નીતિશતકના મૂલ્યો (૬) – ડૉ. રંજન જોષી 8


પ્રાચીન કાળમાં એવી માન્યતા હતી કે સરસ્વતી અને લક્ષ્મી એકસાથે ન હોય. કવિઓ, સાહિત્યકારો, વિદ્વાનોને આવકનું ખાસ સાધન ન હતું. કવિઓમાંથી ભાગ્યે જ કોઈ રાજકવિ થાય તો તેને વર્ષાસન મળતું, જેમાંથી તેની આજીવિકા ચાલતી. પણ બધા કવિઓ રાજકવિ ન થઈ શકતા.

शास्त्रोपस्कृत शब्द सुन्दरगिरः शिष्यप्रदेयागमाः
विख्याताः कवयो वसन्ति विषये यस्य प्रभोर्निर्धनाः|
तज्जाड्यं वसुधाधिपस्य सुधियस्त्वर्थं विनापीश्वराः
कुत्स्याःस्युः कुपरीक्षैर्न मणयो यैरर्घतः पातिताः।। १५ ।।

અર્થ:- જે કવિઓની વાણી શાસ્ત્રાધ્યયનથી શુદ્ધ અને સુંદર છે, જેમાં શિષ્યોને અધ્યયન કરાવવાની યોગ્યતા છે, જે સ્વયંની વિદ્યા માટે સુપ્રસિદ્ધ છે, આવા વિદ્વાન જે રાજાના રાજ્યમાં નિર્ધન રહે છે તે રાજા નિઃસંદેહ મૂર્ખ છે. કવિઓ નિર્ધન હોવા છતાં વિદ્યારૂપી ધનથી શ્રેષ્ઠ છે. રત્નપારખું કોઈ રત્નનું મૂલ્ય ઓછું આંકે તો રત્નની મહત્તા કે મૂલ્ય ઓછાં થતાં નથી.

વિસ્તાર:- શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિ વિદ્વાનોની મહત્તા વર્ણવે છે. વિદ્વાનો જે રાજ્યમાં નિર્ધન કે બેરોજગાર હોય, તો તેમાં રાજ્યના સત્તાધિકારીઓનો દોષ છે, વિદ્વાનોનો નહીં. ઉદાહરણાર્થ ભર્તૃહરિ રત્નોનું મૂલ્ય ઓછું આંકતા મૂર્ખની વાત જણાવે છે. મૂર્ખ કોઈ રત્નને ન પારખીને તેને ફેંકી દે, તો રત્નની મહત્તા ઓછી થતી નથી. વિદ્વાનોની કિંમત વિદ્વાનો જ જાણે છે. મૂર્ખોમાં વિદ્વાનોની એવી દશા થાય છે, જેવી સુંદરીની અંધલોકોમાં તથા ધર્મ પુસ્તકોની નાસ્તિકોમાં. ભામિની વિલાસમાં કહ્યું છે કે

कमलिनि मलिनीकरोषि चेतः।
किमिति बकैरवहेलिताऽनभिज्ञैः॥
परिणतमकरन्दमार्मिकास्ते।
जगति भवन्तु चिरायुषो मिलिन्दाः॥

અર્થાત્ હે કમલિનિ, જો તારા ઉત્તમ મકરંદનો મર્મ સમજવા વાળા ભ્રમર સંસારમાં જીવિત છે તો બગલાઓની અવહેલનાથી તું સ્વયંના ચિત્તને શા માટે વ્યથિત કરે છે?

પ્રાચીન કાળમાં એવી માન્યતા હતી કે સરસ્વતી અને લક્ષ્મી એકસાથે ન હોય. કવિઓ, સાહિત્યકારો, વિદ્વાનોને આવકનું ખાસ સાધન ન હતું. કવિઓમાંથી ભાગ્યે જ કોઈ રાજકવિ થાય તો તેને વર્ષાસન મળતું, જેમાંથી તેની આજીવિકા ચાલતી. પણ બધા કવિઓ રાજકવિ ન થઈ શકતા. મુખ્યત્વે રાજકવિઓ રાજાને જ અનુલક્ષીને કવિતાઓ રચતા. તેમાં રાજાનો અતિરેકભર્યો મહિમા હોવાથી આવી કવિતા લોકોને ઓછી રુચિકર થતી. અર્વાચીન સમયમાં સાહિત્યકારોને પ્રોત્સાહન મળે છે. તેમના પુસ્તકો પ્રકાશિત થવાથી તે આર્થિક ઉપાર્જન પણ કરી શકે છે.

