દોખ્મેનશીની – ધર્મેશ ગાંધી (ટૂંકી વાર્તા) 2


‘દોખ્મે-નશીની – લાશોને મૂકવાની રીત… જરથોસ્તી ધર્મની માન્યતા મુજબ મરેલાં શરીરના શૂક્ષ્મ ભાગોને સ્થૂળ ભાગોમાંથી ખેંચી કાઢી છૂટાં કરવાં જોઈએ – જે કામ નશો દાટી દેવાથી કે બાળી નાખવાથી નથી થતું…’

મૃત શરીરને નવડાવીને સાફસૂથરું કરવામાં આવ્યું. આખા શરીરે અત્તર છાંટીને એને મઘમઘતી વિદાય આપવાની તૈયારી કરવામાં આવી. સફેદ કપડામાં સજ્જ એ પાર્થિવ શરીર નિકોલસને પરિચિત લાગ્યું. મૃતદેહને મોઢે સફેદ કપડું બાંધવામાં આવ્યું હોઈ મરનારનો ચહેરો એ બરાબર જોઈ શક્યો નહિ, પણ એકત્ર થયેલાં સગાં-સ્નેહીઓના ચહેરા પર એણે સંતોષ છલકાતો અનુભવ્યો. એનું શરીર ધ્રૂજી ઊઠ્યું. માતમનો તે સંતોષ હોય કે શોક? એના શરીરે પરસેવો વળવા માંડ્યો. જાણે કે એનો જીવ નીકળી રહયો હોય એમ ગભરામણ થઈ આવી! બંધ મુઠ્ઠીઓમાં પેદા થયેલી ચીકાશ એની બરછટ હથેળી ઉપર ઉપસી આવેલા ચામઠાઓને રૂઝમાં લાવવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી. અને હૃદયના ધબકારા…

‘સરકાર… યોર હાઇનેસ…’ પેસ્તને નિકોલસના વિશાળ બેડરૂમના મજબૂત દરવાજા પર ટકોરા માર્યા.

નિકોલસ ઝબકીને જાગી ગયો.

‘સારા સમાચાર છે, સરકાર…’

ચોતરફ ફરી રહેલી નિકોલસની વિહ્વળ નજર ભીંત અને છત સાથે અફડાઈને એની ઊંઘરેટી આંખોમાં પાછી ફરી. અધકચરી ઊંઘમાંથી ચોળાઈ ઊઠેલી આંખોની આળસ ખંખેરતા એણે પેલું દુઃસ્વપ્ન પણ ઝંઝોળી કાઢ્યું. પરસેવે રેબઝેબ થયેલી પોતાની પડછંદ કાયાને સંભાળી.

‘મેમસા’બને હોશ આવી ગયો, સરકાર!’ પેસ્તન એક-એક શબ્દ દાબી-દાબીને બોલી ઊઠયો.

દરવાજે પડી રહેલા ટકોરા નિકોલસને રોજ કરતા આજે વધારે વજનદાર લાગ્યા. હંમેશની માફક એ પ્રત્યુત્તર આપ્યા વગર અપલક તાકી રહ્યો.

એની શૂન્યમનસ્ક નજર પોતાની હથેળીઓ પર પડેલા લાલ ચકામાઓ ઉપર સ્થિર થઈ. એ ઠરેલી નજર સામે થોડાં દિવસ પહેલાનું દ્રશ્ય આંદોલન કરવા માંડ્યું…

