વૃક્ષાલોક : મણિલાલ પટેલ; પુસ્તક સમીક્ષા – અંકુર બેંકર 6


સભ્ય સંસ્કૃતિ અને સહજ પકૃતિ વચ્ચે સંતુલન બનાવવા પ્રયત્ન કરી રહેલા અસહજ માનવીની આપવીતી તમને આ નિબંધોમાંથી મળી આવશે.

પુસ્તક સમીક્ષા: વૃક્ષાલોક
લેખક: મણિલાલ હ. પટેલ

ગુજરાતી અર્વાચીન સાહિત્યમાં ગદ્યના જે વિવિધ પ્રકારોનો ઉદભવ અને વિકાસ થયો તેમાં નિબંધ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. નિબંધલેખનથી આપણાં વિચાર-ચિંતન, કલ્પના અને મનોભાવને વ્યક્ત કરવાની ભાષાભિવ્યક્તિની શક્તિ કેળવાય છે. આ સ્વરૂપમાં કોઈ એક વિષયને મુદ્દાસર રજૂ કરવાનો હોય છે. નિબંધમાં જે વિચારો કે મંતવ્યો દર્શાવ્યાં હોય તે તર્કસંગત હોય તે જરૂરી છે. સમર્થનમાં કે મતમતાંતરની ચર્ચામાં દાખલા-દલીલ વિષયને અનુરૂપ, ટૂંકાં, સચોટ અને મુદ્દાસર હોવાં જોઈએ.

બહુમુખી પ્રતિભા ધરાવતા મણિલાલ હ. પટેલ આધુનિક યુગના સર્જક છે. પદ્ય અને ગદ્યના તમામ સ્વરૂપો જેવા કે કવિતા, નવલકથા, નવલિકા, નિબંધ, પ્રવાસ, વિવેચન, અનુવાદ, જીવનકથા, સંપાદન ક્ષેત્રે એમનું બહોળું યોગદાન રહ્યું છે. પરંતુ, તેઓ નિબંધકાર તરીકે વિશેષ જાણીતા છે. ૧૯૮૮માં ‘મુખોમુખ’ નિબંધસંગ્રહથી આરંભાયેલી એમની નિબંધયાત્રા, ‘કોઈ સાદ પાડે છે’, ‘માટીવટો’, ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે’, ‘વૃક્ષાલોક’, ‘માટીનાં મનેખ’, ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’, ‘મલકની માયા’, ‘વેળા વેળાની વાત’, ‘આડા ડુંગર ઊભી વાટ’, ‘સર્જકનો સમાજલોક’, ‘ધૂળમાં ઊડતો મેવાડ’ જેવા સંગ્રહો આપીને છેલ્લે ૨૦૧૪માં ‘તોરણમાળ’ સુધી પહોંચી છે.

‘વૃક્ષાલોક’ લેખકશ્રીનો પાંચમો નિબંધ સંગ્રહ છે. જે પાર્શ્વ પબ્લિકેશન દ્વારા ૧૯૭૭માં પ્રકાશિત થયેલ છે. વર્ષ ૨૦૧૧માં તેની બીજી આવૃતિ પણ પ્રકાશિત થઈ છે, જેમાં કુલ ૧૭૦ જેટલા પાનાઓમાં ૫૧ નિબંધોનો સમાવેશ થયેલો છે. પુસ્તકમાં સમાવેલા નિબંધો આ પૂર્વે ‘ખેવના’, ‘નિરીક્ષક’, ‘કંકાવટી’, ‘નવનીત સમર્પણ’, ‘કુમાર’, ‘શબ્દ સૃષ્ટિ’, ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘ગુજરાત ટુડે’ વગેરે સામયિકોમાં પ્રકાશિત થયા છે. લેખકે ઈડર છોડ્યું એ પછી ઉમાશંકર જોશીએ એમને લખેલું કે,  ‘ઈડર સાથેનું તમારું ખરું સંધાન તો હવે આવનારા વર્ષોમાં રચાશે…’. કવિવરની આ વાત સાચી પડે છે એનો લેખક મોઢામોઢ સ્વીકાર કરે છે. કદાચ આ સંધાનનાં ફળ સ્વરૂપે જ આ નિબંધો આકાર પામ્યા છે.