हर्तुर्याति न गोचरं किमपि शं पुष्णाति यत्सर्वदा
ह्यार्थिभ्यः प्रतिपाद्यमानमनिशं प्राप्नोति वृद्धिं पराम् ||
कल्पान्तेष्वपि न प्रयाति निधनं विद्याख्यमन्तर्धनं
येषां तान्प्रति मानमुज्झत नृपाः कस्तैः सह स्पर्धते ।। १६ ।।

અર્થ:- જે વિદ્યાને ચોરો જોઈ શકતા નથી, જે સૌને પવિત્ર કરે છે અને જિજ્ઞાસુઓને આપવાથી નિરંતર વૃદ્ધિ પામે છે, જે કલ્પાન્તે પણ નષ્ટ થતી નથી. આ પ્રકારની વિદ્યા જેની પાસે છે, તે કવિઓ – વિદ્વાનોની ઉપેક્ષા ન કરો. હે રાજાઓ! તેમની સામે અભિમાન ન કરો. તેમની સરખામણી કોણ કરી શકે?

વિસ્તાર:- શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિ વિદ્યા તથા વિદ્વાનોની વિશેષતા દર્શાવે છે. મદાન્ધ રાજાઓને ભર્તૃહરિ સમજાવે છે કે કવિઓ ઈચ્છે તે કરવા સમર્થ છે. કવિઓએ જ રાવણને રાક્ષસ અને રામને ઈશ્વર બનાવ્યા છે.

વિદ્યાની વિશેષતા દર્શાવતા જણાવ્યું છે કે વિદ્યારૂપી ધનને ચોરો જોઈ શકતા નથી તેમજ ચોરી શકતા નથી. જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને વિદ્યારૂપી ધન અર્પણ કરવાથી તેની નિરંતર વૃદ્ધિ થતી રહે છે. કલ્પાન્તે પણ આ વિદ્યા નષ્ટ થતી નથી. આથી મનુષ્યે હંમેશા આ ધનનું સેવન તથા રાજાએ હંમેશા તેનું રક્ષણ કરવું જોઈએ.

જ્યાં વિદ્વાન પૂજાય છે, સન્માનિત થાય છે તે રાજા કે રાજ્ય પ્રગતિના પંથે છે. જ્યાં આવું થતું નથી બલ્કે ચાડી-ચુગલી કે ઉપરીઓની ખોટી પ્રશંસા કરતા લોકોને જ માન અપાય છે તે રાજા કે રાજ્ય અધોગતિના પંથે છે એવું અહીં ભર્તૃહરિ સ્પષ્ટપણે જણાવે છે.

अधिगतपरमार्थान्पण्डितान्मावमंस्था
स्तृणमिव लघुलक्ष्मीर्नैव तान्संरुणद्धि।
अभिनवमदलेखाश्यामगण्डस्थलानां
न भवति बिसतन्तुर्वारणं वारणानाम् ।। १७ ।।

અર્થ:- હે રાજાઓ! જેને પરમાર્થ સાધનની ચાવી પ્રાપ્ત થઈ ગઈ છે, જેને આત્મજ્ઞાન થઈ ગયું છે, તેનું તમે અપમાન ન કરો. જેમ મદોન્મત્ત ગજેન્દ્રને કમળતંતુઓ રોકી શકતા નથી તેમ તમારી તણખલાં સમાન તુચ્છ લક્ષ્મી તેમને રોકી શકશે નહીં.

વિસ્તાર:- પ્રસ્તુત શ્લોક માલિની છંદમાં રચાયો છે. કવિઓ કે સાહિત્યકારો બે પ્રકારે રચના કરે છે.

૧) परान्तः सुखाय:- અન્યના ચિત્તને આકર્ષવા માટે. તેઓ ધન, લક્ષ્મી, માનના હેતુથી પોતાની કૃતિનું સર્જન કરે છે.
૨) स्वान्तः सुखाय:- સ્વયંના આનંદ માટે પોતાની કૃતિનું સર્જન કરે છે. આવા કવિઓનું સર્જન યુગો સુધી અમરત્વને પામે છે.