‘ઇન્કિલાબ ઝિન્દાબાદ! ફિરંગીઓ પાછા જાઓ! સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર!…’ બુલંદ નારાઓથી મુલકના રસ્તાઓ-મંચો ગાજી રહ્યા હતા. ઠેર-ઠેર અંગ્રેજ-શાસનના વિરોધમાં રેલીઓ, સભાઓ, વિરોધ-પ્રદર્શનો યોજાઈ રહ્યા હતા. અંગ્રેજ ‘જનરલ’ તરીકેની જવાબદારીઓનાં સંપૂર્ણ ભારણ સાથે નિકોલસ આર્થર પોતાની પિસ્તોલ લઈને, બગાવત કરનારા હિન્દુસ્તાનીઓ ઉપર હંમેશની માફક તૂટી પડવાનો મનસૂબો ઘડીને જ બ્રિટીશ કાર્યાલયેથી નીકળ્યો હતો. ‘નિકોલસ… હાય, હાય…!’ –ના ગુંજારવ વચ્ચેથી એનો ટાંગો પસાર થઈ રહ્યો હતો. પોતાના માટે બોલાવાતી ‘હાય-હાય’ની હૈયાવરાળને સિગારની ધુમ્રસેરમાં ઉડાડતો એ રેલીનાં આગેવાનો સમક્ષ જઈને ચટ્ટાનની માફક ખડો થઈ ગયો.

‘ટીયરગેસના ટોટા ભલે આપણી આંખો બાળી નાખે, પણ આપણો હાથ નહિ ઊઠે, ક્યારેય નહિ…’ એક દૂબળું-પાતળું શરીર એની સામે આંખ મિલાવીને નમ્રભાવે પોતાના સાથીઓને સૂચનો આપવા માંડ્યું.

‘ભલે અંગ્રેજોના પાણીનાં ફૂવારા આપણને તોડી નાખે, આઝાદી લઈને જ જંપીશું…’ હિંદુસ્તાનીઓએ દહાડ મારી.

સુકલકડી અને ઉપરથી ઉઘાડું શરીર, છતાં મજબૂત મનોબળવાળા એ ડોસાના અહિંસક આંદોલનથી અકળાઈને નિકોલસે લાઠી-ચાર્જનો હુકમ છોડ્યો. પાંચ-સાત અંગ્રેજ સિપાઈઓએ, આગેવાન બનેલા ઝનૂની હિન્દુસ્તાનીઓને લાઠીઓના આડેધડ મારથી ભાંગી નાખવાનું શરુ કર્યું. નિકોલસ પણ ખુન્નસમાં આવી સિપાઈની લાઠી ઝૂંટવીને આંદોલનકારીઓ ઉપર તૂટી પડ્યો. એના માટે આ પહેલીવારનું ન હતું. વર્ષોથી હિન્દુસ્તાની ગુલામો પર એ ક્રૂરતાથી સિતમ ગુજારતો આવ્યો હતો. એ વખતે એના પેટનું પાણીયે હાલતું નહોતું; ફક્ત લોહી ઉકળતું રહેતું. લાઠી-ચાર્જથી લોહીલુહાણ થયેલાં ક્રાન્ત્તિવીરો માર ખાતાં નહોતા થાક્યા, પણ નિકોલસના હાથમાં લાઠીની સખત પકડના ચકામા જરૂર ઉપસી આવ્યા! આખરે થાકી ગયેલી સીસમની લાઠીએ દમ તોડી દીધો, અને સત્યાગ્રહીઓ ‘જેલ ભરો’ અંદોલનથી સંતુષ્ટ થયા હતા…

‘સરકાર, કોઈ હુકમ?’ દરવાજેથી આવી રહેલા પેસ્તનના આવેગભર્યા અવાજે ફરી એકવાર નિકોલસને સત્યાગ્રહીઓના અડ્ડા સમાન ‘સોના પાર્ક’માંથી ઊઠાવીને હવેલીનાં ભવ્ય બેડરૂમમાં પટકી દીધો. બ્રિટિશરોની ગુલામીમાંથી આઝાદ થવા મરણિયા બનેલા હિન્દુસ્તાનીઓની જ કોમનો મુનીમ પેસ્તન એક અંગ્રેજ માટે ખુશ જણાતો હતો, અનહદ ખુશ! કયા કારણસર – એ સમજી શકવા નિકોલસ પોતે અસમર્થ હતો. પેસ્તનના આવેગપૂર્વકના ટકોરાઓની પ્રતિક્રિયામાં એણે બડબડાટ કર્યો – ‘મૂર્ખ હિન્દુસ્તાનીઓ…’ જોકે એની આંખમાંથી ટપકેલું ખારું પાણી એની હથેળીઓના ચામઠાઓને ચચરાવી ઊઠ્યું. અને એ ખારાશ, બેડરૂમના અધખુલ્લા દરવાજાની અંદર ડોકિયું કરી રહેલા પેસ્તનને વિસ્મય પમાડવા માટે પૂરતી હતી!

