उस किताब में
एक ऐसा सूरज उगे,
जिसकी चिनगारी तुम्हारी फूंकी हुई सिगारेट को जिन्दा कर दे
और मेरे भीतर जल रही आग को हवा दे कर सूरज बना दे,
जिसके उजाले में हम हमारे सारे ख्वाबो को हकीकत में तबदील होते देख सके।
એય..
સાંભળને..
કેવું છે ને, તને સાંભળવાનું કહું છું પણ હું બોલવાને બદલે લખીને વાત કરું છું. મને ખબર છે હું ભલે લખું છું પણ તું જ્યારે આ વાંચે ત્યારે મારા લખેલા શબ્દોને તું મારા અવાજમાં સાંભળતો હશે. તેં જ એક વખત કહ્યું હતું ને, “તારા લખેલા શબ્દો દુનિયા ભલે વાંચતી હશે પણ મને તો સંભળાય છે.” તું તો પત્રના લખેલા શબ્દોમાં પણ મારો અવાજ સાંભળે પણ તને ખબર છે? અમૃતા અને સાહિર જ્યારે મળતાં ત્યારે કલાકો સુધી ચૂપચાપ બેઠાં રહેતાં. એ બંનેનું મૌન જ આપસમાં સંવાદ કરી લેતું હશે! કે પછી એમના મૌનને પણ એમની જેમ વાતો કરવાની જરૂર નહિ પડતી હોય? બે વ્યક્તિ મળે અને સંવાદ પણ ન થાય તો શું થતું હશે? તને થશે, ફરી આ આવી ગઈ ‘અમૃતા સાહિર’ પર… પણ છેલ્લા પત્રમાં મેં વાયદો કરેલો ને…એમના ‘જાદુના ઘર’ની વાત કરવાનો!
‘જાદુનું ઘર’…
એ વિશે અમૃતા લખે છે.. पत्थर और चूना बहुत था, लेकिन अगर थोड़ी-सी जगह पर दीवार की तरह उभर कर खड़ा हो जाता, तो घर की दीवारे बन सकता था. पर बना नहीं। वह धरती पर फैल गया, सड़कों की तरह, और वे दोनों तमाम उम्र उन सड़कों पर चलते रहे।
એક એવું ઘર જે બન્યું જ નહિ, છતાં એના અસ્તિત્વ વિશે ઇનકાર ન થઈ શકે. કારણ કે…આગળ અમૃતા જ લખે છે…
वे सड़कों पर चलते हुए जब कभी मिल जाते है तो वहां घड़ी पहर के लिए एक जादू का घर क्यों बन कर खड़ा हो जाता है?
તું કહેને, કેમ બની જતું હશે એ જાદુનું ઘર? કેવું હશે એ? શું દરેક પ્રેમીઓ આવા જાદુના ઘરની કલ્પના કરતા હશે? અમૃતા અને સાહિર શબ્દોના પૂજારી હતા તો એમનું ઘર શબ્દોથી રચાયું હશે, કે પછી પુસ્તકોથી? કે પછી એમના ઘણાં બધાં પુસ્તકોમાંથી એક પુસ્તક એમણે પોતાની કલ્પનાનું બનાવ્યું હશે, જાદુના ઘર જેવું જ જાદુનું પુસ્તક! એ જાદુના ઘર વિષે અમૃતાએ કેવી કેવી કલ્પનાઓ કરી હશે? શું આવું કોઈ નામ આપ્યું હશે એ ઘર ને… આવી કોઈ વાત લખી હશે એ ઘર માટે, એ જાદુના પુસ્તક માટે?
ख्वाबगाह
मैं चाहती हूँ
एक ऐसी किताब,
जिस में मेरे अल्फाज़ के रंगों से वो तस्वीरे बने
जो हमारे घर की नींव को सींच सके।
उस किताब में वही घर हो
जो जादू से कहीं भी बन जाता है.
घर का एक आँगन हो
जहाँ हम साथ साथ
सुबह की चाय पी रहे हो,
और रात में तारे गिन रहे हो।
उस घर की एक दीवार,
जो सिर्फ तुम्हारे कंधे से बनी हो
और मैं उस दीवार पर अपना सिर टिका कर चैन से सो पाऊँ।
उस घर में एक मेज़ हो
जिस पर सारी वही किताबें हो
जो तुमने पढ़ी है और मुझे पढ़नी हो।
मैं उन सारी किताबों को
तुम्हारी नज़रों की छुअन के बाद
अपने हाथों से छू कर,
आँखों से लगाना चाहती हूँ,
जैसे पूजा के फूल।
उस किताब में
एक ऐसा सूरज उगे,
जिसकी चिनगारी तुम्हारी फूंकी हुई सिगारेट को जिन्दा कर दे
और मेरे भीतर जल रही आग को हवा दे कर सूरज बना दे,
जिसके उजाले में हम हमारे सारे ख्वाबो को
हकीकत में तबदील होते देख सके।
उस किताब में एक ऐसी रात हो
जो मेरे अक्षरों की परछाईं सी हो,
उस रात के चाँद की दीवार पर मैं तुम्हारा नाम लिखूँ
और उसे देखते हुए
अपनी आंखोके उजाले रोशन कर दूं।
मै चाहती हूँ
उस किताब में एक ऐसी कहानी लिखूँ
जिस के किरदार तुम हो और तुम्हारे साथ मैं भी
और उस कहानी में
हम कभी ना बिछड़े।
अगर वो किताब तुम्हें मिल जाये,
तो तुम भी अपने कुछ ख़्वाब उसमें बो देना,
शायद कभी वो पेड़ बन कर
हमारी हक़ीक़तों को छाँव दे सके।
એય, કહેને… તો અમૃતાના ‘ખ્વાબગાહ’થી આપણી હકીકતોને પણ રાહત મળશે ને! આપણી સવારનો સૂરજ અને રાતનો ચંદ્ર કેવો હશે? અમૃતાની કલ્પનાથી અલગ તો નહિ જ હોય ને! સવારની ચા અને રાત્રિનું આકાશ, પુસ્તકોથી ભરેલું ટેબલ અને પૂજાનાં ફૂલ, તારી ફૂંકેલી સિગારેટ અને મારી અંદર સળગતી આગ અને છેલ્લે… એક વાર્તા! હા, હું પણ એવી વાર્તા લખવા માંગુ છું, જેમાં આપણે ક્યારેય જુદા ન પડીએ. ક્યારેય નહિ. મારે તને ક્યારેય આવા પત્ર લખવા ન પડે. ખેર, ક્યાંથી ક્યાં પહોંચી ગઈ!
