સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૪) 5


બ્રહ્મપુત્ર નદીના વધતા જળને કારણે ટાપુએ થોડોક ભાગ ગુમાવ્યો છે. તેમ છતા માજુલી સમગ્ર વિશ્વના સૌથી મોટો નદી પરના ટાપુ તરીકે ગીનીઝબુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં નોધાયેલ છે. કાઝીરંગાની અલભ્ય મજા લઇ અમે પછીના દિવસે સાત વાગે નીકળ્યાં.

સ્વાતિબેન શાહના અક્ષરનાદ પર પ્રસ્તુત પ્રવાસલેખો અહીં ક્લિક કરીને માણી શક્શો.

આપ સૌ વાચક વર્ગને નોર્થ ઇસ્ટ ફરવાની મજા આવતી હશે. આજે તો તમને એક અકલ્પ્ય જગ્યાની મુલાકાત મારે કરાવવી તેવું નક્કી કરીને આ લખાણ શરુ કરુ છું.

કાઝીરંગાની અલભ્ય મજા લઇ અમે પછીના દિવસે સાત વાગે નીકળ્યાં. આ જગ્યાનું કુદરતી સીમાચિહ્ન આ પ્રદેશમાં એટલે કે આસામમાં આવેલું છે. આસામમાં વચ્ચે આવેલ વિશ્વનો સૌથી મોટો નદીનો માજુલી ટાપુ છે. નદી બ્રહ્મપુત્રાના અસ્થિર પાણી પર આસામની મધ્યમાં આવેલો છે.

આ જગ્યાનો પહેલા આછેરો ખ્યાલ આપું તો બ્રહ્મપુત્રા નદીના વધતા જળને કારણે ટાપુએ થોડોક ભાગ ગુમાવ્યો છે. તેમ છતા ગીનીઝબુક ઓફ રેકોર્ડમાં સમગ્ર વિશ્વનો સૌથી મોટો નદી પરનો ટાપુ તરીકે નોધાયેલ છે. જ્યાં ઘણા લોકો રહે છે.  માજુલી એક ટાપુ હોવાના કારણે બહુ સ્પષ્ટ છેકે ત્યાં જવા માટે ટ્રેન કે ગાડી નો વિકલ્પ નથી. ફેરી માંજ જવું પડે.

અમે અગાઉથી ફેરીનો સમય જાણી રાખ્યો હતો માટે એ ગણત્રી મુજબ સવારે સાત વાગે કાઝીરંગા થી નાસ્તો કરી અને નીકળ્યા. લગભગ બે કલાકમાં અમે કમલાબારી ઘાટ ઉપર પહોંચ્યા. માણસોની ઘણી ભીડ હતી. લોકોને પુછતા જાણવા મળ્યું કે ભગવાન કૃષ્ણનો રાસ ચાલતો હોવાથી ભીડ છે. બે કલાક રાહ જોયા પછી અમારો નંબર આવ્યો. આ ફેરીમાં માણસો, વિવિધ વાહનો જેમકે મોટર, સાયકલ, સ્કુટર વગેરે બધું ચડાવીને ટાપુ પર પહોંચાડી દે. અમારી ફેરીનો અંદાજ કાઢ્યો તો લગભગ ત્રણસો માણસ હશે. ધીમો ધીમો વરસાદ ચાલુ થયો એટલે અમે ગાડીમાં બેસી ગયાં. બ્રહ્મપુત્રા નદી એક સમુદ્ર સમાન ભાસતી હતી. લગભગ બે કલાકે અમે ટાપુ પર ઉતર્યા.

સાંકડા રસ્તા પર અને એમાં પાછો હળવો વરસાદ પડી ગયેલો એટલે કાદવ જેવો રસ્તો હતો. રસ્તાની બંને બાજુ નાના ઝુંપડા હતાં જે એ લોકોના કહેવા મુજબ પુરપીડિત લોકો ત્યાં રહેતા હતાં. અમારું બુકીંગ સેજુ વિલાસમાં હતું. નાનકડી એવી મધ્યમ ક્લાસની એક હોટલ હતી આ વાત હું ૨૦૦૯ની કરું છું. હવે તો ઘણી સારી રહેવાની જગ્યા થઇ ગઈ.