નિકોલસ કંઈક વિચારીને ઝડપભેર ઊભો થયો, ‘પેસ્તન, હોસ્પિટલ જવા માટે તૈયારી કર.’

ઘોડાગાડી રવાના થઈ. હોસ્પિટલ પહોંચતા જ પત્ની સ્કારલેટને કપાળે એણે મૃદુતાથી હાથ ફેરવ્યો, ‘યુ ઓકે, સ્વિટહાર્ટ?’

આ સાંભળતા સ્કારલેટનાં હોઠ કરતાં એની આંખો વધારે પહોળી થઈ. અને જવાબ પણ મોંને બદલે એની આંખોએ જ આપ્યો. પોતાનાં કપાળ પર એ હળવેથી હાથ પસવારી રહી. થોડી હૂંફ વર્તાઈ. એની આંખ ભરાઈ આવી, ને જે ઊભરો નીકળ્યો એ પણ હૂંફાળો…! આજે વર્ષો પછી એનાં કપાળે પતિનો પ્રેમાળ હાથ ફર્યો હતો; પતિને એની ચિંતા થઈ હતી! અસહ્ય દુઃખાવાને લઈને એને હોસ્પિટલમાં ભરતી થયાને એક અઠવાડિયું વીતવા આવ્યું હતું, અને નિકોલસ છેક આજે એની ખબર કાઢવા આવ્યો હતો. આટલાં દિવસ ન આવ્યાનો એકઠો થયેલો અફસોસ આજે એના આવવાથી ઓસરવા માંડ્યો. એ પાણીદાર આંખે નિકોલસને તાકી રહી. પછી એણે જરા માથું ઊંચકીને પ્રશ્નસૂચક નજરે પેસ્તન તરફ જોયું. પેસ્તને પોતાની ભ્રમરો સાથે બંને ખભા પણ ઊંચા કર્યા, જાણે કે કહેતો હોય, ‘અચરજ તો મને પણ થાય છે, મેમસા’બ…’

થોડીવારમાં હોસ્પિટલનાં એ સ્પેશિયલ રૂમમાં નર્સ આવી પહોંચી. સ્કારલેટનું ઉપરછલ્લું તબીબી પરીક્ષણ કરી એ ચાલી ગઈ. નિકોલસ ચિંતિત ચહેરે કમરામાં ચહલપહલ કરવા માંડ્યો. રૂમમાં રહેલો અરીસો નિકોલસના સફેદી પકડી ચૂકેલા વાળ બતાવીને એની પ્રૌઢ વયની ચાડી ખાઈ રહ્યો હતો. નિકોલસે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. પાકીટમાંથી જેટલી પણ ચલણી નોટો નીકળી, બધી જ પેસ્તનના હાથમાં થમાવી, ‘આખી હોસ્પિટલમાં મીઠાઈ વહેંચી દો.’

પેસ્તનને સમજાયું નહિ કે હોશ મેમસા’બને આવ્યો છે કે સાહેબને? ‘પણ…’ એણે અચકાતા અવાજે બોલવાની હિંમત કરી, ‘પણ, સરકાર, આખી હોસ્પિટલ હિન્દુસ્તાનીઓથી ભરી પડી છે. અને મીઠાઈ તો અંગ્રેજોમાં…’

નિકોલસ પેસ્તનને તાકી રહ્યો; પેસ્તન સ્કારલેટને; અને સ્કારલેટ… એ નિકોલસને તાકી રહી હતી! નિકોલસને એ લોકોની વિમાસણ સમજાઈ નહિ.

