નીતિશતકના મૂલ્યો (૯) – ડૉ. રંજન જોષી 1


જીવહિંસા ન કરવી, પરધન હરણ ન કરવું, સત્ય બોલવું, સમય અને શક્તિ અનુસાર દાન કરવું,  પરસ્ત્રીઓની ચર્ચા ન કરવી કે ન સાંભળવી, તૃષ્ણાના પ્રવાહને તોડવો, ગુરુજનો પાસે નમ્ર રહેવું, પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખવી – સામાન્ય રીતે સર્વ શાસ્ત્રોના મતે આ મનુષ્ય માટે કલ્યાણકારી માર્ગ છે.

जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः ।
नास्ति येषां यशः काये जरामरणजं भयम्  ।।२४।।

અર્થ:- સારી કૃતિઓ રચવાવાળા રસસિદ્ધ કવીશ્વરોનો જય થાઓ, જેમની યશરૂપી કાયાને વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો ભય નથી.

વિસ્તાર:- અનુષ્ટુપ છંદમાં રચાયેલા આ શ્લોકમાં ભર્તૃહરિ સુકવિઓની પ્રશંસા કરે છે.

सुकृतिन: – સારી કૃતિ રચવાવાળા. જેમણે ઉત્તમ સાહિત્ય કૃતિઓની રચના કરી છે, તેમને ભર્તૃહરિ સુકૃતિન: કહે છે. તેમનો જય જયકાર કરે છે. વાલ્મીકિ, કાલિદાસ, માઘ, ભવભૂતિથી શરૂ કરી શેક્સપિયર, મિલ્ટન જેવા અનેક કવિઓને આ કક્ષામાં સમાવી શકાય.

रससिद्धा: – રસ જેને સિદ્ધ થઈ ચૂક્યા છે તેવા કવિઓ. સાહિત્યના નવ રસ છે.

शृङ्गार हास्य करुण रौद्र वीर भयानकः।
बिभद्सोद्भूत् इत्यष्टौ रसः शान्तस्तथास्मृतः।।

શૃંગાર, હાસ્ય, કરૂણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્ભૂત અને શાંત – આ નવ રસથી યુક્ત જેની રચનાઓ છે, તેવા કવિઓને તેવા કવિઓને ભર્તૃહરિ બિરદાવે છે.

સમય જતાં શરીર નાશ પામે છે, પરંતુ સત્કૃતિ અને તેનો યશ યથાવત્ રહે છે અથવા વૃદ્ધિ પામતા રહે છે. આથી કવિઓની યશરૂપી કાયાને વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો ભય હોતો નથી. આ સંદર્ભે શેખ ઈબ્રાહિમ જૌક જણાવે છે કે

रहता सुख़न से नाम क़यामत तलक है ‘ज़ौक़’ ।
औलाद से तो है यही दो पुश्त चार पुश्त ।।

આમ, ભર્તૃહરિ અહીં સુકવિઓની પ્રશંસા કરે છે.


सूनुः सच्चरितः सती प्रियतमा स्वामी प्रसादोन्मुखः
स्निग्धं मित्रमवञ्चकः परिजनो निःक्लेशलेशं मनः ।
आकारो रुचिरः स्थिरश्च विभवो विद्यावदातं मुखं
तुष्टे विष्टपकष्टहारिणि हरौ सम्प्राप्यते देहिना ॥ २५॥

અર્થ:- સદાચાર પરાયણ પુત્ર, પતિવ્રતા સતી સ્ત્રી, પ્રસન્નમુખી સ્વામી, સ્નેહી મિત્ર, નિષ્કપટ સંબંધીઓ, ક્લેશરહિત મન, સુંદર આકૃતિ, સ્થિર સંપત્તિ અને વિદ્યાથી શોભાયમાન મુખ – આ બધું તેને પ્રાપ્ત થાય છે, જેના પર સર્વ મનોરથો પૂર્ણ કરનાર સ્વર્ગાધિપતિ ભગવાન કૃષ્ણ પ્રસન્ન હોય છે.

વિસ્તાર:- શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિ કેટલાક સુખોનું વર્ણન કરે છે.

 सूनु: सच्चरित: – ભર્તૃહરિ અહીં સદાચારી પુત્ર ભાગ્યવાનને મળે છે, એવું દર્શાવે છે. રામ, કૃષ્ણ કે શ્રવણ જેવા સંતાનો સદાચારી સંતાનો છે.

