નૃત્યને કોઈ વિષયમર્યાદા હોતી નથી કે એને સીમા બાંધી નથી શકતી. તે છતાં સામાન્યપણે વિષયપસંદગીમાં સમાજનું પ્રતિબિંબ પડે જ છે. ભારતીય નૃત્યોમાં આપણાં પોતાના ઉત્સવો કે તહેવારોની ઉજવણીની છાપ છે. આમ, જેવી સંસ્કૃતિ એવી વિચારધારા, એવા જ નૃત્યો. જેમ કે, આપણાં ભગવાન કૃષ્ણની રાસલીલાએ જ રાસ કે ગરબીની રચના કરી છે.
મારું અદમ્ય આકર્ષણ નૃત્ય એટલે મારા માટે સંગીત નૃત્ય નાટક અકાદમી, રાજકોટનો એક વર્ગ. દર વર્ષે રાજકોટમાં યોજાતી ગરબીની નાની પ્રસ્તુતિઓ. મારી નાની બેન સાથે રાજકોટના આકાશવાણી નિમિત્તે કે ચિલ્ડ્રન્સ થિયેટર જેવી સંસ્થાઓના કાર્યક્રમોમાં થતાં અમારા નૃત્ય પ્રદર્શન. એક ભાવના સાથે રાધા, મીરાં કે કૃષ્ણ બનીને કરેલી બાળપણની પ્રસ્તુતિઓ. વર્ષો જતાં સમજાયું કે ભારતીય નૃત્ય એટલે ભારતીય સંસ્કૃતિનો પરિચય.
આપણાં નૃત્યો આપણાં પોતાના રૂઢિ, વિચાર તથા લોકાચારને અનુરૂપ હોય છે. આપણી વિચારધારા પ્રમાણે જ આપણાં પહેરવેશ, રહેણી કરણી કે ઉત્સવો હોય છે. ઉત્સવો કે તહેવારોની ઉજવણી માટે નૃત્ય અને પાત્રની પસંદગી આપણી કથા, આપણી માન્યતાથી થાય છે. આમ, જેવી સંસ્કૃતિ એવી વિચારધારા, એવા જ નૃત્યો. જેમ આપણા ભગવાન કૃષ્ણની રાસલીલાએ જ રાસ કે ગરબીની રચના કરી છે.
આપણાં તહેવારો વખતે ‘કૃષ્ણજન્મ’ કે ‘મહિષાસુર મર્દન’ વિષય પર નૃત્ય કે નાટ્યની પ્રસ્તુતિ થાય એ બહુ જ સ્વાભાવિક છે. દરેક સ્થળ સાથે ત્યાંના પ્રાદેશિક લોકોની વાયકા પણ જોડાયેલી હોય છે. એ વિશે ત્યાંના લોકોના મનમાં આદર હોય છે. પેઢી દર પેઢીથી ઊંડી છાપ હોય છે. એટલે એમનાં કળાપ્રદર્શનમાં એ રજુ થાય એ સ્વાભાવિક છે.
નૃત્યકળાના વિષયોમાં મુખ્યત્વે આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણાં ઋષિ મુનિઓના જ્ઞાનસંદેશ અને પુરાણ કથાઓનો આશરો લેવાય છે.
ભારત એક ભાતીગળ સભ્યતાવાળો દેશ છે. હિમાચ્છાદિત ઉત્તર ભારત અને ત્રણ સમુદ્રના સંગમ પર શોભે છે એવો દક્ષિણ ભારતનો પ્રદેશ છે. તેમ જ લીલી હરિયાળી ધરાવતો ભારતનો પૂર્વી પ્રદેશથી પશ્ચિમી ભારતમાં રણ ધરાવતા રાજસ્થાન વચ્ચે અનેક જાતિ-પ્રજાતિ ભારતીયતાના ગૌરવ સાથે જીવી રહી છે એવો એની વચ્ચેનો આપણો સમૃદ્ધ પ્રદેશ છે. વિવિધતા અને ભાતીગળ સંસ્કૃતિ એ તો આપણો અમૂલ્ય વારસો છે. આપણે સૌ અનેક માન્યતા, ભાષા, રીતિ રિવાજને આપણી આજુબાજુ નજીકથી જોઈએ છીએ. જે આપણી સંસ્કૃતિ છે. જ્યારે પણ લલિતકળાઓમાં નૃત્યનું પ્રદર્શન થાય છે, ત્યારે એના પ્રભાવ હેઠળ જ નૃત્ય પ્રયોજાય છે.
