તું મેરા નસીબા ઢોલના.. – મીરા જોશી 2


આજની સવાર રોજ કરતાં કંઈક અલગ ઊગી હતી. ગઈ રાતે તે કહેલું, ‘સવારે તું જાગે ત્યારે મને જગાડજે..’ અને પોણા પાંચે તને જગાડીને ‘ગુડ મોર્નિંગ’ કહું ને તું કહે, ‘બસ  પાંચ મિનીટ લાલી..’ ને તારું પાંચ મિનીટના બદલે ફરીવાર ઘસઘસાટ સૂઈ જવું!

અજવાળાનો ચહેરો…

એકબીજામાં વાદળ ભળે એ રીતે
કોઈ નજદીક આવે, મળે એ રીતે! 

હું બળું છું અને તેય અંદર ફકત
એક કમરામાં દીવો બળે એ રીતે!

એ અહીંથી જઈને અહીં આવશે
એક રસ્તો જ પાછો વળે એ રીતે! 
– ભરત વિંઝુડા

આ લખું છું એના સત્યની સાહેદી પુરાતી હોય એમ પૂનમના ચંદ્રની ચાંદની બારીની જાળીમાંથી ચળાઈને મારી ડાયરી ઊપર પડી રહી છે. મંદ મંદ વહેતો પવન રાતરાણીની સુવાસને મારા ઓરડામાં ફેલાવી રહ્યો છે. ને હું આવી સુંદર રાત્રિએ આજની સવારને કાગળ પર જીવંત કરું છું. આજની સવાર રોજ કરતાં કંઈક અલગ ઊગી હતી. ગઈ રાતે તે કહેલું, ‘સવારે તું જાગે ત્યારે મને જગાડજે..’ અને પોણા પાંચે તને જગાડીને ‘ગુડ મોર્નિંગ’ કહું ને તું કહે, ‘બસ  પાંચ મિનીટ લાલી..’ ને તારું પાંચ મિનીટના બદલે ફરીવાર ઘસઘસાટ સૂઈ જવું!

પણ તું સૂઈ ગયો ને ઓફિસ જવાનું લેટ થયું એમાં મને પણ ફાયદો થયો! વર્ષના અંતની છેલ્લી સવારે થીજેલા શહેરના રસ્તા પર, સ્વેટર અને મફલરમાં વીંટળાઈને જતી માનવ વસ્તી વચ્ચે, મને પહેલીવાર સવારના સમયે તું જોવા મળ્યો. ને એ સવારે મારા હ્રદયમાં કંઈક સળવળ્યું! સાંજે મળતો તું અને સવારે મળતો તું, જાણે બે અલગ જ વ્યક્તિત્વો! તારી પ્રફુલ્લતા અને શરીરી તાજગી અને એ પ્રસન્ન આંખો. એ ઊંડી નિર્મળ આંખોમાં મેં એક કિસ્સો તારી જાણ બહાર વાંચી લીધો. મારા નામનો. એક આગ દેખાઈ મને તારી આંખોમાં, હ્રદયમાંથી ઊઠતી મારા પ્રત્યેની પવિત્ર ચાહનાની આગ.  

ત્યારથી જાણે મારી અંદર કોઈક ભીનું સંવેદન પ્રગટી ઊઠ્યું છે. એવું લાગે છે જાણે મારા અસ્તિત્વનો એકાદ ટૂકડો તારો થઈ ગયો છે! હવે મનને ક્યાંય ચેન નથી.

