ઇકિગાઈ : પરિભ્રમણ – હીરલ વ્યાસ 13


“Everything is an art if you do it with heart”. એટલે કે કામ ગમે તે હોય, કે ગમે તેટલું નાનું કેમ ન હોય પણ જો એને પૂરી લગનથી કરવામાં આવે તો એમાં આનંદ અને સકારાત્મક પરિણામ બન્ને મળે જ! તમને તમારી ‘ઇકિગાઈ’ મળી ગઈ છે? શોધો અને લાંબુ, નીરોગી જીવન જીવો.

પુસ્તકનું નામ – ઇકિગાઈ, અનુવાદ – રાજ ગોસ્વામી

લેખક પરિચય – શ્રી રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ આણંદના પ્રખ્યાત દૈનિક ‘નયા પડકાર’થી કરી હતી. ત્યાર બાદ તેઓ ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિમાં જોડાયા હતા. ત્યાં તેમણે ૧૬ વર્ષ ફરજ બજાવી હતી. ૨૦૦૩માં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં તેઓ એડિટર બન્યા હતા અને પછી વડોદરામાં પણ એડિટર બન્યા હતા. ૨૦૦૭માં ‘સંદેશ’ દૈનિકના એડિટર નિમાયા હતા. તેમણે આ તમામ અખબારોમાં સાંપ્રત પ્રવાહો, સાહિત્ય, સિનેમા, કળા, વિજ્ઞાન અને ફિલૉસૉફી પર નિયમિત લખાણો લખ્યાં છે. ઇકિગાઈ એમનું બીજું પુસ્તક છે.

પુસ્તક વિશે

આ પુસ્તક મુળ પુસ્તક ‘Ikigai: The Japanese secret to a long and happy life’ નો ગુજરાતી અનુવાદ છે. પુસ્તકના મૂળ લેખક હેક્ટર ગાર્સિઆ અને ફ્રાન્સેસ્ક મિરાલેસ છે. આ પુસ્તકમાં જાપાનમાં રહીને લાંબુ આયુષ્ય જીવતા લોકોના રહસ્ય માટે સંશોધન કરતાં લોકોએ મૂકેલા આંકડા છે. આ ઉપરાંત એમની જીવનશૈલી વિશે પણ છે. એ જીવનશૈલીના એમના જીવન પર, એમના આયુષ્ય પર પડતી અસરો વિશે સુંદર છણાવટ છે. એનાં કારણોની ચર્ચા પણ છે.

માણસનું અંતિમ સત્ય મૃત્યુ અને અંતિમ ઉદ્દેશ મોક્ષ છે. પણ આ અંતિમ ધ્યેય સુધી પહોંચવા માટે આખા જીવનમાંથી પસાર થવું પડે છે. જીવનની દરેક અવસ્થાને પસાર કરવાની હોય છે. અને દરેક અવસ્થાનો એક ધ્યેય હોય છે. જેમકે બાળપણનો ધ્યેય રમવું, તરુણાવસ્થાનો ધ્યેય સાહસ, યુવાનીનો ધ્યેય કારકિર્દીમાં સફળતા, વૃદ્ધાવસ્થાનો ધ્યેય નિરાંત! કોર્પોરેટ જગતમાં પણ ટાર્ગેટ (ધ્યેય) આપવામાં આવે છે અને એની સમયમર્યાદામાં એને પૂરાં કરવાનાં હોય છે. એટલે બીજી રીતે કહીએ તો નાનાં નાનાં ધ્યેયો આપણી જિંદગી બને છે. આ બધાં ધ્યેયો સમયસર પૂરાં થાય તો મૃત્યુ વખતે અફસોસ કે વસવસો નહિ પણ સંતોષ હોય.

જાપાનીઝ શબ્દ ‘ઇકિ’ એટલે જીવન અને ‘ગાઈ’ એટલે ઉદ્દેશ. જે તત્વ તમને જીવવા માટેનું બળ પૂરું પાડે, મુશ્કેલીમાં પણ અડીખમ ઊભા રહેવાની પ્રેરણા આપે, આનંદ અને સંતોષ આપે તે આપણી ઇકિગાઈ. એ લાંબા, સુખી, સંતોષપ્રદ અને સાર્થક જીવનનું રહસ્ય છે.

મેં થોડા સમય પહેલાં એક વાક્ય વાંચ્યું હતું “આજકાલ કોઈને અલાર્મ નથી જગાડતું, જવાબદારી જ જગાડે છે.” પણ જ્યારે આપણાં સપનાં આપણને જગાડે કે સવારે જાગવા માટે નિમિત્ત બને ત્યારે આપણું જાગવું અને જીવવું સાર્થક ગણાય. આપણને આપણી ઇકિગાઈ મળી કહેવાય.

