મારી કિરમજી રંગની લિપ્સ્ટિક – રાજુલ ભાનુશાલી 20


મોટાં થતાં થતાં એ ડર અલોપ થતો ગયો પરંતુ પેલી જાદુગરણી અને એની મંત્રમોહિની વિદ્યા સ્મૃતિના કોક અવાવરુ ખૂણામાં સુપ્ત અવસ્થામાં પડ્યાં રહ્યાં. આજે પેલી કુમળી વિષવેલની ગંધથી એ જાદુગરણી સુપ્ત અવસ્થામાંથી આળસ મરડીને બેઠી થઈ ગઈ.

નાની હતી ત્યારે દૂરદર્શન પર એક કાર્યક્રમ આવતો. ‘આપણ હ્યાંના પાહિલત કા?’ એટલે કે ‘તમે આમને જોયા છે?’ નામનો એ કાર્યક્રમ ખોવાયેલી વ્યક્તિઓ વિશેનો હતો. અગાઉ જ્યારે મોબાઇલ, સોશિયલ મિડીયા વગેરે નહોતું ત્યારે ખોવાયેલી વ્યક્તિ વિશે આ રીતે ટીવીમાં અને છાપામાં આપવામાં આવતું. સાથે કોઈની પાસે માહિતી હોય તો એ સંપર્ક કરી શકે તે  માટે સરનામું આપવામાં આવતું. એ કાર્યક્રમમાં આવતાં દરેક ફોટા હું ધ્યાનથી જોતી.. રફબુકના છેલ્લા પાના પર સરનામું નોંધી લેતી જેથી ક્યારેક જો આમાંથી કોઈ વ્યક્તિ રસ્તે ચાલતાં દેખાઈ જાય તો આપણે એમના ઘરનાને જાણ કરી શકીએ.

દરેક વખતે એમાં આવતાં નવાનવા ચહેરા જોઈને તાજુબ થતું. શું ખરેખર આ દુનિયા એવડી મોટી છે કે આમ આટલા બધા માણસો એમાં ખોવાઈ જાય એવાં પ્રશ્નો પણ થતાં! મોટા થયા પછી સમજાયું કે આ ખોવાઈ જવું તો મરી જવાથી પણ વધુ દુઃખદ છે. મરી જવામાં કમ સે કમ એક સ્થાયિત્વ છે. મૃત્યુ પામનારની પાછળ એના સ્વજનો વહેલામોડાં સ્વીકારી લે કે આપણી વ્યક્તિ કદી પાછી આવવાની નથી  એ સનાતન સત્ય છે. એમાં કોઈ આશાને અવકાશ નથી. જનાર પાછળ ગમે એટલી વિકટ પરિસ્થિતિ સહીને પણ સ્વજનો જીવી જાય. પરંતુ આ ખોવાઈ જતાં લોકો પોતાની પાછળ મણમણની પ્રતીક્ષાનો ભાર મુકતાં જાય છે. આ ભાર એવો હોય છે કે એનાથી સમય જેવો સમય પણ બેવડ વળી જાય. આપણી વ્યક્તિ એક દિવસ  ચોક્કસ પાછી આવશે એ આશાને આંખોમાં તેલ આંજીને જીવતી રાખવામાં આવે છે.  સંજોગોની થપડાક ખાઈખાઈને  કંતાઈ ગયેલી પ્રતીક્ષા ન તો સરખું જીવી શકે છે કે ન તો મરી શકે છે. જે વળાંક પર સ્વજન છૂટા પડ્યા હોય ત્યાંથી  તસુભર પણ આગળ વધી શકાતું નથી. ફરીફરીને બધું એ જ ખરબચડાં બિંદુ પર ખડકાતું રહે છે. 