આ ઋતુઓ જેની આપણે ક્યારેય દરકાર નથી કરતા, એની આપણા જીવન પર કેટલી ઊંડી અસર હોય છે ને, વરસાદની ભીનાશ હ્રદયને નવચેતન કરી દે છે, ગ્રીષ્મનો બફારો જાણે ઋતુઓની કદર કરતાં શીખવે છે! તો શિયાળાનો સોનેરી તડકો જાણે હ્રદય પર અજવાળું ફેંકીને સૂતેલી સંવેદનાઓ જાગૃત કરી આપે છે! આ વખતે અજવાળાનો ચહેરો તું છે!પૂનમના ચંદ્રપૂંજમાં તારો ચહેરો દેખાય છે. જાણે કહેતો હોય, તું મને ભલે તારાથી દૂર રાખે, પણ હું તો મારા પ્રેમનું અજવાળું તારી ઉપર ઢોળીશ જ..!  ને ચંદ્રની શીતળતાની જેમ મારા વગર કહ્યે, તારા પીડાગ્રસ્ત હ્રદય ઉપર મારા પ્રેમનો શીતળ લેપ કરીશ જ…! 

તું મેરા નસીબા ઢોલના..

સોગંદ અંધ આંખના કે તું સમેટી લે
બારી ખૂલે ને તારું મને આભ આપવું.
– જયેન્દ્ર શેખડીવાળા

નવવર્ષના કિરણો જીવન પર પડ્યા એને બે દિવસ થઈ ગયા છે. કેલેન્ડરમાં બદલાતા દિવસોની જેમ જિંદગીએ પણ નવા વાઘા પહેરવા માંડ્યા છે. આ ક્ષણે મારા હ્રદય-મન પર જાન્યુઆરીની મઘમઘતી યાદોએ કબજો કર્યો છે..! સુકાઈ ગયેલા નદી કિનારાની વાસમાં, અવાજોના કોલાહલમાં એકચિત્ત થઈને મારું ગીત સાંભળતો તું,નાનપણના તારા પરાક્રમોથી ભરપૂર તારી બચકાની વાતો સાંભળીને પેટ પકડીને હસતી હું, કોફીના ઘૂંટમાં તારી સાથે ગેમ રમવાનો નિર્ભેળ આનંદ પીતી હું,તારા હુંફાળા આલિંગનમાં આવતા જ તારા શ્વાસોની સુગંધ સાથે ભળી જતા મારા શ્વાસનો લય અનુભવતી હું,લોંગ ડ્રાઈવ ઉપર ગમતા ગીત સાથે ઠંડીથી બચાવવા બંને હાથે તને ભીંસીને બેઠેલી હું,ને એકબીજાના આલિંગનમાં ઓતપ્રોત થઈને હોઠ સુધી અનાયાસ આવી ગયેલા સ્પર્શના રંગને નિહાળતી હું…! 

લાગણીમાં તરબતર ભાગ્યથી મળેલી એ સોનેરી સાંજે મેં મારા હ્રદયને તારા નામે કરી જ દીધું. હા, ગઈકાલે આપણા સંબંધમાં કંઈક ઉમેરાયું, મારા પક્ષે. કોઈક એવું તમને મળી જાય, જે તમને અતીતના, પીડાના ઊંડા અંધારામાંથી ખુબ સહજતાથી ખેંચી કાઢે ત્યાં હ્રદયને એનું થતાં અટકાવી શકાતું નથી. તારા ન બોલાયેલા શબ્દોનો જવાબ મારી આંખોએ આપી દીધો, તે ન પૂછેલા પ્રશ્નોનો જવાબ મારા હ્રદયે આપી દીધો, અત્યાર સુધી અવ્યક્ત રહેલી, તારા સુધી ન પહોંચેલી એક લાગણીને એનું સરનામું મળી જ ગયું! આપણા હોઠ ઉપર અટકેલો સ્પર્શનો એક અંશ, જેનો આધાર હતો એકમેક પ્રત્યેની ચાહના, બે વિજાતીય હ્રદયોમાં ઉગેલો નિર્ભેળ પવિત્ર પ્રેમ એ ક્ષણે ચિરંજીવ બની ગયો.આપણા પ્રેમમય હ્રદયો અને આ કાગળ જ બસ એ જીવંત ધબકતી સંવેદનાના સાક્ષી… ઢોલના વે, ઢોલના વે,રાંજન માહી ઢોલના..ઢોલના વે, ઢોલના વે,તું મેરા નસીબા ઢોલના..!

– મીરા જોશી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “તું મેરા નસીબા ઢોલના.. – મીરા જોશી