વાટકીમાં ચોખા, આપણે બેય નોખાં – કમલેશ જોષી 4


આવતું-જતું હર કોઈ મને વહાલ કરતું હતું. કો’ક કો’ક મને ‘અદા’ કહેતું, ત્યારે હું એમને કહેતો, “અદા તો અંદર છે, હું બંટી છું..” એ લોકો હસતા.

વેકેશનમાં પપ્પા અમને અમારા ગામડે લઈ ગયા હતા. આમ તો હું કેટલીયે વાર અહીં આવી ગયો હતો પણ આ વખતે મને બધું સમજાતું હતું. દર વખતે અહીં આવી હું જેને દાદા-દાદી કહેતો એ મારા પપ્પાના પપ્પા અને મમ્મી હતા, એ આ વખતે મને બરાબર સમજાયું હતું. આવતું-જતું હર કોઈ મને વહાલ કરતું હતું. કો’ક કો’ક મને ‘અદા’ કહેતું, ત્યારે હું એમને કહેતો, “અદા તો અંદર છે, હું બંટી છું..” એ લોકો હસતા. મને ગાડામાં બેસાડી ગામના પાદર સુધી લઈ જતા. છકડો રિક્ષામાં બેસવાની મને મજા આવતી. અમારા ફળિયામાં જે લીમડાનું ઝાડ હતું, એની નીચે ખાટલા પર હું સૂઈ જતો. પડોશના બે ચાર અજાણ્યા ભાઈબંધો સાથે અમે ખૂબ ધમાચકડી કરતા. દાદા કરતા દાદીમાની વાર્તા સાંભળવાની બહુ મજા આવતી. દાદા ભાગ લઈ આપતા. કેરી, જાંબુ, તરબૂચ.. રોજેરોજ અમે એની મોજ માણતા. ગામડેથી પાછા ઘરે આવ્યા ત્યારે છેક મને પિન્ટુ યાદ આવ્યો.

નિશાળ શરૂ થઈ ગઈ. હવે અમે નવા વર્ગમાં બેસતા. પેલી તોફાની ટોળકી પાછલી પાટલીએ જ બેસતી. પાંચમા દિવસની પ્રાર્થનામાં ટીચરે ભજન ગાવા માટે પિન્ટુનું નામ લીધું. પિન્ટુ મારી બાજુમાં જ બેઠો હતો. એ તરત ઊભો થયો, હું તો નવાઈથી જોતો જ રહી ગયો. પિન્ટુનો અવાજ માઇકમાં સાંભળી મને તો મજા પડી ગઈ. આખો બંધ કરી એ બોલ્યો, “ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરવે નમ:” ઓહોહો.. ભારે મજા આવી મને તો. સૌ પિન્ટુ સામે જોઈ રહ્યા હતા. એ પછી એણે ફરી ગાવાનું શરુ કર્યુ, “વિધિના લખ્યા લેખ લલાટે સાચા થાય થાય થાય..” મેં જોયું. શિક્ષકો પિન્ટુ સામે જોઈ રહ્યા હતા, વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હતા, એ તો સરસ ગાઈ રહ્યો હતો. થોડી વારે એનું ભજન પૂરું થયું. સૌએ કેટલીયે વાર સુધી તાળીઓ પાડી. એ મારી બાજુમાં આવીને બેસી ગયો. મેં એના વાંસે શાબાશીનો થપ્પો માર્યો.

boy leaning beside an old man
Photo by Pritam Kumar on Pexels.com

પણ.. અમારી બાજુની જ લાઈનમાં બેઠેલી પેલી તોફાની ટોળીને આ ગમ્યું નહીં. એક બોલ્યો, “જોઈ લઈશ તને, મોટા સાહેબને અમારું નામ આપ્યું હતું ને?” પણ અમે અમારી મસ્તીમાં હતા. પિન્ટુએ આજે બહુ મોટું કામ કર્યું હતું. પ્રાર્થના પછી અમે એક પછી એક લાઈનમાં વર્ગ તરફ આગળ વધ્યા. સૌ પિન્ટુને શાબાશી આપતા હતા. ક્લાસમાં પેલી હોંશિયાર છોકરી ઝીલે પિન્ટુને કહ્યું, “બહુ સરસ.. ભજન ગાયું તે તો.” પિન્ટુ શરમાઈ ગયો. ખબર નહીં કેમ, હું પણ શરમાઈ ગયો. હમણાં હમણાં આવું બહુ બનવા માંડ્યું હતું. છોકરીઓ સામે જોવાની, એની સાથે વાત કરવાની મને શરમ આવતી.

