તેરે બિના, મેરા કહીં, જિયા લાગે ના.. (સહજ ‘આનંદ…’) – હર્ષદ દવે 2


‘પ્રિય પિયાની રાહ જોવાની સ્થિતિ કેવી અકળાવે તેવી હોય છે! કાંઈ ગમે જ નહીં. અરે! ‘જીવવું’ ક્યાં ચુકાઈ ગયું તે પણ યાદ ન રહે. બહાવરા બની જવાય, મૂંઝાઈ જવાય.

આજે ‘આનંદ’! : ‘આનંદ’ નો મેસેજ છે: ‘છેક સુધી સકારાત્મક રહો અને પ્રસન્ન રહો.’

૧૯૭૧ માં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન ‘આનંદ’ ફિલ્મમાં એક સાથે જોવા મળ્યા. તેમાં આ ધુરંધર અભિનેતાઓએ સુપર્બ સાહજિક અભિનય કોને કહેવાય તે દર્શકોને દર્શાવ્યું. ઋષિકેશ મુખર્જીએ જયારે આ ફિલ્મની મુખ્ય ભૂમિકાઓ માટે કિશોરકુમાર અને મહેમૂદનો સંપર્ક સાધવા માટે પ્રયત્ન કર્યો ત્યારે તે વખતે એ લોકપ્રિય કલાકારોને નસીબે આપવો જોઈએ એટલો સાથ નહોતો આપ્યો! પણ નસીબને વચ્ચે લાવવા કરતાં તેઓ એક નાની શી ગેરસમજનો ભોગ બન્યા એમ કહીએ તો તે વધારે યોગ્ય ગણાય. અને… ત્યારે જેને ખાસ કોઈ ઓળખતું નહીં એવા મહાનાયક બચ્ચનને તક મળી ગઈ. ‘આનંદ’ નો પ્રીમિયર શો જોઇને પરત આવતી વખતે જ અમિતાભને પોતાની આગવી ઓળખ મળી ચૂકી હતી! ૧૯૭૨ માં ફિલ્મફેરનો ‘બેસ્ટ ફિલ્મ’નો એવોર્ડ અને એવા બીજા ઘણા એવોર્ડસ મેળવનાર, બોક્સ ઓફિસ પર સુપરહિટ થયેલી ફિલ્મ, ‘આનંદ’ની આનંદ આપે તેવી બીજી જ વાત આપણે અહીં કરવી છે. પણ તે પહેલાં એ જાણવું જોઈએ કે ‘મૃત્યુ પામતા પહેલાં જોવા જેવી ૧૦૦ ફિલ્મો’નું અનુપમા ચોપરાએ જે લિસ્ટ તૈયાર કર્યું તેમાં તેણે ‘આનંદ’નો સમાવેશ કર્યો છે.

સલિલ દાએ ૧૯૯૫ માં સહુને અલવિદા કહેતાં પહેલાં ગુજરાતી, બંગાળી, હિન્દી અને મલયાલમ ફિલ્મોમાં સ્મૃતિ મધુર સંગીત આપ્યું. સલિલ દા હિન્દી ફિલ્મોના સુવિખ્યાત સંગીતકાર, ગીતકાર, લેખક અને ગાયક હતા. તેમનું સંગીત જે હિન્દી ફિલ્મોને મળ્યું તેમાં મુખ્યત્વે મધુમતી (૧૯૫૮), પરખ (૧૯૬૦), આનંદ (૧૯૭૧), ઘર સંસાર (ગુજરાતી ફિલ્મ-૧૯૭૧), રજનીગંધા (૧૯૭૪) અને છોટી સી બાત (૧૯૭૫) સમાવિષ્ટ છે. તેઓએ ગીતકાર યોગેશના શબ્દોને પોતાના સંગીતથી કેવી મધુરતા  બક્ષી છે!

‘રેણુ’ ની ભૂમિકા ભજવતી ‘ટોલીવૂડ’ ની સુપ્રસિદ્ધ અભિનેત્રી સુમિતા સન્યાલ પર ‘આનંદ’ ફિલ્મના એક ગીતનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. સુમિતાએ ૪૦ થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમાં ગુડ્ડી તથા આશીર્વાદ જેવી ફિલ્મોનો  પણ સમાવેશ થાય છે. ‘આનંદ’ના એ ગીતમાં તેનો સ્વસ્થ અને સંયત અભિનય અસરકારક છે:

