જાને વો કૌન સા દેશ જહાં તુમ.. – કમલેશ જોષી 6


રાત્રે સૂતી વખતે પપ્પા મારા આખા શરીરે એનો ગરમ હાથ ફેરવતા, એ સ્પર્શ મને બહુ ગમતો. મમ્મી થોડી-થોડી વારે મારા મોંમાં કંઈક મૂકી જતી, એ મને ગમતું. મારી મોટી બહેન મને તેડી-તેડી બધે ફેરવતી, એ મારા માટે અમૂલ્ય આનંદના અનુભવો હતા.

હવે મને થોડી-ઘણી ખબર પડવા માંડી હતી. હું જેને મહેલ સમજતો હતો એ અમારું ઘર હતું, જેને હું દેવી સમજતો હતો એ મમ્મી હતી અને જેને દેવતા સમજતો હતો એ પપ્પા હતા. મારા જેવડાં દરેક બાળકને એવા દેવી અને દેવતા એટલે કે મમ્મી અને પપ્પા હોય એની મને ખબર પડી ગઈ હતી. મારા ઘરમાં જે પરી હતી એ મારી મોટી બહેન હતી એ હું સમજવા લાગ્યો હતો. મારી પાસે કાળા રંગનું જે સાધન હતું એ ‘પાટી’ હતી અને ડાગલા-ડુગલીના ચિત્રોવાળા કાગળિયાં એ મારી ભણવાની ચોપડી હતી. આ ચિત્રોવાળી ચોપડી, પાટી અને બિસ્કીટ હું જેમાં મૂકીને તને મારા ખંભે લટકાવતો એ મારું નાનકડું દફ્તર હતું. દફ્તર લઈને હું જે મહેલમાં જતો, જ્યાં મારા જેવડાં ઘણાં બધાં બાળકો રમતા એ નિશાળ હતી. અમારી સાથે નિશાળની જે દેવી રમતી હતી એને અમે સૌ ‘ટીચર’ કહેતા. હવે મને થોડી ઘણી ખબર પડવા માંડી હતી.

પી-પી લાગતી ત્યારે હવે હું મારી ચડ્ડી ઊંચીનીચી કરતો એટલે મારી મમ્મી તરત સમજી જતી. એ ચડ્ડી ઉતારી આપતી અને હું પી-પી કરી લેતો. એ પાછી ચડ્ડી ચઢાવી આપતી. એક દિવસ નિશાળે મેં ચડ્ડી ઊંચીનીચી કરી અને મારા ટીચરે મારી ચડ્ડી ઉતારી ત્યારે આજુબાજુ વાળા હસ્યા અને ‘શેમ શેમ’ બોલ્યા એ જોઈ પહેલા તો હું પણ ‘શેમ શેમ’ બોલતો હસવા માંડ્યો પણ પછી ધીરે-ધીરે મને આ  ‘શેમ શેમ’નો વિચિત્ર અનુભવ થવા માંડ્યો. કદાચ ‘શરમ’નો એ પહેલો અહેસાસ હતો.

toddler in pink and white polka dot shirt
Photo by Subham Majumder on Pexels.com

એક વખત નિશાળે મારી બાજુમાં બેઠેલા બે બાળકો એકબીજાના ગાલ પર જોરજોરથી ‘હતા’ કરવા માંડ્યા. એ પછી જોરજોરથી એક બીજાના ગાલ ખેંચવા લાગ્યા અને પછી અચાનક રડવા માંડ્યા. હું પણ એમને રડતા જોઈ રડવા માંડ્યો. ટીચરે અમને ચોકલેટ આપી, અમે ફરી હસવા લાગ્યા. હવે અમે રોજરોજ ગાલની અને કાનની ખેંચાખેંચી કરતા. એમ કરવાથી અંદર કંઈક દુખતું એટલે રડવા માંડતા. ટીચર ચોકલેટ આપતા. એક વાર અમારી ખેંચાખેંચી ચાલતી હતી ત્યારે ટીચરે ત્રણેયના ગાલ પર એમના કડક હાથે જોરથી ‘હતા’ કર્યું અને અમે ‘હલી’ ગયા. ‘ઝાપટ’ કે ‘થપ્પડ’નો એ પહેલો અનુભવ હતો. હવે જયારે પણ ટીચર હાથ ઊંચો કરતા ત્યારે અમને અમારું એ ‘કંપન’ યાદ આવી જતું અને અમે ચૂપ થઈ જતા.

