આ બધાની વચ્ચે અમુક એવી ક્ષણો પણ હોય છે જે આ શૂન્યમાં ક્યારેક દ્રશ્યપણે તો ક્યારેક અદ્રશ્યપણે કશુંક એવું ઉમેરી દે છે કેપલડું એકડા તરફ નમી જાય છે. એ બાજુ જરાક વધુ નમેલું પલડું આપણને સભરસભર કરી દે છે.
જીવને જે કંઈ સામે ધર્યું એ બધું પ્રેમથી સ્વીકાર્યું છે એવું તો નથી જ પણ આવકાર્યું ચોક્કસ છે. આ લેખ લખવા બેઠી ત્યારે વીતાવેલા વર્ષો અલપઝલપ આંખ સામેથી પસાર થયાં ગયાં.
એક સુખની ક્ષણ સામે એક દુઃખની ક્ષણ.
એક પ્રેમની ક્ષણ સામે એક દ્વેષની ક્ષણ.
એક વિશ્વાસની ક્ષણ સામે એક અવિશ્વાસની ક્ષણ.
એક મારી પોતાની ક્ષણ સામે એક બીજા માટે જીવી એ ક્ષણ.
એક સ્મૃતિની તો એક વિસ્મૃતિની ક્ષણ.
એક કાલ્પનિકતાની ક્ષણ સામે એક હળાહળ સત્યની ક્ષણ.
કશુંક પામ્યાની ક્ષણ સામે કશુંક ગુમાવ્યાની ક્ષણ.
કશુંક તારવાની ક્ષણ સામે કશુંક મારવાની ક્ષણ.
એક ખીલ્યા પૂર્વેની ક્ષણ સામે એક ખીલ્યા પશ્ચાતની ક્ષણ.
કશુંક વાર્યાની ક્ષણ સામે કશુંક ધાર્યાની ક્ષણ.
આવી અનેક તડજોડ કરી. પછી જોખ્યું. વધ્યું શું? શૂન્ય!
આ શૂન્ય એટલે નક્કી શું? કંઈ જ ન હોવું? અત્યાર સુધીના જીવનનો નિચોડ માત્ર શૂન્ય? પછી થયું કે ચાલો આપણે નુકસાનીમાં તો નથી જ એટલું તો નક્કી થયું. રાહત પણ થઈ.
જીવનનું શું? એ તો આમ જ આગળ ચાલતું રહે છે. પોતાની રોજીંદી રવાલ પર. આપણી સાથે આપણા આ સર્વે શૂન્યોને પણ લઈને.
પણ..
આ બધાની વચ્ચે અમુક એવી ક્ષણો પણ હોય છે જે આ શૂન્યમાં ક્યારેક દ્રશ્યપણે તો ક્યારેક અદ્રશ્યપણે કશુંક એવું ઉમેરી દે છે કે પલડું એકડા તરફ નમી જાય છે. એ બાજુ જરાક વધુ નમેલું પલડું આપણને સભરસભર કરી દે છે. આ સભરતા કોઈક અકળ તત્વ પરની શ્રદ્ધાને ધબકતી રાખે છે.
કેટલાક વિચારો, અનુભૂતિઓ, ઘટનાઓ એવી હોય કે જે આપણી ચેતનાને સ્પર્શી જાય. કેટલુંક એવુંય હોય કે જે ચેતનાને હણતું રહે. આવું ને આવું તો સતત આપણી આસપાસ બનતું રહે છે. ભીતર ભળતું રહે છે. આ પૃથ્વી પર જેટલી શ્ર્દ્ધા છે તેનું મૂલ્ય સકલ જગતની જીવસૃષ્ટિને મળેલી કશુંક પામવાની તરસ અને કશુંક ખોઈ દેવાના ડરને કારણે જ ટકી રહ્યું છે. આ બાબત સાર્વત્રિક અને નિરપવાદ છે. આ વાત પર મને જેટલી શ્રદ્ધા છે એટલી કોઈ શક્તિ પર નથી. જ્યાં સુધી આ તરસ અને ડર જળવાઈ રહેશે ત્યાં સુધી શ્રદ્ધાને જરાય આંચ નહીં આવે.
