નૃત્યનિનાદ ૧ : નૃત્ય – એક લલિતકળા 19


નૃત્યની એક વિશિષ્ટતા એ છે કે સાર્વભૌમ કલા છે. દરેક પ્રદેશ અને જાતિને પોતાનું શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય છે. કેવું ઈશ્વર જેવું? એકને એક છતાં અનેક. વેશભૂષા, ગાયન, વાદન, શૈલી બધું જ ભાતીગળ સ્વરુપે આ વિશ્વમાં વ્યાપ્ત છે. જુદી શૈલી અને જુદી વેશભૂષા એક જ પ્રકારના ભાવ પ્રગટ કરતી હોઈ શકે, છે ને આનંદ અને આશ્ચર્ય!

નૃત્ય: એક લલિતકળા

આપણાંમાંની ઘણી વ્યક્તિને કોઈને કોઈ કળા સાથે જોડાવાથી પૂર્ણતાનો અનુભવ થતો હોય છે. માનવને જ્યારે કોઈ પણ ભાવ, વિચાર, કલ્પના કે વાર્તા મનમાં ઉદ્ભવી હશે ત્યારે એને રંગ, પથ્થર કે શબ્દમાં એણે વાચા આપી, એ પહેલાં ચોક્કસપણે એના પોતાના દેહથી જ અભિવ્યક્ત કરી હશે. એટલે લલિતકળાઓમાં સૌ પ્રથમ નૃત્યનો જન્મ થયો, એમ કહી શકાય.

નૃત્યની શરૂઆત ખૂબ સહજ હશે. આદિમાનવને આનંદમાં લાવી દેતો કોઈ પ્રસંગ એને ખુશીથી ઝૂમી ઊઠે એવી સ્થિતિમાં મૂકે તો એ નાચી ઊઠતો હશે. એ જ નૃત્ય ને? અથવા વિજાતીય આકર્ષણ ઊભું કરવા કામાસ્ત્ર રૂપે પણ નૃત્ય કર્યું હશે. પશુ પંખી કે કરોળિયો જેવા જંતુ પણ એની માદાને આકર્ષવા નૃત્ય કરે છે.

માનસશાસ્ત્રી વુલ્ફ ગેન્ગ કોહલરની પ્રયોગશાળામાં નોંધાયું હતું કે હર્ષના આવેગમાં ચિમ્પાન્ઝી પણ નૃત્ય કરે છે. એટલે પશુ, પંખી કે માનવ સમુદાય માટે સાચું છે કે નૃત્ય એક આવેગ છે. ધીરે ધીરે આદિમાનવ સમૂહમાં રહેતો થયો. સંસ્કૃતિનો ઉદ્ભવ થયો. સામાજિક વાતાવરણ ઊભું થયું. સામૂહિક આનંદના પ્રસંગો પણ ઊભા થયા. એ પછી આનંદ ઉલ્લાસના પ્રસંગોએ સમૂહ નૃત્ય થયા હશે. ત્યાર પછી બેલડીમાં અને સમૂહનૃત્ય તરીકે પણ નૃત્ય ભજવવા શરૂ થયા હશે. આમ, નૃત્ય અલગ અલગ સંજોગોમાં અલગ રીતે પ્રસ્તુત થાય છે.

બધી લલિતકળાઓમાં નૃત્યનો ઠાઠ મને બહુ ગમે છે. નૃત્ય એક દમામ સાથે રંગમંચ પર પ્રવેશ કરે છે. નૃત્યકાર એની અદાકારી માટે સજ્જ થાય છે. વિષય, ગાયન, વાદનની વરણી થાય, એ પછી કૃતિ પાછળ દિવસોની મહેનત લાગે છે. નૃત્ય સંયોજના થાય, વેશભૂષા અને આભૂષણ નક્કી થાય છે. કેટલી રસપ્રદ યાત્રા! એ પછી પ્રસ્તુતિ, પરમાત્માના સાક્ષાત્કાર જેટલી જ પવિત્ર!

