નૃત્યનિનાદ ૨ : નૃત્ય – ઉત્પતિ અને વ્યાખ્યા 6


આપણી અંદર આપણી ઉત્તેજના ને સંવેદના વેગમય બનીને વહે છે એનો એક નાદ અપણી અંદર પ્રગટતો રહે છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ જ ‘નાદ’થી થઈ. ડમરુના નાદથી થઈ. પ્રથમ અક્ષર એ પ્રણવ એટલે ‘ૐ’ છે. આમ, વિશ્વ પોતે એક ઓર્કેસ્ટ્રા અને એનો એકેએક સભ્ય એનો સાજીંદા છે.

કુદરતનું અનુપમ સંગીત

નૃત્યવિદ્ ભલે વ્યાખ્યામાં નૃત્યને બાંધે, પણ મને તો કુદરતની પ્રત્યેક ક્રિયામાં નૃત્ય સમાયેલું દેખાય છે. બ્રહ્માંડમાં સરી રહેલો સમય એક તાલ છે. તાલ એકરૂપતા સાથે સરે છે એને લય કહેવાય છે. જ્યાં લય છે, ત્યાં નૃત્ય છે જ. કુદરતમાં નજર કરીએ તો પવનથી વૃક્ષનું ઝળુંબવું, નદીના પાણીનું તરલતાથી વહેવું કે દરિયાના પાણીનું ભરતી અને ઓટમાં કિનારા સાથે ટકરાઈ ફરી દરિયામાં મળવું, કોઈ પથ્થરનું શિલા પરથી ગબડીને તળેટીએ પહોંચવું, આ ગતિમય નૃત્ય છે. દોડતાં હરણાં, કૂદતાં સસલાં, સ્થિર પાંખથી ઊંચા ગગનમાં વિહરતી સમડી હોય કે અનેક વાર પાંખ ફફડાવી ઊડતું હમિંગ બર્ડ હોય, એમની ગતિમાં પણ નૃત્ય જ છે. નૃત્ય આપણાં મનોભાવને પલ્લવિત કરે છે.

ગતિમય અને લયબદ્ધ અંગસંચાલન એ નૃત્યનું આવશ્યક અંગ છે. નૃત્યમાં ગતિ અને લય પોતે એક ભાષા બની શકે છે. માટે જ નૃત્યને પોતાનો રવ છે.

નૃત્ય અને નાદ એકબીજાની પુષ્ટિ કરે છે. નૃત્યમાં હસ્તસંચાલન કે પદસંચાલન થાય, એ સાથે એક પ્રકારનો નાદ જન્મે છે. તાલના સમ ઉપર પ્રગટતી પગની થાપ કે હાથનું કોઈ સૂચક મુદ્રામાં સ્થિર થઈ જવું એ પણ એક નાદ ઉપજાવે છે. એક પ્રવૃત્તિથી, સંકેતથી વાચા વિના પણ નર્તક કંઈક કહે છે. નૃત્ય એ વાણી વગરની  હોય તો પણ બોલકી કલા છે. અંગઉપાંગો અને ભાવભંગિમા દ્વારા નૃત્ય મનની વાત રજૂ કરે છે. એ પછી હર્ષ હોય, વિરહ હોય કે પછી વીરરસની અનુભૂતિ હોય. નૃત્ય એ નવરસ નિષ્પન્ન કરવા સંપૂર્ણ સક્ષમ છે. નૃત્યમાં જ સંગીત છે પણ જ્યારે સાંગીતિક જુગલબંધી એટલે કે, ગાયન અને વાદન સાથે નૃત્ય રજૂ થાય એ આવેગમય અને માત્ર નિજાનંદ માટે થતાં નૃત્યથી ઉપર ઊઠે છે. ત્યારે નૃત્યને શાસ્ત્રીયતા મળે છે.

સંગીતમાં આ રીતે ગાયન, વાદન અને નર્તન ત્રણેય એકબીજાના સહાયક છે. આપણું મનોવિશ્વ એક નાદ સાથે જોડાયેલું હોય છે. આપણી અંદર આપણી ઉત્તેજના ને સંવેદના વેગમય બનીને વહે છે એનો એક નાદ અપણી અંદર પ્રગટતો રહે છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ જ ‘નાદ’થી થઈ. ડમરુના નાદથી થઈ. પ્રથમ અક્ષર એ પ્રણવ એટલે ‘ૐ’ છે. આમ, વિશ્વ પોતે એક ઓર્કેસ્ટ્રા અને એનો એકેએક સભ્ય એનો સાજીંદા છે.

