કોરું આકાશ : અજય સોની, પરિભ્રમણ – હીરલ વ્યાસ 3


સંબંધો જન્મ સાથે મળતા હોય છે. પણ કેટલાક સંબંધો ઋણાનુબંધનથી મળતા હોય છે. ન કલ્પેલું, ન ધારેલું આપણને આ સંબંધો કરાવે છે. દરેક સંબંધની પણ એક સીમા હોય છે. પણ ક્યારેક કોઈ સંબંધ સીમાની બહારનો પણ હોય છે. જે સમજવો દરેક માટે શક્ય નથી હોતો.

પુસ્તકનું નામ –  કોરું આકાશ (લઘુનવલ)

લેખક – શ્રી અજય સોની

લેખક પરિચય – શ્રી અજય સોની વ્યવસાયે સોની છે અને સાથે એટલી જ બારીકાઈથી સર્જન પણ કરે છે. તેઓ મુખ્યત્વે વાર્તા, નિબંધ અને નવલકથા જેવા સાહિત્યના સ્વરુપમાં લખે છે. તેમની વાર્તાઓમાં કચ્છના જીવનની આબોહવા અનુભવાય અને છ્તાંય એ શુષ્ક કે નીરસ ન લાગે. વાચક વાર્તા વાંચતા એ પ્રદેશમાં, એ સમયમાં જાણે પહોંચી જાય એવું એમનું લખાણ.

એમના ત્રણ પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યા છે.

(૧) રેતીનો માણસ (ટૂંકીવાર્તા – ૨૦૧૭ – પાંચ જુદા-જુદા પુસ્કારો મળ્યા છે)
(૨) કથા -કૅન્વાસ (સંવેદનકથાઓ – ૨૦૧૯)
(૩) કોરું આકાશ (લઘુનવલ – ૨૦૨૦ – અખિલ હિંદ મહિલા પરિષદ સુરત શાખા દ્વારા આયોજિત લઘુનવલ સ્પર્ધા-૧૯ માં પ્રથમ ઈનામ)
(૪) જીવાઈ ગયેલી ક્ષણો (નવલકથા) ‌ટૂંક સમયમાં પ્રગટ થનાર છે.

તેમણે કચ્છમિત્ર દૈનિકમાં એક વર્ષ સુધી વાર્તાની કોલમ “સમી સાંજે” અને દિવ્ય ભાસ્કર દૈનિકમાં વાર્તાની કોલમ “સ્ટોરી કાફે” ચલાવી હતી. “દાઝ” વાર્તાને “કેતન મુનશી વાર્તા સ્પર્ધા-સુરત” નું ૨૦૧૬ નું દ્વિતિય પારિતોષિક મળ્યું છે. આ સિવાય પણ એમને ઘણા પારિતોષિક મળ્યા છે. તેમની વાર્તાઓ હિન્દી, અંગ્રેજી, પંજાબી ભાષામાં અનુવાદો પણ થયા છે.

પુસ્તક વિશે – મુખ્ય ત્રણ પાત્રો વચ્ચે રચાયેલા સંબંધોના તાણાવાણા અને ઋણાનુબંધનને આલેખતી લઘુનવલકથા એટલે ‘કોરું આકાશ’. આખી લઘુનવલમાં રાત્રે બનતી એક મૃત્યુની ઘટનાની વાત છે. એ ઘટના બને છે ત્યારે બીજી અનેક ઘટનાઓ નવલકથાના પાત્રો સામે તાજી થાય છે. અનેક તર્કો એ ઘટના સાથે જોડાય છે અને રણમલના દેહ પાસે સમાધાન પામે છે. કેસરની જીદ એકંદરે ગેરવ્યાજબી લાગે. પણ જેમ જેમ વાર્તામાં પ્રવેશતાં જઈએ ત્યારે સમજાય કે એ તો જીદ હતી જ નહીં. એ તો એક સ્ત્રીએ બીજી સ્ત્રીને આપેલી જિંદગીનો નાનો સરખો ઋણસ્વીકાર હતો.

કેસર, જે પતિના મૃત્યુ પર શોક કરતી નથી પણ જીદ કરે છે. જમનામાને તેડાવાની જીદ. કદી ન બન્યું હોય એવું કરવાની જીદ. કેસર પહેલી વાર વિધવા થયેલી એ ઘટનાનું જે વર્ણન છે તે વાંચીને હૈયું કંપી જાય. રડતી કેસરને જોઈને લાગે કે હમણાં એનો હરિ એને મનાવવા બેઠો થશે. એની સાસુની ચિંતા વાચકની આંખ ભીની કરી જાય.