થોડાં જ સમયમાં નર્સ પાછી ફરી. આ વખતે તે એક ડોક્ટર અને બીજી એક નર્સને પણ સાથે લાવી હતી. તેઓ તબીબી ભાષામાં અંદરોઅંદર કંઈક ગૂસપૂસ કરવા લાગ્યાં. પછી સ્કારલેટને સ્ટ્રેચર પર સુવડાવીને બીજા કોઈ ખાસ સુવિધાવાળા વિભાગમાં લઈ જવામાં આવી. નિકોલસ માત્ર જડવત ઊભો રહ્યો; એકલો પડ્યો; ને આંખો ઘેરાવા માંડી…

એના હાથમાં પરસેવો વળી રહ્યો હતો. ધોમધખતા તડકામાં પણ એની આંખે અંધારા છવાઈ રહ્યા હતા. ડુંગરવાડીનો સન્નાટો ગીધોને મિજબાની માટે નિમંત્રણ આપી રહ્યો હતો. આકાશમાંથી લૂ વરસાવતી ગરમી ક્યારેક વાઈ રહેલી પવનની એકાદ લહેરખીને હંફાવીને પોતાનો મિજાજ દર્શાવી રહી હતી. તાપથી કંટાળેલા બાવળના નિર્જીવ ઝાંખરા સાગના સૂકા-પીળા પાંદડાઓને પોતાની કાંટાળી કાયામાં લપેટવા માટે આતુર હતા. સૂકી બરછટ જમીન ફાટી આંખે ધગધગતા આકાશ સામે કરુણાથી તાકી રહી હતી. ધાર્મિક પરંપરા મુજબ પાર્થિવ દેહને સફેદ સદરો-લેંઘો પહેરાવવામાં આવ્યા હતા. એની ઉપર જામો પહેરાવીને માથે સફેદ ટોપી ગોઠવવામાં આવી હતી. કમરે કસ્તી સજાવેલા મૃતદેહને દોખમાની પાળ પર સુવડાવીને સ્વયંસેવકો એની આખરી સેવા બજાવી રહ્યા હતા. મૃતદેહ પરથી વસ્ત્રો ઉતારીને કૂવામાં નાખવામાં આવ્યા. નિર્વસ્ત્ર મડદાનું માંસ આરોગવા માટે આકાશમાં ગીધો મંડરાવા માંડ્યા હતા. મડદાનો અંત હવે નજીક જણાઈ રહ્યો હતો!

‘સરકાર… હજૂર…’ કોઈક જાણીતો હાથ હોસ્પિટલના કમરાનો દરવાજો જોરજોરથી ખટખટાવી રહ્યો હતો. મડદાનો અંત આવે એ પહેલાં નિકોલસના બિહામણા સ્વપ્નનો અલ્પવિરામ આવ્યો. થોડાં દિવસોથી આ દુઃસ્વપ્ન એને ખળભળાવી રહ્યું હતું. પેસ્તનના મોઢે સાંભળેલી એની માતાની વિદાયની ઉપરછલ્લી વાતો એને કદાચ સ્વપ્નરૂપે દેખાઈ રહી હતી, નિકોલસ વિચારી રહ્યો… એ આંખ ચોળતો પરેશાન થઈ ઊઠ્યો. આ ભયાનક સ્વપ્ન… મૃતદેહ… ડુંગરવાડી… દોખ્મું… ગીધ… એને કશું સમજાતું નહોતું. એને યાદ છે ત્યાં સુધી મરનાર વ્યક્તિને વળાવવા આવેલ દરેક જણ ખુશ જણાતું હતું. શા માટે એ એને નહિ સમજાયું; વ્યક્તિના મૃત્યુની ખુશી હોય..?

‘સરકાર, ક્રાંતિકારીઓએ ટ્રેનમાં લૂંટ ચલાવી…’ પેસ્તને દરવાજો જોશપૂર્ણ ખટખટાવતા બાતમી પૂરી પાડી, ‘હથિયારો તથા દારૂગોળો લઈને આવતી અંગ્રેજ સરકારની ટ્રેન…’

નિકોલસ આંખ ચોળતો બેઠો થયો. એણે કમરામાં ચોતરફ નજર ફેરવી. સ્કારલેટ ક્યારનીયે આવીને પોતાના પલંગ પર સૂઈ ગઈ હતી. એણે કંટાળાથી પેસ્તનને કહ્યું, ‘સવારે વાત… તું જા!’ પેસ્તનને તગેડી મૂકવા એણે લુખ્ખો જવાબ વાળ્યો, ને ફરીથી આંખ મીંચી લીધી.