નાક ઉપર આંગળી એ ‘ચૂપ’નો ઈશારો હતો અને પી-પી કરવી હોય તો એક હાથની ટચલી – છેલ્લી આંગળી ઊંચી કરવી એવું ટીચર અને મમ્મી અમને શીખવવામાં સફળ થયા હતા. મોટા ભાગનું તો હું મારી આજુબાજુમાં બેસતા અને રમતા મારા જેવડા બાળકો પાસેથી જ શીખતો હતો. રાત્રે સૂતી વખતે પપ્પા મારા આખા શરીરે એનો ગરમ હાથ ફેરવતા, એ સ્પર્શ મને બહુ ગમતો. મમ્મી થોડી-થોડી વારે મારા મોંમાં કંઈક મૂકી જતી, એ મને ગમતું. મારી મોટી બહેન મને તેડી-તેડી બધે ફેરવતી, એ મારા માટે અમૂલ્ય આનંદના અનુભવો હતા.

અમારી બાજુમાં એક ‘બા’ રહેતા. રોજ એના ગૅઇટ પાસે ખુરશીમા બેસી હાથમાં મોતીનું રમકડું ફેરવ્યા કરતા. હું એની પાસે જાઉં ત્યારે એ મારી સાથે રમતા. હું એની સાથે ‘બા-બા’ કહી રમ્યે રાખતો. એક દિવસ એ બાના ઘરે હું મારો ફુગ્ગો લઈને ગયો. કેટલાય પપ્પાઓ અને મમ્મીઓ ત્યાં હતા. મેં જોયું બા બધાંની વચ્ચે સૂતાં હતાં. એની આંખો બંધ હતી. મેં કહ્યું “બા-બા”, પણ બાએ જવાબ ન આપ્યો. મારે એમની સાથે રમવું હતું. મારો ફુગ્ગો મેં એમને બતાવ્યો. “બા ફુગ્ગો… બા ફુગ્ગો..” કર્યું. ત્યાં મને મારા પપ્પા તેડીને બહાર લઈ ગયા. મોડે-મોડે મારી મમ્મીએ કહ્યું કે “બા બહારગામ ગયા.” એ પછી દિવસો સુધી એ બા દેખાયા નહીં. ધીરે-ધીરે હું એ બાને ભૂલી ગયો. મને ત્યારે ખબર ન હતી કે એ બાનું ‘મૃત્યુ’ થયું હતું.

હવે મારે નિશાળે યુનિફોર્મ પહેરીને જવાનું હતું. સફેદ શર્ટ અને બદામી પૅન્ટ. લાલ રંગનો બિલ્લો મારા શર્ટમાં મમ્મી ભરાવી દેતી. મારા જેવા બધાં જ નિશાળિયાઓ એકસરખાં જ દેખાતાં. હવે હું મોટી નિશાળમાં જવા લાગ્યો હતો. હવે નિશાળે બધાં લાઈનબંધ બેસીને પ્રાર્થના કરતાં એ અમને આવડવા માંડી હતી. અર્થ તો ખબર ન હતો પણ અમે સૌ ટેણીયાઓ આજુબાજુ વાળા મોટા છોકરાઓનાં ચાળા પાડતા ‘ઓમ તત્સત્ શિ ના.. રા.. યન.. તું…’ એવું કંઈક બોલતા. મમ્મી કહેતી કે હું હવે પહેલા ધોરણમાં ભણું છું એટલે હું પણ એમ જ કહેતો. મમ્મીએ કહ્યું હવે બીજા ધોરણમાં એટલે હું પણ એમ કહેવા માંડ્યો.. ધીરે-ધીરે હું ત્રીજા ધોરણમાં પહોંચી ગયો.

એક દિવસ મારી બાજુમાં બેસતો મારો ભાઈબંધ પિન્ટુ આખા ક્લાસ માટે ચોકલેટ લાવ્યો હતો. ટીચરે સમજાવ્યું કે આજે એનો બર્થ ડે હતો. અમે બધાંએ તાળીઓ પાડી. પિન્ટુ ટીચરને પગે લાગ્યો. એ પછી એ મને, નિશાળના બધા ટીચરને પગે લાગવા, સાથે લઈ ગયો. રિસેસમાં સેવમમરા ખાતી વખતે પિન્ટુ કહેતો હતો: “અમે સાંજે કેક કાપીશું. તું મારા ઘરે આવજે. મારા પપ્પા મને ગિફ્ટ આપવાના છે.. સાયકલ..” અમે બંને ક્યાંય સુધી એ સાયકલની વાતો કરતા રહ્યા.

પિન્ટુનું ઘર મારા ઘરની લાઈનમાં જ હતું. મારી મોટી બેન મને એના ઘરે મૂકી ગઈ. અમારી શેરીના કેટલાય ટાબરિયાં ત્યાં હતાં. અમને ખૂબ મજા આવી. સૌએ તાળીઓ પાડી, કેક કાપી, ફુગ્ગા ફોડ્યા અને નાસ્તો કર્યો. અમે એની બેબી-સાયકલથી રમ્યા. બહુ મજા આવી. હું ઘરે પાછો આવ્યો ત્યારે કોણ જાણે કેમ મને પેલા બાજુના ઘર વાળા બા યાદ આવ્યા. મેં મમ્મી પાસે કેટલીયે વાર સુધી ‘બા-બા’ કર્યું અને પિન્ટુના જન્મદિવસની અને ફુગ્ગાની અને એની નવી બેબી-સાયકલની વાતો કરી.         

(વધુ આવતા અંકે)

મૃતદેહની બાજુમાં રમતું અબુધ બાળક સૌએ ક્યારેક તો જોયું જ હશે. સાવ જ નજીક બનેલી ઘટનાથી બાળક સાવ અજાણ હોય છે. બાળક તો જવા દો, રોજેરોજ આપણી આસપાસ બનતી આ જન્મ મરણની રહસ્યમય ઘટનાની આપણા પર શી અસર થાય છે? પેલા અબુધ બાળકની જેમ આપણે પણ ઓફિસ ઓફિસ અને ઘર-ઘરની રમત રમવામાં એટલા બધા મશગૂલ છીએ કે બાજુમાંથી જ પસાર થયેલી યમરાજાની સવારીની અસર પણ થોડી જ ક્ષણોમાં ભૂલી જઈએ છીએ. બીજાની સ્મશાન યાત્રા જોતી વખતે આપણને એવો અહેસાસેય નથી થતો કે એક દિવસ આપણી પણ સ્મશાન યાત્રા નીકળશે, આમ જ આપણે સૂતાં હોઈશું અને ‘રામ નામ સત્ય હૈ’ બોલતા આપણા સ્વજનો આપણને લઈ જશે ત્યારે આપણે, જેમ અત્યારે હાથ જોડી ઊભા રહેતા હોઈએ છીએ એમ ત્યારે બીજું કોઈ આમ જ ઊભું હશે, આપણી યાત્રા પસાર થઈ જાય એટલે ફરી પોતાની ઓફિસે જવાની ઉતાવળમાં… પેલા અબુધ બાળકની જેમ..!


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “જાને વો કૌન સા દેશ જહાં તુમ.. – કમલેશ જોષી