વર્ષ ૨૦૦૨ની વાત છે દીકરો નવેક વર્ષનો અને દીકરી બારેક વર્ષની હતી. જેઠજીના ઘરે કચ્છથી મહેમાન આવેલા તે અમે એમને મળવા ગયેલા. મેળાવડામાં રાતનો દોઢ વાગી ગયો. અમે ઘરની બહાર આવ્યા, ને બધા અમને વળાવવા દરવાજા સુધી. બે’ક મિનિટ આવજો આવજો ચાલ્યું અને અચાનક ધ્યાન ગયું કે દીકરો આસપાસ ક્યાંય નથી! પછીના લગભગ બે કલાક અમે સાત જણ એ એરિયાની ઇંચેઇંચ અસંખ્ય વખત ફેંદી નાખી. દીકરો મળ્યો નહીં. જાણે કે હવામાં ઓગળી ગયો. અચાનક મને ધ્યાન આવ્યું કે સવારે પતિએ વાત કરેલી કે રાત્રે ભાઈને ત્યાં બેસવા જશું ત્યારે કુળદેવીના મંદિરે થતાં જશું. પણ પછી એ ઓફિસેથી ખૂબ મોડા આવ્યા એટલે અમે સીધા ભાઈને ત્યાં નીકળી ગયા. તો શું કુળદેવીને વાયદો કર્યો ને પહોંચ્યા નહીં એનો આ પરચો હતો?
જે હોય તે. મેં એ જ ક્ષણે ગાંઠ વાળી કે સવારના પહેલી આરતીમાં પહોંચીશ પણ દીકરો જોઈએ, હમણાં ને હમણાં. એ ક્ષણ અને સામેથી ચાર પુરુષ ને એક સ્ત્રી એક બાળકને તેડીને આવતાં દેખાયાં. હું સ્તબ્ધ બનીને ઉભી હતી. એ મારો દીકરો હતો. મને દૂરથી જોતાં જ એણે દોટ મૂકી. ‘આ લોકો મને કીડ્નેપ કરી ગયા હતા..’ એણે રડતાંરડતાં કહ્યું. પેલી સ્ત્રી નજદીક આવી અને એણે મારી આંખમાં આંખ નાખીને કહ્યું,’અમે બે કલાકથી આ બાળકને લઈને તમને શોધી રહ્યા છીએ.’ છેલ્લા બેઅઢી કલાકમાં આ ગલીમાં હું પોતે દસ વખત ફરી વળી હતી. ત્યાં કોઈ જ નહોતું. મારી આંખો વહી નીકળી અને સામેનું દ્રશ્ય ધુંધળું થઈ ગયું. બીજી જ પળે એ આખી ભેંકાર ગલીમાં માત્ર હું અને મારો દીકરો હતાં! એ લોકો કઈ દિશામાંથી આવ્યા અને કઈ દિશામાં ઓગળી ગયા એ મને આજ સુધી સમજાયું નથી.
કેવું છે ને? શ્રદ્ધાને પણ વળી શ્રદ્ધાનો ભય હોય છે. અશ્રદ્ધાનો ભય હોય છે. શ્રદ્ધાળુ મનનો ભય હોય છે!
આ બનાવ બન્યો ત્યારે હું ગર્ભવતી હતી. પાંચમો મહિનો જતો હતો. ઠીક બે મહિના બાદની વાત. બપોરે અચાનક મુંજારો થવા લાગ્યો. ઘરે કોઈ નહોતું. ત્યારે મોબાઇલ વગેરે હતા નહીં. સાંજ થવા આવી. અસહ્ય તક્લીફ થઈ રહી હતી. કશુંક અઘટિત ઘટવાનું છે એવા અણસાર વર્તાઈ રહ્યાં હતાં. હું હિમ્મત કરીને નીચે આવી, રીક્ષા રોકી. રીક્ષાવાળા ભાઈને મારા ફેમિલી ડોક્ટરનું નામ અને દવાખાનાનું સરનામું જણાવીને પૂછ્યું ‘જોયું છે તે?’ એણે હા પાડી. ‘બસ ત્યાં પહોંચાડ..’ કહીને હું રીક્ષામાં બેઠી. મેં માતાજીને પ્રાર્થના કરી મારાં બચ્ચા નાના છે હો, એમને હજુ મારો ખપ છે. સંભાળી લેજે. પછીની ક્ષણથી મને કશી જ ખબર નથી. સીધી મોડી રાત્રે હોસ્પિટલમાં મારી આંખ ખૂલી. રીક્ષાવાળા ભાઈએ દવાખાને અને ત્યાંથી ફેમિલી ડોક્ટરે પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચડેલી. મેં સોનાની બુટ્ટી અને મંગળસુત્ર પહેરેલું. એ બધું સલામત હતું
એ દિવસે મેં મારા અજન્મા બાળકને ખોયું. પરંતુ અત્યંત નાજુક તબિયત છતાં હું જીવી ગઈ!
