બાળપણ, શાળાજીવન, હોસ્ટેલજીવન કોઈ પણ માણસ માટે યાદગાર હોય છે. બાળપણની ગળચટ્ટી યાદો હોય છે તો શાળાજીવનની ખાટ્ટી-મીઠ્ઠી યાદો. જોકે હોસ્ટેલજીવનની તો વાત જ સાવ નોખીં છે. ‘રેન્ડિયર્સ’ આવી જ હોસ્ટેલજીવનની રૉલર કૉસ્ટર રાઈડ છે.
પુસ્તકનું નામ – રેન્ડિયર્સ
લેખક – શ્રી અનિલ ચાવડા
લેખક પરિચય – શ્રી અનિલ ચાવડા ગુજરાતી ગઝલમાં માનપૂર્વક અને વ્હાલપૂર્વક લેવાતું નામ છે. તેમની ગઝલો જેટલી સુંદર છે તેથીએ વિશેષ છે એમની પ્રસ્તુતિ કરવાની છટા. તેમના ત્રણ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. ‘સવાર લઈને’ (દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત ગઝલ સંગ્રહ), ‘એક હતી વાર્તા’ (લઘુકથા સંગ્રહ), ‘મીનિંગફૂલ જર્ની’ (નિબંધ સંગ્રહ). આ સિવાય કેટલાક પુસ્તકોનું સંપાદન કાર્ય પણ કર્યું છે. ‘અમર ભારત’, ‘અફકોર્સ આઈ લવ યુ’, અંતિમ શ્વાસ સુધી, ‘શી સ્વાઈપ્ડ ઈન ટુ માય હાર્ટ’ જેવા પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છે. શ્રી અનિલ ચાવડાને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ, યુવા ગૌરવ પુરસ્કાર, રાવજી પટેલ એવોર્ડ, શયદા એવોર્ડ, તખ્તસિંહ પરમાર પારિતોષિક પ્રાપ્ત થયા છે. ગઝલ, અછાંદસ, લઘુકથા, નિબંધ જેવા સાહિત્ય પ્રકારમાં લખ્યા પછી ‘રેન્ડિયર્સ’ દ્વારા તેઓ નવલકથાના સ્વરુપને સ્પર્શ્યા છે.
પુસ્તક વિશે – આખી નવલકથા મુખ્ય ચાર-પાંચ પાત્રો વચ્ચે ચાલતી રહે છે. આ પાત્રો એટલે શહેરમાં ભણવા આવેલા અને હોસ્ટેલમાં રહેતાં તરુણો. માત્ર હોસ્ટેલની નહીં પણ બાળપણની વંડી ઠેકીને ઘરથી દૂર, માતા-પિતાથી દૂર આવેલાં બાળકો. ઘરની હૂંફ છોડીને પડકારો સ્વીકારવાં, નવા-નવા સાહસો કરવા આવેલા સાહસિકો.
નવલકથામાં ક્યાંક હાસ્યની છોળો ઊડશે, તો ક્યાંક ઊભી થતી પરિસ્થિતિ પર દયા પણ આવશે. તરુણ અવસ્થામાં થતી લાગણીઓના ચમકારા મળશે તો એમની સમજણનો નવો જ આયામ સામે આવશે. એક મિત્ર માટે બીજો મિત્ર કેવો ઝગડો વહોરી લે તે પણ આમાં જોવા મળે. મિત્રતાની મજબૂત ગાંઠો બાંધાતા ને ગાંઠ પડી હોય તો ઊકેલતાં’ય જોઈ શકાય. ‘કૂલો’, ‘પડીકી’, ‘ધમલો’, ‘માધિયા’ જેવા મિત્રોના ઉપનામો સાંભળીને વાચકને એનો શાળાકાળ આંખ સામે દેખાય. એમાં’ય વળી જુદા જુદા શિક્ષકોની ભણાવવાની જુદી જુદી છટાનું વર્ણન. વાંચતાં-વાંચતાં લાગે કે જાણે આપણે પોતે જ વર્ગમાં બેસીને ભણી રહ્યાં છીએ. ‘શિલ્પા’ બેગમાં રાખેલી ચીઠ્ઠી વિશે કંઈ કહેવા માંગતી હોય ત્યારે ધમાની સાથે આપણે પણ ચીઠ્ઠી વિશેના રંગીન સપનામાં સરી પડીએ. નાત-જાત, ઊંચ-નીચ, ગરીબ-તવંગરના ભેદભાવ જ્યાં સ્પર્શ્યા જ ન હોય એવા સંબંધોમાં મીઠાશ તો હોવાની જ ને! આવી મિત્રતાની મીઠાશ મમળાવવા મળે ત્યારે સુખડી પણ મોળી લાગે!
