તુમ ઇતના જો દૂર જા રહે હો.. – આરઝૂ ભૂરાણી 6


ધારી લો કે તમારી પાસે 3 બોક્સ છે. પહેલું બોક્સ અણમોલ છે, હીરામોતીથી જડિત છે. બીજું બૉક્સ કાચનું પારદર્શક બોક્સ છે અને ત્રીજું બૉક્સ એ ખાલી પુઠ્ઠાનું ખોખું છે. હવે તમને 3 વસ્તુઓ આપવામાં આવે છે જેને તમારે આ બોકસીઝમાં ગોઠવવાની છે. ડન? કઈ ત્રણ વસ્તુઓ?

આજે એક નવી રીતે આપણાં આ ગુલ્લકનું ઓપનિંગ કરીએ. થોડાં સવાલો જોઈએ અને એનાં જવાબો શોધીએ.

ધારી લો કે તમારી પાસે 3 બોક્સ છે. પહેલું બોક્સ અણમોલ છે, હીરામોતીથી જડિત છે. બીજું બૉક્સ કાચનું પારદર્શક બોક્સ છે અને ત્રીજું બૉક્સ એ ખાલી પુઠ્ઠાનું ખોખું છે. હવે તમને 3 વસ્તુઓ આપવામાં આવે છે જેને તમારે આ બોકસીઝમાં ગોઠવવાની છે. ડન? કઈ ત્રણ વસ્તુઓ? પ્રથમ- સોનાનું બિસ્કિટ, બીજું- ખૂબ સુંદર દેખાતો ઇમિટેશન જવેલરીનો બનેલો હાર અને ત્રીજી વસ્તુ- બોર્ડ પર લખવા માટે વપરાતો ચોક. હવે તમારી પાસે પાંચ મિનિટનો સમય છે, તમે આ વસ્તુઓને તમને મનગમતાં બોક્સમાં ગોઠવી શકો છો. કઈ વસ્તુને તમે કયા બોક્સમાં મૂકશો?કેટલો સામાન્ય સવાલ છે નહીં? કોઈ નાનકડું બાળક પણ ગોઠવી શકે આ વસ્તુઓને! કયા ક્રમમાં અને કઈ રીતે વસ્તુઓને આપણે ગોઠવીશું?

સૌથી પહેલાં સોનાનાં બિસ્કિટથી શ્રીગણેશ કરીશું. ભલે એ છે બિસ્કિટનાં આકારમાં, એને પહેરી નથી શકાતું પણ એ મૂલ્યવાન છે. અરે બહુ મૂલ્યવાન છે! એનાં ખાલી તિજોરીમાં મૂકી રાખવાથી પણ મનને શાતા મળશે. એક શાંતિ રહેશે કે ક્યારેક જરૂર પડશે તો છે આ બિસ્કિટ. તો એને આપણે પેલાં મૂલ્યવાન બોક્સ કે જે હીરામોતીથી જડિત છે તેમાં મુકીશું અને કોઈને ખબર ન પડે એમ સાચવીને કબાટમાં મૂકી દઇશું. એ બિસ્કિટ આપણી પાસે છે એ અહેસાસ જ આપણાં માટે પૂરતો છે, બધાંને બતાવવાની કોઈ ખેવના આપણને નથી હોતી. એ બોક્સને ભલે દરરોજ ન ખોલીએ, પણ જરૂર પડે કે સમય આવે જ્યારે પણ ખોલીશું ત્યારે એનું મૂલ્ય એ જ રહેવાનું છે. બીજો વારો આવશે સુંદર દેખાતાં પેલાં હારનો. ભલે એ સુંદર દેખાય છે પણ ઇમિટેશન છે એ અંતે તો. એને મન પડે ત્યારે પહેરી તો શકાય પણ એનું મૂલ્ય નથી. એને ગમે તેટલો સાચવીએ, અંતે તો એ ખોટો જ હાર છે, સમય આવે કે જરૂર પડે એ આપણી સાથે ઉભો નહિ રહે. એટલે એને પહેલાં પારદર્શક કાચનાં બોક્સમાં રાખીશું કે જેથી લોકોને લાગે કે આપણી પાસે આટલો સુંદર હાર છે પણ જરૂર પડે આપણે એ હારને નહીં શોધીએ. ત્રીજો બચ્યો ચોક. ગમે તેટલો એને સાચવો, ગમે તેવા સુંદર, મજબૂત કે મોંઘા બોક્સમાં એને મૂકી રાખો, મૂળ સ્વભાવે તો એ બરડ જ રહેવાનો! સહેજ હાથ વાગ્યો નથી કે એ તૂટ્યો નથી! તો એનાં માટે ચિંતા શેની? પહેલાં સોનાનું બિસ્કિટ અને પછી પેલો સારો દેખાતો હાર ગોઠવાઈ જાય પછી સાવ છેલ્લે ચોકને પુઠ્ઠાનાં બોક્સમાં મૂકી દઇશું. એ બોક્સ ક્યાં પડ્યું છે, કોણ વાપરે છે? કોઈએ આપણે એ બોક્સમાં કશુંક મૂકતા જોયાં કે નહીં, એ બધું જ અહીં ગૌણ છે. આપણને એની દરકાર નથી ને ન જ હોવી જોઈએ! 

