નૃત્યનિનાદ ૫ : પાત્રપ્રાણ – પરકાયાપ્રવેશ 28


નૃત્ય કે અભિનય કરતી વખતે પાત્રમાં પ્રાણનો સંચાર કેવી રીતે થાય છે? કઈ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે? આ માર્ગદર્શિકાની રચના કરવા નૃત્યશ્રેષ્ઠને કોણે વિનંતી કરી? સ્વર્ગની અપ્સરાઓનું પણ મૂલ્યાંકન થતું, કયા આધારે? છે ને રસપ્રદ પ્રશ્નો! આજે આપણે ‘અભિનય દર્પણ’ માર્ગદર્શિકામાં કઈ કઈ મહત્વની વાતો આવરી લેવાઈ છે એ વિશે જાણીશું.

મેં નૃત્યની સાધના છોડી દીધાંને વર્ષો થઈ ગયા હતાં પણ લગાવ એવો ને એવો જ હતો. એવામાં એક નાનકડી મીઠડીએ, પડોશીની દીકરીએ મને પૂછી લીધું,”મારી શાળામાં મારે નૃત્ય કરવાનું છે. તમે શીખવાડશો?” નૃત્યની વાત હોય, અને એક નાનકડી ઢીંગલી પ્રસ્તાવ મૂકતી હોય, ના કેમ પડાય? પણ ખરી કસોટી થઈ એવું ત્યારે લાગ્યું, જ્યારે ક્યારેય નહીં જોયેલા બોલીવૂડ ગીતને મારે નૃત્યબદ્ધ કરવાનું થયું. તે વખતે યુ ટ્યુબ, ગૂગલ કશું હતું નહીં. અરે, મોબાઈલ પણ નહીં. સંયુક્ત કુટુંબમાં દૂરદર્શનમાં પસંદગી મુજબ કાર્યક્રમ જોવાનો ભાગ્યે જ લાભ મળે. જ્યારે ગીત વાગ્યું ત્યારે મનમાં એકદમ શૂન્યાવકાશ થઈ ગયો. આવા ગીતો પર તો મેં ક્યારેય નૃત્ય કર્યું જ નહોતું! નાની છોકરીને નાસીપાસ કરવી પણ પોષાય એમ નહોતું. તે વખતે યાદ આવી નૃત્ય વિશેની સામાન્ય સમજણ કે તાલ પ્રમાણે પગ ચાલે, બાકીની જવાબદારી હાથ અને આંખ હાવભાવ માટે વહેંચી લે. બસ, એમ જ કામ પાર પડ્યું.

નૃત્ય શીખતી વખતે તો અમે લયબદ્ધ તોડા કે ટુકડાના બોલ કે કવિત પર નૃત્ય કરતાં. જે શીખવાડાતું હતું એને ધ્યાનપૂર્વક સમજતાં અને નૃત્ય કરતાં. ત્યારે બોલીવુડના ગીત પર અદાકારી કરવાનો વિચાર જ નહોતો આવતો. સ્તુતિ, ઠુમરી, ગઝલ એવા અમારા ભાવ અભિનયના વિષયો. પણ છતાં એક શાસ્ત્રીયતા હતી તો એ જ્ઞાન વર્ષો પછી પણ ઉપયોગી થયું. એનો ઉપયોગ કરવામાં મેં સર્જનાત્મકતા વાપરી. એ રીતે મેં નાની કિશોરીને બોલીવૂડ ગીત પર નૃત્ય શીખવાડ્યું. એક પડકારને પહોંચી વળવાની હિંમત આવી. જ્યારે જ્ઞાન અને શિક્ષણ મજબૂત હોય છે ત્યારે એ કદી નકામું નથી જતું. એ માટે વર્ષો પૂર્વે રચાયેલા ગ્રંથોના આપણે સદા ઋણી રહીશું. આપણાં માટે ગૌરવની વાત છે કે આ જ્ઞાનના મૂળિયાં આપણી સંસ્કૃતિના મૂળમાં તથા સૃષ્ટિના રચયિતા સાથે વણાયેલા છે.

