અધ્યાત્મનો અણસાર
જીવવાની જે ખરી કલા જાણે,
એ ન કાશી, ન કરબલા જાણે.
તત્ત્વની વાત છે નિરાળી બહુ,
જાણી જાણી ને કેટલા જાણે?
મન પડે એમ જીવવું મસ્તીમાં,
પાપ પુણ્યો મારી બલા જાણે !
રાતની લંબાઈ કેટલી કપરી?
પ્રેમી જાણે યા તારલા જાણે !
મર્મ શું હોય છે આ હસ્તીનો ?
કોઈ ‘સુમિરન’ શા જીવલા જાણે.
- પ્રદીપ રાવલ 'સુમિરન' કલા અને કલાકારથી આ જગત ભરેલું છે. જગતમાં અનેક કલાઓ આપણને જોવા મળે છે. ભૌતિક વસ્તુતત્ત્વને સિદ્ધ કરતી કલાઓથી લઈને મનોજગતમાં કેડી કંડારતી કલાઓ પણ આપણને જોવા મળે છે. હવા અને ખોરાકના સહારે આપણા શરીરને ટકાવી શકાય છે, પણ જીવવું એ અલગ જ ચીજ છે. બીજા માટે જીવાય તેને જ સાચું જીવન કહેવાય. કવિશ્રી પ્રદીપ રાવલ 'સુમિરન'ની આ પાંચ શેરની ગઝલ યાત્રામાં ક્યાંક ને ક્યાંક આધ્યાત્મનો સ્પર્શ અનુભવાય છે. બે પંક્તિના વિશ્વમાં રજૂ થયેલી જીવવાની મથામણ ધ્યાન ખેંચે છે. જીવવાની જે ખરી કલા જાણે, એ ન કાશી, ન કરબલા જાણે. ધાર્મિક માન્યતાઓના જડ વિચારોથી માણસોના મન સંકુચિત થઈ ગયા છે. ઈશ્વર કે અલ્લાહને શોધવા માટે ન તો કાશી જવાની જરૂર છે, ન તો કરબલા જવાની. માણસ પોતાના જીવન દરમિયાન જ પરમ તત્ત્વની પ્રાપ્તિ કરી શકે છે. બીજાના દુઃખે દુઃખી થનાર માણસ માણસાઈની સરહદને સ્પર્શે છે. જીવવાની કલા એ જગતની બધી જ કલાઓમાં સર્વોપરી છે. તત્ત્વની વાત છે નિરાળી બહુ, જાણી જાણી ને કેટલા જાણે? આધ્યાત્મિકતાના પગથિયાં સમી આ ગઝલનો બીજો શેર પરમ તત્ત્વની ઝાંખી કરાવે છે. પરમતત્ત્વના અણસારની ઝલક અહીં અનુભવાય છે. જે તત્ત્વને પામવા માટે યોગીઓ વર્ષો સુધી તપ કરે છે. એ પરમ તત્ત્વને પળમાં જ પામવાની વાત કવિ આપણને કરે છે. સાચા હૃદયથી નિરાકારને સમજવામાં આવે તો તેને પામી શકાય છે. એવો સંકેત કવિ આપણને કરે છે. મન પડે એમ જીવવું મસ્તીમાં, પાપ પુણ્યો મારી બલા જાણે! ઈશ્વરને આરાધવાના અનેક માર્ગો પૈકીનો એક માર્ગ એટલે ભજનનો માર્ગ. 'મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ' એવી ભજનની એક કડીમાં પણ સ્પષ્ટ થાય છે કે પ્રભુની મસ્તીમાં લીન થઈને તેને પામવાની ધગશ સંતોમાં ઝળહળતી દેખાય છે. નિજાનંદમાં જીવવાની વાત કરીને કવિ પાપ-પુણ્યનોથી પર થવાની વાત આપણને કરે છે. રાતની લંબાઈ કેટલી કપરી? પ્રેમી જાણે યા તારલા જાણે! અંધારને ખુશબોભર્યો અનુભવતા કવિશ્રી પ્રહલાદ પારેખે રાતનો મહિમા અદ્ભુત રીતે ગાયો છે. અંધારથી અભરે ભરી રાત ઘણાંને વહાલી તો ઘણાંને દવલી લાગે છે. પ્રસ્તુત શે'ર સંદર્ભે વાત કરીએ તો વિયોગી પ્રેમીજનોને રાતની પ્રત્યેક પળ વસમી લાગતી હોય છે. તારલાના રૂપક દ્વારા કવિ એમ પણ સૂચવે છે કે જિંદગી પણ તારલા સમાન છે. જેની જિંદગીમાં રાતનો અંધાર જ ચિતરાયો છે એવા જનોની વાત કવિએ આપણને કરી છે. મર્મ શું હોય છે આ હસ્તીનો? કોઈ 'સુમિરન' શા જીવલા જાણે! સ્વયંની મહત્તાનો અણસાર અગર આવી જાય તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. પ્રાગ યુગની કવિતાઓથી લઈને પ્રવર્તમાન અનુઆધુનિક સાહિત્યના પદ્યમાં પણ ખુદને ઓળખવાની અને સમજવાની વાતનો સંકેત આપણને મળે છે. આધ્યાત્મના એક પછી એક મોતી પરોવી આપતી આ ગઝલ મોતીની માળા સમાન ઝળહળતી લાગે છે. - જિતેન્દ્ર પ્રજાપતિ
કવિ શ્રી જીતેન્દ્ર પ્રજાપતિના આ સ્તંભ ‘રસ કિલ્લોલ’ના બધા આસ્વાદ લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.