આપણે કોઈ ઈલૅટ્રોનિક મશીન લાવીએ ત્યારે એની સાથે એક યુઝર મેન્યુઅલ આવે છે, વપરાશકર્તા માટેની સૂચનાઓ અને દરેક મશીનની ઉપયોગિતા પણ અલગ અલગ હોય છે. કપડાં ધોવાનું મશીન વાસણ સાફ ન કરી શકે. બસ, એમ જ ઈશ્વરે આપણને સૌને એક ચોક્ક્સ ઉદ્દેશ સાથે પૃથ્વી પર મોકલ્યા છે. પણ આપણી સાથે કોઈ યુઝર મેન્યુઅલ નથી મોકલ્યું. આપણા જીવનનો ઉદ્દેશ આપણે જાતે જ શોધવાનો છે. આપણે આપણી ખામીઓ અને ખૂબીઓને જાતે શોધવાની છે. આપણી ખૂબીઓનો ઉપયોગ કરી જીવન જીવવાનું છે. તો એ જીવન સંતોષ અને સુખ આપનારું બનશે એમાં નવાઈ નથી!

આપણે સૌ જાણીએ છીએ કે માણસના શરીર અને મન એકબીજા સાથે જોડાયેલાં છે, જો શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ અને મન સ્વસ્થ તો શરીર મસ્ત! પણ આ બન્નેમાંથી જો એક પણ સ્વસ્થ નથી તો એની અસર બીજા પર પડવાની જ. જો મનને સ્વસ્થ રાખવું હોય તો દિવસ દરમ્યાન મળેલું કામ ગમતું હોવું જોઈએ કે પછી ગમતું કામ મેળવવું પડે. જો આપણે આપણા કામને પ્રેમ કરતાં હોઈશું તો કામ કરવાનો આનંદ આવશે. આ જ આનંદ આપણને પ્રસન્ન રાખશે અને આપણો દિવસ સારી રીતે પસાર કર્યાનો સંતોષ મળશે. આ અનુસંધાનમાં મેં એક વાક્ય વાંચ્યુ હતું, “satisfaction is more important than salary.” આપણે જે કામ કરીએ છીએ એ ગમતું નથી માટે કામનો દિવસ તો પસાર થાય છે પણ સંતોષ મળતો નથી. અને જો તમને તમારી ‘ઇકિગાઈ’ મળી ગઈ હોય તો આવું થશે નહિ.

ક્યારેક સંજોગો આપણા ધાર્યા કરતાં વિપરીત ચાલતાં હોય ત્યારે પણ આપણે ચાલતાં રહેવું પડે છે. અંગ્રેજી મૂવી ‘finding nemo’ની હિન્દી ડબિંગમાં નાની સરખી માછલી એક સરસ વાક્ય બોલતી રહે છે,  “તેરતે રહો.. બસ.. તેરતે રહો..”. એટલે કે તમારા ધ્યેય સુધી ન પહોંચો ત્યાં સુધી એના માટે પ્રયત્નો કરતાં રહો. અને જો એ ધ્યેય આપણી ‘ઇકિગાઈ’ હશે તો તરવામાં પણ મજા આવશે જ!

ઇકિગાઈ શું કરી શકે છે એના કેટલાક મુદ્દા પુસ્તકમાંથી અહીં મૂકું છું.

૧. ઇકિગાઈ વ્યગ્રતા એટલે કે ઍન્ગઝાઈટી ઓછી કરે છે.
૨. ઇકિગાઈ હ્રદયની તંદુરસ્તીને હકારાત્મક અસર કરે છે.
૩. ઇકિગાઈ આત્મવિશ્વાસ વધારે છે.
૪. ઇકિગાઈ લાંબુ જીવવામાં મદદ કરે છે.
૫. ઇકિગાઈ રેઝિલિયન્ટ અને એન્ટીફ્રેજિલ બનાવે છે.

Everything is an art if you do it with heart“. એટલે કે કામ ગમે તે હોય, કે ગમે તેટલું નાનું કેમ ન હોય પણ જો એને પૂરી લગનથી કરવામાં આવે તો એમાં આનંદ અને સકારાત્મક પરિણામ બન્ને મળે જ! એટલે ‘ઇકિગાઈ’ ગમે તે હોઈ શકે, ચિત્રો દોરવા કે નવુંનવું રાંધવું કે ટૅક્નિકલ સ્કીલ ડૅવલપ કરવી, કંઈ પણ.

આ પુસ્તક સારું જીવન જીવવા માટે સામાન્ય માણસને સરળ રીતે માર્ગદર્શન પૂરું પાડે છે. એટલું જ નહિ, કોર્પોરેટ જગતના લોકોને પણ કામનો આનંદ લેવો એટલે શું; મળેલા કામને સફળતાપૂર્વક અને સંતોષ સાથે કેવી રીતે પૂર્ણ કરી શકાય એ માટે પણ ઉપયોગી છે. 

મને મારી ઇકિગાઈ મળી ગઈ છે. આશા છે આપ સૌને પણ આપની ઇકિગાઈ મળે અને તમે પણ લાંબુ, સ્વસ્થ જીવન ખુશીથી જીવો. મળીએ આવતા પખવાડિયે નવા પુસ્તક સાથે.

માહિતી – પ્રકાશન ૨૦૨૦, પ્રકાશક – પ્રાપ્તિ સ્થાન : આર. આર. શેઠ, કિંમત – રુ. ૨૯૯/-


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ઇકિગાઈ : પરિભ્રમણ – હીરલ વ્યાસ