નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે. આજે પ્રસ્તુત છે શ્લોક ૮ થી ૧૦ ના અર્થ સહ વિસ્તાર.
यदा किञ्चिज्ञोऽहं द्विप इव मदान्धः समभवं
तदा सर्वज्ञोऽस्मीत्यभवदवलिप्तं मम मनः।
यदा किञ्चित् किञ्चित् बुधजनसकाशादवगतं
तदा मूर्खोऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः।।८।।
![](https://i0.wp.com/www.aksharnaad.com/wp-content/uploads/2021/02/Nitishatak-3-Aksharnaad.png?resize=376%2C376&ssl=1)
અર્થ:- જ્યારે હું સાવ અલ્પજ્ઞ હતો ત્યારે મદોન્મત્ત હાથીની માફક હું જ સર્વજ્ઞ છું એવો અહંકાર થયો. જેમ જેમ વિદ્વાનોની સમીપે ગયો તેમ તેમ હું મૂર્ખ છું એ પ્રતીત થતું ગયું અને જ્વરની જેમ મારો મદ ઉતરી ગયો.
વિસ્તાર:- શિખરિણી છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિ અહંકાર અને નિર્માલ્યતા વચ્ચેની સ્થિતિ વર્ણવે છે. ‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન’ની જેમ મનુષ્ય સ્વયંથી અલ્પજ્ઞ લોકોની વચ્ચે રહેતો હોવાથી સ્વયંને સર્વજ્ઞ સમજવા લાગે છે. જ્યારે ખરા વિદ્વાનોની વચ્ચે સત્સંગ થાય, જ્ઞાન સભા થાય ત્યારે મનુષ્યને સ્વયંના અજ્ઞાનનું ભાન થાય છે. એ સમયે મદમસ્ત હાથી જેવો અહંકાર રૂપી મદ જ્વર એટલે કે તાવની જેમ ક્ષણવારમાં ઉતરી જાય છે. ખરા અર્થમાં જ્ઞાની મનુષ્યને અહંકાર હોતો જ નથી, તે તો વિનય – વિવેકની પરાકાષ્ઠાથી સમૃદ્ધ હોય છે. કારણ કે
विद्या ददाति विनयं विनयात् याति पात्रताम्।
पात्रत्वात् धनमाप्नोति धनात् धर्मः ततः सुखम्।। – વિદ્યા વિનય આપે છે, વિનયથી પાત્રતા કેળવાય છે, પાત્રતાથી ધન મળે છે, ધનથી ધર્મ અને તેનાથી જ સુખ થાય છે.
विद्या विनयेन शोभते। – વિદ્યા વિનયથી શોભે છે.
વિદ્વાનો ક્યારેય અહંકાર કરતા નથી, તેઓ તો વારંવાર સ્વયંની અજ્ઞાનતાનો સ્વીકાર કરતા હોય છે. તેથી તેમને જ્ઞાનનો તાવ ચઢતો નથી. જ્ઞાનનો તાવ જે સ્વયંને સર્વજ્ઞ સમજે છે તેમને જ ચઢતો હોય છે. સંતત્વ વિનાની પંડિતાઈ અહંકાર સર્જે છે.
मूर्खोऽपि शोभते तावत् सभायां वस्त्रवेष्टितः।
तावच्च शोभते मूर्खो यावत् किञ्चिन्न भाषते।। – મૂર્ખ પણ ત્યાં સુધી સભામાં વસ્ત્રથી વીંટળાયેલો રહે છે અને શોભે છે કે જ્યાં સુધી તે કંઈ બોલતો નથી. વોલ્તાયરે કહ્યું છે કે જેટલું વધુ ભણ્યા, જેટલું વધુ શીખ્યા, જેટલું વધુ ચિંતન કર્યું તેટલો અમારો નિશ્ચય દૃઢ થતો ગયો કે અમે કંઈ પણ જાણતા નથી. “The more I read, the more I acquire, the more certain I am that I know nothing.” – Voltaire.
कृमिकुलचितं लालाक्लिन्नं विगन्धि जुगुप्सितं
निरुपमरसं प्रीत्या खादन्नरास्थि निरामिषम्।
सुरपतिमपि श्वा पार्श्वस्थं विलोक्य न शङ्कते
न हि गणयति क्षुद्रो जन्तुः परिग्रहफल्गुताम्।।९।।
અર્થ:- જેમ કીડાઓથી ખદબદતા, લાળયુક્ત, દુર્ગંધયુક્ત, રસ – માંસહીન, મનુષ્યના ઘૃણિત હાડકાંને ખાનાર કૂતરો પાસે ઉભેલા ઈન્દ્રની પણ ઉપેક્ષા કરે છે, તેમ ક્ષુદ્ર જીવ જેને ગ્રહણ કરે છે તેની તુચ્છતા પર ધ્યાન આપતા નથી.