सती प्रियतमा – પત્ની પતિવ્રતા હોય. સાવિત્રી, અનસૂયા પતિવ્રતા સ્ત્રીઓના શ્રેષ્ઠ ઉદાહરણો છે. વિદ્વાનો કહે છે,

सा भार्या या गृहे दक्षा सा भार्या या प्रियंवदा।
सा भार्या या पतिप्राणा सा भार्या या पतिव्रता।।

અર્થાત્ જે પત્ની ગૃહકાર્યમાં કુશળ હોય, જે પ્રિય બોલનારી હોય, જેના માટે પતિ જ પ્રાણરૂપ હોય, જે પતિવ્રતા હોય – આટલા ગુણોથી યુક્ત પત્નીવાળા પુરૂષે સ્વયંને દેવરાજ ઈન્દ્ર જ સમજવા જોઈએ. જો આવી પત્ની પ્રાપ્ત ન થઈ હોય તો? તો તેના માટે પંચતંત્રમાં લખાયું છે કે

यस्य क्षेत्रं नदीतीरे, भार्या च परसङ्गता ।
ससर्पे च गृहे वासः, कथं स्यात्तस्य निर्वृतिः ॥

જેનું ખેતર નદીકિનારે હોય, જેની પત્ની પતિવ્રતા ન‌ હોય, જેના ઘરમાં સર્પોનો વાસ હોય, તે વ્યક્તિ સુખી કઈ રીતે થઈ શકે?

स्वामी प्रसादोन्मुख – જેના સ્વામી કે માલિક પ્રસન્ન મુખમુદ્રાવાળા, શાંત ચિત્તવાળા, તટસ્થ હોય તો તેને પણ પ્રભુકૃપા જ સમજવી.

स्निग्धं मित्रं – સ્નેહી મિત્રો હોવા. નિષ્કપટ સ્નેહી મિત્રો મનુષ્યનો અણમોલ ખજાનો છે. ગુજરાતીમાં કહેવાયું છે કે

“મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય.”

अवञ्चकः परिजनः – નિષ્કપટ સંબંધીઓ. સગાં, સંબંધીઓ છેતરનારા કે ધૂર્ત ન હોય તે પણ પ્રભુકૃપા જ સમજવી. આજકાલના સ્વાર્થી સગાંઓ માટે તુલસીદાસ કહે છે કે

स्वारथ के सब ही सगे, बिन स्वारथ कोउ नाहिं ।
जैसे पंछी सरस तरु, निरस भये उड़ि जाहिं ।।

निश्क्लेशलेशं मन: – ક્લેશરહિત મન. સુખ અને દુઃખ મનને આધીન છે. તેથી જ મનોવૈજ્ઞાનિકો કહે છે કે કોઈ પણ ઘટના બહારની દુનિયામાં આકાર લેતા પહેલા તમારા મનમાં આકાર લે છે. મન સુખી તો જીવન સુખી.

आकारो रुचिर: – સુંદર આકૃતિ પરમાત્માની દેન છે. આકૃતિનો અર્થ અહીં મનુષ્યના ગુણો, પરમાર્થ ભાવ વગેરે દ્વારા વ્યક્ત થાય છે. કવિ વૃંદ કહે‌ છે કે

जैसो गुन दीनों दई, तैसो रूप निबन्ध ।
ये दोनों कहँ पाइये, सोनों और सुगन्ध ॥

स्थिरश्च विभव: – સ્થિર સંપત્તિ. સ્થાવર – જંગમ મિલકત સ્થિર રહે, ટકી રહે તે જરૂરી છે. આમ તો લક્ષ્મીને ચંચળ મનાય છે. સ્થિર સંપત્તિ પણ ભાગ્યવાનને જ પ્રાપ્ત થાય છે એમ ભર્તૃહરિ જણાવે છે.

विद्यावदातं मुखं – વિદ્યાથી શોભાયમાન મુખ. વિદ્યા સર્વ દુઃખોનું ઔષધ છે. ધન કે સંપત્તિ ન હોય એવા સમયે વિદ્યા સર્વ સંપત્તિની જનેતા બની રહે છે. તેથી જ કહેવાયું છે કે ‘Knowledge is Power.’

આમ, ભર્તૃહરિ અહીં જીવનની મહામૂલી દશવિધ લક્ષ્મીની ચર્ચા કરે છે, જે નારાયણની કૃપા વિના પ્રાપ્ત થતી નથી.


प्राणाघातान्निवृत्तिः परधनहरणे संयमः सत्यवाक्यं
काले शक्त्या प्रदानं युवतिजनकथामूकभावः परेषाम् ।
तृष्णास्रोतोविभङ्गो गुरुषु च विनयः सर्वभूतानुकम्पा
सामान्यः सर्वशास्त्रेष्वनुपहतविधिः श्रेयसामेष पन्थाः ॥ २६॥

અર્થ:- જીવહિંસા ન કરવી, પરધન હરણ ન કરવું, સત્ય બોલવું, સમય અને શક્તિ અનુસાર દાન કરવું,  પરસ્ત્રીઓની ચર્ચા ન કરવી કે ન સાંભળવી, તૃષ્ણાના પ્રવાહને તોડવો, ગુરુજનો પાસે નમ્ર રહેવું, પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખવી – સામાન્ય રીતે સર્વ શાસ્ત્રોના મતે આ મનુષ્ય માટે કલ્યાણકારી માર્ગ છે.