સંગ્રહના પ્રથમ નિબંધમાં લેખક કહે છે કે ‘જીવતરને જેમ સર્જક શબ્દસંરચનાથી ઉજાગર કરે છે એમ આ સૃષ્ટિને પણ તાગવા મથામણ કરવાનું ગમે છે.’ આ સંગ્રહના નિબંધો આ મથામણની જ ઉપજ હોય એવું લાગે છે. લેખકને પ્રકૃતિ સાથે-સામે બેસી રહેવું ગમે છે. એમની અને પ્રકૃતિ વચ્ચે થયેલી મૌનગોષ્ઠિના જ અંશ છે આ નિબંધો. સભ્ય સંસ્કૃતિ અને સહજ પકૃતિ વચ્ચે સંતુલન બનાવવા પ્રયત્ન કરી રહેલા અસહજ માનવીની આપવીતી તમને આ નિબંધોમાંથી મળી આવશે.

સ્મૃતિ  હંમેશા સારી જ હોય અને આનંદ આપે એ જરૂરી નથી. કેટલીક સ્મૃતિ દાહક હોય છે જે તમારા વર્તમાનને દઝાડી જાય છે. તેમ છતાં સ્મૃતિને લેખક મોંઘી જણસ કહે છે. લેખકની સ્મૃતિમાં દટાયેલાં શૈશવકાળનાં સંસ્મરણો જ શબ્દોનો આકાર લઈ આ સંગ્રહનાં પાને પાને મહેકે છે. નગરમાં વસેલા માનવીનાં મનનાં અતળતળેથી તરવરી ઊઠેલા સંવેદનો એને લઈ જાય છે એનાં ગામવતન ભણી. જ્યાં એ પાદર, સીમ, વન-વગડો, ટેકરી, તળાવ, દેરી, ધૂળિયું નેળિયું એ સૌમાં લટાર મારી આવે છે.  પુસ્તકમાં લેખકને જે અનુભૂતિ થઈ છે તેને તાદ્રશ્ય કરતું કવિ શ્રી ચંદ્રેશ મકવાણાનું આ ગીત સહસા યાદ આવે,

રાયડાના પીળચટા પાંદડાએ પીધેલી ઝાકળની ધાર મને યાદ છે
રજકાના ક્યારામાં ટૂંટીયું વળેલી એક ઠંડી સવાર મને યાદ છે.

આંબાની ડાળીયેથી ખરતો ઉનાળો
અમે બાજરાનાં પાને ઝીલ્યો’તો
આખ્ખૂયે ગામ જ્યારે છાયડા પીતું’તું
ત્યારે કેસૂડો વગડે ખિલ્યો’તો

એ કેસરિયા રંગ સાથે હોળી ખેલીને અમે ભાંગેલી જાર મને યાદ છે
રજકાના ક્યારામાં ટૂંટીયું વળેલી એક ઠંડી સવાર મને યાદ છે.

ડાંગરના ક્યારાને અડકીને ઉભેલું ચોમાસુ
આંખો ફાડીને ખૂબ વરસ્યું’તુ
અજવાળા સૂરજના વાદળમાં બંધ
એને જોવાને ફળિયુ કૈં તરસ્યું’તું

એક નાનકડી દીવીને સથવારે પીધેલો ઘેરો અંધાર મને યાદ છે
રજકાના ક્યારામાં ટૂંટીયું વળેલી એક ઠંડી સવાર મને યાદ છે