વિસ્તાર:- હરિણી છંદમાં રચાયેલા આ શ્લોકમાં ભર્તૃહરિ ક્ષુદ્ર એટલે કે તુચ્છ મનુષ્યની સ્થિતિને ઉદાહરણ સહિત સમજાવે છે. અહીં આપેલા ઉદાહરણમાં કૂતરો તુચ્છ હાડકાંને ખાતો હોવાથી પાસે ઉભેલા ઐશ્વર્યશાળી ઈન્દ્રની પણ ઉપેક્ષા કરે છે. તારા કરતા પણ હું વધુ ઐશ્વર્ય કે ભોગો ભોગવું છું એવી મત્સર વૃત્તિથી પ્રેરાઈને તે સૂકું હાડકું જ ચાવ્યા કરે છે. આ જ પ્રકારે ક્ષુદ્ર – તુચ્છ લોકો પણ મહાન વિદ્વાનોની પાસે પોતાના ક્ષુલ્લક જ્ઞાનને જ સર્વોપરી માની સતત મોટાઈ ભર્યો વ્યવહાર જ કર્યા કરે છે. આવા ક્ષુદ્ર જીવો મિથ્યાભિમાનથી પતિત થઈને અધોગતિ જ પ્રાપ્ત કરે છે. ભર્તૃહરિ આ નીતિને હવે પછીના શ્લોકમાં ગંગાજીના ઉદાહરણ દ્વારા સમજાવે છે. ગિરધર કુંડલિયા છંદમાં આ જ વાત સમજાવે છે.
कूकर शिर कारा परै, गिरै बदन ते लार।
बुरौ बास बिकराल तन, बुरौ हाल बीमार।।
बुरौ हाल बीमार, हाड सूखे को चाबत।
लखि इंद्रहु को निकट, कछु उर शंक न लावत।।
निठुर महा मनमांहि, देख घुर्रावत हूकर।
तैसे ही नर नीच, निलज डोलै ज्यों कूकर।।
शिरः शार्वं स्वर्गात् पशुपतिशिरस्तः क्षितिधरम्।
महीध्रादुत्तुङगादवनिमवनेश्चापि जलधिम्।
अधो गङ्गा सेयं पदमुपगता स्तोकमथवा।
विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः ।।१०।।
અર્થ:- ગંગા સ્વર્ગમાંથી શિવના મસ્તક પર, ત્યાંથી હિમાલય પર્વત પર, ત્યાંથી પૃથ્વી પર અને ત્યાંથી વહેતા વહેતા સમુદ્ર સુધી પહોંચી ગઈ. આમ, ઉપરથી નીચે પડતાં પડતાં ગંગા સ્વલ્પ થતી ગઈ. વિવેકભ્રષ્ટ થયેલાઓનું સેંકડો બાજુએથી અધ:પતન થાય છે.
વિસ્તાર:- શિખરિણી છંદમાં રચાયેલા આ શ્લોકમાં ભર્તૃહરિ જણાવે છે કે જ્યારે પતનની શરૂઆત થાય ત્યારે મનુષ્ય સતત નીચે જ પડતો રહે છે. દરેક દિશાએથી તેની અધોગતિ જ થાય છે. ગંગા સ્વર્ગમાં હતી ત્યારે તે સ્વર્ગગંગા કહેવાતી. તેને તેનું અભિમાન થયું તેથી તે શિવના મસ્તક પર આવી. ત્યાંથી હિમાલયના શિખર ગંગોત્રી પર આવી અને ત્યાંથી પૃથ્વી પર હરિદ્વાર સુધી પહોંચી અને અંતે વહેતી વહેતી સમુદ્ર સુધી પહોંચી. આમ જ વિવેકભ્રષ્ટ થતા મનુષ્યોનું પણ પતન થાય છે. જો કે ગંગાનું પતન સગર પુત્રોના ઉદ્ધારાર્થે અર્થાત્ પરમાર્થે હતું.
રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને ગંગાની ઉત્પતિની વાત કરે છે. તે પ્રમાણે સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો સરખી પ્રજા હતી. જ્યારે સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં બાધા નાખવા ઈન્દ્ર તે અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મૂકી આવ્યો. સગરના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા અને કપિલમુનિનું અશ્વ ચોરવા માટે અપમાન કર્યુ. ત્યારે કપિલ મુનિએ તેમને બાળીને મારી નાંખ્યા. સગરને આ વાતની ખબર પડી અને પોતાના પુત્રોની સદ્ગતિ માટે પ્રાર્થના કરી. ત્યારે તેમના જાણવામાં આવ્યું કે સ્વર્ગની નદી ગંગાને જો પૃથ્વી પર લાવવામાં આવે અને તેમાં તેના પુત્રોના અસ્થિ પધરાવવામાં આવે તો તેમને સદ્ગતિ મળશે.
સગર પછી તેનો પુત્ર અંશુમાન પછી દીલીપ વગેરેએ ગંગાને લાવવાના વ્યર્થ પ્રયત્નો કર્યા. છેવટે ભગીરથ રાજાના તપ અને કાર્યથી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઈ. પરંતુ ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો તે પાતાળમાં જતી રહે. આથી ભગીરથે ભગવાન શંકરને ગંગાના પ્રવાહને ઝીલી લેવા વિનંતિ કરી. છેવટે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી અને ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધી. શંકરે જટામાંથી ગંગાની નાની ધારને વહાવીને પૃથ્વી પર પડવા દીધી. પછી ભગીરથ જ્યાં પણ ગયો ત્યાં ગંગા પાછળ આવતી ગઈ. રસ્તામાં જહ્નુ ઋષિના આશ્રમમાં ગંગાએ વિનાશ કર્યો આથી જહ્નુ મુનિ તેને પી ગયા અને ભગીરથની વિનંતિથી તેને પોતાના કાનમાંથી બહાર કાઢી. આમ તે જહ્નુની પુત્રી ગણાઈ અને તેનું નામ જ્હાનવી પણ પડ્યું. ભગીરથ ગંગાને હિમાલયથી બંગાળ સુધી લઈ ગયા કે જ્યાં સગરના પુત્રોના અસ્થિ હતા. આમ તેમને પણ સદગતિ પ્રાપ્ત થઈ. આમ, ગંગા ભાગીરથી પણ કહેવાઈ.
પરમાર્થ માટેનું પતન તો હજુ કલ્યાણકારી છે પરંતુ જો સ્વાર્થને કે અહંકારને લીધે પતન થાય તો રહીસહી પ્રતિષ્ઠા પણ નાશ પામે છે. વિવેકભ્રષ્ટ થતાં અનેક દૃષ્ટાંતો પુરાણોમાં છે, જેમાં ભગવાન વિષ્ણુ વૃંદાનું સતીત્વ ભંગ કરી વિવેકભ્રષ્ટ થયા. રાજા બલિએ દાતા તરીકેના અહંકારથી વિવેકભ્રષ્ટ થઈ સર્વસ્વ દાન કર્યું. રાજા નહુષે વિવેકભ્રષ્ટ થઈ અગસ્ત્યના શાપથી દસ વર્ષ સર્પ યોનિમાં વીતાવ્યા. આ તમામનું પતન પુરાણોમાં વર્ણિત છે. તેથી મનુષ્યે દૂરદર્શી થવું જોઈએ, નહિંતર વિવેકભ્રષ્ટ થયેલાઓનું સેંકડો બાજુએથી પતન જ થાય છે એવું ભર્તૃહરિ અહીં સમજાવે છે. પતન થાય તો એ કલ્યાણ અર્થે કે પરમાર્થે જ હોવું જોઈએ. ઉચ્ચકોટીનો જીવ પણ જ્યારે બુદ્ધિભ્રષ્ટ થાય છે ત્યારે તેનું મહાપતન થાય છે. આ વાત અહીં સમજાવી છે. મનુષ્ય જેટલો ઊંચા સ્થાને હોય તેટલું તેણે વધુ સાવધ રહેવું જોઇએ એમ નીતિકારનું કહેવું છે.
(ક્રમશ:)
ડૉ. રંજન જોશીના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘નીતિશતકના મૂલ્યો’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.
સુંદર શ્લોકોનો સરસ ભાવસહ વિસ્તાર. ગમ્યું.
Thank you..
Thanks for sharing more pearls from ocean – they are real gems under the ocean that you bring it for all to manifest with your simple language of description.
Thank you..
વાહ શ્લોક દ્વારા ઊંડુ જ્ઞાન અને છણાવટ
ખૂબ ખૂબ આભાર..