નાટ્યશાસ્ત્રની ઉત્પતિ

કહેવાય છે કે નાટ્યશાસ્ત્રની ઉત્પતિ સૃષ્ટિના રચયિતા બ્રહ્માએ કરી. સતયુગના અંતિમ કલ્પમાં બ્રહ્મા જ્યારે ત્રેતાયુગ માટે વૈવસ્વત મુનિને તૈયાર કરી રહ્યા હતા ત્યારે પૃથ્વી પરના જાંબુદ્વીપ પર દેવ, દાનવો, ગાંધર્વો, યક્ષો, રાક્ષસો અને લોકપાલ વગેરે મળ્યા. એ સર્વેની નેતાગીરી લઈ દેવો તરફથી ઈન્દ્રરાજાએ બ્રહ્માને પ્રાર્થના કરી. એમણે કહ્યું કે અમે જીવનના સુખ-દુઃખના ઉતાર ચડાવને થોડા સમય માટે વિસારે પાડી શકીએ. તથા દુનિયાના દુઃખો અને નારાજગીથી દૂર થવા માટે અમે સરસ રીતે સમય પસાર કરી શકીએ એવું મનોરંજક સાધન શીખવાડો. આ વાત સાંભળીને બ્રહ્મા, જે સર્વવિદ્ છે, એમણે ધ્યાન ધર્યું. એ પછી બ્રહ્માએ કહ્યું કે મને પાંચમા વેદની રચના કરવા દો. જેને ‘નાટ્યશાસ્ત્ર’ નામ આપીશું. જેમાં અદ્ભૂત કથા હશે. ગુણની ગાથા હશે. એનાથી મનોરંજન થશે તથા ધનોપાર્જન પણ થશે. એટલું જ નહીં, જે આ કલાની ખરા અર્થમાં સાધના કરશે એ જ્ઞાન પામીને મોક્ષ પણ પામશે.

કલાકાર શ્રીમતી દર્શિની શાહ. 
કથક, ભરતનાટ્યમ્ તથા લોકનૃત્ય કલાકાર
ડાયરેક્ટર વાઈબીટ યુનિવર્સિટી, કૅનેડા
કલાકાર શ્રીમતી દર્શિની શાહ. 
કથક, ભરતનાટ્યમ્ તથા લોકનૃત્ય કલાકાર
ડાયરેક્ટર વાઈબીટ યુનિવર્સિટી, કૅનેડા

આ કદાચ ઉપરછલ્લી દ્રષ્ટિએ જોતાં થોડું વધારે પડતું લાગશે. પણ આ ખરેખર સાચી વાત છે. લય અને તાલની સાધના ઉપરાંત અભિનય પણ તમને દુનિયાના અનેક વિષયમાં ઊંડા ઉતરીને તેને સમજવા પ્રેરે છે. એ જ્ઞાન વગર કે સમજણ સિવાય કોઈ વાતને તમારે તમારા માધ્યમથી રજુ કરવાની હોય તો કેવી રીતે કરી શકો? ભાવ,વિભાવ અને હાવભાવમાં જગતના ઘણાં સત્યો સમાઈ જાય છે. બ્રહ્માએ નાટ્યવેદની રચના કરી. એમાં ઋગ્વેદમાંથી શબ્દો લેવાયા. સામવેદમાંથી ગાયન લેવાયું. યજુર્વેદમાંથી હાવભાવ અને અથર્વવેદમાંથી રસ લેવાયો. આમ, દુનિયા માટે ભલે માત્ર મનોરંજન કહેવાય પણ આ શાસ્ત્ર દુનિયાદારીથી મોક્ષ સુધીનો એક માર્ગ છે. મુમુક્ષુ હોય તો એ જરૂર મંઝિલ પામી શકે છે. કોઈ પણ કલાની સાધના એ કલાકાર માટે ‘ધ્યાનની અવસ્થા’ સમાન છે.