અમને ખબર નહોતી કે અમારા વર્ગની પેલી તોફાની ટોળકીએ મને અને પિન્ટુને મજા ચખાડવા એક દાવ ગોઠવી રાખ્યો હતો. રિસેસમાં હું અને પિન્ટુ વર્ગખંડની બહાર નીકળી, મેદાનમાં ઝાડ નીચે લંચબોક્સ લઈને પહોંચ્યા. મેં મારું લંચબોક્સ ખોલ્યું. મમ્મીએ નાસ્તામાં કાજુ બિસ્કીટ અને સેવ મમરા ભરી આપ્યા હતા. પિન્ટુએ એનું લંચબોક્સ ખોલ્યું. એ સાથે જ “ઓય મા..” એમ બૂમ પાડતા એણે લંચબોક્સનો ઘા કર્યો. હું ડઘાઈ ગયો. મેં જોયું. એના વેરાયેલા સેવ મમરા વચ્ચેથી એક દેડકો કૂદતો કૂદતો ભાગી રહ્યો હતો. પિન્ટુ રડવા માંડ્યો. મેં જોયું. પેલી તોફાની ટોળી દૂર ઊભી ઉછળી ઉછળીને હસતી હતી. પિન્ટુ ઊભો થઈ જતો રહ્યો. હું પણ એની પાછળ ગયો. એ રડતો રડતો અમારા વર્ગશિક્ષક પાસે પહોંચી ગયો.

રિસેસ પૂરી થતાં પેલી તોફાની ટોળી અને પિન્ટુને પ્રિન્સીપાલ સાહેબે બોલાવ્યા. મને બીક લાગી. હવે શું થશે? ત્યાં ટીચરે અમને ભણાવવાનું શરૂ કરી દીધું. થોડી વારે મેં ટીચર પાસે ટોયલેટ જવાની રજા માંગી. હું વર્ગ બહાર નીકળી ટોયલેટ તરફ આગળ વધ્યો. ટોયલેટ પાસે પેલી તોફાની ટોળીમાંથી એક છોકરો ‘જગુડો’ પિન્ટુના માથાના વાળ પકડી “મારું નામ મોટા સાહેબને ખોટું કેમ દીધું? મેં દેડકો નહોતો નાંખ્યો તારા લંચબોક્સમાં તોય.. હવે જો તારી વલે કરું..” બોલી રહ્યો હતો. વાળ ખેંચાવાથી પિન્ટુ રડી રહ્યો હતો. કોણ જાણે કેમ મને ગુસ્સો આવ્યો. હું દોડ્યો. મેં ત્યાં પહોંચી સીધો જગુડાને ધક્કો માર્યો. જગુડો ગબડી પડ્યો. પિન્ટુમા પણ હિંમત આવી. એણે પડેલા જગુડાના વાંસા પર લાત ઝીંકી દીધી. હું જગુડાની માથે ચઢી બેઠો. પિન્ટુ એના વાળ ખેંચવા લાગ્યો. જગુડો રડવા માંડ્યો. એની તોફાની ટોળકી નાસી ગઈ હતી. એને રડતો જોઈ મને અને પિન્ટુને મજા આવી. ત્યાં જ.. અમારા પી.ટી.ના સાહેબ ત્યાં આવી ઊભા રહ્યા.

થોડી વારે એ તોફાની ટોળી સાથે હું અને પિન્ટુ પણ ગ્રાઉન્ડ પર રાઉન્ડ મારી રહ્યા હતા. એમની સાથે અમને પણ સજા થઈ હતી. દોડતા દોડતા અમે સૌ થાક્યા. પી.ટી.ના સાહેબના પગમાં પડી ગયા. પી.ટી. વાળા સાહેબે અમને એકબીજા સાથે દોસ્તી કરવા સમજાવ્યું. જગુડાએ પહેલો હાથ મારી સામે લંબાવ્યો. મેં એની સાથે હાથ મિલાવ્યો. એ પછી આખી ટોળી સાથે હાથ મિલાવ્યો. પિન્ટુએ પણ એ ટોળી સાથે દોસ્તી કરી લીધી.