ફળ-ફૂલ લઈને બગાવતની બાતમી આપવા આવેલા પેસ્તનનો સ્કારલેટ સાથેનો ધીમો ગણગણાટ એના અર્ધજાગૃત દિમાગ સાથે ટકરાયો–

‘માફી મેમસા’બ, પણ સાહેબનું વર્તન પાંચ-છ દિવસથી…’

‘હું પણ અસમંજસમાં છું, પેસ્તન, કે આ ટ્રેન-લૂંટના સમાચાર સાંભળીને સાહેબનો ચહેરો ધૂંધવાયો નહિ?’

‘સરકાર તો ખુન્નસે જ ચઢ્યા હોત…’

‘પિસ્તોલ લઈને તારા સાહેબ આજે દોડ્યા કેમ નહિ?’

‘મેમસા’બ, હું તો, આખી હોસ્પિટલને – અને એ પણ હિન્દુસ્તાનીઓને મીઠાઈ ખવડાવવાની સાહેબની અણધારી જાહેરાતથી હજુયે હેરતમાં છું!’

‘મરતાં હિન્દુસ્તાનીને પાણીયે ન પાય એવો બ્રિટીશ ફોજનો જનરલ, નિકોલસ આર્થર, થોડાં દિવસોથી બદલાયેલો કેમ લાગે છે!’

મધરાતનાં ગણગણાટને પૂરેપૂરો સાંભળી-સમજી શકે એ પહેલાં નિકોલસ ગાઢ નિંદ્રામાં પોઢી ચૂક્યો હતો.


આજે સવારથી જ હોસ્પિટલનું વાતાવરણ થોડું તંગ જણાતું હતું. તબીબી સ્ટાફમાં ભાગદોડ મચી ગઈ હતી. બ્રિટનથી નિષ્ણાત ડોકટરોને બોલાવી લેવાયા હતા. મોટી તકલીફ ઊભી થઈ તો ખડેપગે હાજર રહેલા નિષ્ણાતો ‘કેસ’ સંભાળી શકે… ઓપરેશન માટેના ઓજારોની ઉપલબ્ધિની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. લોહીની પણ અગાઉથી જ સગવડ કરી દેવાઈ હતી. બ્રિટીશ સરકારનાં ‘જનરલ’ નિકોલસ આર્થરની પત્ની સ્કારલેટ આર્થરને પ્રસૂતિની પીડા શરુ થઈ ચૂકી હતી. ગર્ભમાં ઊઠતી ઊથલપાથલ એને કારમી પીડા જન્માવી રહી હતી. દસ દિવસથી હોસ્પિટલમાં ભરતી કરાયેલી સ્કારલેટને છેલ્લાં આખા દાયકામાં નહિ મળ્યો હોય એવો એનાં પતિનો સથવારો સાંપડ્યો હતો. પ્રસૂતિપીડાથી એ ખુશ હતી!

સ્વાતંત્ર્ય સંગ્રામ માટે રચાયેલી હિન્દુસ્તાનીઓની સેનાએ તરખાટ મચાવવા માંડ્યો હતો. અંગ્રેજ સરકારનાં પાયા હાલકડોલક થઈ ઊઠ્યા હતા. પરંતુ, નિકોલસ સમગ્રપણે સ્કારલેટ અને આવનારા નવા મહેમાન માટે પરોવાઈ ચૂક્યો હતો. હોસ્પિટલનાં પ્રતીક્ષાખંડમાં બેબાકળા થઈને જીસસની પ્રાર્થના કરી રહેલા નિકોલસની બંધ આંખોમાં કશુંક હલનચલન કરી રહ્યું હતું…