નૃત્યના અધિષ્ઠાતા દેવ નટરાજ છે. નૃત્યની ઉત્પતિ જાણતી વખતે આપણે જોયું કે બ્રહ્માએ નૃત્ય ભરતમુનિને શીખવાડ્યું. ભરતમુનિના નૃત્યના પ્રદર્શન જોઈ શિવજી ખુશ થઈ ગયા. એમના દ્વારા ‘તાંડવ’ પ્રકાર અને પાર્વતીજી દ્વારા લાસ્ય પ્રકારની રચના થઈ. એ પછી ભરતમુનિએ  ગાંધર્વો તથા અપ્સરાઓને આ વિદ્યા આપી. શિવજીએ તંડુને નૃત્યનું જ્ઞાન આપ્યું તથા પાર્વતીજીએ બાણાસુરની પુત્રી ઉષાને શીખવ્યું. ઉષા એટલે કૃષ્ણના પુત્ર અનિરુદ્ધની પત્ની. ઉષાએ દ્વારકાની ગોપીઓને નૃત્ય શીખવ્યું. આમ, સૌરાષ્ટ્રની નારીઓને નૃત્ય આવડ્યું. જે પછીથી પેઢી દર પેઢી અન્ય પ્રદેશોમાં વ્યાપ્ત થયું.

એવું કહેવાય છે કે જ્યારે વિશ્વામિત્ર ઋષિનું તપ અચળ હતું. એ વખતે ઈન્દ્રનું આસન ડોલવા લાગ્યું હતું. ત્યારે એ આસન બચાવવા માટે વિશ્વામિત્રનો તપોભંગ થાય એ ખૂબ જરૂરી હતું. સ્વર્ગમાંથી એક અપ્સરાને આ કાર્ય માટે પસંદ કરવાની હતી. એ વખતે કોણ શ્રેષ્ઠ છે, એ નક્કી કરવા પૃથ્વી પરથી રાજા વિક્રમાદિત્યને બોલાવવામાં આવ્યા. રાજા વિક્રમાદિત્ય લલિતકળામાં પારંગત અને ખાસ કરીને નૃત્યના વિશેષજ્ઞ હતા. સ્વાભાવિકપણે આ કાર્ય કરી આપનાર અપ્સરાને ઈન્દ્રરાજા તરફથી અનેક ભેટ સોગાદો મળવાની હતી.

સ્વર્ગની શ્રેષ્ઠ બે અપ્સરાઓ સૌનાં ધ્યાનમાં હતી. ઉર્વશી તથા રંભા. પણ કોઈ એકની પસંદગી જરૂરી હતી જે જવાબદારી રાજા વિક્રમાદિત્યને સોંપાઈ. બે દિવસ બંને અપ્સરાઓએ સભામાં નૃત્ય કર્યું. એ પછી રાજા વિક્રમાદિત્યએ ઉર્વશીને પસંદ કરી હતી. જે કસોટીના જવાબરૂપે  અભિનય દર્પણમાં જે ‘પાત્રપ્રાણ’ ના સૂચનો અપાયા છે, એ માર્ગદર્શન રાજા વિક્રમાદિત્ય દ્વારા ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. એવું કહેવાય છે એટલે જ ‘અભિનય દર્પણ’, એ અત્યંત પ્રમાણિત માર્ગદર્શિકા છે એવું કહી શકાય.

અભિનય દર્પણ

અભિનય દર્પણ એ નાટ્યશાસ્ત્રનું સંક્ષિપ્ત રૂપ છે. એમાં અગત્યની બધી બાબતો આવરી લેવાઈ છે. અભિનય દર્પણના રચયિતા નંદીકેશ્વરજી પાસે દેવરાજ ઈન્દ્ર પોતાની પ્રાર્થના લઈને ગયા. એમણે કહ્યું કે નૃત્યશાસ્ત્રના દરેક સિદ્ધાંત જાણનાર નંદિકેશ્વરજીને હું નમન કરું છું અને એક માંગણી કરું છું. ‘દૈત્યોની પાસે ‘નટશેખર’ નૃત્યકાર છે. જે નૃત્યમાં પારંગત છે. એની સામે હરિફાઈમાં જીતવા માટે આપ તમારા ‘ભરતાર્ણવ’ની શિક્ષા મને આપો. મને એવું શિક્ષણ આપો કે એને હું હરાવી શકું.’ ઈન્દ્રને જવાબ મળ્યો કે ભરતાર્ણવ તો ચાર હજાર શબ્દોનું બનેલું છે. તે વખતે ફરીથી ઈન્દ્રના અનુરોધથી નંદિકેશ્વરજીએ સંક્ષિપ્તિકરણ કરીને સાડા ત્રણસો શ્લોકોની રચના કરી. જેમાં બધાં જ જરૂરી સિદ્ધાંતોનો સમાવેશ થઈ જતો હતો. એને એમણે આ નાટ્યશાસ્ત્રનું દર્પણ છે એમ કહ્યું. તથા ‘અભિનય દર્પણ’ એવું નામકરણ કર્યું. જે પુસ્તિકા આજે પણ પ્રમાણિત માર્ગદર્શિકા છે. નમન એ વિદ્યા તથા જ્ઞાનને! જે હજારો વર્ષો પછી પણ શાશ્વત છે.