વિસ્તાર:- શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિ મનુષ્ય માટે કલ્યાણકારી એવા આઠ માર્ગ બતાવે છે.

प्राणाघातान्निवृत्ति – જીવહિંસા ન કરવી. શાસ્ત્રોમાં અનેક જગ્યાએ ઉલ્લેખ છે ‘અહિંસા પરમો ધર્મ’. હિંસા કરનાર લોકો માટે કબીરજી કહે છે,

बकरी पाती खात है, ताकी काढ़ि खाल।
जो बकरी को खात है, तिनको कौन हवाल?
मुर्गी मुल्ला सों कहै, ज़िबह करत है मोहि।
साहब लेखा माँगसी, संकट परि है तोहि ।।
गला काटि कलमा भरे, किया कहै हलाल।
साहब लेखा माँगसी, तब होसी कौन हवाल?

परधनहरणे संयम: – પરધન હરણ કરતાં સંયમ જાળવવો. ધનલાલસા હોય તો મહેનત કરવી, અન્યના ધન પર નજર નાખવી નહીં. સમય વીતતાં પરધન સમૂળ નાશ પામે છે. તેથી જ કહેવાયું છે કે,

अन्यायोपार्जितं द्रव्यं दशवर्षाणि तिष्ठति।
प्राप्ते चैकादशे वर्षे समूलं हि विनश्यति।।

અન્યાયથી પ્રાપ્ત કરેલું ધન વધીને દસ વર્ષ ટકે છે. અગિયારમું વર્ષ પ્રાપ્ત થતાં જ તે સમૂળગું નાશ પામે છે.

सत्यवाक्यं – સત્ય બોલવું. સત્ય બોલનારને ક્યારેય કશું યાદ રાખવું પડતું નથી. આથી હંમેશા સત્ય બોલવું.

काले शक्त्या प्रदानं – યથાશક્તિ દાન કરવું. સમયે સમયે મનુષ્યે શક્તિ અનુસાર દાન કરવું જોઈએ. હિતોપદેશમાં કહ્યું છે કે,

अजरामरवत् प्राज्ञो विद्यामर्थं च चिन्तयेत्।
गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ॥

બુદ્ધિશાળી મનુષ્યએ પોતે અજર અમર રહેવાનો છે એમ માની વિદ્યા અને સંપત્તિ પ્રાપ્ત કરતા રહેવા જોઈએ તથા મૃત્યુએ પોતાની સાથે લઈ જવા માટે વાળ ખેંચી જ રાખ્યા છે એમ માની ધર્મનું આચરણ કરતા રહેવું જોઈએ.

युवतिजनकथामूकभावः परेषाम् – પરસ્ત્રીઓની ચર્ચા ન કરવી કે ન સાંભળવી. પરસ્ત્રીઓની ચર્ચા કરનાર કે સાંભળનાર વ્યક્તિ ચાર વસ્તુઓનો અધિકારી બને છે: ૧) અપયશ, ૨) નિદ્રાનાશક ચિંતા, ૩) દંડ, ૪) નરક.

तृष्णास्रोतोविभङ्गो – તૃષ્ણાના પ્રવાહને તોડવો. કાલાન્તે, શરીરાન્તે પણ મનુષ્યની‌ આશા-તૃષ્ણા છૂટતી નથી.

माया मरी न मन मरा, मर मर गये शरीर।
आषा तृष्णा ना मरी, कह गये दास कबीर।।

गुरुषु विनयः – ગુરુજનો પ્રત્યે વિનયભાવ. ભર્તૃહરિ વિદ્યાના સમર્થક છે તેમ ગુરૂ ભક્તિના પણ સમર્થક છે. ગુરૂની આજ્ઞા નમ્રપણે સ્વીકારવી.

सर्वभूतानुकम्पा – પ્રાણીમાત્ર પ્રત્યે દયા – અનુકંપા રાખવી. જીવમાત્ર પ્રત્યે દયા રાખવી તે જ માનવતા કે માનવધર્મ છે. આમ, ભર્તૃહરિ અહીં માનવ માટે કલ્યાણકારી એવા આઠ માર્ગો દર્શાવે છે.

— ડૉ. રંજન જોષી


આપનો પ્રતિભાવ આપો....

One thought on “નીતિશતકના મૂલ્યો (૯) – ડૉ. રંજન જોષી

  • Janardan Shastri

    નિષ્ક્લેશલેશમ્ મન: ગીતાના સ્થિત પ્રજ્ઞ શબ્દ સાથે સરખાવો।