બે’ક દિવસ પછી હું અને પિન્ટુ છેલ્લી બેન્ચે, તોફાની ટોળી સાથે બેઠા હતા. પી.ટી.ના સાહેબ આવ્યા. પિન્ટુએ લેસનની નોટ કાઢી. કબ્બડીના નિયમો સાહેબે ત્રણ-ત્રણ વાર લખવાનું હોમવર્ક આપ્યું હતું. પિન્ટુનું લેસન જોઈ જગુડો મારા કાનમાં બોલ્યો, “ઓહ, મેં તો લેસન કર્યું નથી.” પી.ટી.ના સાહેબે કહ્યું, “કાલે મેં તમને કબ્બડીના નિયમો લખાવ્યા હતા. આજે હું તમને ખો-ખોના નિયમો લખાવીશ. ચાલો બધા નોટ કાઢી લખવા માંડો.” સાહેબ ચોક લઈ બોર્ડ તરફ ફર્યા. “હાશ!” જગુડો બોલ્યો. “સાહેબે લેસન ન માંગ્યું.” બોર્ડ પર ‘ખો-ખોના નિયમો’ એમ લખી સાહેબે વર્ગ તરફ જોયું. પેલી હોંશિયાર ઝીલ બોલી “સર.. તમે હોમવર્ક આપ્યું હતું એ નથી જોવું?” અને જગુડો મારા કાનમાં ખીજભર્યા સ્વરે બોલ્યો, “સાહેબની ચમચી…” મને હસવું આવી ગયું. થોડી વારે તોફાની ટોળકી એક પછી એક વર્ગખંડની બહાર નીકળી અંગૂઠા પકડી ઊભી હતી.    

કોણ જાણે કેમ તોફાની ટોળી સાથે ભાઈબંધી થયા પછીના દિવસથી પિન્ટુ મારી સાથે બોલતો બંધ થઈ ગયો અને વર્ગમાં પણ પહેલી બેન્ચે બેસવા લાગ્યો. મેં એક-બે વાર એની સાથે વાત કરી તો એણે મારી સામે ટચલી આંગળી ઊંચી કરી ‘કિટ્ટા’ કહ્યું. હું સમજ્યો નહીં, પણ મને ગમ્યું નહીં. તોફાની ટોળી બહુ ગમ્મત કરતી. પણ મને ઊંડે ઊંડે થતું કે પિન્ટુ જેવી મજા નથી આવતી. એક રિસેસમાં મેં પિન્ટુને પકડ્યો. મેં પૂછ્યું, “કિટ્ટા એટલે? તું કેમ મારી સાથે બોલતો નથી?” એ કશું બોલ્યા વિના ક્લાસમાં જતો રહ્યો. મેં રજામાં એની સાયકલ પાસે એને પકડ્યો. હું રીતસર રડતા બોલ્યો, “પિન્ટુ.. યાર.. મારી સાથે બોલને…!”

એ બોલ્યો, “હું તારી સાથે કિટ્ટા છું.”
મેં કહ્યું, “કિટ્ટા ભલે હો, પણ બોલ તો ખરો.”
એ કહે, “કિટ્ટા હોય એ જ્યાં સુધી બિચ્ચા ન થાય ત્યાં સુધી એકબીજા સાથે બોલે નહીં.”
એણે સાયકલની ઘોડી ઉતારી. મેં સાયકલનું હૅન્ડલ પકડી કહ્યું, “તો બિચ્ચા થઈ જા.”
એ કહે, “ના.. મારી મમ્મીએ તારી સાથે કિટ્ટા કરી દેવાનું કહ્યું છે. તું તોફાની છે. તું બીજા સાથે ઝઘડો કરે છે.”