ભારતીય શાસ્ત્રીય નૃત્યપદ્ધતિ પ્રમાણે ‘પુરાણ કથાઓ’ દરેક શાસ્ત્રીય નૃત્ય પ્રકારમાં પ્રસ્તુતિ માટે સામાન્ય રહી છે. પુરા એટલે અનાગત અથવા અતીત. અણ એટલે કહેવું. પુરાણ કથા એટલે સદીઓ પહેલાની ઘટનાઓ. જે પેઢીઓથી એક જ રીતે સમાજમાં પ્રસ્તુત થાય છે. જે વિશે આપણે સૌ માનીએ છીએ કે ‘એ બનેલી ઘટનાઓ’ છે. ઘણી વખત અશક્ય લાગતી ઘટનાઓ પણ હોય છે. પ્રમાણ મળે કે ન મળે તે છતાં આપણાં પૂર્વજો કહેતાં તેથી આપણે પણ હ્રદય પૂર્વક એમાં શ્રદ્ધા રાખીએ છીએ.
આ બધાં કથાનકોના વિષયોમાં ધર્મ, નીતિમત્તા, સદાચાર, પ્રેરણાત્મકતા રહેલી હોય છે. જે વ્યક્તિનું ચરિત્ર ઘડવામાં ઘણી ઉપયોગી થાય છે. આપણાં દેવોનું જીવન પણ જાણે કોઈ મનુષ્યનું જીવન હોય એવી રીતે વર્ણન કરાય છે. સુખ, દુઃખ, ભય, પડકાર જેવી ક્ષણો એમના જીવનકાળમાં પણ બને છે એવી કથાઓ છે. એ વખતે દેવો કેવી રીતે વર્તન કરે છે એ જાણવું એ જ જીવનનો પદાર્થપાઠ બને છે.
લાલિત્ય સાથે રજુ થતાં આવા સામાજિક સંદેશ વ્યક્તિના મનમાં જાણે અજાણે સચવાય જાય છે. વ્યક્તિની માન્યતાઓનું ઘડતર આવી રચનાઓથી થાય છે. પ્રાચીન કાળમાં આવી કથાઓ જ્યારે ઋષિ મુનિઓ દ્વારા સમાજમાં કહેવાતી એ શ્રુતિ અને સ્મૃતિ, મુખ્ય ઉપદેશો બનીને આજ દિન સુધી સચવાઈ છે એમાં આ લલિતકળાઓનો મોટો હાથ છે.
શ્રુતિ એટલે તમારા કાન પર પડનારા શબ્દો, તમે એકધ્યાન થઈને સાંભળેલું. આપણા પ્રાચીન વેદોને શ્રુતિ કહેવામાં આવે છે. જે જ્ઞાનનો પહેલો સ્ત્રોત કહી શકાય. સ્મૃતિ એટલે યાદ કરેલું, સ્મૃતિઓ એક બહુ જ લાંબા સમયાન્તરાલમાં સંકલિત થઈ છે. જે વિવિધ વિષયો સંબંધિત છે. ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ, સૂત્ર, આગમ અને દર્શન, આ છ સ્મૃતિઓ છે.
આ બધાં વિષયોમાં નૃત્યમાં વધારે તો પુરાણ કથાઓ જ કૃતિ રૂપે રજૂ થાય છે.
આ પ્રાચીન ગ્રંથોમાં મૂળભૂત વિચાર તથા રૂપકો આપ્યા છે એ તરફ દ્રષ્ટિ કરીએ. દરેક નૃત્ય પ્રકારે એ કથાનકોનો સમાવેશ પોતાની નૃત્ય રચનામાં કરેલો છે. જેમ કે, બધાં દેવો અને ભક્તો વિશેની રચનાઓ. ઘણી ભક્તિ રચનાઓ પણ બધાં જ ભારતીય નૃત્યમાં સામાન્ય જોવા મળે છે.
