બચપન કા પ્યાર મેરા ભૂલ ન જાના રે..


આપણાં ગુલ્લકનાં સૌથી મોંઘેરા ને સૌનાં બાળપણનાં પહેલાં પ્રેમ વિશે આજે કશુંક જોઈએ. કઈ જગ્યા વિશે એની ધારણા માટે થોડી હિંટ આપું.

અરે.. અરે.. એક મિનિટ! આજે આપણે અત્યારે યૂટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરી રહેલા એક બાળક દ્વારા ગવાયેલ કોઈ ગીત વિશે વાત નથી કરવાનાં, એ ક્યાંથી આવ્યું કે કોણે એને અપલોડ કર્યું એના વિશે પણ નહીં.. પરંતુ વાત કરવી છે એ સમય વિશે કે જેને આપણાં દિલોદિમાગ પર અને ઘડતરમાં અમીટ છાપ છોડી છે. આપણાં ગુલ્લકનાં સૌથી મોંઘેરા ને સૌનાં બાળપણનાં પહેલાં પ્રેમ વિશે આજે કશુંક જોઈએ. કઈ જગ્યા વિશે એની ધારણા માટે થોડી હિંટ આપું..

જે તે સમયે એ ચોક્કસપણે આપણી સૌથી અણગમતી જગ્યા હતી, પણ આજે? એનાં વિશે વાતો કરવી, આપણાં બાળકોને એ સમયના તોફાન અને મસ્તી વિશે કહેતાં રહેવું ખૂબ જ ગમે છે.. આ જગ્યા એટલે આપણી શાળા! હવે તમે એને સ્કૂલ, નિશાળ કે લર્નિંગ હબ કે કોચિંગ ઇન્સ્ટિટયૂટ.. જે પણ કહો, જે સંવેદનો એ સ્થાનથી જોડાયેલા છે એ તો એના એ જ રહેવાના! થોડાં દિવસ પહેલાં અમારા એક શિક્ષકનાં જન્મદિન નિમિત્તે શાળાએ જવાનું થયું. સાચે જ એવું લાગ્યું કે ફરી જીવનની એક એવી ક્ષણને માણી કે જે કાળનાં કફન નીચે દફન થઈ ગયેલી. એ બેન્ચ, બ્લેકબોર્ડ, રમતનું મેદાન- કશું જ નથી બદલાયું. ચોક્કસપણે રંગરોગાને બધું જ એકદમ મોર્ડન વાઘા પહેરાવી આપ્યાં છે, પણ એ જગ્યા સાથેનાં સ્મરણો હજુયે અકબંધ છે. ને એ બધાને પુનઃઆકાર લેતાં જોઈને એવું લાગ્યું કે સહેજ જો જાતને ખોતરીએ, તો કેટકેટલું નીકળે.. 

માણસને જરા ખોતરો, ને ખજાનો નીકળે
સાચવીને સંઘરેલો, એક જમાનો નીકળે.

મારી ને તમારી ફિતરતને વર્ણવતી કોઈક કવિની લખેલી આ પંક્તિઓ મને એકદમ વ્હાલી લાગે છે! આજે જ્યારે થોડાં સમયમાં શાળાઓ ફરીથી શરૂ થવા જઈ રહી છે ત્યારે આ નોસ્ટેલજીક ફીલિંગ આવ્યા વગર કેમ રહે? આ લાગણી દરેક માટે વ્યક્તિગત જ હોવાની. શાળા સાથેનું આપણું બંધન બહુ જ વાસ્તવિક અને પોતીકું હશે. કેટલાંકને સ્કૂલે જવું સૌથી વધુ ગમતું હશે તો મારા જેવા કેટલાય હશે જ જેમણે સવારે 6 વાગે નહીં ઉઠવા માટે, દફ્તર નહીં ભરવા માટે, ગૃહકાર્ય નહીં કરી લાવવાં માટે દરેક શક્ય બહાનાં બનાવ્યાં હશે!