જેમને ઈશ્વરત્વનો સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે, જેમની  તમામ રચનાઓ આત્મરંજન નહીં, પરંતુ પરમાત્મ રંજન માટે છે, તેવા કવિઓને કે તેમની કૃતિઓને કોઈ રાજા કે ધનિક વ્યક્તિ ક્યારેય લક્ષ્મીના ત્રાજવે તોળી શકે નહીં, એવું ભર્તૃહરિ અહીં સ્પષ્ટ જણાવે છે.

મહાકવિ દાગ નિજાનંદ કે પરમાત્મ રંજન માટે રચાતા સાહિત્ય વિશે લખે છે:

तेरी बन्दा-नवाजी, हफ्त किश्वर वख्फा देती है।
जो तू मेरा, जहाँ मेरा, अरब मेरा, अजम मेरा ।।

તારી સેવા કરવાથી સાત વિલાયતના રાજ્ય મળી જાય છે. જ્યારે તું અમારો થઈ જાય છે ત્યારે આખું જગત અમારું થઈ જશે એમાં કોઈ શંકા નથી.

અન્ય સાહિત્યમાં પણ કહેવાયું છે:

पण्डित परमार्थीन को, नहिं करिये अपमान।
तरुण-सम संपत को गिनै, बस नहिं होत सुजान।।
बस नहिं होत सुजान, पटा झरमद है जैसे।
कमलनाल के तन्तु बंधे, रुक रहीहै कैसे?।।
तैसे इनको जान, सबहिं सुख शोभा मण्डित।
आदरसो बस होत, मस्त हाथी ज्यों पण्डित।।

ટૂંકમાં જેમ કમળતંતુઓ મદોન્મત્ત હાથીને ન રોકી શકે તેમ સત્તા કે સંપત્તિની લાલચ સાહિત્યકારોને રોકી શકતી નથી. આવા સિદ્ધ કવિઓ કે સાહિત્યકારોનું મૂલ્ય તેનાથી ઉપરીઓએ સમજવું જ રહ્યું.

अम्भोजिनीवननिवासविलासमेव
हंसस्य हन्ति नितरां कुपितो विधाता।
न त्वस्य दुग्धजलभेदविधौ प्रसिद्धां
वैदग्ध्यकीर्तिमपहर्तुमसौ समर्थः।। १८।।

અર્થ:- જો વિધાતા હંસ પર અત્યંત કુપિત થઈ જાય, તો તેનો કમળવનોમાં નિવાસ અને વિલાસને નષ્ટ કરી શકે. પરંતુ તેની દૂધ અને પાણીને અલગ કરવાની પ્રસિદ્ધ ચતુરાઈની કીર્તિને તો વિધાતા પણ નષ્ટ ન કરી શકે.

વિસ્તાર:- વસંતતિલકા છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં હંસના ઉદાહરણ દ્વારા ભર્તૃહરિ જણાવે છે કે કદાચ કોઈ રાજા કવિ કે કદાચ કોઈ રાજા કોઈ કવિ કે સાહિત્યકાર પર અત્યંત કુપિત હોય, તો તેનો દેશનિકાલ કરી શકે, પરંતુ તેની વિદ્વત્તા કે કીર્તિનો દેશનિકાલ કરી શકતા નથી. તેથી જ તો કહેવાય છે, स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते। – રાજા માત્ર પોતાના દેશમાં પૂજાય છે, જ્યારે વિદ્વાન સર્વત્ર પૂજાય છે.

હંસના ઉદાહરણ દ્વારા ભર્તૃહરિ સમજાવે છે કે કુપિત વિધાતા હંસના નિવાસ અને વિલાસને અટકાવી શકે, પરંતુ તેના નીરક્ષીર વિવેકની કીર્તિને નહીં. આ જ રીતે કવિના ગુણો પણ અજર-અમર હોય છે, તેને ક્યારેય કોઈ નષ્ટ કરી શકતું નથી. આથી વિદ્વાનોએ નિ:સંકોચ નિદાનંદ માટે સ્વયંનું સર્જન કરતા રહેવું.

આ જ વાત એક દોહામાં પણ કહેવાઈ છે.

कोपित यदि विधि हंस को, हरत निवास विलास।
पय पानी को पृथक गुण, तासु सकै नहि नाश।।

(ક્રમશ:)

— ડૉ. રંજન જોષી


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “નીતિશતકના મૂલ્યો (૬) – ડૉ. રંજન જોષી