આપણાં વેદોના જ્ઞાન પ્રમાણે પ્રથમ નાદની ઉત્પત્તિ થઈ અને ૐ; એટલે અ, ઊ તથા મ નો ઉદ્ભવ થયો. ત્રિગુણ: સત્વ, રજસ અને તમસ, જે સત્યતા, ચાહત અને અંધકાર છે. ત્રણ કાળ: ત્રિકાળ એ ભૂત, વર્તમાન અને ભવિષ્ય છે. ત્રણ સ્તરો એ આકાશ, પૃથ્વી અને પાતાળ છે. એ જ પ્રમાણે માન્યતા નૃત્યમાં સ્વીકારાઈ છે. પ્રથમ નાદ ઉત્પતિ થઈ, એનાથી જ ઉર્જા ઉત્પન્ન થઈ. તે પછી બ્રહ્મ અને બ્રહ્માંડની રચના થઈ. આમ, ભારતીયતા એક વિચાર તરીકે, ૐ ના પ્રાગટ્ય સાથે શરુ થાય છે. સંગીત હોય કે નૃત્ય, આ ભાવમાં વહીને નૃત્યનો એક વિષય બને છે. નૃત્યમાં પણ આવી વિભાવનાનું અગ્રિમ સ્થાન છે. જે વ્યક્તિની સામાન્યતાને નૃત્ય દ્વારા ઊંચાઈ પર લઈ જાય છે.
ભારતીય વિચારધારા પ્રમાણે દરેક પ્રકારની ઉર્જાને આ બ્રહ્માંડ અને પૃથ્વી પરના એમના પોતાના કાર્ય પ્રમાણે એક નામ અપાયું છે. પ્રાચીનતમ સંસ્કૃતિમાં અગ્નિ, દેવ ગણાય છે. નૃત્યમાં અગ્નિ દર્શાવવા તેના ચિહ્નોનો ઉપયોગ થાય છે. સૂર્યને સદા પ્રજ્વલિત તારો કહેવાય છે, પેટની ભૂખ એ જઠરાગ્નિ છે, તો વાસના એ કામાગ્નિ છે.
નર્તકે જઠરાગ્નિ છોડી, કામાગ્નિનો ત્યાગ કરીને એની પોતાની જ્યોત કે ચેતના તરફ આગળ વધવાનું છે એ એની શિક્ષા છે. એવી જ રીતે પવનદેવ, વરુણદેવ, ઈન્દ્રદેવ વગેરે દેવોના વાહન, શસ્ત્રો એક રૂપક સમાન છે. જે એમની શક્તિઓની જાણકારી આપે છે. ક્યાં વાસ કરે છે અને કેટલા મદદકર્તા અને વિનાશકર્તા છે એ પણ દર્શાવે છે. નૃત્ય આ બધી વાતને સાંકેતિક રીતે નૃત્યમય અંગસંચાલનથી બતાવી શકે છે.
માતા સરસ્વતીની વંદના ભારતીય નૃત્ય દ્વારા થાય છે. જે જ્ઞાનની દેવી છે. સંગીત અને કળાની દેવી છે. જે તેમના હાથમાં સુંદર કોતરણીવાળી વિણા રાખે છે. એમનું વાહન સફેદ હંસ છે,જે આત્માની સાત્વિકતા અને પવિત્રતાનું પ્રતીક છે. માતા લક્ષ્મી પણ લલિતકળાના આરાધ્યક વિષયોમાં સ્થાન ધરાવે છે. લક્ષ્મીનો અર્થ ચંચળ થાય છે. પરંતુ મા લક્ષ્મીની આરાધના એમના સ્થાયીપણા માટે થાય છે. એમની અર્ચના થાય છે કે એ હંમેશા ઘરમાં તથા વ્યવસાયમાં સાથે જ રહે. બંને માતાજીના કથાનકો નૃત્યકારો માટે ખૂબ ગમતો વિષય છે. મા લક્ષ્મીની અવકૃપાથી એક જ દિવસમાં ધનાઢ્યનું ગરીબ થઈ જવું, અને કૃપા મળતાં ન્યાલ થઈ જવું, એવી ઘણી વાર્તાઓ નૃત્ય અને નાટ્ય સાથે જોડાયેલી છે.
માનવ આ બ્રહ્માંડમાં તુચ્છ છે અને અનેક શક્તિઓ પોષક અને મારક છે, એ વિષય ઉપર અનેક રચનાઓ થઈ છે. જેનું પ્રદર્શન કરતાં પણ નર્તક નમ્રતા અનુભવે છે. એ રીતે જુઓ તો નૃત્ય કે બીજી લલિતકળાઓ, આધ્યાત્મિક ઘડતર માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત, નૃત્ય માટે રંગમંચના પ્રખ્યાત વિષયો બનતા દેવો એમના પદાનુક્રમ પ્રમાણે દેવી, શિવ, વિષ્ણુ, કૃષ્ણ અને ગણેશ છે.
