શાળા એ બાળકો માટેનું સ્વર્ગ હોય છે અને શિક્ષકો એમનાં દેવ! શાળા એવી હોવી જોઈએ જયાં બાળકોનો સ્વસ્થ રીતે વિકાસ થાય. નિષ્ફળતા અને સફળતા બન્ને એકબીજાનાં પૂરક છે એ વાત ફક્ત શાળામાં શીખી શકે નહીં પણ જીવનમાં ઊતારી પણ શકે. જીવન સુંદર રીતે જીવી શકે.
પુસ્તકનું નામ – તોત્તો-ચાન : બારીએ ઊભેલી બાલિકા
મૂળ લેખક – તેત્સુકો કુરોયાનાગી
અનુવાદ – રમણલાલ સોની
લેખક પરિચય – શ્રી રમણલાલ સોની ગુજરાતી બાળસાહિત્યનું એક લાડકું નામ છે. રમણલાલ સોની ગુજરાતી બાળ સાહિત્યકાર, અનુવાદક અને સામાજીક કાર્યકર હતા. એમણે બી.એ. પૂરું કર્યા પછી મોડાસાની હાઈસ્કૂલમાં આચાર્યપદે કામ શરૂ કર્યું. ત્યારબાદ સામાજીક કાર્યમાં જોડાયા. એમણે બાળસાહિત્યમાં કવિતાઓ, વાર્તાઓ, જોડકણાં, નાટકો અને જીવનચરિત્રો લખ્યાં છે. એમણે જુદી-જુદી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદો પણ કર્યાં છે. એમને ગુજરાતી સાહિત્યનું રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયું છે. એમને ગુજરાતી ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે.
પુસ્તક વિશે – આ પુસ્તક મૂળ જાપાની ભાષામાં તેત્સુકો કુરોયાનાગી દ્વારા લખાયું છે. પુસ્તકમાં લખેલી દરેક ઘટના સાચેસાચ તેત્સુકો કુરોયાનાગીના જીવનમાં બનેલી છે અને તેના આધારે જ પુસ્તક લખાયું છે. તોત્તો-ચાન એ તેત્સુકો કુરોયાનાગીનું જ બાળપણનું નામ છે. પુસ્તકના નામની નીચે લખ્યું છે ‘બારીએ ઊભેલી બાલિકા’. જૂની શાળામાં શિક્ષાના ભાગરૂપે બારી પાસે ઊભી રાખવામાં આવતી. અને શાળા બદલવાથી તોત્તો-ચાનના જીવનમાં આનંદ-ઉમંગની બારી ખૂલી એવો એક ગર્ભિત અર્થ પણ છે. કહેવાય છે કે જ્યારે એક બારણું બંધ થાય છે ત્યારે બીજું બારણું ખૂલવા માટે તૈયાર હોય છે, બસ એમ જ!
એક છોકરી, જે માત્ર ગણવેશ પહેરીને નહીં પણ સાથે કલ્પનાની પાંખો પહેરીને શાળાએ જતી હોય એને ‘તું નઠારી છોકરી છે’ કહીને શાળામાંથી કાઢી મૂકવામાં આવે તો એને કેવું લાગ્યું હશે? બાળસહજ જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય એની જગ્યાએ એ તોફાનમાં ખપી જાય તો બાળકોનાં મન પર શું વીતતું હશે? ત્યારબાદ એ જ છોકરી બીજી શાળામાં દાખલ કરવામાં આવે અને શાળાના સુખદ સંસ્મરણો સાથે પુસ્તક લખે એ કેટલી નવાઈની વાત કહેવાય નહીં! તોત્તો-ચાન જ્યારે પહેલી વાર નવી શાળામાં જાય છે ત્યારે રેલ્વેના ડબ્બા ઊભેલાં જોવે છે. ખરેખર તો એ શાળાના વર્ગખંડો હતાં. જ્યાં આટલી સરસ કલ્પના શક્તિ શિક્ષકોની હોય ત્યાં બાળક કેવું ખીલે!
તોત્તો-ચાનને એક તોફાની અને નઠારી છોકરી તરીકેની છાપ સાથે શાળામાંથી બરતરફ કરવામાં આવે છે. એની મા ચિંતિત છે કે બીજી શાળામાં એને દાખલ કરશે કે કેમ? પણ એ ચિંતા પોતાના સુધી જ સીમિત રાખીને તોત્તો-ચાનને પોતાના વિશે કોઈ નબળી ગ્રંથિ ન બંધાઈ જાય એટલે કંઈ કહેતી નથી. અને તોત્તો-ચાનને તોમોએ નામની શાળામાં દાખલ કરવામાં આવે છે. શાળાનું વાતાવરણ એટલું જુદું અને બાળકોને અનુરૂપ હતું કે તોત્તો-ચાન ત્યાં બાળક તરીકે સરસ રીતે વિકાસ પામે છે. શાળાના શિક્ષકો અને સ-વિશેષ શાળાના આચાર્ય કોબાયાશી બાળકોને સુંદર અને સ્વસ્થ વાતાવરણ આપે કે ગમે તેવું બાળક હોય એ સારા નાગરિક તરીકે જ શાળા બહાર નીકળે.