आस्येनालब्येद् गीतम् हस्तेनार्थ प्रदर्शयेत्
चतुर्भ्यां दर्शयेद् भावं पादाभ्यां तालमाचरेत्।। ३६।।

અર્થાત્

સંગીત મુખ વડે રજુ થાય છે. શાબ્દિક અર્થને વધારે સશકત બનાવવા હસ્તમુદ્રાનો ઉપયોગ થાય છે. આંખ વડે હાવભાવ રજુ થાય છે અને પગ તાલ પ્રમાણે ચાલે છે.

જ્યાં આંખ જાય ત્યાં મનનું હોવું જરૂરી છે. જ્યાં મન જાય છે ત્યાં ભાવ જાય છે. જ્યાં ભાવ જાય છે ત્યાં રસ ઉત્પન્ન થાય છે. જ્યાં રસ છે ત્યાં જ સૌંદર્યલક્ષી આનંદ મળે છે.

આવી અત્યંત અર્થપૂર્ણ અને સૈદ્ધાંતિક વાતોથી અભિનય દર્પણ ઘણું જ સમૃદ્ધ છે. આ માર્ગદર્શિકાની શરૂઆત ‘શિવ સ્તુતિ’થી થાય છે. ત્યારબાદ ‘રંગ સ્તુતિ’ આવે છે. આપણે જે ધરતી પર નૃત્ય કરીએ છીએ એને નમન તથા જે રંગભૂમિ છે, એ કાયમ નૃત્યકારની કલાસાધનાને પ્રદર્શિત કરવાનો મોકો આપે છે. એટલે એ રંગભૂમિને પણ મહત્વ અપાયું છે. આટલી પૂર્વભૂમિકા પછી આપણે સૈદ્ધાંતિક રીતે જાણ્યું એ પ્રમાણે નૃત્ત, નૃત્ય તથા નાટ્ય શું છે, એ અભિનયના ત્રણ પ્રકાર વિશે છણાવટ કરવામાં આવી છે.

કલાકાર શ્રીમતી દર્શિની શાહ. 
કથક, ભરતનાટ્યમ્ તથા લોકનૃત્ય કલાકાર
ડાયરેક્ટર વાઈબીટ યુનિવર્સિટી, કૅનેડા
કલાકાર શ્રીમતી દર્શિની શાહ. 
કથક, ભરતનાટ્યમ્ તથા લોકનૃત્ય કલાકાર
ડાયરેક્ટર વાઈબીટ યુનિવર્સિટી, કૅનેડા

એ પછી મહત્વની વાત છે કે રંગમંચ કેવો હોવો જોઈએ. એ મંચ પર અદાકારી કરનાર કલાકાર કેવો હોવો જોઈએ. તેમજ દર્શકો કેવા હોવા જોઈએ. કાર્યક્રમની પ્રસ્તુતિ પહેલાં પ્રાર્થના કેવી હોવી જોઈએ. આટલી બાહ્ય સમજણ પછી નૃત્યકારે નૃત્ય કરતી વખતે અંગ સંચાલન કઈ રીતે કરવું  તથા અભિનયના ચાર પ્રકાર; આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક વિશે વાત કરવામાં આવી છે. આટલું બધું જ ચાલીસ શ્લોકોમાં સમાવાયેલું છે.