ભારતીય નર્તકો આ રીતે માત્ર નર્તક ન રહેતાં એના ઘડતર સાથે એ વિદ્વાન, ભાષાવિદ્, ફિલસૂફ, સંગીતકાર અને આસ્તિક બને છે. જો નૃત્યકાર આ ફિલસૂફી, નામના અર્થ, સંકેતો અને ચિહ્નો ન સમજે તો આ બધી કૃતિને એ રજુ કરી શકતાં જ નથી. કારણ કે આ ઊંડાણવાળી સંસ્કૃતિને રજુ કરવા પણ સમજણનું ઊંડાણ જરૂરી છે.
સંસ્કૃત શબ્દ દિવ, એટલે કે પ્રકાશ અથવા જ્યોત. દેવી એટલે જે બ્રહ્માંડમાં ઉર્જા અને સર્જનનું પ્રતીક છે. જે મા, જગદંબા, જગતજનની કહેવાય છે. મા ને સર્જન અને દૈત્ય (અનિષ્ટ)ને હણનારી કહેવાય છે. માની વંદના અને સ્તુતિ પર નર્તક નૃત્ય કરે છે.
શિવજીને નટરાજ એટલે નૃત્યના દેવ કહેવાય છે. શિવજીના અનેક રૂપો નૃત્યમાં વર્ણવાય છે એમાં દક્ષિણામૂર્તિ, ભૈરવ, સુંદરેશ્વર અને વિશ્વનાથ છે. નર્તકોના પ્રિય શિવજીની તાંડવ રચનાઓ પણ નૃત્ય રૂપે વર્ણવાય છે.
ભગવાન વિષ્ણુ એ પોષક દેવ છે. એ પોતે અનંતશાયી છે. કાળાતીત સમય માટે જે ક્ષીરસાગરમાં શેષનાગ પર પોઢી રહ્યા છે. જ્યાં ક્ષીર(દૂધ) છે, એ નિર્વાહ અને પોષણનું પ્રતીક છે. વિષ્ણુ લક્ષ્મીજીના પતિ રૂપે લક્ષ્મીનારાયણ સ્વરુપે છે. એક ગાથા પ્રમાણે વિષ્ણુના દશ અવતાર છે.
જે અવતારોએ એમના પોતાના કાળમાં અનિષ્ટનો નાશ કર્યો છે.
૧) મત્સ્ય ૨) કૂર્મ ૩) વરાહ ૪) નૃસિંહ ૫) વામન ૬) પરશુરામ ૭) રામ ૮) કૃષ્ણ ૯) બલરામ ૧૦) કલ્કિ
બુદ્ધિમાન નૃત્યકાર આ દશાવતાર શીખે ત્યારે ઉત્ક્રાંતિ સાથે એને જોડી શકે છે. કૃષ્ણ અવતાર કાળક્રમે પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થાય છે. દશાવતાર નૃત્યકારની પ્રિય કૃતિ છે તો કૃષ્ણલીલા વિના તો જાણે નૃત્ય અધૂરું છે. કૃષ્ણની બાળલીલા, રાસલીલા પ્રખ્યાત વિષયો છે. કૃષ્ણનું એક નામ નટવર છે. રાધા અને કૃષ્ણ હોય કે જશોદામૈયાનું પાત્ર હોય, અનેક કૃતિઓ છે જે રંગમંચ પર ભજવાય છે.
એવી જ રીતે રામ-સીતાના કથાનક હોય કે ગણેશ ભગવાનની વાર્તાઓ હોય, નૃત્ય એ બધાં કથાનકોનો સમાવેશ કરે છે. એ સિવાય પણ કોઈપણ પૌરાણિક પાત્રો પણ રંગમંચ પર સફળ પ્રવેશ કરે જ છે પછી સ્વરૂપ કોઈપણ હોય, નૃત્ય હોય, સંગીત હોય કે નૃત્યનાટિકા હોય. આ રીતે નૃત્ય શિક્ષા એ કોઈ અજાણ્યા પાત્રોની વાર્તા ન બનતા કલાકારના પોતાના જાણીતા અને જે આંતરિક જગતને સમૃદ્ધ કરે છે એવા પાત્રોની કૃતિઓ રંગમંચ પર રજુ કરવા તૈયાર કરાય છે. આ રીતે રસની અભિવ્યક્તિ અને અનુભૂતિ સૌંદર્યલક્ષી જ્ઞાન સાથે થાય છે.