માજુલીનું ભૌગોલિક મહત્વ સાથે સ્થાનિક આસામી લોકોના જીવનમાં સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. તે નિયો વૈષ્ણવ ચળવળનું સ્થાન છે.ધાર્મિક સંવાદિતા અને શાંતિ માટે લાંબા કાળની બેઠક છે. માજુલીમાં ચાર પ્રકારના વૈષ્ણવ સત્ર છે. એમાં એક સત્ર એવું પણ હતું કે જે અનાથ બાળકો હોય અથવાતો જે માતાપિતા પોતાના બાળકનો ઉછેર સરખી રીતે ના કરી શકતા હોય તેવા લોકો પોતાના બાળકને હરિ ચરણે સોંપી દેછે. એટલે કે સત્રમાં  મોકલી દેછે.

અમે સૌ પહેલા જ્યાં જોવા ગયાં ત્યાં એકલા પરુષો જ રહેતા હોય જેમને લગ્ન ના કરવા હોય.. એક લાઈનમાં ત્રણ ઓરડા હોય તેવા નાના મકાનો હતા. ત્યાં રહેનારમાં થોડું હિન્દી સમજી શકે તેવા પણ હતા. એટલે વાતો કરવાની મજા આવી. વાતો કરતા અમે તેઓનું ગુજરાન કેવી રીતે ચાલે છે તે પુછ્યું તો ખબર પડીકે તેઓમાંના ઘણાં બહુ સારા નૃત્યકાર અને સંગીતકાર હતા.

એ લોકો નૃત્યના શો કરી કમાણી કરતા, બાકીના થોડા ત્યાં નાની ખેતી કરતા. અમને જે મુકુન્દ નામના ભાઈ બધું બતાવતા હતા તેઓ સારા નૃત્યકાર હતા. તેમના ડાન્સ ગ્રુપના શો ઇન્ટરનેશનલ લેવલ પર થયા છે. ફ્રાંસમાં તેમનો શો ઘણો વખણાયેલો. મુકુન્દ જે અમને બધું બતાવતો હતો તે સ્ત્રી પાત્ર ભજવવામાં એક્સપર્ટ હતો. આ નાના ઓરડાઓમાં કોઈકમાં ત્રણ ને કોઈકમાં ચાર જણા રહેતા હતાં. ઉમરમાં મોટા હોય તે તેમનાથી નાના સભ્યનું ધ્યાન રાખે.

અમારી સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અમે જરા ફટાફટ ફર્યા. બાજુના બીજા સત્રમા ગયા ત્યાં જોયું તો ત્યાં સહકુટુંબ રહેતા હતા. તેઓ જુદાજુદા માસ્ક બનાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે. અંધારું થઇ ગયું હતું અને અમુક સત્રના દરવાજા પણ બંધ થઇ ગયા હતા એટલે અમે સાત વાગે પાછા ફર્યા કારણ પછીનાં પ્રોગ્રામમાં સમયસર પહોંચવાની લાલસા. રાતના આઠ વાગે રાસલીલા શરુ થવાની હતી. એટલે અમે સમયસર પહોંચી ગયા. અમારા ગાઈડ દ્વારા ટીકીટ વહેલી લેવાઈ ગઈ હતી એટલે ફટાફટ મોટા મંડપમાં દાખલ થઇ ગયા.