નાટક માટે પણ આ એટલું જ સાચું છે, પણ એ અનેક લોકોના સંયોજન અને સંકલન વડે થતી ક્રિયા છે – ટીમ વર્ક છે અને એમાં દરેક કલાકારનું અલગ વજન અથવા મહત્વ હોય  છે, પાત્ર નક્કી કર્યા પ્રમાણે અભિનય નિર્ધારિત મર્યાદામાં થાય છે. એ અન્ય પ્રકારનો આનંદ છે. નૃત્યની વિશિષ્ટતા છે, એ બધાં પાત્રો એક વ્યક્તિ દ્વારા ભજવવાનો પડકાર  આપે છે.

જ્યારે એક નૃત્યકાર ‘જળકમળ છાંડી..’ ભજવે, તો એ જ કૃષ્ણ, ગોવાળ, ગોપી, નાગરાણીઓ કે નાગ તરીકે વૈવિધ્યપૂર્ણ નૃત્ય પોતે જ, અલગ અલગ રીતે રજૂ કરે છે. એક જ પ્રકારના પહેરવેશ કે પછી કોઈ આલંબન (પ્રોપ) ન વાપરી શકવાની મર્યાદાથી શું પ્રસ્તુતિ નબળી થાય છે? કે નર્તક એ સર્વાંગપણે નિભાવી જાય છે? છે ને મોટી જવાબદારી? તાલ અને લયની નિશ્ચિત મર્યાદાઓમાં, ગાયનના શબ્દોને વળગીને નર્તક કુશળતાથી રસ નિષ્પન્ન કરે છે. ભજન, પદ, ગઝલ, ઠુમરી કે બોલીવૂડ સંગીત હોય – નૃત્ય વિષયને અનુરૂપ થઈને પ્રસ્તુત થાય છે.

દરેક નૃત્યની એક ખાસ પ્રકારની વેશભૂષા હોય છે, એ અપનાવાય છે. આવી એક  જ  પ્રકારની વેશભૂષા સાથે પણ અલગ અલગ પાત્ર નીપજાવવા એ કળા જ છે.

ખરેખર, નૃત્ય એક સંપૂર્ણ કલા છે. એ સાથે એ આધારિત કલા છે, એમ પણ કહેવાય. રંગમંચ પર માત્ર નૃત્યની પ્રસ્તુતિ નથી થઈ શકતી, આ પ્રદર્શન સરંજામ માંગે છે. નૃત્યને અનુરૂપ વેશભૂષા, રૂપસજ્જા, ઘુંઘરું અને ગાયન-વાદનથી નૃત્ય જીવંત બને છે. નૃત્ય એ સંપૂર્ણ હોવા છતાં આધારિત કલા કહેવાય છે. અભિનયમાં નાટ્ય હોય કે નૃત્ય, એ આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક રીતે પ્રગટ થાય છે. આંગિક અભિનય વિશે વાત કરીએ.

આંગિક અભિનય ત્રણ પ્રકારના હોય છે. મુખજા, શરીર અને ચેષ્ટકૃત.

ચેષ્ટકૃતના વિશ્લેષણથી આપણને ગત અને નૃત્યગતિ એમ પ્રકાર મળ્યા.

નામ પરથી કલ્પના કરી શકાય છે કે મુખજા એટલે મુખના અવયવોથી થતો અભિનય. શરીર, એ શારીરિક અવયવોના સંચાલનથી થાય છે.

ચેષ્ટકૃત અભિનયના પ્રકાર ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં શાખા, અંકુર તથા નૃત્ત વર્ણવ્યા છે. શાખા અભિનય એટલે આંગિક અવયવોથી થતો અભિનય, અંકુર અભિનય એટલે એ વખતે થતું ગાયન હોય એને અનુરૂપ ભાવ ભંગિમા જોડાય, શાખા અભિનય અંકુર અભિનય બને છે. તે ઉપરાંત કરણ અને અંગહારની મદદથી નૃત્ત અભિનયની પ્રસ્તુતિ થાય છે. કરણ અને અંગહાર વિશે વિગતવાર સમજણ અભિનય દર્પણ અને નાટ્યશાસ્ત્રના અભ્યાસ વખતે સમજીશું.