નૃત્યમાં વપરાતા રસ નવ પ્રકારના છે. શ્રુંગાર રસને આદિ રસ અને રસરાજ કહેવાય છે.નવરસ વિશે વાત ભરતનાટ્યશાસ્ત્રના અભ્યાસ વખતે કરીશું. એ પ્રમાણે નાયિકાના ગુણ પ્રમાણે અષ્ટનાયિકાની વરણી થાય છે.
૧) અભિસારિકા ૨) વાસકસજ્જા ૩) વિરહોત્કંઠિતા ૪) વિપ્રલ્લભા ૫) ખર્દિતા ૬) કલહંતરિતા ૭) પ્રોષિતપ્રેતિકા ૮) સ્વાધીનભર્તિકા.
એવી જ રીતે ઉંમર પ્રમાણે વર્ગીકરણ કરીએ તો નાયિકાના પ્રકાર છે: મુગ્ધા, પ્રગલ્લભા, પ્રૌઢા. તો ગુણ પ્રમાણે અધમા, મધ્યમા અને ઉત્તમા કહેવાય છે. આવા અનેક વિશ્લેષણોથી આપણાં શાસ્ત્રીય નૃત્યો સમૃદ્ધ છે. કારણ, દરેક સ્થિતિ અને વ્યક્તિ કે વિચાર માટે અલગ સંકેતો આપણાં અભિનય શાસ્ત્રોએ આપ્યા છે.
અત્યારના સમયમાં નૃત્યના વિષયો વિશાળ દ્રષ્ટિકોણથી પસંદ થઈ શકે છે. જેવા કે પર્યાવરણ, પારિસ્થિતિક સંતુલન, સ્ત્રી હક્ક, સ્ત્રી સશક્તિકરણ, વિશ્વ બંધુત્વ, યાંત્રિક યુગ કે ડીજીટલ યુગની મર્યાદા. સમાજને માહિતગાર કરવા કે લોકોની નજરમાં આ મુદ્દો ઊઠાવવા કળાનું માધ્યમ ઘણું અસરકારક નિવડે છે.
આપણી નૃત્યકળાના મૂળ ઘણાં ઊંડા છે. ઈ. સ. પૂર્વે ચારસો પાંચસો વર્ષ પહેલા આપણાં ભરતમુનિએ નૃત્તશાસ્ત્રની રચના કરી છે. ગ્રીક ફિલોસોફીના માંધાતા અરસ્તુના, ( ઈ. સ. પૂર્વે લગભગ ત્રણસો વર્ષ) વાક્પટુતા શાસ્ત્ર કરતા પણ પ્રાચીન છે. આ પ્રભાવકશાસ્ત્રની વાતોના ત્રણ મુદ્દા,
૧) ઈથોસ: પાત્રની વિશ્વસનીયતા
૨) પેથોસ: પાત્ર સાથે સમસંવેદન
૩) લોગોસ: તર્કસંગત દલીલ
આ ત્રણને પુષ્ટિ કરે એવા વિષયો આપણાં શાસ્ત્રોમાં મળે છે. ભરત મુનિએ આ છણાવટ એમની શૈલીમાં અલગ રીતે કરી છે. જે આપણે વિસ્તૃત ચર્ચા ફરીથી કરીશું.
અભિનય માટે એક શાસ્ત્ર કહી શકાય, એવા પ્રાચીન ગ્રંથો આપણી પાસે છે. જેનાં વિહંગાવલોકન માટે મળીએ આવતા પ્રકરણમાં.
— અર્ચિતા પંડ્યા
ખૂબ સરસ માહિતીપ્રદ લેખ..
ખર્દિતા ને બદલે અષ્ટનાયિકાના નામમાં ખંડિતા તથા વિપ્રલ્લભા ને બદલે વિપ્રલબ્ધા વાંચવું.
Bahu saras
નૃત્ય એટલે માત્ર નાચવું નહીં. નૃત્ય એટલે સાધના. ખૂબ સુંદર લેખ.
આભાર બેન
બહુ સરસ લખ્યું છે… બીજા કૉલમની આતુરતા…