એક યાદગાર પ્રસંગ આ વાર્તામાં છે જે બાળકોની સાહસવૃત્તિને ઉજાગર કરે છે, એ છે સુખડી બનાવવાનો પ્રસંગ. અને એ પણ હોસ્ટેલના રસોડામાં નહીં પણ રસોડામાંથી છુપાઈને લીધેલાં સામાનથી હોસ્ટેલની બહાર. સુખડી બનાવતાં આગ લાગે ને એ સાહસિક ટોળકીને ભાગવું પણ પડે. આગ હોસ્ટેલ સુધી આવે ને સૌએ ભેગા મળી આગ બુઝાવવી પડે. ત્યારે બાળકોને એમના સાહસની નાદાનિયત સમજાય. દોડવાનું ગણિત ને આગનું વિજ્ઞાન પણ એમને આ સાહસમાંથી જ શીખવા મળે. કોઈને આપેલી પરેશાની ને પોતે ભોગવેલી તકલીફો બધાનો સરવાળો ને તાળો હોસ્ટેલમાં મળે.
વળી, પડીકીએ કીધેલ જાતિભેદનો કિસ્સો આપણને ધડમૂળથી હચમચાવી મૂકે. સમાજમાં હજી પણ આવી સમસ્યાઓ અસ્તિત્વ ધરાવે છે એ વાત માન્યામાં જ ન આવે. આખી નવલકથામાં હ્રદય સોંસરવું ઊતરી ગયેલું એક વાક્ય, જે જાતિવાદ પર મારેલો ચાબખો છે.
“જે ક્યારેય જતી નથી એનું નામ જાતિ. જેમ નાક આપણા મોઢા પર ચોંટ્યું છે એમ ઈ આપણી ઓળખાણ હારે ચોંટેલી છે.”
હોસ્ટેલ એના રેક્ટર વગર શક્ય જ નથી. અને રેકટરની છાપ હિટલરથી કંઈ ઓછી નથી હોતી. કોપરાંની કાચલીમાં રહેલાં કોપરાની મીઠાશ એ કોપરું ખાય એને જ ખબર પડે. આવા જ એક રેક્ટર આ હોસ્ટેલના પણ દર્શાવ્યા છે. જે બાળકોને શિસ્તના પાઠ ભણાવે તો સાથે એમના ભવિષ્યની ચિંતા પણ કરે. વિદ્યાર્થીને પોરો ચડાવવા શરત પણ મૂકે ને હારી જાય તો સહર્ષ સ્વીકારે પણ ખરા. રેક્ટર હોવા છતાં માતા-પિતાની ગેરહાજરીમાં માતા-પિતાની જવાબદારી નિભાવી જાણે ને એ બાળકોને કળવા પણ ન દે. સારા ગુણ મેળવવા માટે મોટિવૅટ કરે પછી વિદ્યાર્થીને મોટિવૅશનલ સ્પીકરની જરુર જ શેની પડે? પરીક્ષાનો માહોલ, શાળમાં પરીક્ષાની રિસિપ્ટ લેવા અને કોનો ક્યાં નંબર આવ્યો એની ચર્ચા મને મારા દસમા ધોરણના દિવસોમાં લઈ ગઈ.
મારી એક મિત્રએ વર્ષો પહેલાં કહેલી એક વાત યાદ આવે છે, “દરેક વ્યક્તિએ એક વાર તો હોસ્ટેલમાં રહેવું જોઈએ.” અને આ વાક્ય ખરેખર સાચું પણ છે. એકાદ વર્ષ પણ જો કોઈ બાળક હોસ્ટેલમાં રહ્યું હોય તો તેના જીવનને તમે બદલાતું જોઈ શકો. તેનામાં આવતો આત્મવિશ્વાસ, તેનામાં આવતી નિર્ણય શક્તિ, જીવનના પડકારોને ઝીલવાની અને એ પડકારો સામે ઝઝૂમવાની હિંમત બધું જ આ હોસ્ટેલ જીવનમાંથી મળે છે. અને સાથે મળે છે અઢળક સંસ્મરણો એ તો વળી નફામાં!