રાજના એક ઓળખીતા ભાઈ અમારી સાથે આવ્યા હતા તે થોડીવારમાં મુકેશને બેકસ્ટેજ લઇ ગયા. બેકસ્ટેજ પર બધાના મેકપનું કામ ચાલતું હતું એટલે મુકેશને ફોટોગ્રાફી કરવાની બહુ મજા આવી. લગભગ અડધો કલાક ફોટોગ્રાફી કરી તે પાછો આવ્યો. અને રાસલીલા શરુ થઇ. શરૂઆતમાં નાના બાળકોનો કોઈક પ્રોગ્રામ હતો પછી રાસલીલા શરુ થઇ. ખુબ સુંદર મોર્ડન સેટ લગાવવામાં આવ્યો હતો. આસામી ભાષામાં હોવાથી સમજ ના પડી એટલે થોડીવાર બેસી નીકળી ગયાં. હોટલ બહુજ બેસીક હતી પણ થાક લાગ્યો હતો એટલે ઊંઘ આવી ગઈ.

સવારમાં વહેલા સાડા છ વાગે ઘાટ ઉપર ગયાં. અમારો નંબર તરત આવી ગયો. પાછા બે કલાકની ફેરીની સફર કરી કમલાબારી ઘાટ પર આવ્યા. રસ્તામાં મને માજુલીના વિચારો છોડતું નહોતું. બ્રહ્મપુત્રા નદીમાં વધતું પાણી, ગ્લોબલ વોમ્રીંગ, આ બધાની સામે આ ટાપુ કેટલા વર્ષ રહેશે તે પ્રશ્ન ઘુમરાવા લાગ્યો. ઘાટ ઉપર ઉતરીને પ્લાન પ્રમાણે જોરહાટ ની હોટલમાં નાસ્તો કરી આગળ ઘણું જવાનું હતું એટલે ફટાફટ નીકળી ગયા. આજે અમારે બસો અઠ્યાસી  કિલોમીટર જવાનું હતું.

રસ્તામાં ત્રણ વાગે એક ધાબા પર ખાઈ આગળ વધ્યા.પાંચ વાગતા બ્રહ્મપુત્રા રીવર રિસોર્ટ પર ખાલી રાતવાસો કરવા રોકાયા. સવારમાં સાડા છ વાગે ચેરાપુંજી જવા નીકળ્યા. દસ વાગે શિલોંગમાં એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરામાં ઢોંસા, ઈડલીનો નાસ્તો કરી શિલોંગ જોવા નીકળ્યા. શિલોંગમાં ગાડીઓની લાંબી લાઈનો જોવા મળે. કહેવાય હિલસ્ટેશન પણ મુંબઈની યાદ અપાવે તેવા ગીર્દીવાળા રસ્તા. અમારે લોકલ બજાર જોવું હતું એટલે કોમન પાર્કિંગમાં ગાડી મુકી ટેક્સી કરી બજાર જોવા ગયા..

મેઘાલયમાં લેડીઝ ડોમિનેટિંગ સોસાયટી હોવાને કારણે બધી દુકાનો ચલાવતી સ્ત્રીઓ ચલાવતી જોવા મળી. શાકભાજી, જીવન જરીરિયાતની વસ્તુઓ બહેનો દ્રારા વેચાતી જોવાનો વિશેષ અનુભવ રહ્યો. મેઘાલયમાં બહેનો કામધંધો કરે અને પુરુષો ઘર અને બાળકો સાચવે. અમારે તો આજે જ ચેરાપુંજી પહોંચવાનું હતું એટલે ફટાફટ આગળ વધ્યા.

રસ્તા માં જુદા જુદા પ્રકારના લેન્ડસ્કેપ જોવાની મજા આવી. શિલોંગ થી ચેરાપુંજી લગભગ બે કલાક થાય.અમે રસ્તામાં એલીફન્ટ ફોલ જોઈ ફોટા પડતા આગળ વધ્યા. ખાસી પર્વતમાળાનું સૌન્દર્ય કંઇક વિશેષ હતું. રસ્તામાં ઘણા ખાસી લોકો જોવા મળ્યા. થોડે આગળ વધ્યાં અમારે સનસેટ જોવો હતો એટલે અમે નોકાલીકાઈ ફોલ્સ પાસે ઉભા રહ્યા. એક જમાનામાં કહેવાતું હતું કે સૌથી વધારે વરસાદ ચેરાપુંજી માં પડે પણ હવે આ ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણું બદલાઈ ગયું છે. રસ્તાની બાજુમાં એક મોટા પ્લેટ્યું જેવી વિશાળ જગ્યા હતી ત્યાં અમારી ગાડી પાર્ક કરી ઉતર્યા.