આ પુસ્તકમાં શરીરના અંગ-પ્રત્યંગ-ઉપાંગોની ચોક્કસ સ્થિતિ ચોક્કસ ભાવ અને અર્થ દર્શાવે છે તે વિગતવાર સમજાવ્યું છે. તેમ જ ‘કિંકણી’ એટલે પગે બંધાતા ઘુંઘરું કેવા હોવા જોઈએ એ પણ સમજાવ્યું છે. એ પરથી એક ખાસ મહોર મારી શકીએ કે અભિનય દર્પણ એ નૃત્યકારો માટેની જ માર્ગદર્શિકા હોઈ શકે છે. અહીં નટ કેવા હોવા જોઈએ એ જણાવતા કહેવાયું છે કે નટ દેખાવે સુંદર, મૃદુભાષી, આત્મવિશ્વાસુ, વિદ્વાન, કલા અને વિજ્ઞાનના જ્ઞાતા, ગાયન જાણનાર તથા વાદ્ય વગાડી જાણતા હોવા જોઈએ.

નૃત્ય શરૂ કરતાં પહેલા પ્રાર્થના કરવામાં ન આવે તો એને વખોડી કઢાતું. એને યોગ્યતા અને દિવ્યતા વગરનું નૃત્ય કહેવાતું. એટલું જ નહીં એવું નૃત્ય જોનાર પોતે પશુતા પામે છે એવી માન્યતા હતી એટલું હીન ગણાતું.એ ઉપરાંત અંગ, પ્રત્યંગ અને ઉપાંગોના ઉપયોગની ભાષા અહીં સમજાવવામાં આવી છે. પ્રત્યંગ એટલે ખભ્ભા, હાથ, પીઠ, પેટ, જાંઘ વગેરે. ઘણી જગ્યાએ કાંડું, ઘૂંટણ, કોણીને પણ પ્રત્યંગ તરીકે સ્વીકારાયા છે. ઉપાંગઅભિનયમાં આંખ, ભમર, કીકી, પોપચાં, ગાલ, નાક, જડબું, હોઠ, જીહ્વા, દાઢી તથા ચહેરો આ અગિયાર અવયવોનો ઉપયોગ થાય છે. શીર્ષની અલગ અલગ સ્થિતિ એ શીર્ષ અભિનય કહેવાય છે. જે નવ સ્થિતિ આ પ્રમાણે છે. સમ, ઉધ્વિત, અધોમુખ, અલોલિત, ધૂત, કમ્પિત, પરાવૃત્ત, ઉત્ક્ષિપ્ત, પરિવાહિત. ચોવીસ પ્રકારના શીર્ષ પણ અન્ય જગ્યાએ એટલે કે ભરતાર્ણવમાં સૂચિત છે. આઠ પ્રકારના દ્રષ્ટિભેદ દર્શાવાયા છે. જે સમ, આલોકિત, સચિ, પ્રલોકિત, નિમિલિત, ઉલોકિત, અનુવૃત્ત તથા અવલોકિત.

નેણ એટલે કે આંખ ઉપરની ભ્રમરના અલગ અલગ સ્થિતિના નામ પણ વર્ણવાયા છે. આપણે સમજી શકીએ છીએ કે હાવભાવ માટે એ ચોક્કસ ઉપયોગી બની રહે. આંખ પરની ભ્રમર સહજ સ્થિતિમાં હોય તો સહજ ભાવ દેખાય. એ જ ભ્રમર વિસ્ફારિત હોય તો એ આશ્ચર્ય, પ્રેમ કે હકીકત બતાવવાની ક્રિયા હોઈ શકે છે. આમ, મનોભાવને સમજીને તેનો યથાયોગ્ય ઉપયોગ કરવાનું અભિનય દર્પણ શીખવાડે છે.