ચાલો, મસ્ત રીતે બધું ગોઠવાઈ ગયું. નહીં? હવે? પ્રશ્નો પણ જોઈ લીધાં અને એનાં જવાબ પણ મળી ગયા. એક કામ કરીએ. આપણાં ચશ્મા બદલી દઈએ! એક નવી રીતે આ આખી ઘટનાને ફરી જોઈએ. વાર્તા કે ફક્ત કહેવાતી ઘટનામાંથી બહાર આવીને વાસ્તવિકતાની ધરતી પર લેન્ડિંગ કરીએ. આ જ બોક્સ, વસ્તુઓ અને તેની ગોઠવણને આપણી લાઈફ કે જિંદગી સાથે જોડીએ. 

જિંદગી! કોઈ મસમોટો કે ભારી-ભરખમ શબ્દ નથી ને છતાંય આપણને સૌને તેની સાથે બાંધી રાખે છે, જકડી રાખે છે. લાખ ઈચ્છા હોવા છતાં આપણે ન તો આ બંધનથી ભાગી શકીએ છીએ કે ન તો બચી શકીએ છીએ. ક્યારેક મજાની તો કયારેક ક્રૂર, એક ક્ષણે પેટ પકડીને હસાવતી તો બીજી જ ક્ષણે હૈયાફાટ રુદન ભેટ કરી શકતી આ જિંદગી ક્યારે આપણને શું સરપ્રાઈઝ આપશે એ તો કોને ખબર! આપણું ગુલ્લક કેટલું સમૃદ્ધ છે અને ક્યાં સુધી રહેશે એ ઘણી વાર આપણે પણ નથી કળી શકતાં. એક વખત તમારી પોતાની કે તમારી આસપાસની કોઈપણ વ્યક્તિની જિંદગીમાં નાનકડું ડોકિયું કરી જોજો. સમજાઈ જશે કે આપણે સૌ અન્પ્રેડિકટેબલ છીએ. કઈ વાત પર ખુશ થઈ જઈશું ને કઈ સાવ નજીવી વાત આપણને રડાવી કે અંદરથી હચમચાવી દેશે એ આપણને ખબર જ નથી! કોઈને નથી હોતી. અને જો એવું ન હોત તો આપણે રોબોટ હોત! એકદમ પ્રોગ્રામડ્. બધું જ પૂર્વ નિશ્ચિત. લાગણી, પીડા, હાસ્ય, રુદન, ગુસ્સો, પ્રેમ – આમાંનું કશું જ ન હોતું આપણી પાસે. આ બધું છે એટલે કે આપણે આપણાં મહેકતા છીએ. સ્થગિત નથી પણ વહેતાં છીએ ને એટલે જ કોહવાઈ નથી જતાં. જો કોઈક ક્ષણે એવું લાગેને હવે કોહવાટ થવાની શરૂઆત થઈ છે, તો અટકી જજો બોસ! રિવર્સ ટર્ન અઘરો છે અહીં.