પર્વતની આરે નીચે ઊંડી ખાઈ દેખાય, સામે મોટા લીલાછમ પર્વતો ત્રિકોણ આકારે અને એમાંથી પડતા પાણીના ધોધ ખુબ સુંદર લાગતા હતાં. ધીમે ધીમે સૂર્યદેવને અસ્ત થતો જોઈ કૈક અનેરો અનુભવ આંખથી શરીરમાં ઉતરતો અનુભવ્યો.

અમારું બુકીંગ ચેરાપુંજી હોલીડે રિસોર્ટમાં કરાવેલ હતું એટલે સીધા ત્યાં પહોંચ્યા. છ રૂમની આ સુંદર રિસોર્ટ હતી. મી એન્ડ મીસીસ ડેનીસ નામનું યુગલ આ રિસોર્ટ ચલાવતું હતું. શાંતિ થી બેઠા. ગૌહાતી થી એક મા અને દીકરી ફરવા આવેલા તેમની સાથે વાતો કરી જમ્યા. સાત વાગે જમવાનું હતું અને પછી આઠ થી નવ લોકલ લોકોના સંગીતનો પ્રોગ્રામ હતો. શાંતિ ભરી સાંજ અને સંગીત મઢી રાત પછી તો થાક કેવો ભાગી જાય! મસ્ત ઊંઘ્યાં.

સવારમાં પોણા છ વાગે ઊઠી મુકેશ તૈયાર થઇ સાડા છ વાગે પેક સેન્ડવિચનો  નાસ્તો લઇ લીવીંગરુટ બ્રીજનો ટ્રેક કરવા ગયો. હું પહેલેથી આવી હાડમારીથી દુર ભાગતી એટલે ટ્રેક પર મુકેશ એકલો જ ગયો. હું શાંતિથી ઊઠી પરવારી અને મુકેશની રાહ જોતી કુદરતને ખોળે બેઠી. ચારે બાજુ લીલોતરી, ઠંડકવળી સવાર બહુ આનંદાયક હતી. લગભગ સાડા દસ વાગે મુકેશ પસીનેથી રેબઝેબ થયેલો ઉપર આવ્યો. ફ્રેશ થઇ બ્રેકફાસ્ટ કરવા બેઠાં ત્યારે એણે ટ્રેક અંગેની વાત કરી.

ખુબ ઉતાર વાળો ભાગ હતો જ્યાંથી નીચે ઉતારવાના પગથિયા કહી શકાય એવી રીતે પત્થર ગોઠવેલા હતા. તેમાંના ઘણાં લપસણા હોવાથી ધીમે ધીમે નીચે ઉતરીને જોયું તો બંને બાજુ વિશાળ ઝાડ અને ઝાડીઝાંખરા હતા. તેમાંથી રસ્તો કાઢ્યો હતો. છેક નીચે પહોંચ્યા ત્યાં પાણી વહેતું મળ્યું. તેની ઉપર બંને બાજુના  વિશાળ ઝાડના મુળિયા ખેંચી ને આખો પુલ બનાવેલો હતો તે પુલની મજબુતી ત્રણસો માણસ ઉભા રહી શકે તેટલી હતી. આ પુલ પર ચાલી સામે છેડે જઈ પાછા આવી ખુબ રોમાંચિત થઇ મુકેશે ફોટા તો પડ્યા પણ સાથે આવેલ ગાઈડે કહ્યું કે આ વિસ્તારમાં આવા ડબલ ડેકર પુલ પણ બનેલા છે જો તમે ઈચ્છો તો કાલે તમને ત્યાં લઇ જઈશ. અમારી પાસે દિવસો ઓછા હતા નહીતો મુકેશ ચોક્કસ ગયો હોત.

