સમયની આછી પાતળી રૂપરેખા પણ ધરાવે છે. ક્રૂર બ્રિટિશ જનરલો પણ કેવી વેદનામાંથી પસાર થયા હશે તે દર્શાવતી આ વાર્તાને થોડી વધારે ભાષાસજ્જ કરવામાં આવે તો ઈનામની આગળ લાગેલો આશ્વાસન શબ્દ અચૂક ભૂંસી શકે તેવી તાકાત ધરાવે છે.

આજના આ વિવેચનના અંતે બસ એટલું કહીશ કે આ વાર્તા દ્વારા મને તો એક સંસ્કૃતિની અંદર જોવાનો મોકો મળ્યો. તમને શું મળ્યું એ જરૂર જણાવજો. ત્યાં સુધી …

ફરી મળીશું, આવજો ..

– એકતા નીરવ દોશી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “દોખ્મેનશીની : ધર્મેશ ગાંધી; વિવેચન – એકતા નીરવ દોશી