અત્યારે આ છણાવટ કેટલી ગહન છે એનો અંદાજ આપી દઉં, તો બે નૃત્તકરણથી એક માતૃકા બને છે. અને ત્રણ ચાર માતૃકાથી એક અંગહાર બને. એમ નૃત્ત પ્રસ્તુતિ તરફ આગળ વધે છે. અભિનયનો આ પથ છે, કરણ, અંગહાર, વિભાવ, ભાવ અને અનુભાવ. તે જ રસની અભિવ્યક્તિ. આમ, માનવીય અભિવ્યક્તિનું રસમય પ્રદર્શન એટલે અભિનય,જે નૃત્યમાં પણ લાગુ પડે છે.

આમ, આંગિક અભિનય શરીરના અવયવો દ્વારા દર્શાવાય, વાચિક અભિનયમાં મુખ્યત્વે પદ, ભજન, સ્તુતિ જેવી રચનાઓ પર નૃત્ય થાય છે. આહાર્ય એટલે નૃત્ય વખતે પાત્રએ વિશેષ આભૂષણો તથા પોશાક ઉપરાંત જે પરિવેશ યોજ્યો હોય છે, એને આહાર્ય કહેવાય છે.

સાત્વિક અભિનય માટે મને એકદમ સરળ વ્યાખ્યા મળે છે, અત્યારની અભિનયની દુનિયાનો પ્રચલિત શબ્દ, ‘અન્ડર એક્ટ’. આ એવા પ્રકારનો અનુભવ છે, જે નાના અવલોકનો વડે એક માનસશાસ્ત્રીની જેમ અભ્યાસ કરીને વિશિષ્ટતા પકડીને એ ભાવ રજુ થાય છે. જેમ કોઈને  કંઈક ખોટું કર્યાની ભાવના વ્યાપે તો વ્યક્તિ સતત હાથ સાફ કરે છે. તો જૂઠું બોલનાર વ્યક્તિ આંખથી આંખ મેળવી નથી શકતો એવા નાના નાના અવલોકનોથી અભિનય વધુ સમૃદ્ધ કરાય છે. 

નૃત્યની એક વિશિષ્ટતા એ છે કે સાર્વભૌમ કલા છે. દરેક પ્રદેશ અને જાતિને પોતાનું શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય છે. કેવું ઈશ્વર જેવું? એક ને  એક છતાં અનેક. વેશભૂષા, ગાયન, વાદન, શૈલી બધું જ ભાતીગળ સ્વરુપે આ વિશ્વમાં વ્યાપ્ત છે. જૂદી શૈલી અને જૂદી વેશભૂષા એક જ પ્રકારના ભાવ પ્રગટ કરતી હોઈ શકે, છે ને આનંદ અને આશ્ચર્ય! ગમે તે પ્રદેશ હોય, નૃત્ય યોજાવા માટે  માનવ મન અને  મનોભાવ એક જ રીતે વર્તે છે.

પિયુમિલન કે પિયુનો વિરહ હોય, પ્રિયજન ગૂમાવવાનું દુઃખ હોય, પ્રકૃતિને જોઈને ઉદ્ભવતો આનંદ હોય, કોઈ સંતાનનું મિલન હોય, હર્ષ કે શોક એક જ રીતે બહાર આવે છે. કારણ, માનવ એ માનવ છે, માનવતાને ન્યાત જાત, દેશ વિદેશના સીમાડા નથી નડતા. ભાવ અને અભિવ્યક્તિની એક જ ભાષા છે જે વિશ્વભરમાં કોઈપણ વ્યક્તિ ઊકેલી શકે છે. આપણી પાસે એવું સાહિત્ય છે કે જે આ ભાષાની વાત કરે છે. સર્વસ્વીકૃતિવાળી કલાની વાત કરે છે. આપણે આગળ પ્રાચીનતમ પુસ્તકોમાં અભિનયની શાસ્ત્રીયતા વિશે પણ વાત કરીશું. પણ એ માટે ફરી એકવાર એની મૂળભૂતતા તરફ નજર કરીએ.