toddler in pink and white polka dot shirt
Photo by Subham Majumder on Pexels.com

એ સમયે ફક્ત ખંડેર જેવું લાગતું સ્થળ કે જ્યાં બધાં જ ખંડોમાં બે દરવાજા હોતા, એક કે જેમાંથી શિક્ષક આવે ને બીજો દરવાજો કે જ્યાંથી આપણે અંદર જવાનું ને બહાર નીકળવાનું એ આજે કેવો ગમતીલો કલાસરૂમ લાગે છે! એ બ્લેકબોર્ડ સાફ કરવું, ચોકનો ડબ્બો ગોઠવવો, ઓફિસમાં ડસ્ટર લેવાં જવું, શાળાનાં મેદાનની સફાઈ કરવી કે ફૂટપટ્ટીનો ડર જે એ સમયે મસમોટો ભાર અને જેનાંથી બચવું જીવનનો એકમાત્ર ધ્યેય હોય એ આજે કેટલું આકર્ષિત કરે છે! મારાં માટે તો શાળાએ જવું એટલે દરરોજ ઘરેથી અમુક પૈસા લઈ અને રિસેસમાં ભૂંગળા-બટેટાની, બધાનાં અવનવાં ડબ્બામાંથી મળતાં નાસ્તાની જમાવટ કરવી, કઈ નવી રમત શોધી અને રમવી, ને દરરોજ સવારે ઊઠીને આજે કઈ રીતે રજા પાડી શકાય અને પરાણે સ્કૂલે ગયા પછી કઈ રીતે જલ્દીથી ઘરે જવા મળે એ બ્રહ્મપ્રશ્ન હતો!

એ સમયે સ્પર્ધાઓ જીત્યા પછી ઈનામમાં મળેલી અમુક રકમને સાચવીને ગલ્લામાં મૂકી અને દરેક મહેમાનને ગલ્લામાં કેટલાં બધાં પૈસા છે એવું દેખાડવામાં જે આનંદ આવતો એ આજનાં બૅન્કનાં સ્ટૅટમેન્ટ બતાવવામાં નથી આવતો. આજે અણગમતો લાગતો શિયાળો ત્યારે કેવો ગમતો! સવારે ક્યારેક નાહ્યા વિના જવાની મજા, ટાઈ ન પહેરીને તેને અવનવાં સ્વેટર નીચે છુપાવવાની મજા આહલાદક હતી. દર ચોમાસામાં લગભગ પલળીને ઘરે આવવાની કે વરસાદમાં મેદાનમાં રમવા જવાની તોલે શું આવે ?  દર શનિવારે થતી બાળસભા અને દરરોજની પ્રાર્થનાસભાથી ક્યાંકને ક્યાંક આપણો ઈશ્વર પરનો વિશ્વાસ દ્રઢ બનતો હતો. જ્યારે હાલ આ બધું ઓલ્ડ કલચર્ડ ગણાવા લાગ્યું છે! આ બધું જ ફક્ત ભણતરનો ભાગ નહોતો, આપણાં સર્વાંગી વિકાસનો એક પાયો હતો.

પણ અફસોસ! આપણી આજની આ પેઢીને એમાંનું કશું જ નસીબ નથી થવાનું. વર્તમાન સંજોગોમાં કારણે જ્યારે એકબીજા સાથેનો વાર્તાલાપ પણ જોજનો દૂર લાગતો હોય ત્યારે બાથ ભીડીને લડવું, મેદાનમાં રમવું કે મોકળા મને પડ્યા પછી રડવું શું હોય એ એમને કેમ સમજાશે? જે પ્રવાસોની આપણે કાગડોળે રાહ જોતાં એ પ્રવાસ એમનાં શબ્દકોશમાં જ નથી. એડયુકેશનલ ટુર સિવાયની બધી જ વાત એમને નકામી અને સમયનો બગાડ લાગે એવી માનસિકતા આપણે સૌએ ક્યાંકને ક્યાંક વાવી છે એમનામાં.