હું કોઈ પણ રીતે પિન્ટુને રોકી ન શક્યો. એ સાયકલ લઈ જતો રહ્યો. મને બહુ દુઃખ થયું. હું ઘરે આવ્યો. દફ્તરનો પલંગ પર ઘા કરી, ઓશીકામાં મોં નાંખી ગયો. મમ્મી આવી. માથા પર હાથ ફેરવતા એણે પૂછ્યું, “શું થયું?”

હું “કાંઈ નહીં.” કહી બાથરૂમમાં જતો રહ્યો. સાંજ સુધી બહેને અને મમ્મીએ મને મનાવવા કોશિષ કરી. મારે રડવું હતું, પણ પિન્ટુનું નામ નહોતું લેવું. આખરે મોટી બેન સાથે હું ઝઘડયો અને પછી રડ્યો. મોટી બેને મારી માફી માંગી. હવે કદી નહીં કરું, એમ કહ્યું. આખરે હું હસ્યો. એમાં મોટી બેનનો વાંક ન હતો. મેં કહ્યું, “તું પિન્ટુને કહે ને કે મારી સાથે બિચ્ચા કરી લે.”

હવે મોટી બેનને આખી વાત સમજાઈ ગઈ. એ બોલી, “હું એને એમ કરવા કહીશ.” પણ સાંજ સુધી પિન્ટુ મળ્યો નહીં. બીજા દિવસે એ નિશાળેય ન આવ્યો. ઘરે આવ્યો તો ખબર પડી, પિન્ટુના દાદા ‘હોપ’ થઈ ગયા હતા. મેં મોટી બેનને પૂછ્યું, “હોપ થઈ ગયા એટલે?”

એ બોલી, “એ ભગવાનના ઘરે ગયા.”
મેં કહ્યું, “ક્યાં?”
એ ફરી બોલી, “ભગવાનના ઘરે.”
મેં પૂછ્યું, “પેલા શિવમંદિરે? ત્યાં તો એ રોજ જાય છે.”
એ બોલી, “ત્યાં નહીં.”
મેં પૂછ્યું, “તો ક્યાં?”
એ બોલી, “બીજે ક્યાંય.”

મેં કહ્યું, “તો ભલે ને ગયા. એ તો ઘણીવાર ગામડે જાય છે અને બે’ક દિ’માં પાછા આવી જાય છે, પણ પિન્ટુ તો ત્યારે નિશાળે રજા નથી પાડતો.”

બેન બોલી, “એ ગામડે નથી ગયા. ભગવાનના ઘરે ગયા છે.”

મેં કહ્યું, “પિન્ટુને એના દાદા વિના નહીં ગમે. દાદા વહેલા પાછા આવી જાય તો સારું, નહિંતર પિન્ટુને એના દાદા પાસે લઈ જવો પડશે.”

કોણ જાણે કેમ, મોટી બેને મારા મોં પર હાથ મૂકી દીધો. એની આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, “સાચે જ.. પિન્ટુને એના દાદા બહુ ગમે છે. હું એના ઘરે જાઉં ત્યારે એના દાદા અમારી સાથે બહુ વાતો કરતા હોય છે, વાર્તા કરતા હોય છે, ભાગ આપતા હોય છે. અમારા તો ભાઈબંધ છે એના દાદા..”

પણ પિન્ટુ બીજા દિવસે નિશાળે ન આવ્યો. એ જ્યારે આવ્યો ત્યારે એના માથે ટકો હતો. એણે ટોપી પહેરી હતી. એને જોઈને મને સહેજ હસવું આવ્યું, પણ એની આંખમાં આંસુ હતા. હું એની પાસે ગયો. એ બોલ્યો, “મારા દાદા ઓફ થઈ ગયા.” એની આંખો ભરાઈ આવી. કોણ જાણે કેમ, હું પણ રડવા લાગ્યો. પેલી બંસી અને એની બહેનપણીઓ અને અમારી તોફાની ટોળી પણ અમારી સામે ગંભીરતાથી જોઈ રહી હતી.

આજે પહેલી વખત મને સમજાયું હતું કે પિન્ટુના દાદા હવે કદી પાછા નહોતા આવવાના. આ વાત પિન્ટુએ મને સમજાવી હતી. એને એના દાદીમાએ સમજાવી હતી. એના દાદીમા કદી ખોટું બોલતાં નહીં. મેં પિન્ટુને પૂછ્યું, “તારા દાદા તને સાથે કેમ ન લઈ ગયા?”