જમનામા, જે એક વખત આ જ લોકોની વચ્ચે રહેતાં અને જીવતાં હતાં. પણ સમય પાસેથી કશું ન મળતાં સંસાર ત્યાગીને સંન્યાસી બની જાય છે. ગામ છોડીને ગયા પછી ક્યારેય ગામમાં પગ મૂકતાં નથી, એક સન્યાસી તરીકે પણ નહીં. એક અદૃશ્ય લક્ષ્મણ રેખા ખેંચી લે છે પોતાની આસપાસ અને મઢીની આસપાસ. રેતીના પટની એક બાજુ સંસાર અને બીજી બાજુ સંન્યાસ. હવે જમનામા એ રેતીનો પટ ઓળંગશે કે કેમ એ પ્રશ્ન પુસ્તક વાંચતાં અચૂક થાય. કેસર અને જમનાના જીવનમાં આવેલા વાવાઝોડાં એમની જિંદગીમાં એવો પરિમાણ ઊભો કરે કે વાવાઝોડું દિશા બદલી નાંખે. કેસર અને જમનામા વચ્ચે એવો કયો સંબંધ છે કે એક સન્યાસીને પોતાની પ્રતિજ્ઞાની ઉપરવટ જઈને ગામમાં પાછા આવવું પડે.

જમનામાને ગાડું લઈને મઢીએ બોલાવા જતા પાત્રોની વ્યથા પણ સુપેરે વર્ણવી છે. રણમલના મૃત્યુના સમાચાર સાંભળી જમનામાની હાલત શું થશે?, કેસર અને જમનામા મળશે ત્યારે શું? જેવા અનેક પ્રશ્નો ગાડાંમાં બેઠેલા ત્રણે જણને થાય છે. કેસરની જીદ સામે ગામ લોકોનું તર્ક ભોંઠુ પડે! મઢીએ બેઠેલા જમનામાને જાણે કોઈ અઘટિત ઘટના બનવાની હોય એવી અનુભૂતિ થવી. દરરોજ ભજન કરતાં શિવમાં લીન થઈ જતો જીવ, ઉચાટમાં હોય એમ વર્તવું. આ બધુ ઋણાનુબંધન વગર શક્ય જ ક્યાં છે!

વર્ષો પછી જાણીતી ધરતી પર પગ મૂકતાં જ સવાર સુધી કાપેલી મજલ ખડકી પર આવતાં ધીમી થઈ જાય. એ ઘર, ઘરમાં વીતાવેલી રાતો, આડા રસ્તે ચઢી ગયેલો પતિ અને એનાં કારણો, પતિની વ્યથા – બધું જ જાણે આંખ સામે જીવતું થઈ જાય અને છતાંય આંખમાં સ્થિરતા ટકી રહે એવું કદાચ જમનામાના કિસ્સામાં જ બની શકે. ગામ આખું ધારીને બેઠું હોય કે હમણાં જમનામા આવશે અને પોક મૂકશે, પણ એમાંનું કંઈ બને જ નહીં. એથી વિશેષ, જમનામા જ કેસરનો હાથ પક્ડીને જોરથી જમીન પર પછાડીને એના હાથને અડવા કરે. કેસરના ચાંદલાને ભૂંસી નાખે. કેસરની પીઠને પસવારે ને સાવ નિર્લેપભાવે કાંધની આગળ ચાલવા લાગે. જમીન પર સૂતેલા રણમલના નિશ્ચેત દેહને જોવે ન જોવે ને બાજુમાં પડેલાં દિવાની જ્યોતની જેમ સ્થિરતા કેળવી લે.

આખી વાર્તામાં વર્તમાન અને ભૂતકાળની વાતો કોઈ પણ અવરોધ વગર વાચકની સામે ચિત્રપટની જેમ ચાલ્યા કરે છે. વાર્તાની જરૂરિયાત મુજબ લોકબોલી, ગ્રામ્ય સમાજ, સમાજના નિયમો અને રિવાજોને લેખકે બહુ ઝીણવટ પૂર્વક વાર્તામાં લખ્યા છે. ‘કોરું આકાશ’ કોરું નથી પણ માનવીય સંબંધોને રજૂ કરતું એક આખું મેઘધનુષ્ય છે. એમાં પીડા, સંયમ, સમર્પણ, પ્રેમ જેવા વિવિધ રંગો છે.

અન્ય માહિતી – પ્રકાશન વર્ષ ૨૦૨૦, પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન – ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ, પુસ્તક કિંમત – રુ. ૧૪૦

મળીશું આવતા પખવાડિયે નવા પુસ્તકના વિશ્વમાં!

– હીરલ વ્યાસ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “કોરું આકાશ : અજય સોની, પરિભ્રમણ – હીરલ વ્યાસ