‘પ્રિય પિયાની રાહ જોવાની સ્થિતિ કેવી અકળાવે તેવી હોય છે! કાંઈ ગમે જ નહીં. અરે! ‘જીવવું’ ક્યાં ચુકાઈ ગયું તે પણ યાદ ન રહે. બહાવરા બની જવાય, મૂંઝાઈ જવાય. અને સમય સરતો અટકી જાય તો સારું એવી પ્રબળ ઈચ્છા પણ થાય! પણ એવું ક્યાં થઇ શકે છે!  ‘ના, જિયા લાગે ના…’ ગીતમાં આ મનોભાવો લતામંગેશકરે અદ્ભુત સ્વરમાં આબેહૂબ પ્રસ્તુત કર્યા છે, અને તેને સંગીતમય સાથ આપે છે સલિલ ચૌધરી. (એ ગીત બંગાળીમાં લતાજી ઉપરાંત સલિલ દાએ પણ ગાયું છે!)

આ રહ્યું એ ગીત …

ના, જિયા લાગે ના…
તેરે બિના, મેરા કહીં, જિયા લાગે ના
ના, જિયા લાગે ના…

જીના ભૂલે થે કહાં યાદ નહીં
તુજકો પાયા હૈ જહાં, સાંસ ફિર આઈ વહીં… (૨)
જિંદગી – (૨), તેરે સિવા હાય, ભાયે ના
ના, જિયા લાગે ના…

પિયા તેરી બાવરી સે રહા જાયે ના (૨)
તુમ અગર જાઓ કભી, જાઓ કહીં
વક્ત સે કહના જરા, વો ઠહર જાયે વહીં… (૨)
વો ઘડી (૨), વહીં રહે ના જાયે ના
ના, જિયા લાગે ના…

Jiya Lage na.. (From Movie Anand)

‘જિંદગી’ અને ‘વો ઘડી’ નો દીર્ઘ આલાપ આપણને લાંબી પ્રતીક્ષાનો અહેસાસ કરાવે છે. રાહ જોવાનો અસહ્ય વિલંબ નાયિકાથી જીરવી કે જીવી શકાતો નથી. જયારે કોઈ વાતે ચેન ન પડે ત્યારે આપણા મનમાં થાય કે ક્યાંય ગોઠતું નથી, શેમાંય મન લાગતું નથી.

એ જ સર્વોપરી ગાયિકા લતા, એ જ મધુર સંગીતના સર્જક સલીલ દા બંગાળી ભાષામાં અલગ છતાં લગોલગ પ્રસ્તુતિ આપે છે: ‘હું મારું મન સ્થિર કરી શકતી નથી, કાંઈ નિર્ણય લઇ શકતી નથી. મને કાંઈ જ ગમતું નથી. નદીના બે કિનારા છે. હું અહીં છું અને તું ત્યાં સામે કિનારે છે. તો પણ હું તારી પાસે આવી શકતી નથી. તું પણ આવતો નથી. મારું મન માનતું નથી. હું ક્યાં સુધી અશ્રુ વહાવું? તે મને નથી ગમતું. હું થાકી ગઈ છું, હું શક્તિહીન (કમજોર) થઇ ગઈ છું. આમ વ્યર્થ પ્રયત્ન શું કરવો? જા, તું પણ જતો રહે, મારું મન પરવશ છે.’

એ વ્યાકુળતાને કોની સાથે સાંકળી શકાય? આત્મા પરમાત્મામાં લીન થવા ઝંખે છે એવું નથી લાગતું? શું જીવનની ક્ષણભંગુરતામાંથી છૂટવા માટેની મથામણ એ તલસાટમાં વ્યક્ત થતી હોય તેવું નથી લાગતું?

બાંગ્લા આધુનિક ગાનના એ શબ્દો પણ જોઈએ:

ના મોન લાગે ના
એ જીબોને કીછુ જેનો ભાલો લાગે ના (૨)
ના મોન લાગે ના

એ નોદીર દુઈ કિનારે દુઈ તરોનિ
જતોઈ ના બાઈ નાગોર બાંધા કાછે જેતે તાઈ પારિનિ (૨)
તુમિઓ, તુમિઓ ઓ પાર થેકે હાય સરોનિ
ના મોન લાગે ના…

ચોખે ચોખે ચેયે કાંધા ભાલો લાગેના
આમિ જે ક્લાન્તો આજિ શક્તિ ઉધાઓ
કિ હોબે આર મિછી મિછી બેએબેએઈ મિછે નાઓ
તુમિઓ, તુમિઓ ઓપાર થેકે જાઓ ચોલે જાઓ 
ના મોન લાગે ના

– હર્ષદ દવે


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “તેરે બિના, મેરા કહીં, જિયા લાગે ના.. (સહજ ‘આનંદ…’) – હર્ષદ દવે