વર્ષો પછી ૨૦૧૫માં મારી દીકરી પેરિસ ભણવા ગઈ હતી. બાળક પરદેશ એકલું રહેતું હોય તો માતાપિતાને ચિંતા થવી સ્વાભાવિક છે. એક રાતે અચાનક હું ઝબકીને જાગી ગઈ. કોઈક અજ્ઞાત ભય ઘેરી વળ્યો. માથું ફાટ ફાટ થઈ રહ્યું હતું. દીકરીને તો કોઈ તક્લીફ નથી આવી પડીને? છાતી ધમણની જેમ ચાલી રહી હતી. એને વૉટ્સ ઍપ કર્યો. એણે સામો સબસલામતનો મેસેજ કર્યો. સવારના ફોન પર વાત થઈ. પછી પણ રોજ થતી રહી. મારી માથાની પીડા જતી ન્હોતી. દવા લીધી. પહેલા સાયનસનો, પછી માઇગ્રેનનો કોર્સ કર્યો. પણ ઘડી માટે પીડા બંધ ન થાય. વીસબાવીસ દિવસ ચાલ્યું. હું દિવસો સુધી ઉંઘી ન શકી.
બાવીસમે દિવસે દીકરી આવી. ત્યાં સુધી દવાઓ ચાલુ જ હતી. આવ્યાના ત્રીજે દિવસે એણે માંડીને વાત કરી કે તે દિવસે જ્યારે તેં અડધી રાતે મેસેજ કરેલો એ દિવસે બાલ્કની ગ્રીલ કાપીને એમના ઘરમાં ચોર ઘુસી આવેલો. ઘરમાં ચાર છોકરીઓ રહેતી. એમણે એને પકડી લીધેલો પણ પેલો સ્કૃડ્રાઇવરથી હમલો કરીને ભાગી ગયેલો. જતાં જતાં ધમકી આપી ગયો કે બધાને જોઈ લઈશ. ત્યાર બાદ પોલિસ કંપ્લેઈન ને એ બધું. સાથે કૉલેજની પરીક્ષા. હું ખૂબ ગુસ્સે થઈ કે એણે અમને કશું જણાવ્યું કેમ નહીં. તો કહે તમે અહિં બેઠે માત્ર ચિંતા કર્યા સિવાય કશું કરી શકવાના નહોતા એટલે તમારી ઉંઘ હરામ કરવાનો અર્થ નહોતો! પણ એણે કબૂલ કર્યું કે એ ખૂબ ડરી ગયેલી.
અહિં તો મેં કશી પ્રાર્થના કરી નહોતી કે બાધા આખડી લીધી નહોતી. જે બન્યું એનાથી હું સાવ અજાણ હતી. એક ભયાનક આફત આવીને ટળી ગઈ હતી! અમે બન્ને એ દિવસે એકમેકને વળગીને ખૂબ રડ્યા. તે દિવસ પછી મારા માથાની અસહ્ય પીડા સાવ મટી ગઈ.
આપણે વીજળીને જોઈ નથી શકતાં. પરંતુ એની પ્રતીતિ ડગલે ને પગળે થતી રહે છે. એ દેખાતી નથી એટલે એને નકારી શકાતી નથી. ટ્યુબલાઇટનો પ્રકાશ વાપરતી વખતે, મોબાઇલ ચાર્જ કરતી વખતે, એસીની ઠંડક માણતી વખતે કે ક્યારેક આછો કરન્ટ લાગી જાય ત્યારે એને અનુભવી શકાય છે. ઈશ્વર પણ આ જ રીતે ડગલે ને પગલે પોતાની અનુભૂતિ કરાવતો રહે છે.