મુકેશ નાસ્તો કરતો હતો એ સમયમાં એની વાત પતી એટલે હું ફટાફટ સામાન ગાડીમાં મુકવા લાગી. આગળ શિલોંગ જવાનું બાકી હતું. રસ્તામાં પણ ઘણું જોવાનું હતું એટલે શક્ય એટલી ઉતાવળ કરી નીકળી ગયા. રસ્તામાં શરૂઆતમાં ઝરમર વરસાદ હતો પણ પછી અમારા સદભાગે અટકી ગયેલો હતો. રસ્તામાં સૌ પહેલા અમે બહુ પ્રખ્યાત એવી માવસમી કેવ જોવા ગયા. અંદરથી જોવી હોય તો વાંકા વળી હાથ અને પગનો સહારો લઇ ચારપગા થઇ અંદર જવું પડે.

અમે અંદર ગયા. બંને બાજુ સલ્ફર, પોટેશિયમ ભરેલા થીજી ગયેલા પાણી ના વિવિધ આકારો જોવા મળ્યા. કેટલાક તો હજારો વર્ષ પહેલા દરિયાઈ જીવ થીજી ગયા હોય તેવું લાગતું હતું. અંદાજીત દોઢસો થી બસો મીટર લાંબી આ કેવ એટલે કે ગુફા હશે. બંને બાજુ ચૂનાના કે મરડિયા પત્થર માંથી જુદાજુદા આકારો માણવાની બહુ મજા આવી.

ક્યાંક ઉપરથી પાણી ટપકતું હોય તો કયાંક નીચેથી પાણી વહેતું હોય. આવો અનેરો આનંદ માણી બહારની દુનિયામાં આવવાનું મન નહોતું થતું. પણ હવે આગળ તો વધવાનું જ હતું. બીજી ગુફા રીનોવેશન માટે બંધ હતી એટલે જેટલું જોયું તેટલું માણ્યું સમજી શિલોંગ તરફ આગળ વધ્યા. ચેરપુન્જીની સુંદરતા જોઈ શિલોંગ જેવા મોટા શહેરમાં બહુ નથી ફરવું તેવી ભાવના જાગૃત થઇ. એક જણાએ કીધું હતું કે અહિયાં ઘોસ્ટ પેપર કરીને બહુ તીખા મરચાં આવે છે. જો તે મળે તો મારે તેમના માટે લેતાં જવાના હતા.

પાછા લોકલ બજારમાં ગયાં અને તે મરચાં જોયા. મરચાના ટોપલા પાસે જાવ તોય તમારું નાક મારચાની વાસથી બળે. હું લેવા ગઈ એટલે તરત ગાઈડ બોલ્યો કે મેડમ સીધા હાથમાં ના લેતાં તમારા હાથ બળશે. એમને જ આપવા દો.અને એ જે પેપર બેગમાં આપે તેને હાથમાં ખુલ્લી રાખજો. સામાનમાં રાખશો તો બધું તીવ્ર વાસ વાળું થઇ જશે. બસ પછી તો અમારે એક બે હોટલ જોવી હતી તે જોઈ અમારી હોટલ પર પાછા આવ્યા.

તા.ક. હવે તો લીવીંગ રુટ બ્રિજનો ટ્રેક ના કરવો હોય તો મૌલીનોંગ ગામથી પણ સહેજ ચાલીને દેખાય છે. આ મૌલીનોંગ ગામને એશિયાનું સૌથી સ્વચ્છ ગામનો એવોર્ડ મળ્યો છે. વાતોમાં ને વાતોમાં જમી અને સુવા જવાનો સમય આવી ગયો.