આ આખી વાત જે આપણાં વિશે કરી આપણે એમાં એવું શું છે જે આપણને કંટ્રોલ કરી શકવાની ક્ષમતા ધરાવે છે? એવું કશુંક જે આપણાં ગુલ્લકને છલોછલ ભરી દે છે અને ક્યારેક એમાં તિરાડ પણ પાડી દે છે! આપણે સૌ એકબીજા સાથે ગૂંથાયેલાં છીએ, આપણું ખુશ થવું, દુઃખી થવું, ગુસ્સે થવું, રડવું, કોઈને ભેટી પડવું, કે કોઈ પાસે બાળકની જેમ ખોળામાં માથું મૂકીને બધું જ કહી દેવું- એ બધું જ આપણને માણસ બનાવે છે. આપણી આસપાસનાં સંબંધો આપણી દરેક ક્રિયા પર ઊંડી અસર દર્શાવે છે. ક્યારેક કોઇકનાં સ્મિત પર મોહી પડાય અને ક્યારેક કોઈનો ચહેરો જોઈને પણ દિવસ બગડી જાય! ઈન શોર્ટ, આપણી દરેક પ્રતિક્રિયા આપણી આસપાસનાં બનાવોની ઈંફ્લુઅન્સ કે અસર હેઠળ થાય છે.  હવે આ આખી વાતમાં શરૂઆતનાં સવાલોનો શું સંબંધ? ચલો જોઈએ! 

જેમ આપણે વાત કરી કે આપણી પાસે ત્રણ બોક્સ અને ત્રણ વસ્તુઓ છે. તદ્દન એ જ રીતે આપણી પાસે અને સાથે ત્રણ પ્રકારનાં સંબંધો છે અને આપણે ત્રણ પ્રકારે એને પ્રતિક્રિયા આપી શકીએ. પહેલી વાત કરીએ સોનાનાં બિસ્કિટની! (મહત્વની વાત છે યાર, ભાવ તો જો સોનાનો , ખુશ ખુશ થઈ જશો આ બિસ્કિટ જોઈને!) એવા આકારમાં આપણી પાસે સોનું છે કે જેને ક્યારેક દેખાવના ઊપયોગમાં નહીં લઈ શકીએ. છતાં પણ એ કેટલું ગમે છે? એનું હોવું જ કેટલી શાંતિ બક્ષે છે? એવું જ આપણાં નજીકનાં સંબંધોનું છે. દરેક વ્યક્તિ પાસે એવાં અમુક સંબધો એવાં હોય જ ને હોવા જ જોઈએ કે જેને કોઈ શબ્દ કે અભિવ્યક્તિની જરૂર ન પડે. ફક્ત આંખો કે કોરો કાગળ કામ કરી આપે! ભલે આપણે આ સંબંધોને લોકોની નજરથી દૂર રાખીએ પણ એની સુરક્ષા માટે ચિંતિત રહેવાનાં જ આપણે! કોઈ પણ નબળી ક્ષણે એ આપણને સ્મિત કરાવવા, ટકાવી રાખવા સક્ષમ છે! ગમે તેવી અઘરી કે નાજુક ક્ષણને સાચવવા માટે આ બિસ્કિટ મહત્વનું છે. આવા સંબંધો વિશે શું કહી શકાય? એને આપણી હૃદયની તિજોરી સિવાય બીજે કશે સંગ્રહી શકાય એમ નથી. એ શોભે જ નહીં બીજે ક્યાંય પણ! આપણાં ગમે તેવા ઘાવ પર મલમપટ્ટી રુપી વ્હાલપનો હાથ ફેરવવા આવતાં એ સંબંધોને આપણે કેટલાં સાચવીએ છીએ! ને સાચવવા જ જોઈએ.

હવે આવીએ પેલાં ઇમિટેશન હાર પર! દેખાવમાં અતિ સુંદર, તેને જોઈને દરેક વ્યક્તિને ઈર્ષા આવે એવો સુંદર. પણ! પણ! એનું મૂલ્ય? કંઈ જ નહીં. આપણી આસપાસ ઘણાં સંબંધો આવા જ હોવાના! જેમને આપણાં દુઃખ કે તકલીફમાં જ હાથ છોડી દેવાની આદત હોય. આપણાં સારા સમયે બધી જ વાહવાહી લૂંટવા દોડી આવતા અને સમય આવે સાથ મૂકી દેતાં આવા સંબંધો આપણને માનસિક, આર્થિક અને શારીરિક રીતે ભાંગી નાખે છે. પણ એજ જીવન છે અને એ જ એની વરવી વાસ્તવિકતા છે! એનાં સ્વીકાર સિવાય છૂટકો નથી. જો પાર્ટીમાં જવું છે તો તૈયાર તો થવું પડશે, હાર તો પહેરવો પડશે! પણ જ્યારે એનું મૂલ્ય ખબર જ છે તો એને આપણે કાચના બોક્સમાં રાખીશું. લોકોને ખબર પડે કે આપણી પાસે બહુ બધાં મિત્રો છે, ઓળખાણ છે, પણ એ દરેક હારની કિંમત કેટલી છે એ આપણે જ જાણીએ છીએ! માટે એને હૃદયનાં સ્ટેશનથી તો દૂર જ રાખવું! ક્યારે કઈ વાત, કયો સંબંધ ઇજા પહોંચાડે, કોને ખબર?