નાનપણમાં મને પણ ખોવાઈ જવાનું મન થતું. ખોવાયા બાદ લોકો જયાં જતાં રહે છે, એ દુનિયા કેવી હશે તેનું કુતૂહલ કાયમ કનડતું. થપ્પો રમતી વખતે જ્યારે છુપાઈ જવાનો વારો હોય ત્યારે વિચાર આવતો કે હમણાં હું ખોવાઈ જાઉં ને પછી ક્યારેય કોઈને ન મળું તો? અત્યારે આ ઘડીએ આવું લખતાંય આંગળીઓ ધ્રુજી રહી છે. પેલું કહે છે ને કે હંમેશા શુભશુભ બોલવું. ઈશ્વર કોઈ શુભ ચોઘડીએ આપણા પર રાજી થઈને ‘તથાસ્તુ’ બોલી નાખે ત્યારે સારું ઈચ્છ્યું હોય તો એ જ  સાચું પડે. પણ ઈશ્વર એના બાળકો ગાંડાઘેલાં કાઢતાં હોય ત્યારે તથાસ્તુ નથી બોલતો. જોકે આવા ગાંડાઘેલાં વિચાર હજુ પણ  ક્યારેક આવી જાય છે. મન ક્યારેય શાંત હોતું નથી.  એક સાથે ન જાણે કેટલાય મોર્ચે લડતું હોય. બાપડું એ પણ કેટલોક ભાર વેઠી શકે! આટલા બધા સમાંતર ટ્રેક  પર એકસાથે એકધારું  વિચારીને થાકી જવાય.  આનાં કરતાં તો સીધાસાદા ને સરળ હોવું સારું! ક્યારેક એવા સરળ પણ થવાશે એવી  આશા છે.. પરંતુ એ ‘ક્યારેક’ની પ્રતીક્ષા હું આંખોમાં તેલ આંજીને નથી કરવાની એ પણ એટલું જ સત્ય છે.  એવા ‘સરળ’ થવાનો દુરાગ્રહ ન રાખવા માટે મારી આંખોમાંની ચમક, અવાજની તીવ્રતા, મારા મૌનના રાગ, પ્રિય ઇયરિંગ્સ, મને અત્યંત ગમતી મારી કિરમજી રંગની લિપ્સ્ટિક અને મારું લેપટોપ  સત્તરસો વખત મારો આભાર માની ચૂક્યાં છે. જો હું સાવ સીધીસાદી ને સરળ હોત તો કદાચ આ બધાનું અસ્તિત્વ જ ન હોત!

આંખોની ચમક પરથી યાદ આવ્યું કે આપણી આંખોમાં એક પરદો હોય છે જેને રેટિના કહે છે. એના પર જે ચિત્ર ઉપસે એ જ આપણું સત્ય બની જતું હોય. આપણે પણ રેટિના પાસેથી ક્યારેય વધુ સ્પષ્ટતાનો તકાદો  નથી કરતા કે જે એ બતાવે છે તે જ ખરેખરું છે કે પછી આની આગળપાછળ બીજું કશુંક પણ છે? રેટિના પર પડતું  દરેકેદરેક પ્રતિબિંબ ઊંધું હોય છે  જે આપણા સુધી એ સીધું કરીને પહોંચાડે છે. એ વ્યવસ્થા કુદરતે  ગોઠવી છે. તો પછી કુદરત મનને કેમનું ભૂલી ગઈ? મારા જેવી અળવીતરી વ્યક્તિઓના  મનમાં ઉદ્દભવતાં આડાઅવળા  વિચારને  દિમાગ સુધી વ્યવસ્થિત કરીને પહોંચાડે એવું તંત્ર ગોઠવવાની ખાસ જરૂર હતી. જોકે એવું હોત તો પછી મારાં પેલાં ચમક, તીવ્રતા, મૌનના રાગ, ઇયરિંગ્ઝ, કિરમજી  લિપ્સ્ટિક ને લેપટૉપનું શું થાત એ યક્ષ પ્રશ્ન છે.