શરીરની લયાત્મક ગતિ અથવા તાલબદ્ધ અંગ સંચાલન એ ‘નૃત્ય’ બનાવે છે. સશકત આવેગને કુશળતાપૂર્વક નૃત્ય સંયોજનમાં ઢાળવામાં આવે ત્યારે રસ નીપજે છે. દર્શક સંગીત અને પ્રસ્તુતિમાં ખોવાઈ જાય છે. જે રજૂ થાય છે એ પોતે અનુભવે છે માટે લલિતકળા તરીકે આ પ્રદર્શન સાર્થક થાય છે.

નૃત્યના બે પ્રકાર કહી શકાય.

૧) તાંડવ
૨)  લાસ્ય.

તાંડવના પ્રણેતા ભગવાન શિવજી છે, તો લાસ્યના પ્રણેતા માતા પાર્વતી કહેવાય છે. શિવજીએ આવેગમય, ભાવાવેશથી નૃત્ય રજૂ કર્યું ત્યારે પાર્વતીમાએ નૃત્યનો નજાકત અને ઋજુતાપૂર્ણ પ્રકાર રજૂ કર્યો. જે ધીમી લયમાં પ્રવાહિતા સાથે રજૂ થાય છે. બંને પોતાની આગવી શૈલી સાથે અત્યંત મનોરમ છે.

સંગીતદામોદરના મતે
૧) તાંડવના બે પ્રકાર છે.
૧) પેલવિ  
૨)  બહુરૂપક.

અભિનયશૂન્ય અંગવિક્ષેપને પેલવિ કહેવાય છે. જેમાં અનેક પ્રકારના ભાવો હોય, તેને બહુરૂપક કહેવાય છે.

૨) લાસ્યના બે પ્રકાર છે.
૧) છુરિત
૨) યૌવત

છુરિત પ્રકાર યુગ્મમાં થાય છે, જે કામપ્રેરક હોય છે. યૌવત પ્રકાર એક નર્તકી દ્વારા રજૂ થાય છે.

નૃત્ય એ નૃત્ય છે, પણ એની શાસ્ત્રીયતામાં જ કેટલી વિવિધતા છે!  નૃત્ય, જેનો એક પ્રકાર છે, એવો અભિનય, એ ચોંસઠ કલામાંની એક કલા છે. નાટ્યવેદ પાંચમો વેદ પણ કહેવાયો, તે છતાં નૃત્યને ક્યારેક અવગણના કે અપમાનનો પણ સામનો કરવો પડ્યો છે. નૃત્યશિક્ષાને સમાજ પસંદ નહોતો કરતો એવું પણ બન્યું છે. તે છતાં કલારસિકો કે નૃત્યકાર માટે નૃત્યનું સ્થાન સદા વંદનીય રહ્યું છે.

નૃત્ય રસ જન્માવે છે તો આધ્યાત્મિક ચેતના પણ જગાવે છે.માત્ર મનોરંજન ન બની રહેતા, નૃત્ય સૂફી સંગીત સાથે પણ રજૂ થાય છે. તાલ, લય અને ભાવ ઈશ્વર સાથે એકાત્મતા માનવમનને એક જૂદી જ ઊંચાઈ પર લઈ જાય છે. એ પણ ખરું, કે આ સાત્વિક આનંદ ઘણી વ્યક્તિઓ માટે માત્ર દુન્વયી મઝા કે અશ્લીલતા માટે જ હોય છે.