નૃત્ય ક્યારે પ્રગટ થયું? આમ જુઓ તો જ્યારે જીવનો જન્મ થયો, એ સાથે જ નૃત્ય પ્રગટ થઈ ગયું હતું. જ્યારે નવજાત શિશુ એના હાથ પગ ઉછાળીને રડ્યું હશે, ત્યારે એના ભાવવિભોર માતા પિતાએ હર્ષમાં એને જોઈને એ જ રીતે હાથ ઉછાળ્યા હશે. આ પ્રવૃત્તિ નૃત્યથી કંઈ કમ છે? હર્ષોલ્લાસ વ્યકત કરવા માનવી નાચે છે. હાથ પગ જેવા અંગો નૃત્ય કરે છે જ્યારે મન ખુશીથી ઝૂમી ઊઠે છે. આનંદની ચરમ અવસ્થાને વ્યકત કરવા માનવ નૃત્ય કરે છે. ઉમંગથી ભરેલ થીરકવાની ક્રિયા પણ નૃત્ય જ છે. કદાચ એ મયૂરના નર્તન પરથી જોઈને માનવ શીખ્યો હોઈ શકે!

પ્રાચીન કાળમાં માનવ શિકાર કરીને પોતાનું અને કુટુંબીજનોનું ભરણપોષણ કરતો. ત્યારે જ્યારે મોટો શિકાર હાથ લાગે તો આખું કુટુંબ અગ્નિ પ્રગટાવી શેકાતા માંસની આજુબાજુ નૃત્ય કરતા.  મોટો શિકાર મળે ત્યારે તો બમણી ખુશી એ હશે કે ઘરનો પુરુષ વર્ગ ત્યારે જ રજા લઈ શકતો હશે! આમ, આનંદ નૃત્યનું ઉગમસ્થાન બની રહે છે. તેમ જ ભગવાન શિવજીનું તાંડવ જાણીતું છે, એમના ક્રોધને લીધે પ્રગટ થયેલું. નૃત્ય પોતે  ક્રોધ, દુઃખ, વિરહ અને મિલન જેવા વિવિધ ભાવોને કંડારે છે.

પ્રાચીનતમ ગ્રંથોમાં નૃત્ય સાથે સંકળાયેલી ઘટનાનો સમાવેશ થયેલો છે. સામવેદમાં તો સંગીત વિશે જ્ઞાન ઉપલબ્ધ છે જ, ઋગ્વેદમાં પણ નૃત્યનો ઉલ્લેખ થયેલો છે.

इन्द्र यथा हयस्तितेपरीतं नृतोशग्वः
ઈન્દ્ર, તમે બહુ લોકો દ્વારા આહુત અને બધાંને નૃત્ય કરાવવાવાળા છો.

યજુર્વેદમાં નૃત્ય એક વ્યાયામ તરીકે શ્રેષ્ઠ છે એમ કહેવાયું છે.  શિવપુરાણ તથા કૂર્મ પુરાણમાં પણ નૃત્યનો ઉલ્લેખ થયો છે. ભરતમુનિના સમયમાં ભારતીય સમાજમાં અનેક કલાઓ પૂર્ણરૂપે વિકસિત થઈ હતી. સંસ્કૃતના પ્રાચીન ગ્રંથો જેવા કે કાલિદાસજીના શાકુંતલમ્, મેઘદૂત, કામસૂત્ર તથા મૃચ્છકટિકમ્ માં પણ નૃત્યવિવરણ છે.

અરે, ભાગવતમાં વર્ણવાયેલ રાસલીલા અથવા પુરાણોમાં વર્ણાવાતા સંમોહન માટેના પ્રયોગોમાં નૃત્ય મોખરે રહ્યું છે. જેમાં ઉર્વશી અને મેનકા જેવી અપ્સરાઓ નૃત્ય કરીને મન મોહી લેતી હતી. હાવભાવ સાથે ગતિમાન અંગિમા, જે મનમોહક છે, માનવીય અભિવ્યક્તિનું રસમય પ્રદર્શન કરે છે, જેથી એ એક કળા જ કહેવાય. એટલે જ આ સાર્વભૌમ કળા, જયમંગલે શુક્રનીતિસારમાં કહ્યું એ  પ્રમાણે, ચોંસઠ કળામાંની એક કળા છે. પોએટીક્સમાં અરસ્તુ  (એરિસ્ટોટલ) પણ કહે છે, ‘લયાત્મક ગતિ એ નૃત્ય છે. જેનો ઉદ્દેશ્ય મનુષ્યોના ગુણોની સાથે એના કાર્યો અને કષ્ટોનું પણ પ્રતિનિધિત્વ કરે છે.

નૃત્ય એક પ્રાચીનતમ કલા છે. એવા ઉલ્લેખો પણ મળે છે કે ૩૩૦૦BC માં આર્કિયોલોજીને ૯૦૦૦ વર્ષ જૂનું પેઇન્ટિંગ મળ્યું હતું. ઈજિપ્તના પિરામિડ હોય કે મોહનજો ડેરો, નૃત્યની હાજરી પેઇન્ટિંગ કે શિલ્પના અવશેષોમાં દેખાય છે. હડપ્પાની સંસ્કૃતિના અવશેષોમાં  પણ નૃત્યાંગનાનું શિલ્પ મળી આવે છે. આપણાં ભારતીય સંસ્કૃતિના શિલ્પોમાં નૃત્યમય મુદ્રા જોવા મળે છે. આમ હજારો વર્ષોથી નૃત્ય થતું આવ્યું છે.

નૃત્ય અનાદિ કાળથી માનવ જોડે તન અને મનથી  જોડાયેલું છે. એ આવેગમય નૃત્ય અને કુશળતા પૂર્વકનું પ્રયોજીત  નૃત્યમાં કોઈ  ફરક ખરો? એવા નૃત્ય સામાન્ય રીતે બે વિભાગમાં વહેંચાય છે.

૧) નાટ્ય
૨) અનાટ્ય
નાટ્ય એ સ્વર્ગ કે પૃથ્વી નિવાસીની કૃતિનું અનુકરણ છે. જ્યારે અનાટ્ય એ અનુકરણ રહિતની કૃતિ છે. બધાં જ નૃત્ય કરણ, અંગહાર, વિભાવ, ભાવ, અનુભાવ અને રસની અભિવ્યક્તિથી યોજાય છે.

લલિતકલા એક એવી કલા છે, જેનું મુખ્ય સાધન કલાકારનું શરીર છે. બીજા ઉપકરણો હોય છતાં શરીરનું સાધન મજબૂત ન હોય તો પ્રદર્શન નબળું પડી જાય છે. અંગચેષ્ટા અને ગતિશીલતાવાળા પ્રદર્શન કરનારાએ શરીર સ્વસ્થ રાખવું જરૂરી છે. એ સાથે જ જે લોકો આ કળા સાથે સંકળાય છે, સતત પ્રવૃત્ત રહે, એ લોકોને શરીર સૌષ્ઠવ એક વરદાન પણ બની રહે છે.

એવી જ રીતે નન્દિકેશ્વર રચિત ‘અભિનય દર્પણ’  પણ નૃત્યને લગતું શાસ્ત્ર છે. નન્દિકેશ્વર કે ભરતમુનિના સમય વિશે મતમતાંતર છે. પણ નન્દિકેશ્વર એ ભરતમુનિના પહેલા થઈ ગયા હશે એ શાસ્ત્રોના અભ્યાસથી સમજાય છે.

અભિનયદર્પણમાં નાટ્યોત્પતિ, નાટ્યપ્રશંસા, અભિનયભેદ, નૃત્ત, નૃત્ય, નાટ્યપ્રકાર વિશે છણાવટ કરી છે. અભિનય માટે જરૂરી  રંગપ્રાર્થના, અસંયુક્ત, સંયુક્ત હસ્તમુદ્રાઓ, દ્રષ્ટિ ભેદ, ગ્રીવા ભેદ, આંખ – ગળાની ગતિ, વિનિયોગ વગેરે  છણાવટ કરી છે.

આપણાં વિદ્વાનો અને કલાઉપાસકોએ કુશળતાપૂર્વકનું અને પ્રયોજીત નૃત્યનું સ્વરૂપ આપણને વિસ્તારથી  સમજાવ્યું છે. વિદ્વાન ભરતમુનિએ ‘નાટ્યશાસ્ત્ર’ની રચના કરી છે. એમાં એમણે કલા, સાધના, સાધનો, રંગમંચ, રંગભવન બધાં વિશે છણાવટથી સમજાવ્યું છે. કોઈપણ નાટ્યકાર કે નૃત્યકાર માટે આ પુસ્તક ગીતા સમાન છે. અભિનય વિશે આ પુસ્તકોમાં વાત થઈ છે. અભિનયના દેવ શિવજી છે, એવું આપણાં શાસ્ત્રો કહે છે.

आंगिकं भुवन यस्य वाचिकं सर्व वाङगमयं
आहार्यं चंद्र तारादि तं नुमः सात्विकं शिवम्

સમસ્ત વિશ્વ જેમનું અંગ છે, જેમની વાણી વિશ્વની ભાષા છે, ચંદ્ર અને તારા જેમના આભૂષણ છે, એવા સાત્વિક શિવને હું નમન કરું છું.

આમ પણ પુરાણો કહે છે કે શિવ જ વિશ્વના આદિ અને અંત છે, શિવજી અનંત છે. આવા શિવને પ્રાર્થના કરીને પછી જ  રંગમંચ પર નૃત્યકળાની પ્રસ્તુતિ થાય છે. ભરત નાટ્યશાસ્ત્રમાં ભરતમુનિ આંગિક અભિનય વિશે લખે  છે કે એ ત્રણ પ્રકારે નિયોજાય છે.

૧) મુખજા ૨) શારીર ૩) ચેષ્ટકૃત
૧) મુખજા એટલે મુખના હાવભાવ દ્વારા
૨) શારીર એટલે શરીરના સંચાલન દ્વારા
૩) ચેષ્ટકૃત: એટલે અંગ ઉપાંગોને ચોક્કસ રીતે ગોઠવીને થતું પ્રદર્શન

૧) મુખજા: આ પ્રકારનો આંગિક અભિનય માથું, આંખ, નાક, ગાલ, હોઠ, દાઢી, દાંત, ચહેરો અને ગળું ઉપયોગમાં લઈને કરાય છે. આ અંગ ઉપાંગોની અલગ અલગ પરિસ્થિતિ દ્વારા અલગ અલગ માનસિકતાનું આલેખન થાય છે. આંખના ઉપયોગ વખતે કીકી, પોપચાં અને નેણનો જુદા જુદા સંચાલન દ્વારા જુદો રસ નિષ્પન્ન કરાય છે. ચહેરાનો રંગ પણ મુખજા અભિનયનો એક ભાગ છે.

૨) શારીર: અભિનયના આ પ્રકારમાં એક હાથની, બંને હાથની મુદ્રાઓ, સંયુક્ત હસ્ત-અસંયુક્ત હસ્ત, નૃત્ય- હસ્તનો ઉપયોગ અલગ અલગ માનસિકતા, વસ્તુ અને વિચાર દર્શાવવા થાય છે. સંપૂર્ણ શાસ્ત્રીય નૃત્યમાં આ મુદ્રાઓ વધારે વપરાય છે. અંગસ્થિતિમાં હાથ, છાતી, પડખાં, કમર, જાંઘ, ખભા, પગ વગેરેનો ઉપયોગ થાય છે.

૩) ચેષ્ટકૃત: આ પ્રકારમાં મુખ્ય અંગો અને ઉપાંગો બંનેના ઉપયોગથી અભિનયનો પ્રકાર પ્રયોજાય છે.
૧) ગત
૨) નૃત્યમય સંચાલન

જુદા જુદા પાત્રો પ્રમાણે એની પ્રકૃતિને અનુકૂળ આવે એ પ્રમાણે સંયોજના થાય છે. ગત એટલે ચાલ. એની બેસવાની, સૂવાની તથા ચાલવાની રીત પાત્ર પ્રમાણે જ નક્કી થાય છે. ૧૦૮ પ્રકારના કરણ, રેચક, પિંડીબંધ, ભેદ્યક તથા બંને પ્રકારની ચારી: આકાશિકી તથા ભૌતિક,આ બધાનો વિશેષ ઉપયોગ થાય છે. જે બધાં ચેષ્ટકૃત અભિનયના પ્રકાર છે.

શરીરના વિવિધ અંગોનું દરેક  વિવિધ સંચાલન એક  ચોક્કસ  ભાવ, વાત કે મનોસ્થિતિ રજૂ કરે છે. આ વાતને અત્યંત સૈદ્ધાંતિક રીતે તથા પ્રમાણિત રીતે રજૂ કરનાર ભરતમુનિજી કે નંદીકેશ્વરજી અત્યંત વિદ્વાન કહેવાય. આ પ્રમાણિતતા  અનેક શાસ્ત્રોનો અભ્યાસ હોય ત્યારે જ શક્ય બને, જેમાં માનસશાસ્ત્રનો પણ સમાવેશ થઈ જાય છે.

(ક્રમશ:)

– અર્ચિતા દીપક પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “નૃત્યનિનાદ ૨ : નૃત્ય – ઉત્પતિ અને વ્યાખ્યા