મનુષ્યની આધ્યાત્મિક સુખાકારીના ભર્તૃહરિ હિમાયતી છે. આથી તેઓ મનુષ્યને કોઈ ધર્મ, સંપ્રદાયના અનુયાયી તરીકે જ સ્વીકારે છે. આથી આધ્યાત્મિકતા અને ધર્મને પણ તેઓ મનુષ્યત્વના લક્ષણ તરીકે સ્વીકારે છે. આવા લક્ષણો વિનાના માણસો પૃથ્વી પર ભારરૂપ છે.
येषां न विद्या न तपो न दानं
ज्ञानं न शीलं न गुणो न धर्मः।
ते मर्त्यलोके भुविभारभूता
मनुष्यरूपेण मृगाश्चरन्ति ।। १३ ।।
અર્થ:- જેમની પાસે વિદ્યા નથી, તપ નથી, દાન નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી તે પૃથ્વી પર ભારરૂપ છે. તેઓ મનુષ્યરૂપે મૃગ થઈને ચરે છે.
વિસ્તાર:- ઈન્દ્રવજ્રા છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિ મનુષ્ય એટલે સર્વગુણસંપન્ન એવી વ્યાખ્યા આપે છે.
વિદ્યા:- ભર્તૃહરિ વિદ્યાના હિમાયતી છે. પ્રત્યેક વ્યક્તિ વિદ્યાથી વિભૂષિત વિદ્વાન હોવી જોઈએ. વિદ્યા માટે કહેવાયું છે ‘सा विद्या या विमुक्तये।’ – જે મુક્તિ અપાવે તે વિદ્યા. વિદ્યા બે પ્રકારની છે. ૧) ભૌતિક વિદ્યા અને ૨) આધ્યાત્મિક વિદ્યા. ભૌતિક વિદ્યાથી જીવનના સાંસારિક પ્રશ્નોનું સમાધાન થાય છે, જ્યારે આધ્યાત્મિક વિદ્યાથી શાંતિ અને સમતા પ્રાપ્ત થાય છે. વ્યક્તિ અને રાષ્ટ્રને સુખી, સમૃદ્ધ, સુરક્ષિત બનાવવા ભૌતિક વિદ્યા આવશ્યક છે. ભૌતિક વિદ્યા વિનાની શુષ્ક આધ્યાત્મિકતા પણ દરિદ્રતા સર્જે છે તેમજ આધ્યાત્મિકતા વિનાની શુષ્ક ભૌતિક વિદ્યા નાસ્તિકતા સર્જે છે. આથી બંનેનો સુભગ સમન્વય સાધવો જોઈએ. આ બંનેમાંથી એક પણ વિદ્યા રહિત મનુષ્યને ભર્તૃહરિ મૃગલા સમાન ગણાવે છે.
તપ:- તપ એટલે કર્તવ્યનિષ્ઠા આડે આવતાં વિઘ્નોને સર કરવા. તપ એટલે શારીરિક કષ્ટ નહીં, કર્તવ્ય પરાયણતાને નિષ્ઠાપૂર્વક બજાવતા હસતાં હસતાં જીવન આદર્શ બનાવવું તે. આવા તપરહિત મનુષ્ય પશુરૂપ છે.
દાન:- દાન એટલે સ્વયંની વસ્તુ કે જ્ઞાન જરૂરિયાતમંદને આપવું. દાન પાંચ પ્રકારના છે.
૧. વ્યક્તિલક્ષી:- કોઈ વ્યક્તિ વિશેષને અપાતું દાન વ્યક્તિલક્ષી છે. જેમકે, ગુરૂ, સંત, સાધુ, દરિદ્ર વગેરે.
૨. દેવલક્ષી:- જે દેવોના અર્થે અપાતું દાન છે તે દેવલક્ષી છે. જેમકે, મંદિરો ચણાવવા, ભગવાનના વસ્ત્ર, મુગટ વગેરે અર્થે અર્પણ કરાતું દાન.
૩. સમાજલક્ષી:- પોતાના સમાજ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ, ઈનામ વિતરણ વગેરે સમાજલક્ષી દાન છે.
૪. રાષ્ટ્રલક્ષી:- આ દાનમાં રાષ્ટ્રનું હિત નિહિત હોય છે. સંપૂર્ણ રાષ્ટ્રના હિત માટે તન, મન, ધનથી અર્પિત થવું અને રાષ્ટ્રના પ્રશ્નો ઉકેલવા તે રાષ્ટ્રલક્ષી દાન છે.