એના હાથમાં પરસેવો વળી રહ્યો હતો. ડુંગરવાડીનો સન્નાટો એને આજે આનંદ આપી રહ્યો હતો. દોખ્માની સફેદ ફરસ પર સુવડાવેલું મડદું આરોગવા ગીધો તરાપ મારી રહ્યા હતા. દોખ્માની બહાર ટોળામાં પેસ્તન બે હાથ જોડીને ઊભો હતો. એના ચહેરા પર સંતોષનો ભાવ વર્તાતો હતો. ટોળામાં સ્કારલેટ પણ હતી. આંખમાં ખુશીનાં આંસુ સાથે એ પણ ગૌરવ અનુભવી રહી હતી. દોખ્માની અંદર માત્ર ચાર-પાંચ સ્વયંસેવકો હાજર હતા. પણ નિકોલસની નજર સમક્ષ ડુંગરવાડીનું તથા દોખ્માની અંદરનું દ્રશ્ય જીવંત થઈ રહ્યું હતું. દોખ્માની અંદર રહેલો ભંડારનો કૂવો, વૈજ્ઞાનિક રીતે મારેલા નવ ખીલાઓ એની નજર સામે તાદ્રશ્ય થયા. એણે દોખ્માની પાળે અદબથી સુવડાવેલા મૃતદેહને જોયો. લાશના શરીરેથી ઉતારેલા સઘળાં કપડાં ઊંડા કૂવારૂપી સૂકા ખાડામાં નાખી દેવામાં આવ્યા હતા. પછી ઉપરથી એસિડ રેડી તે કપડાંને ભસ્મ કરાઈ રહ્યા હતા. આકાશ ભણી મીટ માંડી રહેલા મૃતદેહનો ચહેરો આજે ઢંકાયેલો નહોતો. નિકોલસે તાકી-તાકીને જોયું તો… પોતાનો જ ચહેરો!

એ નિકોલસ આર્થરનો મૃતદેહ હતો, પોતાનું શબ! એક ક્ષણ માટે નિકોલસના જીવંત શરીરમાંથી પોતાનું જ મૃત શરીર જોઈને કંપારી છૂટી ગઈ. એણે ફરી એકવાર ધ્યાનથી જોયું તો સૌથી પાછળ એક બાળકી આંસુ વહાવી રહી હતી, ખુશીનાં આંસુ! તાજી જ જન્મેલી લાગતી એ ગુલાબના ફૂલ જેવી બાળકી કોણ હતી? નિકોલસે એ નવજાત બાળકીને આ અગાઉ ક્યારેય નહોતી જોઈ!

‘સરકાર, ખુશ ખબર… હજૂર, ઊઠો… હોશમાં આવો…’

નિકોલસની તંદ્રા તૂટી. સામે પેસ્તન ઊભો ઊભો મલકાતો હતો. ‘મેમસા’બે દીકરીને જન્મ આપ્યો છે!’

નિકોલસના ચહેરા પર સપ્તરંગી મેઘધનુષ છવાઈ ગયું!

‘ગુલાબના ફૂલ સમી બાળકી અને મેમસા’બ – બંનેની તબિયત સારી છે!’ પેસ્તન ખુશીનો માર્યો ઝૂમી રહ્યો હતો, ‘પધારો, સરકાર, જલ્દી…’

નિકોલસ ઉતાવળે પગલે સ્કારલેટ પાસે પહોંચ્યો. એનો હાથ પત્નીનાં કપાળે અને નજર દીકરી ઉપર મૃદુતાથી ફરી વળી! ભૂરી આંખો, સોનેરી વાળ, ગોરો રંગ… બિલકુલ પોતાનું જ રૂપ! નહિ, નહિ… પોતાનું નહિ, સ્કાર્લેટનું… એ મનોમન તાગ કાઢી રહ્યો. પોતાના કોમળ અંશને તાકી રહ્યો!

‘બ્રિટન જવાની તૈયારી કરો, સ્વિટહાર્ટ’ નિકોલસે દીકરીને પોતાની બાહોમાં ઊઠાવતા કહ્યું.

‘કેમ, હિંદુસ્તાન આઝાદ થઈ રહ્યું છે?’ સ્કારલેટ વિસ્મય પામી.

‘જીસસ ચાહશે તો એ પણ જલ્દી જ થશે. અત્યારે તો હું… આપણે આઝાદ થઈ રહ્યાં છીએ!’ નિકોલસનો અંતરાત્મા ચિત્કાર કરી ઊઠયો.

નિકોલસના શબ્દોને બદલે એનું પરિવર્તન પામી રહેલું વર્તન સ્કારલેટને ઘણું બધું સમજાવી રહ્યું હતું!

‘મેં બ્રિટીશ શાસનના કાર્યપદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કરી લીધો છે.’ નિકોલસે દીકરીનું કપાળ ચૂમતા કહ્યું.


હિન્દુસ્તાનને હંમેશા માટે અલવિદા કરી જવા માટે નિકોલસના પરિવારને લઈને નીકળેલી મોટરગાડીએ એક વળાંક લીધો. ડ્રાઇવરની બાજુમાં બેઠેલા પેસ્તને ખોંખારો ખાધો, ‘સરકાર, બંદરગાહ પહોંચવાને હવે તૈયારી…’

નિકોલસની બાહોમાં એની નવજાત દીકરી ઝૂલી રહી હતી. નિર્જન રસ્તે જઈ રહેલી મોટરની બારીમાંથી નિકોલસ ડુંગરવાડી પસાર થતી જોઈ રહ્યો. એના હાથમાં ફરી એક વખત પરસેવો વળ્યો. પણ એ પરસેવાની ખારાશ હવે એને જલન પેદા નહોતી કરી રહી. એના હાથમાંના જખમ હવે રુઝાઈ ચૂક્યા હતા!

એટલામાં સફેદ કપડાંમાં સજ્જ મૃતાત્માનાં સ્નેહીજનોને જોઈને પેસ્તન બબડ્યો, ‘દોખ્મે-નશીની…’

નિકોલસની આંખો ઝીણી થઈ. એ પ્રશ્નસૂચક નજરે પેસ્તનને તાકી રહ્યો.

‘દોખ્મે-નશીની – લાશોને મૂકવાની રીત… જરથોસ્તી ધર્મની માન્યતા મુજબ મરેલાં શરીરના શૂક્ષ્મ ભાગોને સ્થૂળ ભાગોમાંથી ખેંચી કાઢી છૂટાં કરવાં જોઈએ – જે કામ નશો દાટી દેવાથી કે બાળી નાખવાથી નથી થતું…’

‘નશો?’

‘નશો – મૃતદેહ… પરંપરા મુજબ મરણ બાદ શરીરને માંસાહારી પક્ષીઓને ખવરાવી દેવું; સૂર્યના તડકામાં કપડાં વગર દોખ્મામાં સૂકાતું મૂકવું…’

નિકોલસની પાંપણોએ ભાર અનુભવ્યો. સ્વપ્નમાં દેખાઈ રહેલી ડુંગરવાડીમાં ઉપસ્થિત જનસમુદાય એના ક્રૂર રૂપને વિદાય આપી રહ્યો હતો. નિષ્ઠુર ‘બ્રિટીશ જનરલ – નિકોલસ આર્થર’ માંસાહારી ગીધોને હવાલે થઈ ચૂક્યો હતો. એનો વિકાર એનાથી છૂટો પડી ચૂક્યો હતો!

સ્કારલેટ મનોમન એની પ્રસૂતિની શાંત થઈ ચૂકેલી પીડાને મમળાવી રહી જેણે નિકોલસના સ્વભાવ-વર્તનમાં બદલાવ આણ્યો હતો!

ડુંગરવાડીને પાછળ છોડી ચૂકેલા નિકોલસના અંતરમાં શબ્દો ફૂટ્યા, ‘જરૂરી નથી, એક મા જ જન્મ આપી શકે, એક દીકરી પણ ક્યારેક બાપને જન્મ આપતી હોય છે- બીજો જન્મ, વિકારથી વિમુખ જન્મ!’

દીકરીની ભૂરી-ઊંડી આંખોમાં તાકતા નિકોલસની આંખો એક સંતોષની લાગણીથી ઘેરાવા માંડી. એ બંધ થતી આંખોએ ગીધનું એક ઝૂંડ આકાશમાં મંડરાતું જોયું!

– ધર્મેશ ગાંધી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “દોખ્મેનશીની – ધર્મેશ ગાંધી (ટૂંકી વાર્તા)