હસ્તપ્રાણ બાર પ્રકારના છે. જે હાથની ગતિ પ્રમાણે વિભાગ કરાયા છે. અઠ્યાવીસ પ્રકારના અસંયુક્ત હસ્ત દર્શાવાયા છે. જે દરેક કઈ સ્થિતિમાં વાપરવો એ નિર્દેશ કરેલો છે. તેમજ બે હસ્તના સાથે પ્રયોગ કરવાથી સંયુક્ત હસ્તમુદ્રાઓ બને છે. જેની સંખ્યા ચોવીસ છે. આગળ આપણે એ બધાંના નામ જોઈ ગયા છીએ. એ પછી બધાં હસ્તના પ્રકાર છે. જેમાં દેવહસ્ત, બાંધવહસ્ત, દશાવતારહસ્ત, જતિહસ્ત,પશુહસ્ત, રાજાહસ્તનું વર્ણન છે. આ હસ્ત એટલે કે એક અથવા બંને હાથ વડે થતી ચોક્કસ મુદ્રા. જે વ્યક્તિ, સબંધ, પદવી, મનોસ્થિતિ, જાતિ, પશુપંખી, કુદરતી તત્વો અને વિશ્વ વિશેની માહિતી આપી શકે છે.

નર્તકને બાહ્ય રીતે મદદ કરનાર ઉપકરણો છે તાલવાદ્ય, બંસરી, વીણા, સુંદર અવાજવાળો ગાયક અને ઘુંઘરું. તેમજ નર્તક માટે અંતર્પ્રાણ કહી શકાય એવી બાબતો છે, ચપળતા, સ્થિરતા, સપ્રમાણતા, સર્વતોમુખીતા, ચતુર નજર, સરળતા, વિદ્વતા, આત્મવિશ્વાસુ, સુંદર વાણી ધરાવતા તથા ગાયનમાં કુશળતા.  એક નર્તકના આ ગુણોનું વર્ણન પણ શ્લોક દ્વારા આપવામાં આવ્યું છે. આ જ પાત્રપ્રાણના દસ મહત્વના ગુણો દર્શાવાયા છે.

પાત્રપ્રાણ એટલે કે નર્તક કે નટ દ્વારા જે પાત્રના રૂપમાં એણે અભિનય કરવાનો હોય, એમાં પ્રાણ પૂરાય, એટલે કે ‘પરકાયાપ્રવેશ’ થાય એટલી ઓતપ્રોતતાથી એની પોતાની કલાનું પ્રદર્શન થાય. આ પ્રકારની અભિનયની ઊંચાઈ માટે અમુક ગુણો હોવા જોઈએ. અથવા તો એને સિદ્ધ કરવાના હોય છે. જેમ કે કલાકારના હાથ પગનું સંચાલન સંતુલિત હોવું જોઈએ. ચપળતા આત્મસાત કરેલી હોવી જોઈએ પણ સાથે સાથે સ્થિરતા અને સુઘડતા પણ હસ્તગત હોવી જોઈએ. સુંદરતા અને કલાત્મકતાથી વ્યક્તિત્વ નીતરતું હોવું જોઈએ.

સક્ષમ શારીરિક શક્તિથી ઉર્જાવાન, તાલની સૂઝવાળા, સમસંવેદન ધરાવતા, ઉત્સાહી, મંચ પર જેનું વ્યક્તિત્વ ખીલી ઊઠે એવા વ્યક્તિ જ અભિનય દ્વારા પાત્રમાં પ્રાણ પૂરી શકે છે. શારીરિક ગુણો જોઈએ તો, ન બહુ પાતળા હોય કે ન બહુ જાડા હોય, સુંદર હોય, આંખો મોટી અને ભાવવાહી હોય, ગરદન લાંબી, કમર પાતળી હોય તથા દાંત ચમકીલા હોય અને જેનાં હાથ હવામાં તરતા હોય એટલી સરળતા અને સુઘડતાથી ફરતા હોય એવી વ્યક્તિ અભિનય કરવા માટે ઉત્તમ ગણાય છે, એવી વાત નંદિકેશ્વરજીએ અભિનય દર્પણમાં કરી છે. રંગમંચને અનુલક્ષીને વધુ વાત આપણે આવતા પ્રકરણમાં જોઈશું.

(ક્રમશઃ)

— અર્ચિતા દીપક પંડ્યા

અર્ચિતા પંડ્યાની કલમે લખાઈ રહેલા સ્તંભ નૃત્ય નિનાદના બધા લેખ આ કડી પર ક્લિક કરીને વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

28 thoughts on “નૃત્યનિનાદ ૫ : પાત્રપ્રાણ – પરકાયાપ્રવેશ