આપણે જાણીએ છીએ કે ઘર પછી જો કોઈ જગ્યા છે જ્યાં બાળક સૌથી વધારે પોતાનો સમય વીતાવે છે તો એ શાળા છે. એ જગ્યા સાથે બાળકનો એક અનેરો નાતો હોય છે. મોટાં થયાં પછી પણ એ શાળાજીવનના દિવસો ભૂલાતાં નથી. અને એ નથી ભૂલાતાં એનું કારણ શાળા અને શાળાના શિક્ષકો જ હોય છે. એમના દ્વારા આપવામાં આવતું વિશ્વાસભર્યું વાતાવરણ મોટો ભાગ ભજવે છે. તોત્તો-ચાનના જીવનમાં પણ એની શાળાએ મોટો ભાગ ભજવ્યો. એની કલ્પનાની પાંખો સાથે ઊડવા માટેનું આકાશ મળ્યું. શાળાનો ગણવેશ, શાળામાં લઈ જવામાં આવતું ભોજન, શાળાની શિક્ષણ પદ્ધતિ, શાળાના વર્ગખંડો બધાનું અદ્ભુત વૈવિધ્ય અને જરૂરિયાત બાળકોને એવી રીતે શીખવાડવામાં આવતાં કે બાળકો એને હોંશે હોંશે સ્વીકારતાં. એનો આનંદ લેતાં. અને એટલે ભણતર આપોઆપ ભાર વગરનું થઈ જતું. ચોક્ક્સ તાસ વગર જે બાળકને જે વિષય ભણવો હોય તે ભણવાની છૂટ, પણ દિવસના અંતે દરેક વિષયના કાર્યને પૂરું તો કરવાનું જ. એટલે બાળક રસના વિષયથી દિવસની શરૂઆત કરે અને ભણવામાં રસ અને રુચિ જળવાઈ રહે.
પુસ્તકમાં એક સુંદર વાત કહી છે જે એ જ શબ્દોમાં અહીં રજૂ કરુ છું.
“બાળકોને કોઈ તૈયાર ચોકઠામાં ન નાખો – એમને નિર્બંધ પ્રકૃતિમાં રહેવા દો ને એમની પ્રફુલ્લ ઇચ્છાઓને રૂંધો નહીં. એમનાં સ્વપ્નો આપણાં સ્વપ્નો કરતાં વધુ વિશાળ હોય છે.”
અને આપણે આ વાતને બારીકાઈથી મૂલવીએ તો સમજાય કે આપણે કંઈ પણ કરતાં પહેલાં આપણી નબળાઈઓ જાણીએ છીએ, કોઈ કામ હાથ પર લઈએ ત્યારે એ થશે કે નહીં એમ ચકાસીએ છીએ પણ બાળકોના વિચારોને કોઈ મર્યાદાઓ નથી. એટલે જ એ આપણાં કરતાં વધારે સક્ષમ સપનાં જોઈ શકે છે.
“બધાં જ બાળકો મૂળે તો સારા સ્વભાવના હોય છે પણ પછી બહારનું વાતાવરણ અને મોટેરાંની અસરો ખરાબ હોય તો એ સારાપણાને નુકશાન થઈ શકે છે.” બાળકો સારાં કે ખરાબ નથી હોતાં પણ એમની આસપાસનું વાતાવરણ એમને એવી રીતે કેળવે છે.
આ પુસ્તકના છેલ્લા પ્રકરણ, સાયોનારા… સાયોનારામાં વાત આવે છે યુદ્ધને લીધે નાશ પામેલાં આચાર્યના સપનાંની. યુદ્ધ સમયે શાળાના મકાન પર બૉંબ પડે છે, શાળા સળગી રહી હોય છે ત્યારે શાળાના આચાર્ય સળગતી શાળાને જોઈને વિચાર આવે છે કે “હવે આપણે કેવી સ્કૂલ બાંધીશું?” બાળકો માટેનો કેટલો પ્રેમ અને શિક્ષણ માટેનો કેવો લગાવ!
આ પુસ્તકની એક ખૂબી છે કે એમાં બાળકો સાથે એમનાં આચાર્ય કેમ વર્તે છે એની ઘણી વાતો છે. એમાંથી પણ વાચક પેરેન્ટિંગના ઘણા પાઠ શીખી શકે એમ છે. આ પુસ્તક શિક્ષકો માટે પણ એટલું જ ઉપયોગી છે.
અન્ય માહિતી – પ્રકાશન વર્ષ ૨૦૦૧, પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન – નિયામક, નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા, નવી દિલ્હી, પુસ્તક કિંમત – રુ. ૬૦
આ પુસ્તકના અનુવાદકનો ફોટો અલગ છે.તમે જે ફોટો આપ્યો છે એ રમણ લાલ સોનીનો છે.જે બાળ સાહિત્યકાર છે.
જ્યારે આ પુસ્તકના અનુવાદક રમણ સોની વિવેચક અને અધ્યાપક છે.
વાહ! મજાનો પરિચય. પુસ્તક ખરેખર વાંચવા જેવું છે!
આ પુસ્તક વિશે અગાઉ જાણ થઈ હતી. પણ આટલો સરસ પુસ્તક પરિચય વાંચી બહુ જ આનંદ થયો . અહીં એ વાપરીને ઈ-વિદ્યાલય પર એક નવું પાનું ઉમેર્યું છે-
http://evidyalay.net/ref_articles
આભાર અને આનંદ!
હિરલ વ્યસનો આ લેખ વાંચીને જો તમને તોત્તો ચાન પુસ્તક સળંગ વાંચવાનું મન ન થાય તો તેનો અર્થ એ જ છે કે તમે લેખ ધ્યાનથી સમજીને વાંચ્યો નથી! નહિ તો ના બને એવું…
આભાર. ખરેખર પુસ્તક વાંચવા જેવું છે.