૫. માનવતાલક્ષી:- કોઈ પણ ભેદભાવ વિના માત્ર માનવતાના હેતુથી કરવામાં આવતું દાન માનવતાલક્ષી છે. જેમકે, શાળાઓ બંધાવવી, હોસ્પિટલ બંધાવવી, ધર્મશાળા – અનાથાલય વગેરેનું નિર્માણ કરવું. આ પ્રકારના દાન ન કરનાર માણસ પણ પશુ સમાન છે.
જ્ઞાન:- જેનામાં જ્ઞાન નથી, જે મૂર્ખ છે, જડ છે, અજ્ઞાની છે તે પણ પૃથ્વી પર પશુ સમાન છે.
શીલ:- ચારિત્ર્ય એટલે શીલ. ચારિત્ર્યહીન લોકોને પણ ભર્તૃહરિ પશુ સાથે સરખાવે છે. અંગ્રેજીમાં પણ કહેવાયું છે કે “When wealth is lost, nothing is lost; when health is lost, something is lost; when character is lost, everything is lost.”
ગુણ:- જેની પાસે ગુણો નથી તેને ભર્તૃહરિ પશુ સમાન ગણાવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અધ્યાય ૧૬માં દૈવી સંપત્તિ અંતર્ગત સદગુણોનું વર્ણન છે. (૧) નિર્ભયતા, (૨) સત્ત્વસંશુદ્ધિ એટલે ચિત્તશુદ્ધિ, (૩) જ્ઞાન, (૪) યોગમાં એકનિષ્ઠા, (૫) દાન, (૬) ઇંદ્રિયનિગ્રહ, (૭) યજ્ઞ, (૮) વેદાદિ શાસ્ત્રપઠન, (૯) તપ, (૧૦) સરળતા, (૧૧) અહિંસા, (૧૨) સત્ય, (૧૩) અક્રોધ, (૧૪) ત્યાગ, (૧૫) શાંતિ, (૧૬) ચાડીચૂગલીનો અભાવ, (૧૭) ભૂતો ઉપર દયા, (૧૮) વિષયલંપટતાનો અભાવ, (૧૯) નમ્રતા, (૨૦) લાજ, (૨૧) ચપળતાનો અભાવ. (૨૨) તેજ, (૨૩) ક્ષમા, (૨૪) ધૃતિ એટલે ધૈર્ય કે ધીરજ, (૨૫) પવિત્રતા, (૨૬) અદ્રોહ, (૨૭) પૂજ્યપણાના અભિમાનનો અભાવ.
ધર્મ:- મનુષ્યની આધ્યાત્મિક સુખાકારીના ભર્તૃહરિ હિમાયતી છે. આથી તેઓ મનુષ્યને કોઈ ધર્મ, સંપ્રદાયના અનુયાયી તરીકે જ સ્વીકારે છે. આથી આધ્યાત્મિકતા અને ધર્મને પણ તેઓ મનુષ્યત્વના લક્ષણ તરીકે સ્વીકારે છે. આવા લક્ષણો વિનાના માણસો પૃથ્વી પર ભારરૂપ છે. હિતોપદેશમાં પણ કથિત છે કે
दाने तपसि शौर्ये च यस्य न प्रथितं मनः|
विद्यायाम् अर्थलाभे च मातुरुच्चार एव सः||
જેનું મન દાનમાં, તપસ્યામાં કે શૂરવીરતામાં રત થતું નથી તેના દ્વારા અર્જિત વિદ્યા કે ધન-સંપત્તિ મળ-મૂત્ર સમાન અર્થાત્ સમાજ માટે નિષ્પ્રયોજ્ય જ છે.
धर्मार्थकाममोक्षाणां यस्यैकोऽपि न विद्वते।
अजागलस्तनस्येव तस्य जन्म निरर्थकम्॥
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આમાંથી એક પણ જેનામાં વિદ્યમાન નથી તેનું આ પૃથ્વી પર અવતરણ બકરીના ગળામાં લટકતા સ્તન સમાન નિરર્થક છે
मूर्खस्तु परिहर्तव्य: प्रत्यक्षो द्विपद: पशु:
भिनत्ति वाक्यशल्येन अदृष्ट: कण्टको यथा।
મૂર્ખ લોકોથી દૂર રહેવું જોઈએ. તે પ્રત્યક્ષરૂપે બેપગાળા પશુ જ છે. જેમ અદૃશ્ય કાંટા શરીરને વીંધે તેમ તેઓ પોતાના વચનરૂપી બાણોથી સૌને વીંધે છે.