પ્રકૃતિમાં ખોવાઈ જવું એટલે શું? જીવન શું છે અને જીવન પછી શું છે? એ તરફ અંગુલિનિર્દેશ કરવાનું લેખક ચૂકતા નથી. તેઓ કહે છે, ‘તોફાની વરસાદ વેળાએ ઊભો હોઉં છું આ વૃક્ષોરચિત ટનલમાં. વલોવાતાં વૃક્ષો માટે આવી વેળામાં આર્દ્ર થઈ જાઉ છું… પછી તો વૃક્ષો ને હું… વૃક્ષો વરસાદ અને હું… બસ! ટપટપ ટપકતાં વૃક્ષો મને ધીમે ધીમે ઓગાળી દે છે. હું જળમાં જળરૂપે વહેતો વહેતો માટીમાં ભળીને પહોંચી જાઉ છું તરુમૂળમાં, મારા અસલ કૂળમાં! મોડો મોડો ઘેર પહોચું છું ત્યારે હું હું નથી હોતો. હોઉં છું કોઈ અવરગ્રહનો આદિમજન!’ (પૃ. ૮૫). અંતે આ દેહ પ્રકૃતિમાં મળી જવાનો છે એ સત્યથી લેખક અજાણ નથી અને એ હકીકત કેટલી સુંદર રીતે મૂકી આપી છે.

‘સંબંધોનાં રહસ્યો હવે શૈશવે હતાં તેવાં સોહામણાં નથી રહ્યાં. ગામ પાસેના ડુંગરની વનરાજી કપાઈ જતાં એ ઉઘાડો પડી ગયો છે – અમારા જીવનની જેમ! ને મહીસાગરનાં કોતરોય કણજીઓ કપાઈ જતાં ખુલ્લાં ફટ્ટાક પડ્યાં છે. હવે કશું રહસ્ય બચ્યું નથી તો પણ રોજ સવારે સંબંધોનું સ્મરણ નાગફેણ માંડીને ઊભું રહે છે.’ (પૃ. ૨૮). નવી નોકરી મળતાં ઇડર જતી વખતે થયેલ અનુભવથી લેખકને એવી અનુભૂતિ થાય છે કે તે પોતે વતનઘર નથી છોડી રહ્યા પણ ગામ તેમને છોડી રહ્યું છે. જીવનમાં ક્યારેક એવા પ્રસંગો આવતા હોય છે કે જ્યારે સંબંધો ઉઘાડા પડી જતાં હોય છે અને એનો વરવો વિકૃત ચહેરો આપણને ડઘાવી મૂકે છે. તેમ છતાં આપણી સ્મૃતિમાંથી આ સંબંધો ખસતા નથી.

આ આત્મકથાત્મક નિબંધસંગ્રહમાં લેખકશ્રીના અંગત અનુભવો, ઊર્મિસંવેદનો અને વ્યક્તિત્વની અભિવ્યક્તિ સબળ રીતે થઈ છે. જીવનનો વિવિધરંગી અનુભવ, વિવિધ વિષયોનું વિશાળ વાંચન, સુક્ષ્મ નિરીક્ષણશક્તિ, કલ્પનાસમૃદ્ધિ, હૃદયની સંવેદનશીલતા, સર્જકતા અને પ્રકૃતિ સાથેની એમની એકાત્મતા એમના નિબંધોમાંથી વર્તાઈ આવે છે. આ નિબંધોના પ્રદેશમાં વિહરતાં હોઈએ ત્યારે એ વાતની સતત પ્રતીતી થયા કરે કે લેખક માત્ર પ્રકૃતિ સાથે તાદત્મ્ય સાધી શક્યા છે એટલું જ નહીં તેઓ પ્રકૃતિ સાથે તદરૂપ થઈ ગયા છે.

તો મિત્રો ફરી મળીશું આવા જ કોઈક પુસ્તકનાં પાને પાને પગલાં પાડવાં.

મા ગુર્જરીની જય!
નર્મદે હર!
– અંકુર બેંકર


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “વૃક્ષાલોક : મણિલાલ પટેલ; પુસ્તક સમીક્ષા – અંકુર બેંકર

 • Hiral Vyas

  સરસ પુસ્તક સમીક્ષા. આમ પણ વાત પ્રકૃતિની આવે એટલે એમાં ખોવાઈ જવાનું સુખ શોધવા લાગીએ.

  • Ankur Banker

   સાચી વાત. આવી સંદર પ્રકૃતિ માણી શકીએ એવી દૃષ્ટિ મળી છે એ બદલ પણ ઈશ્વરીય શક્તિનો આભાર માનવો પડે.

  • Ankur Banker

   લઘુકથા સ્વરૂપના અભ્યાસુ માટે ખાસ વાંચવાલાયક પુસ્તક.