એ બોલ્યો, “મારા દાદીએ કહ્યું કે ભગવાનના ઘરે એકલાં જ જવાનું હોય.” પિન્ટુએ મને સમજાવ્યું.

“મારા દાદા શિવમંદિરે નથી ગયા. ભગવાનના ઘરે ગયા છે. રાજકોટ રહેતા મારા નાના પણ ભગવાનના ઘરે ગયા છે. ત્યાં જે જાય એ પાછાં ન આવે.”

મેં કહ્યું, “તો તારે તારા દાદાને જવા ન દેવાય ને?”
એ બોલ્યો, “હું રાત્રે સૂતો હતો ત્યારે એ ચાલ્યા ગયા.”
મેં કહ્યું, “તારા મમ્મી-પપ્પા પણ સૂતાં હતાં?”
એ બોલ્યો, “હા.”

છેલ્લે અમે નક્કી કર્યું કે આપણે કદી ભગવાનના ઘરે જવું નથી. ખેર.. હું અને પિન્ટુ ફરી બિચ્ચા થઈ ગયા હતા, એ અમને બંનેને યાદ રહ્યું નહીં.

— કમલેશ જોષી


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “વાટકીમાં ચોખા, આપણે બેય નોખાં – કમલેશ જોષી

 • Meera Joshi

  સરસ વિષય અને આલેખન. વાર્તા વાંચતાં બાળપણ જીવંત થઈ ઉઠ્યું.

 • હર્ષદ દવે.

  બાળવિશ્વમાં હોઈએ ત્યારે આપણે બાળક હોઈએ. એ વિશ્વમાં સમજણનાં વૃક્ષોનો પરિચય ઓછો હોય છે છતાં જેમ જેમ ઓળખ મળતી જાય તેમ તેમ ભીતર વિકાસ થતો જાય છે. કિટ્ટા અને બુચ્ચામાં પણ એવી સમજ વિકસી જાય. પણ મૃત્યુની સમજ વિકસે ત્યારે બાળક બાળક નથી રહેતું, તેની સમજ વધે પણ એ વધારો તેના બાળકને મોટું કરી દે છે. ભગવાનનું ઘર કલ્પનામાં જ રહે છે. દાદા ઘરમાંથી જતા રહે પછી કેવું થાય…ટકો ગરીબડો થઇ જાય. સરળ પ્રવાહને ઢાળ મળે અને પ્રવાહ ભીતરથી વેગીલો બને.
  [સૂચન: આ લેખમાળાનું નામ ‘સ્મશાનયાત્રા’ યથાર્થ નથી જણાતું. અલબત, યાત્રાને અંતે એ સાચું ઠરી શકે. પણ પ્રવાસ કેવળ એ માટેની જ યાત્રા નથી. આટલી સરળ ભાષા માટે આવું ગંભીર શીર્ષક ખરેખર ભારેખમ લાગે છે. વર્ષો પહેલાં એક નાટ્ય-સ્પર્ધામાં મેં જોયેલા એક નાટકનું નામ હતું: ‘આપણે સહુ મૃત્યુની રાહ જોઈ રહ્યા છીએ!’ તેને બદલે ‘આપણે સહુ જીવન જીવી રહ્યા છીએ’ અથવા આધ્યાત્મિકતા હળવે રહી ફૂંક મારે ‘સનાતન ક્ષણભંગુરતા’ તો ફુગ્ગો કેટલો ફૂલે! પણ હળવાશથી કહેવું હોય તો? વિચારશો.]

  • Kamlesh Joshi

   આપના સુંદર પ્રતિભાવ બદલ આભાર.
   કોલમના નામ અંગેનું આપનુ સૂચન પણ આવકાર્ય છે. પરંતુ મને આશા છે કે અંતિમ પ્રકરણ સુધી પહોંચીશું ત્યારે આપ પણ કોલમના શીર્ષક સાથે ચોક્કસ સહમત થઈ જશો. (જે આપના પ્રતિભાવમાં પણ વિદિત છે).