वरं पर्वतदुर्गेषु भ्रान्तं वनचरैः सह।
न मूर्खजनसम्पर्कः सुरेन्द्रभवनेष्वपि ।। १४ ।।
અર્થ:- ઘનઘોર જંગલોમાં પર્વતો પર જંગલી પ્રાણીઓ સાથે રહેવું સારું, પરંતુ ઈન્દ્રના આલીશાન મહેલોમાં પણ મૂર્ખ સાથે રહેવું મંજૂર નથી.
વિસ્તાર:- અનુષ્ટુપ છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિ મૂર્ખ લોકો પ્રત્યેની ઘૃણા વ્યક્ત કરે છે. ઈન્દ્રના વિશાળ ભવનમાં પણ મૂર્ખ વ્યક્તિ સાથે રહેવું ઈચ્છનીય નથી કારણકે સંસારની તમામ સગવડો વચ્ચે પણ મૂર્ખની મૂર્ખતા અગવડોનું જ સર્જન કરે છે. આવા માણસો ક્યારેય કોઈને સુખી કરી શકતા નથી. આથી જ હિતોપદેશમાં કહેવાયું છે કે
वरं शून्या शाला न च खलु वरो दुष्टवृषभो
वरं वेश्या पत्नी न च पुनरविनीता कुलवधूः|
वरं वासोऽरण्ये न पुनरविवेकाऽधिपपुरे
वरं प्राणत्यागो न पुनरधमानामुपगमः||
અર્થાત્ દુષ્ટ બળદ કરતાં ખાલી ગૌશાળા જ સારી, અવિનીત પુત્રવધૂ કરતાં ગણિકા પત્ની સારી, અવિવેકી શાસકના નગરમાં રહેવા કરતાં અરણ્યમાં રહેવું જ સારું અને અધમ વ્યક્તિઓના સંપર્કમાં રહેવા કરતાં તો પ્રાણ ત્યાગ કરવા જ સારાં. બાઇબલમાં પણ કહ્યું છે કે મૂર્ખોના ગીત કરતાં બુદ્ધિમાનોની બડાઈ સાંભળવી સારી. – It is better to hear the rebuke of the wise, than for a man to hear the song of fools. – Bible
હિતોપદેશમાં પણ કહ્યું છે કે
त्यज दुर्जनसंसर्गं भज साधुसमागमम् ।
कुरु पुण्यमहोरात्रं स्मर नित्यमनित्यतः॥
દુર્જનોનો સંગ છોડો, સજ્જનોનો સંગ કરો. દિવસ-રાત પુણ્ય કરો, હંમેશા ઈશ્વરનું સ્મરણ કરો.
न स्थातव्यं न गन्तव्यं क्षणमप्यधमै: सह|
पयोऽपि शौण्डिकीहस्ते वारुणीत्यभिधीयते||
એક ક્ષણ પણ અધમ મનુષ્યની સાથે ઊભું રહેવું ન જોઈએ કે ક્યાંય જવું ન જોઈએ. દારૂ વેચનાર સ્ત્રીના હાથમાં રહેલું ચોખ્ખું દૂધ પણ મદિરા જ કહેવાય છે.
न स्थातव्यं न गन्तव्यं दुर्जनेन समं क्वचित्।
काकसङ्गाडतो हंसस्तिष्ठन् गच्छंश्च वर्तकः॥
એક ક્ષણ પણ અધમ મનુષ્યની સાથે ઊભું રહેવું ન જોઈએ કે ક્યાંય જવું ન જોઈએ. કાગડાની સાથે રહેતો હંસ ચાલચલનમાં બતક સમાન જ હોય છે.
હિન્દી સાહિત્યમાં પણ કહેવાયું છે કે
कुटिल क्रूर लोभी जो नर, करै न संगति ताहि।
ऋषि वशिष्ठ धेनु हरि, विश्वामित्र जु चाहि।।
આમ, મનુષ્યે હંમેશા સજ્જનોની, વિદ્વાનોની જ સંગતિ કરવી જોઈએ, દુર્જનોની કે મૂર્ખોની ક્યારેય પણ નહીં.
(ક્રમશ:)
अत्यंत रंजितोस्मि रंजनस्तव विवेचना
धन्यवादाः..