મને આ નવલકથા વાંચતાં ભૂત વિશેની વાત વાંચીને મને મારા માસીના છોકરાએ એની હોસ્ટેલનો એક કિસ્સો કહેલો એ બહુ યાદ આવ્યો. “અમારી હોસ્ટેલમાં એક કાચબો. અમે રાત્રે એને પકડી લાવીએ. પછી અંધારામાં મીણબત્તી કરી એની પીઠ પર મૂકી દઈએ. પછી બીજા રુમમેટ્સને ઉઠાડીને ભૂત આવ્યું ભૂત આવ્યું કહીને ડરાવીએ. ને એ ડરે એટલે એના પર હસીએ.”
વાત શાળાની અને હોસ્ટેલની છે છતાં એનું નામ ‘રેન્ડિયર્સ’ કેમ છે એ પશ્ન ઉદ્ભવશે પણ એના જવાબ માટે નવલકથા વાંચવી રહી.
આ પુસ્તક વાંચીને તમને તમારા શાળાજીવન કે હોસ્ટેલજીવનની વાતો યાદ ન આવે તો જ નવાઈ! શાળામાંથી છાનામાંના પિક્ચર જોવા ગયા હો તો એ કે પછી પહેલી વાર કોઈ છોકરી/છોકરા માટે થયેલી કૂણી લાગણી, શાળાએ જઉ છું કહીને તળાવની પાળે બેઠા હોય તો એ કે પછી પાણીપૂરીની જયાફત ઉડાવી હોય તે બધું જ યાદ આવશે ને આંખના ખૂણાને ચમકાવીને એ દિવસોની જેમ ચાલ્યું પણ જશે.
અન્ય માહિતી – પ્રકાશન વર્ષ ૨૦૨૧, પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન – નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, પુસ્તક કિંમત – રુ. ૧૫૯
— હીરલ વ્યાસ
વાહ… પુસ્તક વંચાવાની તાલાવેલી વધી ગઈ હવે! ખૂબ સરસ.
પુસ્તક વાંચવાની તાલાવેલી થઈ આવે એવો પરિચય.
આભાર આરતીબેન
આભાર શ્ર્ધ્ધાબેન
કોઈપણ ફિલ્મનું ગીત લોકપ્રિય થઇ ગયું હોય તો લોકો તે ફિલ્મ જોવા માટે વધારે પ્રેરાતા હોય છે. એ જ રીતે કોઈ વ્યક્તિને મળીએ અને પછી તેને મળવું ગમવા લાગે તો તે ઝડપથી મિત્ર બની જાય છે. એવી જ રીતે કોઈ પુસ્તકનો પરિચય વાંચીએ અને તેથી તે પુસ્તક વાંચવા પ્રેરાઈએ તો તે પુસ્તક આપણું પ્રિય પુસ્તક બની જાય. પછી તો આપણે તેને વિષે ખૂબ વાતો કરીએ, કોઈને વાંચવા કહીએ, ઉપહાર તરીકે આપીએ અને આમ જ આ પરંપરા ચાલુ રહે…..અહીં એવું જ કાંઈક બને છે…શૈશવ આપણી આંગળી ઝાલીને રમવા લઇ જાય…ચાલો ફરી એ દોસ્તારોને, ભાઈબંધોને મળી લઈએ, ચાલોને એ સમય ફરીને જીવીએ….લેખક અને પુસ્તકનો પરિચય આપનાર અભિનંદનના અધિકારી બને છે…..અભિનંદન!
આભાર હર્ષદભાઈ
મારા પુસ્તક વિશે આટલો સરસ રિવ્યુ લખવા માટે ખૂબ ખૂબ આભાર હિરલ વ્યાસ…
આભાર સરસ પુસ્તક માટે
સરસ પરિચય
આભાર
આભાર વિવેકભાઈ