વહેલા સુઈ પાછા સવારે ગૌહાટી જવા નીકળવાનું હતું. શીલોન્ગથી ગૌહાટી નવ્વાણું કિલોમીટર જવાનું હતું એટલે બહુ વાંધો આવે એવું નહોતું પણ હજી અમારે ગૌહાટીમાં કામ હતું. શીલોન્ગથી ગૌહાટી જવાનો રસ્તો બહુ ટ્રાફિક વાળો હતો. જે રસ્તે બે કલાકમાં પહોંચી જવાય ત્યાં પહોંચતા અમને સાડાત્રણ કલાક થયા. થોડો થાક લાગ્યો પણ આજે થોડું કામ પતાવી બપોરે એક વાગે એરપોર્ટ પહોંચવાનું હતું. બે વાગ્યાની ફ્લાઈટ માં અમદાવાદ નીકળવા જવાનું હતું.

અમે પહેલા કામાખ્યા મંદિર ગયા. ત્યાં ઘણી મોટી લાઈન હતી પણ અમને બહારથી દર્શન કરવામાં વાંધો ના આવ્યો. બીજું કંઈ ફરવાનો સમય ઓછો હતો .એકબે દુકાનમાં ફર્યા પણ કંઈ ખરીદી નહોતી કરવી. આમ પણ અમને ખરીદી કરવામાં બહુ રસ નહોતો. ખાલી ત્યાંની વિશેષતા જાણવા હું ગઈ હતી. ત્યાં હાથ વણાટના કાપડ, બામ્બુમાંથી બનેલી વસ્તુઓ વગેરે જોયું.

પછી અમારી ઓફીસમાં ગયાં ત્યાં જ જમીને એરપોર્ટ જવા નીકળી ગયા. મારે આ લેખમાં ખાસ લખવું રહ્યું કે નોર્થ ઇસ્ટના માણસો બહુ સરળ સ્વભાવના અને તેઓની લાઈફ એકદમ સીધી સાદી હોય છે. આસામ, અરુણાચલ અને મેઘાલય હું અને મુકેશ અમારા ગાઈડને લઈને ફર્યા પણ કયાંય કોઈ તકલીફ પડી નથી. અમારા આ પંદર દિવસના પ્રોગ્રામ દરમ્યાન અમે ખુબજ જુદા પ્રકારનું જીવન જીવ્યા હોય તેવા અનુભવ સાથે અમદાવાદ પાછા ફર્યા.

હવે આગળ પાછા નવી જગ્યાએ ફરવા જવા સજ્જ થઇ જજો. હા, નિરાશ નહીં કરું તેવું જરુરથી કહીશ. તો મળીયે આવતા અંકે.

મિત્રો જો મારી કરેલી નોર્થ ઇસ્ટની યાત્રામાં આપને મજા આવી હોય તો જરુરથી પ્રતિભાવ આપશો. હવે આવતા અંકે કોઈક જુદાજ પ્રદેશની સેર કરવા તૈયાર રહેજો. રહેશો ને?

– સ્વાતિ મુકેશ શાહ
Photo Copyright : Mukesh Shah, Ahmedabad


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૪)

  • Vandan Dalal

    Seven sisters in Fifteen days. Looks like you need more time to really see and enjoy this area. Added in must visit places of India.

  • Mita Mehta

    માજુલિ ટાપુ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે તે આજે ખબર પડી, દરેક પ્રવાસ માં કંઈ નેવું જ્ jaanavaa મળે છે, ખૂબજ સુન્દર વર્ણન કરીયુ છે,સાથે જ્ ફર્તા હોઇ એ તેવું લાગે,
    Congrats Swati,eagerly wating for next place

  • મનસુખલાલ ગાંધી

    બહુ સુંદર વર્ણન કર્યુ છે.

    ધંધાના કામ માટે હું એકવાર ગૌહાટી અને શીલોંગ ગયો છું, પણ, તમારી જેવી દૃષ્ટીથી જોવાનો તો ખ્યાલ જ ન આવ્યો..

    વાંચવાથી પણ જાણે રૂબરૂ જોયું હોય એવી લાગણી થાય છે,

  • Archita Pandya

    વાહ, શબ્દયાત્રાથી સફરનો આનંદ માણ્યો. સરસ લેખ.