હું મારા ઘરમાં વર્ષોથી દિવાબત્તી કરતી નથી. મંદિરોમાં નથી જતી. વ્રત ઉપવાસ પણ છોડી દીધા છે. પણ હું એમ છાતી ઠોકીને કહી શકતી નથી કે હું નાસ્તિક છું. મેં જ્યારે જ્યારે (ભલે મારી જરૂરતે) મારી શ્રદ્ધાને પંપાળી છે, હું નિરાશ નથી થઈ. ઉપર વર્ણવ્યા તે ઉંપરાંત હજુ બેચાર અનુભવ છે જેમને કોઈક અકળ તત્વની અનુભૂતિ કે પછી આછા અણસારા ગણાવી શકાય જે આપણા જેવા સંવેદનશીલ જીવોને મળ્યા કરતાં હોય છે. આવી કોઈ અગમ્ય એવી અણદીઠી સૃષ્ટિના વીજ ઝબકારના દર્શનની અનુભૂતિ માટે પણ માણસનું સંવેદનશીલ હોવું ઘટે. જીવનમાંથી આ સંવેદનશીલતાને બાદ કરી નાખીએ તો પછી શું બચે એ વિચારવા જેવું! માણસની સારપ અને એનામાં રહેલી એની મૂળભૂત શ્રદ્ધાનું જાગતિક સ્વરૂપ એટલે જ પેલા અકળ તત્વ પરનો વિશ્વાસ જે મૂળ તો પેલી શ્રદ્ધાનો જ ગુણ છે. એનો જો લોપ થઈ જાય તો પછી માણસ માટે કદાચ જીવવાનું પણ શક્ય નહીં બને!
— રાજુલ ભાનુશાલી
રાજુલબેન ભાનુશાલીના અક્ષરનાદ પરના ‘સિંજારવ’ સ્તંભના બધા લેખ
અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
ખરી વાત.
અમારા ઘરમાં જ્યારે પણ “હવે શું?” એવો પ્રર્શ્ન થાય ત્યારે મમ્મી અચૂક કહે “ભોળાનાથ છે ને! થઈ જશે.” અને ખરેખર થઈ પણ જાય.
મા તરીકે આવા એક-બે અનુભવો મને પણ થયા છે. ત્યારે સમજાય કે ચોક્ક્સ આપણી સમજણ બહાર એક એવી શક્તિ છે જ.
@Hiral, છે જ. લગભગ બધી માતાઓને આવા અનુભવ થાય જ છે. જગતજનની બેઠી છે.
બહુ જ સરસ અનુભવો. આંતરિક શ્રદ્ધા જ મહત્વની.
સાચી વાત શ્રદ્ધા.
અંણસારા પોતપોતાના.
@પરાગ જ્ઞાની : હાજી.
ત્રણેય ઘટના વાંચીને goosebumps થઈ ગયા. ખરેખર કોઈ અદ્રશ્ય શક્તિ ઘટિત-અઘટિત વિશે સંકેતો આપે છે…એ મારો જાત અનુભવ છે બહેન.
તમારો અનુભવ share કરજો ક્રિષ્નાબહેન.
સો ટકા સહમત… આવું ઘણું અનુભવ્યું છે… અને હું છાતી ઠોકીને કહું છું હું આસ્તિક છું.
જાનુબેન <3
સુપર્બ રાજુલબહેન, ખોવાઈ જવાયું. યસ આવી દિવ્ય અનુભૂતિ છે છે અને છે જ… ક્યારેક મારા અનુભવો કહીશ તમને..
Thank You દીનાબેન. ચોક્કસ કહેજો. રાહ રહેશે.
સરસ લેખ.
સાચે જ આ રોજિંદા અનુભવોને આધારે આપણી શ્રદ્ધા મજબૂત બનતી રહે છે..ક્યારેક ઈશ્વર પર, ક્યારેક પ્રકૃતિ પર અને ક્યારેક તો ખુદ આપણી જાત પર!
અભિનંદન રાજુલબેન..
આપણી શ્રદ્ધા ડગમગે નહીં એટલે જ એ આવા અનુભવો દ્વારા પોતાના હોવાના અણસારા આપતો રહે છે.