છેલ્લો બચ્યો પેલો ચોક! હથેળીમાં સાચવો તો પણ બટકી જ જવાનો! એવું જ ઘણાં લોકોનું છે. એવાં સંબંધો કે જે બરડ છે, જે સહેજ અથડામણ કે ઝટકાથી જો જડમૂળથી જર્જરિત થઈ જતાં હોય તો એમને હ્ર્દય કે મગજ બંન્નેનાં સ્ટેશનથી તાત્કાલિક દૂર લઈ જવા જોઈએ. આ દરેક સંબંધને જાળવી રાખવા માટે કરવામાં આવતું થિંગડું સતત એક ટીસ આપતું રહે છે. માટે એ ચોકને તસુભાર મહત્વ આપવાની જરૂર જ શું છે? એવા ઘણાં લોકો હશે આપણી આસપાસ કે જે પોતાનાં સ્વાર્થ માટે તમને મનફાવે તેમ પાછા પડવાની કોશિશ કરશે અને છતાંય તેમને આપણાં હ્ર્દય કે મજગની નજીક ફરકવા દઈએ? અશક્ય! એ દૂર જ સારાં!

ઘણી વાર એવા સંબંધો કે જ્યાં એમને તોડી દેવા કે કોઈ જ નિષ્કર્ષ વિના એમ જ છોડી દેવા શક્ય ન હોય ત્યારે વ્યક્તિ પરાણે કશુંક નવું શોધશે. અનિચ્છાએ પણ એ વ્યક્તિ દૂર જશે અને આ સ્વભાવ સાથે એને રોકી કે અકટાવી પણ નહીં શકાય. તો શું કરવું? અરે ભાઈ! સીડી ઊતરતી વખતે એક દાદરો ઉતરીએ તો બીજો આવશે ને? એ વાતને ગાંઠ બાંધી જ રાખવી એવું જરૂરી તો નથી જ! છોડતાં શીખીએ. વહેતાં રહીએ ને તો જ મઘમઘતા રહીશું. 

બધું જ, સાચે બધું જ ક્ષણભંગુર છે! આજે છીએ, કાલે આપણામાંથી કોણ નહીં હોય એ નથી ખબર! આપણો માંહ્યલો તો ઈશ્વરે આપણને બક્ષેલી ભેટ છે. એને જળવીએ! એવી કોઈ પણ વાત કે ઘટના કે જે પીડા આપે એને મૂકી દેતાં ને સંબંધોને ગાળી ને બોક્સમાં અરેન્જ કરતાં  શીખીએ! પછી જોઈએ, કોણ રોકે છે આપણાં ગુલ્લકને છલોછલ ભરાતાં!

– આરઝૂ ભૂરાણી

આરઝૂ ભૂરાણીના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લાગણીઓનું ગુલ્લક’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “તુમ ઇતના જો દૂર જા રહે હો.. – આરઝૂ ભૂરાણી

  • Bhurabhai Rathod

    કોઈને આ લેખ ગમે કોઈને ન પણ ગમે…!
    જેવી જેની દ્રષ્ટિ…

    પણ હું એટલું તો જરૂર કહીશ કે આટલી નાની ઉંમરે જિંદગીને આટલી સારી રીતે સમજવી એ કાંઈ રમત વાત નથી.

    ખૂબ સરસ…. આરઝુ…
    તારા દરેક લેખ વાંચીને આનંદની અનુભૂતિ થાય છે..

  • હરેશ શાહ

    જીવનના સબંધોનું મૂલ્ય સમજાવતી ખૂબ જ સુંદર રુપક કથા

    • Arzoo Bhurani

      ખૂબ ખૂબ આભાર મૅમ આપનો સમય આપીને વાંચવા માટે. આશા રાખું કે આ પછીનો લેખ આપને ગમશે.