કહેવાય છે કે તમે કોઈ સ્થળને છોડીને જઈ શકો પણ તમારામાંથી એ સ્થળને ન કાઢી શકો. શાળાનું પણ એવું જ છે! શિક્ષકોનું આપણાં જીવનમાં સ્થાન એવું છે કે જેનો વિકલ્પ અશક્ય છે. આપણી જાતને એક સવાલ પૂછીએ -આજે આપણે જ્યાં પણ છીએ, જે પણ ક્ષેત્રમાં ,એ કોણે શીખવાડ્યું?  કોણ છે એનાં મૂળમાં? ચોક્કસપણે કોઈ ને કોઈ શિક્ષક જ આવશે એનાં જવાબમાં. ને આ બધી જ યાદો આપણો ખજાનો છે! 

એક વખત એક વૃદ્ધ ખ્રિસ્તી પાદરીની બદલી છેવાડાના ગામડામાં થઈ. એટલા બધાં કંકાસ અને ઝગડા થતાં એ ગામમાં કે કોઈ બહારનું વ્યક્તિ ત્યાં રહી જ ન શકે. અંદાજીત ત્રણેક હજારની વસ્તી ધરાવતાં એ ગામમાં ફક્ત એક જ શાળા હતી. ખૂબ ઓછી વસ્તી અને બધાં જ નિરક્ષર. માટે શાળામાં બધાં જ વિદ્યાર્થીઓ એક જ વર્ગખંડમાં બેસે અને બાજુનાં ગામમાંથી આવતાં એક જ શિક્ષક એમને ભણાવતાં, એ પણ ત્યારે જ જ્યારે એ આવી શકે એમ હોય. માટે અક્ષરજ્ઞાનનું મહત્વ, શિસ્ત અને હળીમળીને રહેવું એ બાળકોને આવડતું જ નહીં. બનવજોગ કોઈક બીમારીને કારણે એ શિક્ષક અવસાન પામ્યાં. હવે?

થોડાં દિવસો તો બધું બંધ રહ્યું. પેલાં પાદરીને આ વાત ખટકતી. એમણે ગામલોકો સાથે વાત કરી અને પોતે શિક્ષક બની એ શાળાને ફરી ધબકતી કરી. દરરોજ કોઈ એક વિદ્યાર્થી કે જેનું વર્તન સારું હોય એને નાનકડી ભેટ આપવામાં આવતી. શિક્ષાના પાઠ સાથે તેમણે જીવનની વાતો અને શીખ પણ આપવાનું શરૂ કર્યું. દરરોજ એમનાં વર્ગમાં એ એવું બોલાવતાં કે આપણાથી બને એટલી ને એવડી મદદ દરરોજ કોઈકને કરવી અને એ કર્યા વગર સૂવું નહીં ને કોઈ સાથે લડવું નહીં. કશુંક નવીન હતું એટલે બાળકોને વધાવી લીધું ને ભેટની લાલચમાં બાળકોએ એકબીજા સાથે સારું વર્તન કરવાનું શરૂ કર્યું. શિક્ષકની સામે સારું બનવા જતાં એકબીજાનાં દોષ જોઈને લડવા કરતાં તમને જતા કરવાથી કદાચ ભેટ મળી જાય તો? એવું વિચારતાં ક્યારે તેઓ એકબીજાની પરિસ્થિતિ સમજી એકબીજા પડખે ઉભા રહેતાં થયા એ કોઈને ન સમજાયું.

પહેલાં એકબીજાને કરડવા દોડતાં વિદ્યાર્થીઓ હવે સાથે રમવા, નાસ્તો કરવા લાગ્યાં, એકબીજાને ઘરની વાતો કહેવા લાગ્યા અને સાથે બેસીને સમય વિતાવવા લાગ્યા. વખત જતાં દરેક બાળકમાં આ આદત આવતી ગઈ અને થોડાં વર્ષોમાં અંદરોઅંદરના કલેહ અને કંકાસ ઓછા થવા લાગ્યાં. જે ગામમાંથી આજ સુધી કોઈ બાળક ભણવામાં આગળ આવતું નહોતું એનાં બદલે હવે બાળકો વધુ સારા શિક્ષણ માટે બહાર જવા લાગ્યાં. જુઓ! એક વ્યક્તિના સીંચને આખી આવનારી પેઢીના ભાવિ ને બદલી નાખ્યું. હંમેશા બીજામાં દોષ જોવા કરતાં આપણી સમજણના કાચને પણ ક્યારેક સાફ કરતો રહેવો જોઈએ એવું જો કદાચ આ શિક્ષકે ન શીખવ્યું હોત તો?

આજનાં સમયમાં શાળાનું બંધારણ, મૂળભૂત પદ્ધતિઓ બદલાઈ છે જે કદાચ આપણાં બાળકને આવનારી દરેક વિષયની પરીક્ષા માટે, વિષયોમાં નિપુણ બનવા માટેની પૂરતી તાલીમ આપે છે પરંતુ જ્યારે જીવનમાં પ્રશ્નો ઊભા થાય કે કોઈ કૌટુંબિક સમસ્યા આવે ત્યારે કઈ રીતે વર્તવું કે શું કરવું જોઈએ એ શીખવવાનો વિષય જ વિસરાઈ ગયો છે! કૃષ્ણ દવે ખૂબ સરસ લખે છે –

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

શિક્ષણ ત્રિવેણી પ્રવાહ છે જેમાં બાળકો, શિક્ષકો અને સાથે વાલીઓ પણ મહત્વનો પ્રવાહ છે. સંજોગોવશાત માતાપિતા આજે બાળકનાં શિક્ષણમાં, એની વર્તણૂકમાં જોઈએ એવો રસ નથી લેતાં અને તેમને ખૂબ બધી બિનજરૂરી વ્યવસ્થાઓ આપી દે છે અથવા મહત્વકાંક્ષાઓનું એક વિષચક્ર ઉભું કરી દે છે જેમાં પેલું બાળક મૂંઝાઈ ને કરમાઈ જાય. આમાંની એક પણ ઘટના કદાચ આપણી સાથે નથી બની. તો પછી એ પણ ચોક્કસ ખ્યાલ રાખીએ કે આપણાં બગીચામાં પુષ્પ સાથે પણ ન બને. અને જો બની હોય તો શું આપણે રિપીટ ટેલિકાસ્ટની તૈયારી કરીએ છીએ?

ઈશ્વરે કદાચ આપણને માળીનું પદ આપ્યું છે, નથી એ બગીચો કે વિશ્વ આપણું કે એમાં રહેલ પુષ્પો પર આપણો માલિકીભાવ. આપણે બસ એનું જતન કરવાનું છે! એ બગીચા પર આવનાર દરેક વરસાદ, તોફાન, વીજળી કે કશું જ આપણે રોકી નહીં શકીએ અને જો છોડને સાવ અલિપ્ત મૂકી દઈશું તો એ ખીલી જ નહીં શકે, પક્ષીઓનાં ટહુકા, ભીની માટીનો સ્પર્શ કે ઝાકળનાં બિંદુઓનો આસ્વાદ એ કેમ કરશે? આપણે એની સાથે આકાર લેનારી કોઈ ઘટનામાં તસુભાર બદલાવ નથી કરી શકવાના. આપણું કાર્ય ફક્ત એ બગીચાને કોઈ ઉજ્જડ ન કરી જાય, કોઈ એ પુષ્પને તોડી ન જાય એટલું જ જોવાનું છે!  ભલે આપણી શિખામણો, અનુભવોને નવા ઢાંચામાં ઢાળીએ પણ આવનારી પેઢીને આ દરેક સ્પર્શથી પરિચિત કરાવીએ જેથી એની પાસે પણ કશુંક ભવિષ્યમાં વાગોળવા માટે રહે! ચાલો આપણને અપાયેલા માળીના એ કિરદારને પૂરો ન્યાય આપીએ!

– આરઝૂ ભૂરાણી 

આરઝૂ ભૂરાણીના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લાગણીઓનું ગુલ્લક’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.

આપનો પ્રતિભાવ આપો....