Rajul Bhanushali Article Sinjarav Lipstick

કિરમજી સાથે માત્ર એક લિપ્સ્ટિક પુરતો સંબંધ નથી. રોજ કિરમજી રંગનું નવું વાસ્તવ ઊગે છે અને આથમે છે. આજે એ વાસ્તવના પ્રકાશમાં પગ પાસે ઉગી નીકળેલી  વિષવેલ દેખાઈ ગઈ. થોડાક દિવસ પહેલાં એક વિચારબીજ ખોવાઈ ગયો હતો. એને શોધવાની ઘણી મથામણ કરી હતી પણ જડ્યો નહીં. એ ફરી ક્યારેક જડશે કે નહીં એ કોઈ કહી શકે એમ નહોતું.  તે ખોવાયો એ ખરબચડાં બિંદુપર ઊભા રહીને સમય બેવડ વળી જાય ત્યાં સુધી એની પ્રતીક્ષા કરવાનો અર્થ નહોતો.  જનારની દસ દિશા હોય, શોધનારની એક. મેં આગળ વધી જવાનું નક્કી કર્યું અને એનાં નામનું નાહી નાખ્યું. ત્યારે ખબર નહોતી કે તે રાઇટિંગ ટેબલની નીચે પડી  ગયો છે. એ જ વિચારબીજમાંથી આ વિષવેલ ઊગી નીકળી હતી. આજે જ્યારે ટેબલ પર બેસીને કશુંક લખી રહી હતી ત્યારે પગ પર ચડી ગઈ. એના કોમળ કાંટા ચામડીમાં ખૂંપી ગયા. એ પરજીવી વેલ ટકી જવા માટે મારામાંથી પ્રાણશક્તિ ચૂસી રહી છે. સાથેસાથે પોતાના કોમળ કાંટા દ્વારા થોડુંથોડું વિષ પણ મારા શરીરમાં ઊતારી રહી છે. પેલો વિચાર ફરી હાવી થઈ રહ્યો છે. સાચું કહું તો એ ઉદ્ભવ્યો હતો ત્યારેય નહોતો ગમ્યો અને અત્યારેય નથી ગમી રહ્યો. એ વેલને મૂળસોતી ઉખાડીને ફેંકી દેવાનુ મન થાય છે પરંતુ એમ કરવું સુરક્ષિત નથી. એવું કરવા જતાં જો એનો એકાદ દાંત પણ તૂટીને ચામડીમાં રહી ગયો તો વિષ આખા શરીરમાં ફેલાઈ જવાનું જોખમ રહેલું છે.  એવું થયું તો એ અવતરી ગયેલાં, અવતરી રહેલાં અને ભવિષ્યમાં અવતરનાર દરેક વિચારને એ ભ્રષ્ટ કરી નાખે એવી ભારોભાર શક્યતા છે ને એવું તો કોઈ કાળે ન પોસાય!

નાનપણમાં એક વાર્તા સાંભળેલી. એક દુષ્ટ જાદુગરણી હતી. એને મંત્રમોહિનની વિદ્યા આવડતી. રોજ સાંજે અંધારું થતાં જ એ ગામમાં આંટો મારવા નીકળતી અને જે બાળક ઘરની બહાર રખડતું મળે એને ઊપાડી જતી. એને સસલાં જેવા કુમળા બાળકોનું  કલેજું તળીને ખાવું ખૂબ ભાવતું. ઝૂંપડીએથી રવાના થતાં પહેલાં એ ચુલા પર તેલ ભરેલું લોહિયું ચડાવીને જ  નીકળતી. નાની હતી ત્યારે પેલાં ખોવાઈ જતાં લોકો વિષે જોઈને જે તાજુબ થતું એવું જ તાજુબ આ જાદુગરણીની વાર્તા સાંભળીને થતું.  થોડોક ડર પણ લાગતો. મોટાં થતાં થતાં એ ડર  અલોપ થતો ગયો પરંતુ પેલી જાદુગરણી અને એની મંત્રમોહિની વિદ્યા સ્મૃતિના કોક અવાવરુ ખૂણામાં સુપ્ત અવસ્થામાં પડ્યાં રહ્યાં. આજે પેલી કુમળી વિષવેલની ગંધથી એ જાદુગરણી સુપ્ત અવસ્થામાંથી આળસ મરડીને બેઠી થઈ ગઈ. એણે ફાટીને ધુમાડે  ગયેલા વિચારબીજમાંથી ઊગી નીકળેલી વેલને તાક્યા કર્યું. કશુંક અજુગતું બનવાનું છે એવો અણસાર આવી ગયો. અચાનક બારીમાંથી ઉકળતા તેલની સખત વાસ આવવા લાગી. આ સામેવાળા ઘરમાં દર બીજેચોથે દિવસે તેલનો તાવડો ચડે. વડા ને ભજીયા ખાતાં જાય અને ઓડકાર લેતાં જાય! મને એ વાસ જરાય ન ગમે. હું બારી બંધ કરવા ઊભી થઈ. 

ક્યારેક થોડીક નવરાશ મળે તો થાકોડો ઉતારવો છે. આ થાકોડો મન સાથે જે સતત મગજમારી ચાલતી હોય છે એનો હોઈ શકે?

– રાજુલ ભાનુશાલી

રાજુલબેન ભાનુશાલીના અક્ષરનાદ પરના ‘સિંજારવ’ સ્તંભના બધા લેખ
અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “મારી કિરમજી રંગની લિપ્સ્ટિક – રાજુલ ભાનુશાલી