આ તો અમૃતાની કલ્પના છે, આપણું ઘર કેવું હશે, કહે ને…! તું તો કંઈ કહે જ નહિ, હું જ કહું… જો.. ઘર તો બે મળેલા જીવ મળે ત્યારે જ બને. તને યાદ કરતી કરતી હું ઝૂલે ઝૂલીશ તે ઝૂલો ક્યાં હશે, બારી પાસે કે ઝરુખે? સાંજ પડતાં તારી રાહ જોઉં ત્યારે ઘરની કઈ દિશામાંથી હવાને તારી સુગંધ લાવવાનું કહું? એક સરસ ઝૂલો, એની આસપાસ ઢગલાબંધ પુસ્તકો, વરસાદ અને પુસ્તકની સુગંધથી મહેકતો ઓરડો, રસોડામાંથી આવતી ચાની વરાળ, બારીમાંથી બહાર નેવાની ધારે પડતી વરસાદી ઝરમર, ઊગતા સુરજના તડકે ખીલી જતાં ઓફીસટાઈમનાં ફૂલ કે પછી ઘરના આંગણે તુલસીક્યારે ટમટમતો દીવો…. ઓહો! કેટલું બધું છે વિચારવા માટે! એક તુલસીપત્રની સામે તો સુવર્ણદ્વારિકાનો આખો ખજાનો પણ વામણો..! બસ, એક તુલસીક્યારો જરૂર હશે આપણા જાદુના ઘરમાં. ઘણું બધું સહિયારું ભેગું થશે ને, એટલે આપણું જાદુનું ઘર પણ બની જશે અને એ બની જશે પછી એમાં રહેવાના સુખની કલ્પના પણ આપણી સહિયારી હશે.. સુખની કલ્પના અને કલ્પનાનું સુખ પણ…!
પણ સાંભળને..
આ બધું મનમાં આવે છે અને ચાલ્યું જાય છે. બધું જ કાગળ પર ઉતારવું હોય. તારી સામે આ બધા જ શબ્દોના ગુલદસ્તાઓ મૂકવા હોય છે પણ તારા સુધી પહોંચતાં એ કરમાઈ ન જાય એટલે તારી યાદ છાંટી છાંટીને એને મહેકતાં રાખું છું. રોજ સવારે મનમાં શબ્દો વાદળોની જેમ ઘેરાય અને ક્યારેક હેલી તો ક્યારેક મૂશળધારે વરસી પડે ત્યારે મને થાય કે હવે શું? વાદળ વરસી ગયા પછી આ આકાશ ખાલી? પણ પછી નવા વધુ લાગણીભીના શબ્દો આવશે એની ભવિષ્યવાણીઓથી મનને સમજાવ્યા કરું. કેટલીક ભવિષ્યવાણીઓ આપણે જાતે પણ અનુમાની લેવી પડતી હોય છે ને!
જોને, ફરી શબ્દો ઊડવા લાગ્યા! પણ એ ઊડે છે તો જ આપણા ખ્વાબગાહનું આકાશ રોશન છે ને!
બહુ કહી લીધું. હવે થોડું મૌન સાંભળી લે….
શું ખબર, કદાચ એનો ગુંજારવ તારા એકાંતને ગણગણતો કરી દે..!
લિખિતંગ….
તારા મૌનનો ગણગણાટ.
– નેહા રાવલ
(આ પત્રમાં લખેલી હિન્દી રચના પત્ર લેખક નેહા રાવલનું પોતાનું સર્જન છે.)
નેહા રાવલની કલમે સંવેદનાસભર પત્રો દર પખવાડિયે તેમની કૉલમ ‘વાયા લેટરબૉક્સ’ અંતર્ગત અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહ્યાં છે, અહીં ક્લિક કરીને એ પત્રગુચ્છ વાંચી શક્શો.
બહુ જ સરસ લખ્યું છે તમે , મે આજે જ આપના આ પત્રો વાંચ્યા , કેટલું અદ્ભુત છે આ , તમે લખેલા શબ્દો મને મારા હ્રદયની જ વાત લાગે છે , હરિ તમને આવું જ સરસ લખતા રાખે એવી શુભેચ્છા
બહુ જ ગમ્યું.
વાસ્તવિક કલ્પનાનું સ્વપ્ન
જાદુઈ ખયાલોમાં છે મગ્ન
સંલગ્ન વિચારોમાં છે લગ્ન
અહીં શબ્દો પણ છે સુજ્ઞ
અમૃતા-સાહિર નથી અજ્ઞ
નક્કી છે હવે પર્જન્ય યજ્ઞ
પ્રેમની સુંદર અભિવ્યકિત