ભૂતકાળમાં ઘણાં શાસકોએ પણ કલાને પોતાના ભોગ માટે વાપરી. જેથી સમાજમાં નૃત્ય અળખામણું બન્યું. માત્ર આધુનિક સમયમાં જ નહીં પુરાણોમાં ઉલ્લેખ છે એ પ્રમાણે નૃત્યનો પ્રયોગ ઋષિઓના તપોભંગ માટે થતો હતો. લલિતકલાની જનની હોવા છતાં, સમાજમાં જેમ સ્ત્રી સાથે જે બની રહ્યું છે એમ જ નૃત્ય સાથે બનતું આવ્યું છે. એક પવિત્ર કલાનો ઉપયોગ દરેક વખત એની દિવ્યતાને છાજે એવી રીતે  નથી થયો.

હવે હું નૃત્ય તથા તેની સાથે જોડાયેલી ગાથા, શાસ્ત્રીય નૃત્યો, અભિનય માટે ગીતા સમાન બે પ્રાચીન પુસ્તકો, નૃત્યકલા સાથે જોડાયેલા મહાનુભાવો, જુદાજુદા સ્થળના નૃત્ય, પહેરવેશ વગેરેનો આસ્વાદ કરાવીશ.

(ક્રમશ:)

– અર્ચિતા પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “નૃત્યનિનાદ ૧ : નૃત્ય – એક લલિતકળા

  • Mayurika Leuva

    નૃત્ય વિષેની વિસ્તારપૂર્વકની માહિતી પીરસતો લેખ.
    ખૂબ સરસ અર્ચિતાબેન.

  • Sarla Sutaria

    વાહ વાહ બેના, નૃત્ય વિશે આટલું ઊંડાણપૂર્વક આલેખન ! નૃત્યના દરેક પાસાની છણાવટ વાંચી… ખૂબ જ સુંદર પ્રસ્તુતિ..

  • Geeta Jetly

    વાહ વાહ વાહ! અર્ચિતા બેન! નૃત્ય વિશે ખૂબ જ સુંદર અને વિસ્તૃત આલેખન! લેખનશૈલી ખૂબ સ-રસ અને પ્રવાહી. ખરેખર મજા આવી અને નૃત્ય વિશે ઊંડાણથી માહિતી પણ મળી. ખૂબાખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

  • Malani shah Kobawala

    વાહ સરસ વિષય, સરસ વાત કરી આપે કે નૃત્ય પણ ક્યાંક નારીની જેમ અળખામણું બન્યું છે. છતાં એ પણ સત્યનો સ્વીકાર કરવોજ રહ્યો કે નિજાનંદ માટે કરવામાં આવતું નૃત્ય આધ્યાત્મ તરફ લઈ જાય છે. સુંદર આલેખન.

  • Hansa Shastri

    નૃત્ય-લલિતકળા…મનના આનંદને વ્યક્ત કરતી કલા વિષેખૂબ સરસ વિસ્તૃત સમજ આપી છે.અભિનંદન તેમજ શુભેચ્છાઓ

  • Bhartiben Gohil

    સરસ માહિતી આપી.
    આપણી આ નૃત્યકલા વિશે જાણવું રસપ્રદ બની રહેશે.
    અભિનંદન બેન.

    • Chhaya

      માં સરસ્વતી ની અસીમ કૃપા ધરાવનાર નૃત્ય સાધક નૃત્ય કલા વિષે વિસ્તૃત આલેખન કરે ત્યારે નૃત્ય ના રચયિતા સ્વયં ભગવાન શિવ અને માં શક્તિ આનંદ વિભોર બની નૃત્ય કરે..
      ભાભી તમારી લેખન શૈલી એેક નદી ની પ્રવાહ માફક છે. ખુબ સુંદરતાથી અને ઊંડાણ થી નૃત્ય વિષે સૌને માહિતી આપવા શરૂ કરેલ લેખન કાર્ય માટે ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન